૯. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારની ઉત્પત્તિના હેતુ.

સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ''સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો'' ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પુછયો જે, ''વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચાર ને ઉપજ્યાનો હેતુ શો છે.?

પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, વૈરાગ્ય તો એમ ઉપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે, તે કાળનું સ્વરૂપ તે શું તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્તંબપર્યંત સર્વે જીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડબ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી, આદિક જે, ઉપનિષદ્ તથા ભગવગ્દીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સગ્દુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઉપજે, અને ધર્મ તો એમ ઉપજે, જો યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખ-લિખિતસ્મૃતિ, ઇત્યાદિક સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઉપજે. ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની જે મૂર્તિઓ રહી છે તેનું શ્રવણ કરે, તથા ભગવાનનાં ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપાદિક ધામ છે તેને સાંભળે, તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે, તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમજ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે અને જ્યારે ધર્મને વિષે દૃઢતા થાય, ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે, ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણે ઉપજે, એવી રીતે એ ચારને ઉપજ્યાનો હેતુ છે. ઇતિ વચનામૃતમ્ ।।૯।।૧૧૭।।