૭. આસુરી જીવને દૈવી થયાનો ઉપાય, ભગવાન માયામાં અન્વય થકા વ્યતિરેક છે.

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને હરિભક્ત પરસ્પર ભગવદ્વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પુછયો જે, "હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ જે એ તો જન્મથીજ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે આસુરી જીવ સત્સંગમાં આવી પડયો તો પણ આસુરભાવ તો ટળે નહિ, પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મુકે ત્યારે બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે. એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્યારે એનો આસુરભાવ છે તે નાશ પામે પણ તે વિના આસુરભાવ નાશ પામે નહિ."

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પુછયો જે,"હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "અન્વયવ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે એમ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી. જે 'રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં' ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવીશ તત્ત્વને વિષે આવે તો ચોવીશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ઈત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ,પાંદડાં ફુલ, ફળ, એ સર્વેને વિષે આકાશ અન્વય થયો પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વયવ્યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ્ ।।૭।। ૨૦૭ ।।

૧ આસુરીજીવો દૈવી થવા દુર્લભ છે, તેઓ બે પ્રકારના છે. એક જન્મથી જ આસુરભાવે યુક્ત છે અને બીજા આસુરસંગથી આસુરભાવે યુક્ત છે. તેમાં જે બીજા છે તેતો ઉત્તમ સત્પુરૃષની નિષ્કપટ સેવા કરવાથી અને સધર્મ નવધા ભક્તિ કરવાથી આસુરભાવ ત્યાગ કરીને દૈવી થાય છે અને જન્મથી-.
૨ અક્ષરબ્રહ્મના પ્રકાશમાં.
૩ ભગવાનની ઇચ્છાથી નીકળીને ભક્તિ કરીને ફરીથી પણ તેમાં લીન થાય.
૪ બીજા કોઇ ઉપાયથી.
૫ માયા અને માયાનાં કાર્યમાં.
૬ જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે. એવું તાત્પર્ય આ સ્થળે સમજવું. બ્રહ્મરૃપ શબ્દનો એજ અર્થ છે.
૭. અર્થ - પોતાના તેજથી જેણે માયારૃપી કપટ દૂર કર્યું છે એવા સત્યસ્વરૃપ પરબ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ.