।। राजोवाच ।।
येन येनावतारेण भगवान् हरिरीश्वरः । करोतिकर्णरम्याणि मनोज्ञानि च नः प्रभोः ।।१।।
यच्छृण्वतो।पैत्यरतिर्वितृष्णासत्वं च शुद्ध्यत्यचिरेण पुंसः । भक्तिर्हरौ तत्पुरुषे च सख्यं तदेव हारं वद मन्यसे चेत् ।।२।।
પરીક્ષિત રાજા કહે છે- હે મહારાજ ! જો કે ભગવાન જે જે અવતારથી જે જે ચરિત્ર કરે છે તે સઘળાં અમારા કાનને અને મનને ગમે છે, તો પણ ચરિત્રોને સાંભળવાથી પુરૂષને મનની ગ્લાની તથા અનેક પ્રકારની તૃષ્ણા મટી જાય અને થોડા કાળમાં અંતઃકરણ શુદ્ધ થાય, ભગવાનમાં પ્રીતિ થાય અને વૈષ્ણવજન સાથે મૈત્રી થાય. આવું મનોહર ચરિત્રને કહેવું, જો તમે ઇષ્ટ માનતા હો તો કહો.૧-૨
अथान्यदपि कृष्णस्य तोकाचरितमद्बुतम् । मानुषं लोकमासाद्य तज्जातिमनुरुन्धतः ।।३।।
અને મનુષ્ય દેહ ધરીને મનુષ્ય જાતિને અનુસરનારા શ્રીકૃષ્ણ ભગવાનનું બીજું પણ અદ્ભુત બાળ ચરિત્ર કહો.૩
श्रीशुक उवाच - कदाचिदौत्थानिककौतुकाप्लवे जन्मर्क्षयोगे समवेतयोषिताम् । वादित्रगीतद्विजमन्त्रवाचकैश्चकार सूनोरभिषेचनं सती ।।४।।
શુકદેવજી કહે છે-એક દિવસે ભગવાન પડખું ફેરવવા શીખ્યા તેના ઉત્સવનો અભિષેક કરવાનો હતો, અને તે જ દિવસે ભગવાનના જન્મ નક્ષત્રનો પણ યોગ હતો, તેથી એ મોટા સમારંભમાં મળેલી સ્ત્રીઓની વચમાં યશોદાએ વાજાં, ગીત અને બ્રાહ્મણોના મંત્ર સહિત સ્વસ્તિવાચનથી પોતાના પુત્રનો અભિષેક કર્યો.૪
नन्दस्य पत्नी कृतमज्जनादिकं विप्रैः कृतस्वस्त्ययनं सुपूजितैः । अन्नाद्यवासःस्रगभीष्टधेनुभिः संजातनिद्राक्षमशीशयच्छनैः ।।५।।
ભગવાનને નવરાવ્યા અને અન્ન, વસ્ત્ર, માળાઓ, પ્રિય વસ્તુ તથા ગાયો આપીને પૂજેલા બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું. પછી ભગવાનની આંખોમાં નિદ્રા આવતી જાણીને તેમને યશોદાએ ધીરેથી એક ગાડાની નીચે ઝોળીમાં પોઢાડયા.૫
औत्थानिकौत्सुक्यमना मनस्विनी समागतान् पूजयती व्रजौकसः । नैवाशृणोद् वै रुदितं सुतस्य सा रुदन् स्तनार्थी चरणावुदक्षिपत् ।।६।।
ઉત્સવ સંબંધી ઉત્સાહમાં જ યશોદાનું મન લાગી રહ્યું હતું, અને તે આ ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓનું સન્માન કરતાં હતાં તેથી યશોદાજીએ પુત્રનું રૂદન સાંભળ્યું નહીં અને ભગવાને ધાવવાની ઇચ્છાથી રોતાં રોતાં પોતાના પગ ઉંચા કર્યા.૬
अधः शयानस्य शिशोरनो।ल्पकप्रवालमृद्वङ्घ्रिहतं व्यवर्तत । विध्वस्तनानारसकुप्यभाजनं व्यत्यस्तचक्राक्षविभिन्नकूबरम् ।।७।।
નીચે સૂતેલા બાળકના નાના અને કુંપળિયાં સરખા કુણા પગ વાગવાથી ગાડું ઉંધું વળી ગયું. અનેક પ્રકારના રસોથી ભરેલાં કાંસા આદિ ધાતુઓનાં પાત્રો, કે જેઓ ગાડા ઉપર હતાં તે ભાંગી પડયાં અને પૈડાં ધરી તથા ધોંસરૂં પણ વીખાઇ ગયાં અને ઉંધાં પડયાં.૭
