૧૩. નિર્વિકલ્પપણે નારાયણને પામે તેને દેશાદિકે કરી પરાભવ થાય નહિ.

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૦ દશમીને દિવસ પ્રાતઃકાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેશ પહેર્યો હતોને ચોફાળ ઓઢયો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે કહ્યું કે ''મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો.'' ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પુછયો જે, કેવો પુરૂષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે, 'બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો, ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.' માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો.' પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઇને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય. અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્થિતિ ન થઇ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો.
तत्सृष्टसृष्टसृष्टेषु कोन्वखंडितधीः पुमान् ।
ऋषिं नारायणमृते योषिन्म्य्येह मायया ।।

એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે તેવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય, અને જો નિમગ્ન રહે તો ન થાય, એવી રીતે અમે અમારા અંતરમાં અચલ સિદ્ધાંત કરી રાખ્યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે-

एतदीशनमीशस्य प्रकृतिस्थो।पि तग्दुणैः ।
न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रयाः ।।
તથા ભગવાને કહ્યું છે જે,
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।
એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણનેજ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય. અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.''

અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, હે મહારાજ! ''જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ, કાળાદિકે કરીને વિપર્યયપણું થાય. અને નારાયણછે તે તો ગુણમાં રહ્યા થકા દેશ કાળાદિકે કરીને પરાભવને ન પામે એ તો ઠીક, પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવીજ રીતે રહ્યા હોય તેવારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને 'मम साधर्म्यमागताः' એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે, એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ ચંદ્ર છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ ?'' જુવોને, પ્રકાશપણે કરીને સરખા નથી અને બીંબમાં પણ ઘણો ભેદ છે. અને સર્વે ઔષધીનું પોષણ તે પણ ચંદ્રમા વતેજ થાય પણ બીજે તારે ન થાય, અને રાત્રીનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહિ. તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરૂષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે અને कर्तुमक्र्तुन्यथाक्र्तुं સમર્થ છે, તે જો પોતાની ઇચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એકજ વિરાજમાન રહે અને સુઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલાજ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાના ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, મારા ધનુષ્યથકી નીસર્યાં જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ જગતને ધારવાને હું સમર્થ છું, તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા, ને તેને અતિ પાપી જાણવા, અને એનાં દર્શન પણ કરવાં નહિ. અને એવીરીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઇને તો જેને વિષે મોટપ કહીએ તેને વિષે સંભવે અને એને લઇને વિષ્ણુ, શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે, અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઇને ઉદ્ધવને પણ ભગવાન કહેવાય, અને હમણાં આ મુક્તાનંદસ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઇને તો એમને પણ ભગવાન જેવા કહેવાય, અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય. તો બીજાની શી વાર્તા કરવી ? અને '' अपरिमिता ध्रुवास्तनुभूतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा '' એ વેદસ્તુતિના ગદ્યનો પણ એજ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વ છીએ, તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ, અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ, તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાતદિવસ ઉજાગરા કરીએ છીએ, ને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઇ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે એ નારાયણ જેવા તો એક નારાયણજ છે, પણ બીજો કોઇ એ જેવો થતો નથી. અને '' एकमेवाद्वितीयं (ब्रह्म)'' એ શ્રુતિનો પણ એજ અર્થ છે જે 'એ નારાયણ જેવા તો એક નારાયણજ છે' એમ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે.'' એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી. ને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમનારાયણ છે. ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। ૧૨૧ ।।

૧ અર્થ - બ્રહ્માએ સર્જેલા મરિચ્યાદિક, તેમણે સર્જેલા દેવ, મનુષ્યાદિક, તે સર્વને મધ્યે આલોકમાં કયો પુરૃષ એક નારાયણઋષિ વિના સ્ત્રીરૃપી માયાથી મનનું આકર્ષણ ન થાય તેવો છે ? સર્વ કોઇનું મન આકર્ષણજ થાય.
૨ અર્થ - જેમ ભગવાનના ભક્તનું ભગવાનના સ્વરૃપ સંબંધી જ્ઞાન ભક્તના દેહમાં રહેલા સતત પરિણામપણું આદિ દોષથી અને જીવમાં રહેલા અવિદ્યાદિ દોષથી લેપાતું નથી, તેમ પરમાત્મા માયા અને જીવ વર્ગમાં વ્યાપીને રહ્યા છે તથાપિ માયાના સત્વાદિ ગુણથી અને જીવના અવિદ્યાદિ દોષથી લેપાતા નથી, આટલું જ પરમેશ્વરનું પરમેશ્વરપણું છે અર્થાત્ ભક્તનું ભગવાનના સ્વરૃપ સંબંધી જ્ઞાાન દેહાત્માના દોષથી લેપાતું નથી. તો જડ ચેતનમાં અંતર્યામીપણે રહેલા ભગવાન જડ ચેતન પ્રકૃતિના દોષથી ન લેપાય તેમાં કહેવું જ શું ?
૩ અર્થ - મારી આ સત્વાદિકગુણમયીમાયા જે હેતુમાટે દૈવી છે એટલે સ્વતંત્રપણે અઘટીત ઘટના કરવામાં સમર્થ પરમેશ્વર એવા મેં લીલાને માટે પ્રવર્તાવી છે, માટે જ તે માયા અસમર્થ એવા સર્વે જીવોેથી પણ મારી શરણાગતિ વિના ન ઉલંઘન થઇ શકે તેવી છે. તો પણ મારાજ શરણને જે પામે છે તે આ ગુણમયી માયાને પણ તરે છે. એટલે માયાનો ત્યાગ કરીને મારી ઉપાસના કરે છે. ૩.
૪ અર્થ - મારા સાધર્મ્યને (સમાનગુણ યોગને) પામેલા છે.
૫ અર્થ - હે ધ્રુવ ! જીવો પરિમીત અને નિત્ય છે, તે જીવોને જો પરમાત્માની પેઠે સર્વવ્યાપક વિભુ માનવમાં આવેતો સર્વે પરમાત્માને સમાન થયા એટલે પરમાત્માથી કે જીવાત્માથી નિયામ્યતા ઘટે નહિ, એમ સતે શાસ્ત્ર સિદ્ધ જે નિયામ્ય નિયામક ભાવ છે. તેનો નિયમ રહે નહિ અને જો જીવોેને સર્વગત માનવામાં ન આવે તો નિયામ્યતાનો નિયમ વિગેરે ઘટતું આવે, નિયામ્યતા પણ રાજરાષ્ટ્ર ન્યાયથી નહિ પરંતુ અંતઃ પ્રવેશ કરીને નિયામ્યતા છે. તે શ્રુતિમાં કહ્યું છે કે .''अन्त: प्रविस्ता: शास्ता जनानां सर्वात्मा '' ઇત્યાદિ