સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે " ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુધ્ધ થાય છે, અને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઇ જાય છે અને જો ઇંદ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગકરે છે, ત્યારે એને દેહને વિષે જે અહંબુધ્ધિ છે તે નિવૃત્તિ પામેછે. અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુધ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.
પછી તેને તે દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબડાની સામા ગોખમાં વિરાજમાન હતા અને દિવસ પોર એક ચઢયો હતો અને લીંબડા હેઠે પરમહંસની સભા બેઠી હતી, અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા અને સાંખ્યયોગી, કર્મયોગી બાયુંની પણ સભા હતી.
તે સમયને વિષે શ્રીજી મહારાજ એમ બોલ્યા જે, હે પરમહંસો! જેને જે અંગની અતિશે દ્રઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો, અને જે અંગ કાચું પોચું જણાતું હોય તો તે અંગની વાત કરશો માં અને તે દ્રઢ અંગની વિગતી જે, જેને ભગવાનના સ્વરૂપનો અતિ દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો ને જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજો, જે હું તો દેહ નથી, ને આત્મા છું અને વળી જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિઃસ્પૃહી તથા નિઃસ્વાદી તથા નિર્માની એ પંચવર્તમાનમાં જે જે અંગની અતિ દ્રઢતા હોય તે તે અંગની સર્વે વાત કહો."
પછી તો શ્રીજીમહારાજ, પોતે પ્રસન્ન થઇને બોલ્યા જે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીયે, પછી તમે તમારા અંગની વાત કરજો. એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, શ્રીનરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું અને અમારી જે મોટપ છે તેતો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રીનરનારાયણની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટપ નથી. અને જગતનાં સર્વે માણસ અને જગતના સર્વે રાજા સત્સંગી થઇને હાથ જોડીને ઉભા રહે, તે વડે કરીને પણ અમારે મોટાઇ નથી અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઇ જાય અને મુને કોઇ માને નહિ અને પહેરવાને વસ્ત્ર અને રહેવાની જગ્યા ન મળે, તેણે કરીને અમારી હીણપ થતી નથી. અમારી મોટપ તો શ્રીનરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું એવી રીતની જે મારી મોટપ તેતો હું મુકવાને ઇચ્છું અથવા બીજા કોઇ બ્રહ્માદિક જેવા છે તે મુકાવવાને ઇચ્છે તોય પણ અમારી મોટપ ટળે નહિ. અને અમારે શ્રીનરનારાયણની ઉપાસના છે તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિષે પરબ્રહ્મ ને પરમાત્મા એવા જે શ્રીનરનારાયણ તેમની સાકાર મૂર્તિ તેની ઉપાસના છે, તે કોઇ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરબ્રહ્મ જે પુરૂષોત્તમ તે આકારે રહિત છે. તો તે વાત અમને મનાય નહિ, કાં જે તે પુરૂષોત્તમની કૃપા થકી એ પુરૂષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું. અને અમારા હૃદયમાં એમ સમજાય છે જે પરબ્રહ્મ એવા જે પુરૂષોત્તમ તેને આકારે રહિત કહે છે, તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણનથી અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી. અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે. તે તો માયિક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે, કાં જે ભગવાનની મૂર્તિને વિષે માયિક જે પંચભૂત તથા દશ ઇન્દ્રિયો તથા ચાર અંતઃકરણ તે પ્રાકૃત જીવના જેવાં નથી. માટે શાસ્ત્રે નિરાકાર કહ્યા છે. અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો, જો ભગવાનને નેત્ર છે, તો તે નેત્રે કરીને પુરૂષદ્વારે માયા સામું જુવે છે, ત્યારે માયામાંથી અનંતકોટિ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તે બ્રહ્માંડોને વિષે બ્રહ્માદિક દેવ અનંતકોટિ ઉત્પન્ન થાય છે. અને તે બ્રહ્માંડમાં સરજ્યા એવા જે સ્થાવર, જંગમ જીવ એ સર્વે ઉત્પન્ન થાય છે, માટે ભગવાનને નેત્ર પણ છે અને જે દહાડે સ્થાવર, જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે, ને મહાપ્રલય થાય છે, ત્યારે એક જ પુરૂષોત્તમ રહે છે, તે દહાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે, તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સરજે છે, તો ભગવાનને કાન પણ છે, એવી રીતે ચૌદે ઇંદ્રિયો છે પણ અલૌકિક છે, અને મન વાણીથી પર છે, અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે ત્યારે અતિશે દયા કરીને જીવને દષ્ટિગોચર થાય છે. ને એમ ધારે છે જે હું દૃષ્ટિગોચર નહિ થાઉં, તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ, પૂજન અર્ચનાદિક શી રીતે કરશે; માટે જ્ઞાની, અજ્ઞાની સર્વને પ્રત્યક્ષ જણાય એવા થાય છે, પણ ભગવાન તો જેવા છે તેવા ને તેવાજ છે, ને જીવને દષ્ટિગોચર થયા માટે કાંઇ માયિક એવાં જે દેહ અને ઇન્દ્રિયો યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઇ કાળે મનાય નહિ, અને તે શ્રીનરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિ સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઉભી રહે અને જેટલાં બ્રહ્માંડમાં સારાં પદાર્થ છે તે સર્વે લાવીને હાજર કરે તોય પણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી. અને ધારીયે જે અમો મોહ પામીને એમાં બંધાઇએ તો પણ કોઇ રીતે અમારે બંધન જ થાય નહિ, એવી અમારે ઇષ્ટદેવની કૃપાયે કરીને સ્વસ્વરૂપની દઢતા છે. અને કોઇને દીકરો દેવો, કે કોઇને દ્રવ્ય દેવું કે કોઇ મુવાને જીવતો કરવો, કે કોઇને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે. અને હવે તો અમે વધુ નહી બોલીએ, ને જો બોલીયેતો બોલતાં બોલતાં વધુ બોલાઇ જવાય. એવાં વચન કહીને સુંદર શરદ ઋતુના કમલ સરખાં નેત્રે કરીને સર્વ પરમહંસ સામું જોઇને હસતે મુખે સંતો પ્રત્યે બોલ્યા જે, હે સંતો ! હવે તમે તમારા અંગની વાત કહો.
પછી પોતે એમ બોલ્યા જે, અમે ને તમે તો એક અંગવાળા છીએ. માટે અમારા અંગમાં તમારો ભાગ છે. માટે અમે કહ્યું તે રીતે સર્વે દઢ નિશ્ચય રાખજો. એવી રીતે શ્રીજીમહારાજે પોતાનું અંગ કહી દેખાડયું. તે ભક્તજનને અર્થે છે. અને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે. ઇતિ વચના. ।।૮।।