અધ્યાય ૮ - શ્રીકૃષ્ણ અને બળદેવનાં ગર્ગાચાર્યે નામ પાડયાં તથા માટી ખાતાં માતાને વિશ્વરૂપ દેખાડયું.

।। श्रीशुकउवाच ।।
गर्गः पुरोहितो राजन् यदूनां सुमहातपाः । व्रजं जगाम नंदस्य वसुदेवप्रचोदितः ।।१।।

શુકદેવજી કહે છે- હે રાજા ! મહા તપસ્વી અને યાદવોના ગોર ગર્ગાચાર્ય વસુદેવની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં આવ્યા.૧

तं दृा परमप्रीतः प्रत्युत्थाय कृताञ्जलिः ।  आनर्चाधोक्षजधिया प्रणिपातपुरःसरम् ।।२।।
તેમને જોઇ બહુ જ રાજી થયેલા નંદરાયે સામા ઉભા થઇ હાથ જોડીને તથા તેમને પરમેશ્વરરૂપ જાણીને નમસ્કારપૂર્વક પૂજા કરી.૨

सूपविष्टं कृतातिथ्यं गिरा सूनृतया मुनिम् ।  नन्दयित्वा।ब्रवीद् ब्रह्मन्! पूर्णस्य करवाम किम् ।।३।।
પૂજા કર્યા પછી સારી રીતે બેઠેલા તે  મુનિને નંદરાયે સુંદર વાણીથી કહ્યું કે- હે મહારાજ ! જે આપ પરિપૂર્ણ છો. આપનું શું કામ કરીએ
?

महद्विचलनं नणां गृहिणां दीनचेतसाम् । निःश्रेयसाय भगवन् ! कल्पते नान्यथा क्वचित् ।।४।।
મહાત્મા પુરૂષોનું આવવું
, થોડીવાર પણ ઘરને નહીં છોડી શકતા ગૃહસ્થોનું કલ્યાણ કરવા સારૂ જ હોય છે. કદીપણ તેઓના પોતાના સ્વાર્થને માટે હોતું નથી.૪

ज्योतिषामयनं साक्षाद् यत्तज्ज्ञानमतीन्द्रियम् ।  प्रणीतं भवता येन पुमान् वेद परावरम् ।।५।।
જે જ્ઞાનને ઇન્દ્રિયો નજ પહોંચી શકે
, એવા જ્ઞાનને આપનાર જ્યોતિષશાસ્ત્ર આપે કર્યું છે, કે જેથી પુરૂષને પૂર્વ તથા વર્તમાન જન્મના ભૂત અને ભાવિફળનું જ્ઞાન થાય છે.૫

त्वं हि ब्रह्मविदां श्रेष्ठः संस्कारान् कर्तुमर्हसि ।  बालयोरनयोर्नणां जन्मना ब्राह्मणो गुरुः ।।६।।
આપ જ્યોતિષશાસ્ત્રના કર્તા અને વેદ જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ છો
, તેથી આ બે બાળકોના સંસ્કાર કરો. બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યોના ગુરૂ કહેવાય છે.૬

गर्ग उवाच - यदूनामहमाचार्यः ख्यातश्च भुवि सर्वतः ।  सुतं मया संस्कृतं ते मन्यते देवकीसुतम् ।।७।।
कंसः पापमतिः सख्यं तव चानकदुन्दुभेः । देवक्या अष्टमो गर्भो न स्त्री भवितुमर्हति ।।८।।

इति सञ्चिन्तयञ्छ्रुत्वा देवक्या दारिकावचः । 
अपि हन्ता।।गताशङ्कस्तर्हि तन्नो।नयो भवेत् ।।९।। 
ગર્ગાચાર્ય કહે છે- હું યાદવોનો આચાર્ય છું અને પૃથ્વીમાં સર્વદા પ્રખ્યાત છું, તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરૂં, તો પાપ બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માને અને વળી વસુદેવની સાથે તમારે મૈત્રી છે તે પણ કંસ જાણે છે, અને દેવકીની દીકરી યોગમાયાનું વચન સાંભળી 'દેવકીનો આઠમો ગર્ભ સ્ત્રી ન જ થવો જોઇએ' એમ પણ વિચાર કર્યા કરે છે. માટે આઠમા ગર્ભની શંકાથી તે જો તમારા પુત્રને મારે તો તેમાં અમારૂં બહુ જ ભુંડું થાય.૭-૯