दृा यशोदाप्रमुखा व्रजस्त्रिय औत्थानिके कर्मणि याः समागताः । नन्दादयश्चाद्बुतदर्शनाकुलाः कथं स्वयं वै शकटं विपर्यगात् ।। इति ब्रुवन्तो।तिविवादमोहिता जनाः समन्तात् परिवव्रुरार्तवत् ।।८।।
પડખું ફેરવવાના ઉત્સવમાં મળેલી યશોદા આદિ સ્ત્રીઓ અને નંદાદિક ગોવાળો અદ્ભુત બનાવ જોઇને વ્યાકુળ થઇ ગયા અને કહેવા લાગ્યા કે- 'ગાડું પોતાની મેળે કેમ ઉંધું વળ્યું ? એમ કહેતા અને વિવાદથી મોહ પામેલા સઘળા ગાડાંને ચોમેર ટોળું વળીને ઉભા.૮
ऊचुरव्यवसितमतीन् गोपान् गोपीश्च बालकाः । रुदतानेन पादेन क्षिप्तमेतन्न संशयः ।।९।।
જેઓને નિશ્ચય થયો નહીં એવા ગોવાળીઆ અને ગોપીઓને છોકરાઓએ કહ્યું કે- આ બાળકે રોતાં રોતાં પોતાના પગથી ઉંધું નાખ્યું છે, એમાં કશો સંશય નથી.૯
न ते श्रद्दधिरे गोपा बालभाषितमित्युत । अप्रमेयं बलं तस्य बालकस्य न ते विदुः ।।१०।।
રંતુ ગોવાળિયા છોકરાંવાદમાં ગણીને તેઓની વાત સાચી માની નહીં; કેમકે એ બાળકના અપાર બળનું તેઓને જ્ઞાન ન હતું.૧૦
रुदन्तं सुतमादाय यशोदा ग्रहशङ्किता । कृतस्वस्त्ययनं विप्रैः सूक्तैः स्तनमपाययत् ।।११।।
યશોદાએ દુષ્ટ ગ્રહોની શંકાથી એ રૂદન કરતા પુત્રને તેડી લઇને બ્રાહ્મણો પાસે વેદમંત્રથી સ્વસ્તિવાચન કરાવ્યું અને પછી સ્તનપાન કરાવ્યું.૧૧
पूर्ववत् स्थापितं गोपैर्बलिभिः सपरिच्छदम् । विप्रा हुत्वा।र्चयाञ्चक्रुर्दध्यक्षतकुशाम्बुभिः।।१२।।
બળવાન ગોવાળોએ સરસામાન સહિત એ ગાડાને પાછું સવળું કર્યું. અને બ્રાહ્મણોએ ગ્રહાદિકના હોમ કરીને દહીં તથા જળથી પૂજન કર્યું.૧૨
ये।सूयानृतदम्भेर्ष्याहिंसामानविवर्जिताः । न तेषां सत्यशीलानामाशिषो विफलाः कृताः ।।१३।।
જેઓ અસૂયા, (ગુણમાં દોષ પ્રકટ કરવા) ખોટું ભાષણ, દંભ, ઇર્ષ્યા, હિંસા અને અભિમાનથી રહિત તથા સત્ય સ્વભાવવાળા હોય છે, તેઓએ આપેલા આશીર્વાદ વ્યર્થ થાય જ નહીં.૧૩
इति बालकमादाय सामर्ग्यजुरुपाकृतैः । जलैः पवित्रौषधिभिरभिषिच्य द्विजोत्तमैः ।।१४।।
એમ ધારી સાવધાન મનવાળા નંદરાયે ઉત્તમ બ્રાહ્મણોની પાસે સામવેદ, ઋગ્વેદ તથા યજુર્વેદના મંત્રોથી સંસ્કાર પમાડેલા અને પવિત્ર ઔષધિવાળા જળથી પુત્રનો અભિષેક તથા સ્વસ્તિવાચન કરાવ્યાં.૧૪
वाचयित्वा स्वस्त्ययनं नन्दगोपः समाहितः । हुत्वा चाग्निं द्विजातिभ्यः प्रादादन्नं महागुणम् ।।१५।।
પછી અગ્નિમાં હોમ કરાવીને નંદરાયે ઉત્તમ ગુણવાળું અન્ન બ્રાહ્મણોને જમાડયું.૧૫
गावः सर्वगुणोपेता वासः स्रग्रुक्ममालिनीः । आत्मजाभ्युदयार्थाय प्रादात्ते चान्वयुञ्जत ।।१६।।
