।। श्रीशुकउवाच।।
एकदा गृहदासीषु यशोदा नंदगेहिनी । कर्मांतरनियुक्तासु निर्ममंथ स्वयं दधि ।।१।।
શુકદેવજી કહે છે- એક દિવસે ઘરની દાસીઓ બીજા કામમાં જોડાઇ જતાં નંદરાયની સ્ત્રી યશોદા પોતે દહીંનું મંથન કરવા લાગ્યાં.૧
यानि यानीह गीतानि तद्बालचरितानि च । दधिनिर्मन्थने काले स्मरन्ती तान्यगायत ।।२।।
ભગવાનનાં જે જે બાળચરિત્ર અહીં કહ્યાં તે સર્વેનું સ્મરણ કરી છાશ કરવાના સમયમાં યશોદા તે બાળ ચરિત્રનું ગાયન કરતાં હતાં.૨
क्षौमं वासः पृथुकटितटे बिभ्रती सूत्रनद्धम् । पुत्रस्नेह्स्नुतकुचयुगं जातकम्पं च सुभ्रूः ।।३।।
એ સમયમાં સુંદર ભ્રકુટિવાળાં યશોદાએ વિશાળ નિતંબ ઉપર રેશમી ચણીયો પહેર્યો હતો. અને એ ચણીયાને કંદોરાથી બાંધ્યો હતો, પુત્ર ઉપર સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતું હતું, શરીર હાલતું હતું, નેતરૂં ખેંચવાના પરિશ્રમને લીધે હાથમાં કંકણ અને કાનમાં કુંડળ હાલતાં હતાં. મોઢાપર પસીનો વળ્યો હતો, અને
ચોટલામાંથી માલતીનાં ફુલ ખરી પડતાં હતાં.૩
रज्ज्वाकर्षश्रमभुजचलत् कङ्कणौ कुण्डले च । स्विन्नं वक्त्रं कबरविगलन्मालती निर्ममन्थ तां स्तन्यकाम आसाद्य मथ्नन्तीं जननीं हरिः । गृहीत्वा दधिमन्थानं न्यषेधत् प्रीतिमावहन् ।।४।।
દહીંનું મંથન કરતાં માતાજીની પાસેધાવવાની ઇચ્છાથી આવીને પ્રીતિ ઉપજાવતા ભગવાને દહીં વલોવવાનો રવૈયો ઝાલીને તેમને રોક્યાં.૪
तमङ्कमारूढमपाययत् स्तनं स्नेह्स्नुतं सस्मितमीक्षती मुखम् । अतृप्तमुत्सृज्य जवेन सा ययावुत्सिच्यमाने पयसि त्वधिश्रिते ।।५।।
ભગવાનને ખોળામાં બેસાડીને યશોદા સ્નેહને લીધે જેમાંથી દૂધ ઝરતું હતું એવું પોતાનું સ્તન ધવરાવતાં હતાં અને મંદહાસ્યવાળું તેમનું મુખ જોતાં હતાં, તેટલામાં ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાઇ જતાં તેની સંભાળ લેવા સારૂ ભગવાન તૃપ્ત થયા ન હોતા, તોપણ તેમને મૂકીને વેગથી ત્યાં ગયાં.૫
सञ्जातकोपः स्फुरितारुणाधरं संदश्य दद्बिर्दधिमन्थभाजनम् । भित्त्वा मृषाश्रुर्दृषदश्मना रहो जघास हैयङ्गवमन्तरं गतः ।।६।।
ભગવાનને તેથી રીસ ચઢી, લાલ હોઠ ફરકવા લાગ્યા, ખોટાં ખોટાં આંસુ આવી ગયાં પછી દાંતવતે હોઠ દબાવીને પથ્થરથી છાસની ગોળી ફોડી નાખી અને પછી ઘરની અંદર જઇને એકાંતમાં માખણ ખાવા લાગ્યા.૬
उत्तार्य गोपी सुशृतं पयः पुनः प्रविश्य संदृश्य च दध्यमत्रकम् । भग्नं विलोक्य स्वसुतस्य कर्म तत्जहास तं चापि न तत्र पश्यती ।।७।।
બહુ જ ગરમ થયેલા દૂધને ચૂલા ઉપરથી ઉતારી યશોદા પાછાં છાશ કરવાના સ્થાનકમાં આવ્યાં, ત્યાં દહીંની ગોળીને ફુટેલી જોઇ, એટલે તે પોતાના પુત્રનું કામ છે એમ જાણી ભગવાનને ત્યાં નહીં દેખતાં હસી પડયાં.૭
