અધ્યાય ૧૦ - શ્રીકૃષ્ણ ભગવાને યમલાર્જુનનો કરેલો મોક્ષ.

।। राजोवाच ।।
कथ्यतां भगवन्नेतत्तयोः शापस्य कारणम् । 
यत्तद्विगर्हितं कर्म येन वा देवर्षेस्तमः ।।१।।

પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકુબેર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો
, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ? શુકદેવજી

श्रीशुक उवाच - रुद्रस्यानुचरौ भूत्वा सुदृप्तौ धनदात्मजौ । कैलासोपवने रम्ये मन्दाकिन्यां मदोत्कटौ ।।२।।
वारुणीं मदिरां पीत्वा मदाघूर्णितलोचनौ ।
स्त्रीजनैरनुगायद्बिश्चेरतुः पुष्पिते वने ।।३।।
કહે છે- રૂદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારૂણી  નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફુલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.૨-૩

કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.૪

હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેવર્ષિ નારદજી આવી ચડયા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.૫

વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઉભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.૬

મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા એ બે દેવકુમારોને જોઇ તેઓના પર અનુગ્રહ કરવા સારૂ શાપ દેવાનો નિશ્ચય કરીને નારદજી આ પ્રમાણે બોલ્યા.૭

નારદજી કહે છે- પ્રિય વિષયોને સેવનાર પુરૂષને એક લક્ષ્મીના મદ વિના કુલીનપણાથી કે વિદ્વાનપણાથી ઉત્પન્ન થયેલો બીજા કોઇ પણ પ્રકારનો મદ અથવા રજોગુણનું કાર્ય બુદ્ધિને ભ્રષ્ટ કરનાર નથી, પણ લક્ષ્મીનો મદ જ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે, કે જે લક્ષ્મીના મદની સાથે સ્ત્રીઓનું, જુગારનું અને મદિરા પીવાનું વ્યસન રહે છે.૮

આ ક્ષણભંગુર દેહને લક્ષ્મીના મદને લીધે અજર અને અમર માનનાર અજીતેંદ્રિય લોકો નિર્દય થઇને પશુઓને મારે છે.૯

નરદેવ અને ભૂદેવ કહેવાતો હોય છતાં પણ જે આ દેહ છેલ્લીવારે સડી જાય તો કીડારૂપ, ખવાઇ જાય તો વિષ્ટારૂપ, અને બાળીનાખવામાં આવે તો ભસ્મરૂપ થનાર
છે
, આવા નાશવંત દેહને રાજી રાખવા સારૂ પ્રાણીઓનો દ્રોહ કરનાર પુરૂષ પોતાના મોક્ષરૂપી સ્વાર્થને શું જાણે છે ? નથી જ જાણતો. કેમકે પ્રાણીઓનો દ્રોહ કરવાથી તો નરક જ મળે છે.૧૦

વાસ્તવિક રીતે આ દેહ કોનો છે ? અન્નદાતાનો કહીએ તોપણ ખોટું નથી, પિતાનો કહીએ તોપણ ખોટું નથી, માતાનો કહીએ તોપણ ખોટું નથી, કોઇ બળવાન પુરૂષ દાસ કરી લે તો તેનો છે એમ કહેવામાં પણ ખોટું નથી, વેચાતો લેનારનો કહીએ તોપણ ખોટું નથી, છેલ્લીવારે બાળી નાખે છે તેથી અગ્નિનો કહીએ તોપણ ખોટું નથી. અને સમયપર કૂતરાં ખાઇ જાય તેથી કૂતરાંનો કહીએ તોપણ ખોટું ન કહેવાય.૧૧

આવી રીતે ઘણાનો સહીઆરો દેહ કે જેની ઉત્પત્તિ પ્રકૃતિથી છે અને નાશ પણ પ્રકૃતિમાં જ છે, તેને પોતારૂપ માની કયો વિદ્વાન પ્રાણીઓને મારે ? દેહાભિમાનથી
હિંસા કરવી એતો મૂઢનું જ કામ છે.૧૨

જે મૂઢ પુરૂષ લક્ષ્મીના મદથી આંધળો થયેલો હોય તેને દારિદ્રય જ ઉત્તમ અંજનરૂપ છે. કેમકે દરિદ્રી પુરૂષ બીજા પ્રાણીઓને પોતા સરખા જ ગણે તેથી કોઇનો દ્રોહ કરે નહિ.૧૩

એકવાર જેના શરીરમાં કાંટો લાગેલો હોય એ કદી પણ ઇચ્છતો નથી કે બીજાને પણ કાંટાની પીડા સહન કરવી પડે.  કેમ કે મુખનું કરમાઇ જવું વગેરે ચિહ્નોથી એ  સમજે છે કે, સર્વે જીવોને સરખી પીડા થાય છે. પણ જેને કાંટો વાગ્યો જ ન હોય એ કદી પણ પીડાનું અનુમાન કરી શકતો નથી.૧૪