नन्द उवाच - अलक्षितो।स्मिन् रहसि मामकैरपि गोव्रजे ।  कुरु द्विजातिसंस्कारं स्वस्तिवाचनपूर्वकम् ।।१०।।
નંદરાય કહે છે- આ વ્રજમાં મારા લોકોના પણ જાણવામાં ન આવે
, એવા એકાંત સ્થળમાં સ્વસ્તિવાચન કરીને આ પુત્રોના સંસ્કાર કરો, કે જે સંસ્કાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને અવશ્ય થવા જોઇએ.૧૦

श्रीशुक उवाच - एवं सम्प्रार्थितो विप्रः स्वचिकीर्षितमेव तत् ।  चकार नामकरणं गूढो रहसि बालयोः ।।११।।
શુકદેવજી કહે છે- આ પ્રમાણે નંદરાયે પ્રાર્થના કરતાં ગર્ગાચાર્યે એકાંતમાં ગુપ્ત રીતે તે બે બાળકોનાં નામ પાડયાં
, કે જે કરવાની ઇચ્છાથી જ પોતે આવ્યા હતા.૧૧

गर्ग उवाच - अयं हि रोहिणीपुत्रो रमयन् सुहृदो गुणैः ।  आख्यास्यते राम इति बलाधिक्याद्बलं विदुः ।  यदूनामपृथग्भावात् सङ्कर्षणमुशन्त्युत ।।१२।।
ગર્ગાચાર્ય કહે છે- આ રોહિણીનો પુત્ર પોતાના ગુણોથી સંબંધીઓને રમાડે છે
, માટે 'રામ' કહેવાશે. અધિક બળ હોવાથી બલભદ્ર કહેવાશે, અને કોઇ પણ કારણથી વિવાદ કરીને વિખુટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી સંકર્ષણ પણ કહેવાશે.૧૨

आसन् वर्णास्त्रयो ह्यस्य गृतो।नुयुगं तनूः ।  शुक्लो रक्तस्तथा पीत इदानीं कृष्णतां गतः ।।१३।।
આ જે તમારો પુત્ર છે તે પ્રત્યેક યુગમાં અવતાર ધરે છે અને એનો શ્વેત
, રક્ત, તથા પીત વર્ણ હતો, હમણાં કૃષ્ણ વર્ણ છે તેથી તેનું ''કૃષ્ણ'' એવું નામ કહેવાશે.૧૩

प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्तवात्मजः ।  वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ।।१४।।
પૂર્વે કોઇ સમયે આ તમારો પુત્ર વસુદેવનો પુત્ર થયેલ હતો. તેથી જ્ઞાની લોકો આનું
'વાસુદેવ' એવું નામ પણ કહેશે.૧૪

बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते ।  गुणकर्मानुरूपाणि तान्यहं वेद नो जनाः ।।१५।।
ગુણ અને કર્મને અનુસારે તમારા પુત્રનાં નામ અને રૂપ ઘણાં છે કે જે સઘળાને હું જાણતો નથી અને લોકો પણ જાણતા નથી.૧૫

एष वः श्रेय आधास्यद् गोपगोकुलनन्दनः । अनेन सर्वदुर्गाणि यूयमञ्जस्तरिष्यथ ।।१६।।
ગોવાળિઆ અને ગાયોને રાજી કરનાર આ તમારો પુત્ર તમારું કલ્યાણ કરશે અને તેના પ્રભાવથી તમે સઘળાં કષ્ટોને અનાયાસથી તરી જશો.૧૬

पुरानेन व्रजपते! साधवो दस्युपीडिताः । अराजके रक्ष्यमाणा जिग्युर्दस्यून् समेधिताः ।।१७।।
હે વ્રજના પતિ ! પૂર્વે કોઇ રાજા ન હતો તે સમયમાં ચોર લોકોએ પીડેલા સજ્જનોની
, આ તમારા પુત્રે રક્ષા અને વૃદ્ધિ કરી હતી, તેથી તમોએ ચોરલોકોને જીત્યા  હતા.૧૭

य एतस्मिन् महाभागाः प्रीतिं कुर्वन्ति मानवाः ।  नारयो।भिवन्त्येतान् विष्णुपक्षानिवासुराः ।।१८।।
જે ભાગ્યશાળી માણસો આ તમારા પુત્રમાં પ્રીતિ રાખશે તેઓને દૈત્યો જેમ વિષ્ણુના પક્ષવાળાઓનો પરાભવ કરી શકતા નથી
, તેમ શત્રુઓ પરાભવ કરી શકશે  નહિ.૧૮

