સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે "આ ૧સત્સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાનાં હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટયપને પામે છે અને જે અવિવેકી છે, તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે. અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઇજાય છે. માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઇને ભગવાન અને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટયપને પામે છે." ઇતિ વચનામૃતમ્ ।।૬।।
૧ ઉદ્ધવ સંપ્રદાયમાં