સઘળા ગુણવાળી અને વસ્ત્ર, પુષ્પની માળા તથા સોનાની માળાવાળી ગાયો પુત્રના કલ્યાણને અર્થે બા્રહ્મણોને આપી. અને બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા.૧૬
विप्रा मन्त्रविदो युक्तास्तैर्याः प्रोक्तास्तथा।।शिषः । ता निष्फला भविष्यन्ति न कदाचिदपि स्फुटम् ।।१७।।
મંત્ર જાણનારા યોગ્ય બ્રાહ્મણોએ જે આશીર્વાદ આપ્યા હોય તે તે પ્રમાણે જ થાય, કદી પણ વ્યર્થ થાય જ નહીં.૧૭
एकदा।।रोहमारूढं लालयन्ती सुतं सती । गरिमाणं शिशोर्वोढुं न सेहे गिरिकूटवत् ।।१८।।
એક દિવસ ખોળામાં લઇને પુત્રને રમાડતાં યશોદા, પુત્રનો પર્વતના શિખર સરખો ભાર લાગ્યો તેને સહન કરી શક્યાં નહીં.૧૮
भूमौ निधाय तं गोपी विस्मिता भारपीडिता । महापुरुषमादध्यौ जगतामास कर्मसु ।।१९।।
શ્રીકૃષ્ણમાં રહેલા બ્રહ્માંડના ભારથી પીડાએલાં અને વિસ્મય પામેલાં યશોદા પુત્રને પૃથ્વી ઉપર મૂકી દઇને, પરમેશ્વરનું ધ્યાન કરતાં વ્યવહારના કામમાં લાગી ગયાં.૧૯
दैत्यो नाम्ना तृणावर्तः कंसभृत्यः प्रणोदितः । चक्रवातस्वरूपेण जहारासीनमर्भकम् ।।२०।।
કંસનો ચાકર અને કંસે મોકલેલો તૃણાવર્તનામનો દૈત્ય વંટોળીયા વાયુના સ્વરૂપથી આવીને પૃથ્વી ઉપર બેઠેલા બાળક ભગવાનને હરી ગયો.૨૦
गोकुलं सर्वमावृण्वन् मुष्णंश्चक्षूंषि रेणुभिः । ईरयन् सुमहाघोरशब्देन प्रदिशो दिशः ।।२१।।
એ વંટોળીયાથી સઘળું ગોકુળ ઘેરાઇ ગયું, ધુળથી સર્વનાં નેત્રો આંધળાં જેવાં થઇ ગયાં, ભયંકર શબ્દથી દિશા અને ખુણાઓ ગાજવા લાગ્યા.૨૧
मुहूर्तमभवद् गोष्ठं रजसा तमसा।।वृतम् । सुतं यशोदा नापश्यत्तस्मिन् न्यस्तवती यतः ।।२२।।
બે ઘડીવાર સુધી સઘળું ગોકુળ ધૂળથી અને અંધારાથી ઘેરાયેલું રહ્યું. યશોદા આવીને જુએ છે તો જ્યાં પુત્રને મૂક્યા હતા ત્યાં દીઠા નહીં.૨૨
नापश्यत् कश्चनात्मानं परं चापि विमोहितः । तृणावर्तनिसृष्टाभिः शर्कराभिरुपद्रुतः ।।२३।। તૃણાવર્તે ઉડાડેલીધૂળથી ઉપદ્રવ અને મોહ થવાને લીધે કોઇ માણસ પોતાના શરીરને કે બીજાને જોઇ પણ શક્તો ન હતો.૨૩
इति खरपवनचक्रपांसुवर्षे सुतपदवीमबला।विलक्ष्य माता । अतिकरुणमनुस्मरन्त्यशोचद् भुवि पतिता मृतवत्सका यथा गौः ।।२४।।
આ પ્રમાણે કઠોર વંટોળીયાથી ધૂળનો વરસાદ થતાં પુત્રનો પત્તો નહીં મળવાથી પૃથ્વી પર પડી ગયેલાં અને પુત્રને સંભારતાં અબળા યશોદામાતા જેનો વાછડો મરી ગયો હોય, એવી ગાયની પેઠે દયામણી રીતે શોક કરવા લાગ્યાં.૨૪
रुदितमनुनिशम्य तत्र गोप्यो भृशमनुतप्तधियो।श्रुपूर्णमुख्यः । रुरुदुरनुपलभ्य नन्दसूनुं पवन उपारतपांसुवर्षवेगे ।।२५।।
પવનથી થયેલી ધુળની વૃષ્ટિનો વેગ બંધ પડયા પછી, યશોદાનું રોવું સાંભળીને બહુ જ સંતાપ પામેલી અને આંસુથી જેઓનાં મોઢાં ભરાઇ રહ્યાં છે, એવી ગોપીઓ તે જગ્યાએ ભગવાનને નહીં દેખીને રોવા લાગી.૨૫