तस्मान्नन्दात्मजो।यं ते नारायणसमो गुणैः ।  श्रिया कीर्त्यानुभावेन गोपायस्व समाहितः ।।१९।।
હે નંદ ! આ તમારો  પુત્ર ગુણ
, કીર્તિ, લક્ષ્મી અને પ્રભાવથી નારાયણ સમાન છે માટે સાવધાન રહીને આની રક્ષા કરજો. ૧૯

इत्यात्मानं समादिश्य गर्गे च स्वगृहं  गते ।  नन्दः प्रमुदितो मेने आत्मानं पूर्णमाशिषाम् ।।२०।।
શુકદેવજી કહે છે- આ પ્રમાણે આજ્ઞા કરી ગર્ગાચાર્ય પોતાને ઘેર ગયા અને રાજી થયેલા નંદરાયે પોતાના સઘળા મનોરથો પૂર્ણ થયા માન્યા.૨૦

कालेन व्रजताल्पेन गोकुले रामकेशवौ ।  जानुभ्यां सह पाणिभ्यां रिङ्गमाणौ विजह्रतुः ।।२१।।
થોડો સમય જતાં બળભદ્ર અને શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોઠણ અને હાથવતે રડવાની લીલા કરવા લાગ્યા.૨૧

तावङ्घ्रियुग्ममनुकृष्य सरीसृपन्तौ घोषप्रघोषरुचिरं व्रजकर्दमेषु । तन्नादहृष्टमनसावनुसृत्य लोकं मुग्धप्रभीतवदुपेयतुरन्ति मात्रोः ।।२२।।
એ બન્ને ભાઇઓ ઘરેણાંની ઘુઘરીઓના શબ્દથી સુંદર લાગે એવી રીતે પોતાના પગને ઢસડી ઢસડીને વ્રજનાં કાદવોમાં બહુ જ ચાલવા લાગ્યા
, ઘુઘરીઓના શબ્દથી રાજી થવા લાગ્યા અને વળી કોઇ જતા આવતા માણસની પછવાડે ત્રણ ચાર પગલાં જઇને અણસમજુ અને ભય પામેલાની પેઠે પોતાની માતાઓની પાસે રડીને  જતા હતા.૨૨

तन्मातरौ निजसुतौ घृणया स्नुवन्त्यौ पङ्काङ्गरागरुचिरावुपगुह्य दोर्भ्याम् । दत्त्वा स्तनं प्रपिबतोः स्म मुखं निरीक्ष्य मुग्धस्मिताल्पदशनं ययतुः प्रमोदम् ।।२३।।
દયાથી જેઓને પાનો આવતો હતો, એવી તેઓની માતાઓ કાદવથી અને ચંદનના લેપનથી સુંદર લાગતા પોતાના પુત્રને હાથવતે આલિંગન કરી ધવરાવતી હતી. તે સમયે મંદહાસ્ય અને થોડા દાંતવાળા બળદેવ તથા કૃષ્ણનું મુખ જોઇને રાજી થતી હતી.૨૩

यर्ह्यङ्गनादर्शनीयकुमारलीलावन्तर्व्रजे तदबलाः प्रगृहीतपुच्छैः । वत्सैरितस्तत उभावनुकृष्यमाणौ प्रेक्षन्त्य उज्झितगृहा जहृषुर्हसन्त्यः ।।२४।।
જ્યારે એ બાળકની કુમાર અવસ્થાની લીલા સ્ત્રીઓને જોવા જેવી થઇ ત્યારે અર્થાત્ બન્ને બાળકો મોટા થયા ત્યારે
, વ્રજમાં વાછરડાંઓનાં પૂછડાં પકડતા અને  વાછરડાંઓ દ્વારા આમ તેમ ચારે બાજુ  ખેંચી જવાતા એ બાળકોને જોઇ, ગોપીઓ પોતાનાં કામને ભૂલી જઇ હસતી હતી અને હર્ષ પામતી હતી.૨૪