उलूखलाङ्घ्रेरुपरि व्यवस्थितं मर्काय कामं ददतं शिचि स्थितम् । हैयङ्गवं चौर्यविशङ्कितेक्षणं निरीक्ष्य पश्चात् सुतमागमच्छनैः ।।८।।
પછી ઉંધાવાળેલા ખાંડણિયા ઉપર બેઠેલા, શીંકાનાં માખણને વાંદરાને ખવરાવતા અને ચોરીને લીધે ચકરવકર જોયા કરતા પુત્રને જોઇને તેને પકડવા સારૂ ધીરે ધીરે પછવાડેથી આવ્યાં.૮
तामात्तयष्टिं प्रसमीक्ष्य सत्वरस्ततो।वरूह्यापससार भीतवत् । गोप्यन्वधावन्न यमाप योगिनां क्षमं प्रवेष्टुं तपसेरितं मनः ।।९।।
લાકડી લઇને આવતાં માતાજીને જોઇ, ભગવાન તુરત ખાંડણિયા ઉપરથી ઉતરીને ભય પામેલાની પેઠે ભાગ્યા. યશોદા તેમની પછવાડે દોડયાં પણ પહોંચી શક્યાં નહીં, કેમકે, તપથી તદાકાર કરેલું અને પ્રવેશ કરવાને યોગ્ય યોગીઓનું મન પણ તેને પહોંચી શકતું નથી.૯
अन्वञ्चमाना जननी बृहच्चलच्छ्रोणीभराक्रान्तगतिः सुमध्यमा । जवेन विस्रंसितकेशबन्धनच्युतप्रसूनानुगतिः परामृशत् ।।१०।।
વેગને લીધે જશોદાની પછવાડે ચોટલામાંથી ફુલ ખરતાં હતાં અને મોટા તથા હાલતા નિતંબના ભારથી દોડવામાં મુઝાતાં એવાં યશોદાએ માંડ માંડ દોડીને ભગવાનને પકડયા.૧૦
कृतागसं तं प्ररुदन्तमक्षिणी कषन्तमञ्जन्मषिणी स्वपाणिना । उद्वीक्षमाणं भयविह्वलेक्षणं हस्ते गृहीत्वा भिषयन्त्यवागुरत् ।।११।।
વાંકમાં આવેલા, રોતા, આંજણથી ખરડાયેલી આંખોને બે હાથે ચોળતા, જોયા કરતા અને ભયથી વિવ્હળ નેત્રવાળા એવા શ્રીકૃષ્ણનો હાથ પકડી યશોદાએ તેમને બીવડાવા સારૂ ધમકી આપી.૧૧
त्यक्त्वा यष्टिं सुतं भीतं विज्ञायार्भकवत्सला । इयेष किल तं बद्धुं दाम्नातद्वीर्यकोविदा ।।१२।।
બાળકપર પ્રીતિવાળાં અને ભગવાનનીશક્તિને નહીં જાણતાં યશોદાએ પોતાના પુત્રને ભયભીત જાણી, લાકડી મૂકી દઇને તેમને દોરડાંથી બાંધવાની ઇચ્છા કરી.૧૨
न चान्तर्न बहिर्यस्य न पूर्वं नापि चापरम् । पूर्वापरं बहिश्चान्तर्जगतो यो जगच्च यः ।।१३।।
तं मत्वा।।त्मजमव्यक्तं मर्त्यलिङ्गमधोक्षजम् । गोपिकोलूखले दाम्ना बबन्ध प्राकृतं यथा ।।१४।।
ભગવાન પોતાના ધામમાં રહેલા હોવાથી કેવળ જગતની અંદર નથી. અને કેવળ જગતથી બહાર ધામમાં પણ નથી. સર્વત્ર વ્યાપક હોવાથી આગળ નથી અને પાછળ પણ નથી. અર્થાત્ કોઇ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. અને જે જગતના શરીરિ આત્મા છે, એવા અવ્યક્ત અને મનુષ્યદેહ વાળા ભગવાનને પુત્ર માની, યશોદાએ જેમ પ્રાકૃત બાળકને બાંધે તેમ ખાંડણિયા સાથે દોરડીથી બાંધવા લાગ્યાં.૧૩-૧૪
तद् दाम बध्यमानस्य स्वार्भकस्य कृतागसः । द्वयंगुलोनमभूत्तेन सन्दधे।न्यच्च गोपिका ।।१५।।