સર્વ પ્રકારના મદથી મુક્ત અને અહંકાર વગરનો દરિદ્રી પુરૂષ દૈવ ઇચ્છાથી કષ્ટ પામે છે, તો તે કષ્ટ જ તેને મોટા તપરૂપ થાય છે.૧૫

ભૂખથી દુબળા થયેલા અને અન્નને ઇચ્છતા દરિદ્રી પુરૂષની ઇંદ્રિયો નિર્બળ થઇ જાય છે અને તેની પછવાડે  હિંસા પણ બંધ પડે છે.૧૬

સમદૃષ્ટિવાળા સાધુપુરૂષોનો સમાગમ પણ દરિદ્રીને જ થાય છે અને તેઓના સંગના પ્રભાવથી તેની તૃષ્ણા મટી જતાં તે તુરત જ શુદ્ધ થાય છે.૧૭

સમદૃષ્ટિવાળા અને ભગવાનના ચરણને ઇચ્છનારા સાધુ પુરૂષોને દરિદ્રીજ વહાલા હોય છે, કેમકે ધનના અભિમાનને લીધે ખોટાં કાર્યમાં લાગી રહેલા નીચ લોકોને સાધુપુરૂષો ઉપેક્ષા કરવા યોગ્ય જ માને છે, તેથી તે સાધુઓને અભિમાની પુરૂષોનું  કશું પ્રયોજન હોતું નથી.૧૮

એટલા જ માટે આ બન્ને જણા વારૂણી મદિરા પીવાથી મદોન્મત્ત, લક્ષ્મીના મદથી આંધળા, સ્ત્રીલંપટ અને અજીતેન્દ્રિય છે, તેઓના અજ્ઞાને કરેલા મદને હું હરીશ.૧૯

અજ્ઞાનથી વ્યાપ્ત અને મદોન્મત્ત આ બે જણા લોકપાળના પુત્ર થઇને પોતાના શરીરને નગ્ન જાણતા નથી, તેથી સ્થાવરપણાને યોગ્ય છે, તેપ્રમાણે થવાથી  ફરીવાર આવું કામ ન કરે. મારી કૃપાથી તે સ્થાવરપણાના અવતારમાં પણ પૂર્વ જન્મનું સ્મરણ રહેશે અને દેવતાઓનાં સો વર્ષ પૂરાં થયા પછી ભગવાનનું દર્શન  પામીને પાછા દેવ થશે. દેવપણામાં પણ મારા અનુગ્રહથી તેઓને ભક્તિ પ્રાપ્ત થશે. ૨૦-૨૨

શુકદેવજી કહે છે- આ પ્રમાણે કહીને તે નારદજી નારાયણના આશ્રમમાં ગયા. અને નળકુબેર તથા મણિગ્રીવ યમલાર્જુન થયા.૨૩

વૈષ્ણવોમાં ઉત્તમ નારદજીનું વચન સાચું કરવા સારૂ એ યમલાર્જુન જ્યાં છે, ત્યાં ભગવાન ધીરે ધીરે પધાર્યા.૨૪

નારદજી મને બહુજ વ્હાલા છે, માટે એ મહાત્મા નારદજીએ આ બન્ને કુબેરજીના પુત્ર વિષે જે કહ્યું છે, તે હું તે પ્રમાણે જ સાચું કરીશ. એવા વિચારથી શ્રીકૃષ્ણ ભગવાન તે બે યમલાર્જુનના મધ્યમાંથી પ્રવેશ્યા. પોતાના પ્રવેશ માત્રથી ખાંડણીયો આડો થઇ ગયો. પછી જેમના ઉદરમાં દોરડું બાંધેલું છે એવા તે બાળક શ્રીકૃષ્ણે  ખાંડણીયાને જોરથી ખેંચ્યો, કે તરત જ એ વૃક્ષનાં મૂળ ઉખડી ગયાં. અને શ્રીકૃષ્ણ ભગવાનના અત્યંત પરાક્રમને લીધે થળ, શાખા અને પાંદડાં કંપવા લાગ્યાં, ભારે
ભયંકર કડાકો થયો અને તરત જ એ બે ઝાડ ધરતી પર પડયાં.૨૫-૨૭

એ બે ઝાડમાંથી જેમ મૂર્તિમાન અગ્નિ નીકળે તેમ બે દેવપુરુષો નીકળ્યા, મદ રહિત થયેલા અને જેની કાંતિથી દિશાઓ શોભી રહી હતી. એવા એ બન્ને હાથ જોડીશ્રીકૃષ્ણ ભગવાનની પાસે આવી, પ્રણામ કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.૨૮

નળકુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે- હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! હે મોટા યોગી ! તમે સર્વના આદિ પરમ પુરૂષ છો. સ્થૂળ સૂક્ષ્મરૂપ આ સઘળું જગત તમારૂં શરીર છે એમ બ્રહ્મવેત્તાઓ  જાણે છે.૨૯

સર્વ પ્રાણીઓના દેહ, પ્રાણ, અહંકાર અને ઇન્દ્રિયોના નિયંતા તમે એક છો. અવિનાશી અને ઇશ્વર વિષ્ણુ તમે છો. તેથી જે કાળ છે તે તમારી લીલા છે.૩૦

મહતત્ત્વરૂપ તમે છો, રજ, સત્વ અને તમોગુણમય સાક્ષાત્ પ્રકૃતિ એ તમારૂં શરીર છે, સર્વના અધ્યક્ષ અને શરીરોના વિકારોને જાણનારા પુરૂષ તમે છો.૩૧

દ્રિયોથી ગ્રહણ કરવામાં આવતા પ્રકૃતિના પદાર્થોથી તમારૂં ગ્રહણ થતું નથી. આ જગતની ઉત્પત્તિ પહેલાં જ સ્વતઃસિદ્ધપણાથી રહેલા આપને દેહાદિકથી વીંટાએલો કોણ જાણી શકે ?૩૨

વાસુદેવ, સર્વના કર્તા અને પોતે પ્રકાશ કરેલા ગુણોથી જેનું સ્વરૂપ ઢંકાઇ રહ્યું છે, એવા પરબ્રહ્મને નમસ્કાર કરીએ છીએ.૩૩

જે આપ સર્વ શરીરોમાં રહેલા છો, છતાં શરીરના સંબંધથી રહિત છો. તમારા અવતારો, બીજા પ્રાણીઓથી ન થઇ શકે એવાં અને જેમના પરાક્રમની સમાન બીજા
પરાક્રમો ન હોય તથા અધિક પણ ન હોય
, એવા પરાક્રમો ઉપરથી જાણવામાં આવે છે.૩૪

સર્વલોકોને કલ્યાણ અને મોક્ષ આપવા માટે, સર્વ સુખોના અધિપતિ આપ હમણાં બળરામની સાથે અવતર્યા છો.૩૫ હે પરમકલ્યાણ રૂપ ! હે પરમ મંગળરૂપ ! વાસુદેવ, શાંત અને યાદવોના પતિ એવા તમોને વારંવાર પ્રણામ કરીએ છીએ.૩૬ હે પ્રભુ ! અમે તમારા દાસાનુદાસ છીએ, અમને આજ્ઞા કરો. અમોને નારદજીના અનુગ્રહથી આપનું દર્શન થયું છે.૩૭

वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शने।स्तु भवत्तनूनाम् ।।
અમારી વાણી આપના ગુણના વર્ણનમાં તત્પર રહે
, કાન આપની કથા સાંભળવામાં, હાથ આપની સેવા કરવામાં, મન આપના ચરણના સ્મરણમાં, મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને દૃષ્ટિ આપના શરીરરૂપ સત્પુરૂષોનાં દર્શનમાં તત્પર રહે.૩૮

શુકદેવજી કહે છે- દોરડાંથી ખાંડણિયામાં બંધાયેલા ગોકુલેશ્વર ભગવાને આ પ્રમાણે તેઓની સ્તુતિ સાંભળી, હસીને ભગવાન તેઓને કહેવા લાગ્યા કે-  તમે લક્ષ્મીના મદથી અંધ થયા હતા તેથી દયાળુ નારદજીએ પોતાની વાણીથી લક્ષ્મીનો મદ ટાળી નાખવારૂપ અનુગ્રહ કર્યો હતો, એ પ્રથમથી જ મારા જાણવામાં હતું.૩૯-૪૦

સૂર્યના દર્શનથી જેમ નેત્રને બંધન રહે નહિ, તેમ સ્વધર્મમાં વર્તનાર, બ્રહ્મવેત્તા અને તેઓમાં પણ વળી મારામાં ચિત્તનું અર્પણ કરનાર મહાત્માઓના દર્શનથી,  પુરૂષને બંધન રહે જ નહીં.૪૧

તો હવે હે નળકુબેર ! તમે મારા પરાયણ થઇને તમારે ઠેકાણે જાઓ. તમને સંસારનું બંધન મટાળનારો એવો મારામાં પ્રેમ થયો છે.૪૨

શુકદેવજી કહે છે- ખાંડણિયાથી બંધાએલા ભગવાને આ પ્રમાણે કહ્યું, એટલે તે નળકુબેર અને મણિગ્રીવ, ભગવાનને પ્રદક્ષિણા કરી, વારંવાર પ્રણામ કરી, આજ્ઞા માગીને ઉત્તર દિશામાં ગયા.૪૩

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો દશમો અધ્યાય સંપૂર્ણ.