शृङ्गयग्निदंष्ट्रयसिजलद्विजकण्टकेभ्यः क्रीडापरावतिचलौ स्वसुतौ निषेद्धुम् । गृह्याणि कर्तुमपि यत्र न तज्जनन्यौ शेकात आपतुरलं मनसो।नवस्थाम् ।।२५।।  ક્રીડામાં લાગેલા અને અત્યંત ચપળ પોતાના પુત્રોને શીંગડાંવાળાં પશુ, દાઢવાળા, પ્રાણી, અગ્નિ, જળ, પક્ષી અને કાંટાઓથી અટકાવવાને અને ઘરનાં કામ કરવાને જ્યારે રોહિણી અને યશોદાની શક્તિ રહી નહીં, ત્યારે તે બન્ને માતાઓ મનની બહુ જ આકુળતાને પામ્યાં.૨૫

कालेनाल्पेन राजर्षे! रामः कृष्णश्च गोकुले । अघृष्टजानुभिः पद्बिर्विचक्रमतुरञ्जसा ।।२६।।
હે પરીક્ષિત રાજા ! પછી થોડો કાળ જતાં બળભદ્ર અને શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળમાં પગથી ચાલવા લાગ્યા.૨૬

ततस्तु भगवान् कृष्णो वयस्यैर्व्रजबालकैः ।  सहरामो व्रजस्त्रीणां चिक्रीडे जनयन् मुदम् ।।२७।।
પછી બળભદ્ર સહિત શ્રીકૃષ્ણ ભગવાન પોતાના સરખી અવસ્થાના બાળકો સાથે ગોપીઓને આનંદ ઉપજે એવી રીતે ક્રીડા કરવા લાગ્યા.૨૭

कृष्णस्य गोप्यो रुचिरं वीक्ष्य कौमारचापलम् ।  शृण्वत्याः किल तन्मातुरिति होचुः समागताः ।।२८।।
ભગવાનની પ્રિય લાગે એવી બાળઅવસ્થાની ચપળતા જોઇને
, સઘળે ઘેરથી ભેળી થયેલી ગોપીઓ યશોદાજીના સાંભળતાં, આ પ્રમાણે રાવ ખાતી હતી.૨૮

वत्सान् मुञ्चन् क्वचिदसमये क्रोशसंजातहासः । स्तेयं स्वाद्वत्त्यथ दधि पयः कल्पितैः स्तेययोगैः ।। मर्कान् भोक्ष्यन् विभजति स चेन्नात्ति भाण्डं भिनत्ति  द्रव्यालाभे स गृहकुपितो यात्युपक्रोश्य तोकान्  ।।२९।।
हस्ताग्राह्ये
  रचयति  विधिं  पीठकोलूखलाद्यै । श्छिद्रं ह्यन्तर्निहितवयुनः शिक्यभाण्डेषु तद्वित् ।। ध्वान्तागारे  धृतमणिगणं  स्वाङ्गमर्थप्रदीपं  काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ताः ।।३०।।

''
હે યશોદા ! અમારૂં ચિત્ત ઘરનાં કામકાજમાં બહુ જ લાગેલું હોય છે ત્યારે આ તમારો પુત્ર ક્યારેક દોહવાના સમય વગર પણ અમારાં વાછરડાંઓને છોડી મૂકે છે. અમે વઢીએ છીએ તો હસે છે. ચોરીના ઉપાયો કરીને મીઠા મીઠા પદાર્થ દહીં અને દૂધ ચોરી લઇને ખાઇ જાય છે. એટલું જ નહીં પણ પોતે ખાધા પહેલાં વાંદરાઓને વહેંચી દે છે. તેઓમાં તૃપ્ત હોવાને લીધે કોઇ વાંદરો ન ખાય તો પોતે ઠામ ફોડી નાખે છે. કોઇ સમયે કાંઇ વસ્તુ ન મળે તો અમારી ઉપર ક્રોધ કરી, અમારાં સૂતેલાં  બાળકોને રોવરાવીને ભાગી જાય છે. કોઇ વસ્તુ ઉંચી રાખવાને લીધે હાથમાં આવે એમ ન હોય તો પાટલા અને ખાંડણિયા આદિ માંડી, તેના ઉપર ચઢીને પહોંચાય તેવો ઉપાય કરે છે. વાસણ ઉંચાં શીંકાઓમાં રાખેલાં હોય છે તો તેઓમાં રાખેલી વસ્તુ જાણી લઇને તેમાં ફાંકું પાડે છે. ઘરમાં અંધારૂં હોય તો પોતાના અંગમાં અનેક મણિ પહેરી આવીને અજવાળું કરે છે.૨૯-૩૦