વાંકમાં આવેલા તે શ્રીકૃષ્ણને બાંધતાં દોરડું બે આંગળ ઓછું થયું, એટલે
યશોદાએ તેની સાથે બીજું દોરડું સાંધ્યું.૧૫
यदा।।सीत्तदपि न्यूनं तेनान्यदपि सन्दधे । तदपि द्वयंगुलं न्यूनं यद् यदादत्त बन्धनम् ।।१६।।
તે પણ બે આંગળ ઓછું પડતાં તેની સાથે ત્રીજું સાંધ્યું, તો તે પણ બે આંગળ ઓછું થયું. એવી રીતે જેટલાં દોરડાં લીધાં તે સર્વે તેટલાં જ ઓછાં થયાં.૧૬
एवं स्वगेहदामानि यशोदा सन्दधत्यपि । गोपीनां सुस्मयन्तीनां स्मयन्ती विस्मिता।भवत्।।१७।।
ઘરનાં સઘળાં દોરડાં સાંધ્યાં તોપણ ઓછાં થતાં આવ્યાં, તેથી બીજી ગોપીઓ હસવા લાગતાં, હસી પડેલાં યશોદા પોતે પણ વિસ્મય પામી ગયાં.૧૭
स्वमातुः स्विन्नगात्राया विस्रस्तकबरस्रजः । दृा परिश्रमं कृष्णः कृपया।।सीत् स्वबन्धने ।।१८।।
પછી પોતાની માતાને પરિશ્રમથી પસીનો વળી ગયો તે જોઇને કૃપાથી શ્રીકૃષ્ણ ભગવાન દોરડાંથી બંધાયા.૧૮
एवं संदर्शिता ह्यङ्ग ! हरिणा भृत्यवश्यता । स्ववशेनापि कृष्णेन यस्येदं सेश्वरं वशे ।।१९।।
હે પરીક્ષિત રાજા ! જે ભગવાનને લોકપાળ દેવ સહિત આ સઘળું જગત વશ છે, તે ભગવાને પોતે સ્વતંત્ર હોવા છતાં પણ આવી રીતે ભક્તવશપણું દેખાડયું.૧૯
नेमं विरिञ्चो न भवो न श्रीरप्यङ्गसंश्रया । प्रसादं लेभिरे गोपी यत्तत् प्राप विमुक्तिदात् ।।२०।।
મુક્તિ આપનાર ભગવાન પાસેથી બ્રહ્મા, સદાશિવ અને અંગમાં રહેનારાં લક્ષ્મીજીને પણ કૃપા નથી મળી એમ નથી, પરંતુ યશોદાજીને જે કૃપા મળી તે કૃપા કોઇને મળી નથી.૨૦
नायं सुखापो भगवान् देहिनां गोपिकासुतः । ज्ञानिनां चात्मभूतानां यथा भक्तिमतामिह ।।२१।।
શ્રીકૃષ્ણ ભગવાન જેવા ભક્તિવાળાઓને સહેજ મળે છે તેવા દેહાભિમાની તપસ્વી આદિ લોકોને અને દેહાભિમાન વગરના જ્ઞાની લોકોને પણ સહેજ મળતા નથી.૨૧
कृष्णस्तु गृहकृत्येषु व्यग्रायां मातरि प्रभुः । अद्राक्षीदर्जुनौ पूर्वं गुह्यकौ धनदात्मजौ ।।२२।।
પછી માતા યશોદા ઘરના કામકાજમાં લાગી જતાં બંધાએલા પ્રભુ યમલાર્જુન કે જે પૂર્વજન્મમાં કુબેરજીના પુત્ર યક્ષ હતા તેમને દીઠા.૨૨
पुरा नारदशापेन वृक्षतां प्रापितौ मदात् । नलकूबरमणिग्रीवाविति ख्यातौ श्रियान्वितौ ।।२३।।
પૂર્વે નળકુબેર અને મણિગ્રીવ એવા નામથી પ્રખ્યાત થયેલા અને મોટી લક્ષ્મીવાળા બે કુબેરજીના પુત્ર હતા, તેઓ લક્ષ્મીના મદને લીધે નારદજીનો શાપ લાગવાથી વૃક્ષપણું પામ્યા હતા.૨૩
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गोपीप्रसादो नाम नवमो।ध्यायः ।।९।।
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો નવમો અધ્યાય સંપૂર્ણ.