एवं धाष्टर्यन्युशति कुरुते मेहनादीनिवास्तौ । स्तेयोपायैर्विरचितकृतिः सुप्रतीको यथा।।स्ते ।। इत्थं स्त्रीभिः सभयनयनश्रीमुखालोकिनीभि- । र्व्याख्यातार्था प्रहसितमुखी न ह्युपालब्धुमैच्छत् ।।३१।।
અરે ચોર ! એમ કહી અમે બરકીએ છીએ તો સામી ઠેકરી કરે છે કે
, હું તો ઘરનો માલિક, તું ચોર છે. અને સારાં સારાં ઘરમાં મળમૂત્ર કરી જાય છે, આમ ચોરીના  ઉપાયોનું કામ કરે છે તો પણ તમારી પાસે સારા માણસની પેઠે બેઠેલ છે.'' આ પ્રમાણે ભય સહિત નેત્રવાળા ભગવાનના શ્રીમુખને જોયા કરતી ગોપીઓએ સઘળી વાતો કહી દેખાડતાં યશોદા હસી પડયાં, પણ પુત્રને ઠપકો દેવાની ઇચ્છા ન કરી.૩૧

एकदा क्रीडमानास्ते रामाद्या गोपदारकाः ।  कृष्णो मुदं भक्षितवानिति मात्रे न्यवेदयन् ।।३२।।
એક દિવસે ક્રીડા  કરતા બળભદ્ર આદિ છોકરાઓ યશોદા પાસે જઈને કહ્યું કે
'કૃષ્ણે માટી ખાધી'.૩૨

सो गृहीत्वा करे कृष्णमुपालभ्य हितैषिणी ।  यशोदा भयसम्भ्रान्तप्रेक्षणाक्षमभाषत ।।३३।।
कस्मान्मृदमदान्तात्मन् भवान् भक्षितवान् रहः । 
वदन्ति तावका ह्येते कुमारास्ते।ग्रजो।प्ययम् ।।३४।।
હિતની ઇચ્છાવાળાં યશોદાએ જેની આંખો ભયથી ચકરવકર થયેલી હતી
, એવા શ્રીકૃષ્ણનો હાથ પકડી ઠપકો દઇને કહ્યું કે- ''અરે અટકચાળા ! તેં માટી શા માટે ખાધી ? આ તારા મિત્ર બાળકો કહે છે અને તારા મોટોભાઇ પણ કહે છે''૩૩-૩૪

श्रीकृष्ण उवाच - नाहं भक्षितवानम्ब ! सर्वे मिथ्याभिशंसिनः । यदि सत्यगिरस्तर्हि समक्षं पश्य मे मुखम् ।।३५।।
यद्येवं तर्हि व्यादेहीत्युक्तः स भगवान् हरिः । 
व्यादत्ताव्याहतैश्वर्यः क्रीडामनुजबालकः ।।३६।।

ભગવાન બોલ્યા
''હે મા !''   માટી ખાધી નથી. બધાલોકો ખોટું બોલે છે. જો તમને તેનું બોલવું સાચું લાગતું હોય તો પ્રત્યક્ષ રીતે મારૂં મુખ જુઓ.'' જો એમ હોય તો મુખ ઉઘાડ. એમ યશોદાએ કહેતાં અખંડિત ઐશ્વર્યવાળા અને લીલાથી મનુષ્ય જેવા થયેલા ભગવાને પોતાનું મુખ ઉઘાડયું.૩૫-૩૬

सा तत्र ददृशे विश्वं जगत् स्थास्नु च खं दिशः ।  साद्रिद्वीपाब्धिभूगोलं सवाय्वग्नीन्दुतारकम् ।।३७।।
ज्योतिश्चक्रं जलं तेजो नभस्वान् वियदेव च । 
वैकारिकाणीन्द्रियाणि मनो मात्रा गुणास्त्रयः ।।३८।।

એ મુખમાં યશોદાએ સ્થાવર
, જંગમ, જગત, અંતરિક્ષ, દિશાઓ, પર્વતો, દ્વીપો, સમુદ્રો, ભુગોળ, પ્રવહ નામનો વાયુ, વિજળી, ચંદ્ર, તારા, સ્વર્ગલોક, જળ, તેજ, વાયુ, આકાશ, ઇંદ્રિયોના દેવ, ઇંદ્રિયો, મન, શબ્દાદિક પાંચ વિષય, ત્રણ ગુણ, જીવ, કાળ, સ્વભાવ, કર્મના સંસ્કાર અને તેઓથી થતા શરીરના ભેદ એક સામટા  દીઠા.૩૭-૩૮

एतद् विचित्रं सह जीवकालस्वभावकर्माशयलिङ्गभेदम् । सूनोस्तनौ वीक्ष्य विदारितास्ये व्रजं सहात्मानमवाप शङ्काम् ।।३९।।
किं स्वप्न एतदुत देवमाया किं वा मदीयो बत बुद्धिमोहः ।
अथो अमुष्यैव ममार्भकस्य यः कश्चनौत्पत्तिक आत्मयोगः ।।४०।।

આ પ્રમાણે પુત્રના નાના મુખમાં સઘળું વિચિત્ર જગત અને તેની સાથે વ્રજ સહિત પોતાના શરીરને પણ જોઇને યશોદાને વિચાર થયો કે- આ તે શું સ્વપ્ન છે
? નાઆ સ્વપ્ન તો નહીં, ત્યારે શું ભગવાનની માયા છે ? ના, તે પણ નહીં. કેમકે માયા હોય તો બીજાઓને દેખાવામાં પણ આવવી જોઇએ. ત્યારે જેમ અરીસામાં મુખ  પ્રતિબિંબરૂપે દેખાય છે, તેમ શું આ મારી બુદ્ધિનું જ પ્રતિબિંબ છે ? ના, એમ તો નહીં; કેમકે એમ હોય તો અરીસામાં જેમ આરસી દેખાય નહીં તેમ આ પુત્રના મોઢામાં એજ પુત્ર દેખાવો જોઇએ, અને બહાર તથા અંદર એકરૂપથી જગત દેખાવું જોઇએ. તો શું આ મારા પુત્રનું સ્વાભાવિક કાંઇ ઐશ્વર્ય છે?૩૯-૪૦

अथो यथावन्न वितर्कगोचरं चेतोमनःकर्मवचोभिरञ्जसा । यदाश्रयं येन यतः प्रतीयते सुदुर्विभाव्यं प्रणतास्मि तत्पदम् ।।४१।।
આ છેલ્લો પક્ષ જ મને પ્રબળ લાગે છે
, માટે બુદ્ધિ, મન, કર્મ અને વચનથી જેમ છે તેમ ધારી શકાય નહિ, એવું આ જગત જેના થકી ઉત્પન્ન થાય છે, જેના થકી  પાલનને પામે છે અને જેમાં લય પામે છે, આવું અતર્ક્ય ભગવાનના સ્વરૂપને હું પ્રણામ કરૂં છું.૪૧

अहं ममासौ पतिरेष मे सुतो व्रजेश्वरस्याखिलवित्तपा सती । गोप्यश्च गोपाः सहगोधनाश्च मे यन्माययेत्थं कुमतिः स मे गतिः ।।४२।।
હું યશોદા છું
, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે, નંદરાયના સઘળા ધનની ધણીઆણી હું તેની સ્ત્રી છું અને ગોપીઓ, ગોવાળીયા તથા ગાયોનાં ધણ મારાં છે, આવી રીતની કુબુદ્ધિ જેની માયાથી થઇ છે, તે ઇશ્વર મારૂં શરણ છે.૪૨

इत्थं विदिततत्त्वायां गोपिकायां स ईश्वरः ।  वैष्णवीं व्यतनोन्मायां पुत्रस्नेह्मयीं विभुः ।।४३।।
આ પ્રમાણે યશોદાને તત્ત્વજ્ઞાન થતાં તે શ્રીકૃષ્ણ પાછી પુત્રના સ્નેહરૂપી માયા વિસ્તારી દીધી.૪૩

सद्यो नष्टस्मृतिर्गोपी सा।।रोप्यारोहमात्मजम् ।  प्रवृद्धस्नेह्कलिलहृदया।।सीद् यथा पुरा ।।४४।।
માયાથી તુરત સ્મરણ જતું રહેતાં તે યશોદા પોતાના પુત્રને ખોળામાં બેસાડીને પ્રથમની પેઠે જ વૃદ્ધિ પામેલા સ્નેહથી ઘેરાએલાં હૃદયવાળાં થઇ ગયાં.૪૪

त्रय्या चोपनिषद्बिश्च सांख्ययोगैश्च सात्वतैः ।  उपगीयमानमाहात्म्यं हरिं सा।मन्यतात्मजम् ।।४५।। 
કર્મકાંડરૂપ ત્રણ  વેદ
, જે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને ઇંદ્રાદિકરૂપ કહે છે, ઉપનિષદો બ્રહ્મ કહે છે, સાંખ્ય પુરૂષ કહે છે, યોગ પરમાત્મા કહે છે અને ભક્તલોકો ભગવાન કહે છે, આવા શ્રીકૃષ્ણને યશોદાએ પુત્ર માન્યા.૪૫

राजोवाच - नन्दः किमकरोद् ब्रह्मन् ! श्रेय एवं महोदयम् । यशोदा च महाभागा पपौ यस्याः स्तनं हरिः ।।४६।।
પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! નંદરાયે એવું મોટું કયું પુણ્ય કર્યું હતું
? અને ભાગ્યશાળી યશોદા કે જેનું સ્તનપાન પોતે ભગવાને કર્યું તેણે પણ કયું પુણ્ય કર્યું  હશે?૪૬

पितरौ नान्वविन्देतां कृष्णोदारार्भकेहितम् ।  गायन्त्यद्यापि कवयो यल्लोकशमलापहम् ।।४७।।
લોકોના પાપને મટાડનારી ભગવાનની બાળલીલા કે જેને કવિઓ અદ્યાપિ સુધી ગાય છે
, તે બાળલીલાનો અનુભવ સાચાં મા-બાપને નહીં મળતાં નંદ અને  યશોદાને મળ્યો તેનું કારણ શું?૪૭

श्रीशुक उवाच - द्रोणो वसूनां प्रवरो धरया सह भार्यया ।  करिष्यमाण आदेशान् ब्रह्मणस्तमुवाच ह ।।४८।।
जातयोर्नौ महादेवे भुवि विश्वेश्वरे हरौ। 
भक्तिः स्यात् परमा लोके ययाञ्जो दुर्गतिं  तरेत् ।।४९।।

શુકદેવજી કહે છે- આઠ વસુઓમાં ઉત્તમ દ્રોણવસુ અને તેની સ્ત્રી ધરાને બ્રહ્માએ ગાયોનું પાલન કરવા આદિ કામની આજ્ઞા કરતાં તે આજ્ઞાનો સ્વીકાર કરી
, તે બન્નેએ માગ્યું કે- અમો સ્ત્રી-પુરૂષ પૃથ્વીમાં જન્મ ધારણ કરીએ ત્યારે જગતનાનાથ ભગવાનમાં અમને પરમ ભક્તિ થવી જોઇએ, કે જેથી અનાયાસે જન્મ મરણના ફેરા મટે
છે.૪૮-૪૯

अस्त्वित्युक्तः स भगवान् व्रजे द्रोणो महायशाः ।  जज्ञो नन्द इति ख्यातो यशोदा सा धरा।भवत् ।।५०।। 
બ્રહ્માએ તથાસ્તુ કહેતાં
, એ મોટી કીર્તિવાળા દ્રોણ વસુ વ્રજમાં નંદરાય થયા અને તેની સ્ત્રી ધરા યશોદા થઇ.૫૦

ततो भक्तिर्भगवति पुत्रीभूते जनार्दने ।  दम्पत्योर्नितरामासीद् गोपगोपीषु भारत! ।।५१।।
જો કે સઘળા ગોવાળિયા અને ગોપીઓને પણ ભગવાનમાં ભક્તિ હતી જ
, તોપણ નંદરાય અને યશોદાને પુત્રરૂપ થયેલા ભગવાનમાં બ્રહ્માના વરદાનને લીધે બહુ જ ભક્તિ થઇ હતી.૫૧

कृष्णो ब्रह्मण आदेशं सत्यं कर्तुं वजे विभुः ।  सहरामो वसंश्चक्रे तेषां प्रीतिं स्वलीलया ।।५२।।
પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્માની આજ્ઞા સત્ય કરવા સારૂ બળભદ્રની સાથે વ્રજમાં રહીને પોતાની લીલાથી નંદ યશોદાને પ્રીતિ ઉત્પન્ન કરી હતી.૫૨

इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे  विश्वरूपदर्शने।ष्टमो।ध्यायः ।।८।।
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અષ્ટમો અધ્યાય સંપૂર્ણ.