तृणावर्तः शान्तरयो वात्यारूपधरो हरन् । कृष्णं नभोगतो गन्तुं नाशक्नोद् भूरिभारभृत् ।।२६।।
બાજુ વંટોળીયાનું રૂપ ધરનાર તૃણાવર્ત દૈત્ય ભગવાનને હરીને આકાશમાં જતાં ઘણો ભાર લાગવાથી તેનો વેગ શાંત થઇ ગયો અને પોતે ઉંચો જઇ શક્યો નહીં.૨૬
तमश्मानं मन्यमान आत्मनो गुरुमत्तया । गले गृहीत उत्स्रष्टुं नाशक्नोदद्बुतार्भकम् ।।२७।।
પોતાને ભાર લાગવાથી તૃણાવર્તે એમ માન્યું કે- હું આ કોઇ પથ્થરાને ઉપાડી આવ્યો છું, તેથી તે અદ્ભુત બાળકને તે મૂકી દેવા લાગ્યો, પણ ભગવાન તેને ગળે બાઝી રહ્યા, તેથી મૂકી શક્યો નહીં.૨૭
गलग्रहणनिश्चेष्टो दैत्यो निर्गतलोचनः । अव्यक्तरावो न्यपतत् सहबालो व्यसुर्व्रजे ।।२८।।
ગળું પકડાયાથી ચેષ્ટા રહિત થયેલો અને પૂરી ચીસ પણ નહીં નાખી શકતો તે દૈત્ય, આંખો નીકળી પડતાં મરણ પામીને વ્રજમાં પડયો.૨૮
तमन्तरिक्षात् पतितं शिलायां विशीर्णसर्वावयवं करालम् । पुरं यथा रुद्रशरेण विद्धं स्त्रियो रुदत्यो ददृशुः समेताः ।।२९।।
અંતરિક્ષમાંથી શિલા ઉપર પડેલો તે વિકરાળ દૈત્ય, કે જેના સઘળા અવયવો રૂદ્રના બાણથી વીંધાએલા ત્રણ પુરની પેઠે વીખાઇ ગયા હતા, આવા દૈત્યને, રોતી અને ભેળી થયેલી સ્ત્રીઓએ દીઠો.૨૯
प्रादाय मात्रे प्रतिहृत्य विस्मिताः कृष्णं च तस्योरसि लम्बमानम् । तं स्वस्तिमन्तं पुरुषादनीतं विहायसा मृत्युमुखात् प्रमुक्तम् । गोप्यश्च गोपाः किल नन्दमुख्या लब्ध्वा पुनः प्रापुरतीव मोदम् ।।३०।।
રાક્ષસ આકાશ માર્ગમાં લઇ ગયો તોપણ મૃત્યુના મુખથી છૂટેલા, કુશળ અને તે રાક્ષસની છાતી ઉપર લટકતા, શ્રીકૃષ્ણને તેડી લઇ યશોદાને આપી સઘળી ગોપીઓ વિસ્મય પામી ગઇ.૩૦
अहो बतात्यद्बुतमेष रक्षसा बालो निवृत्तिं गमितो।भ्यगात् पुनः । हिंस्रः स्वपापेन विहिंसितः खलः साधुः समत्वेन भयाद् विमुच्यते ।।३१।।
किं नस्तपश्चीर्णमधोक्षजार्चनं पूर्तेष्टदत्तमुत भूतसौहृदम् । यत्संपरेतः पुनरेव बालको दिष्टया स्वबन्धून् प्रणयन्नुपस्थितः ।।३२।।
જેઓના મનોરથ પૂર્ણ થયા એવા નંદાદિક ગોવાળો અને ગોપીઓ બહુ જ આનંદ પામ્યાં અને પરસ્પર બોલવા લાગ્યા કે- રાક્ષસે મારી નાખેલો આ બાળક પાછો આવ્યો, એ ભારે અદ્ભુત થયું. હિંસા કરનારો ખડપુરૂષ પોતાના પાપથી માર્યો જાય છે, અને સાધુપુરૂષો પોતાની સમતાને લીધે ભયમાંથી છૂટે છે.૩૧-૩૨
दृा।द्बुतानि बहुशो नन्दगोपो बृहद्वने । वसुदेववचो भूयो मानयामास विस्मितः ।।३३।।
આપણે તપ, ઇશ્વરનું પૂજન, જળાશયાદિકનું નિર્માણ, યજ્ઞા, દાન કે પ્રાણીઓ ઉપર શું પ્રેમ કરેલ હશે ?કે જેના પ્રભાવથી આ બાળક જે મરી ગયો હતો તે, પોતાના બંધુઓને રાજી કરતો પાછો આવ્યો; આ બહુ જ સારૂં થયું.૩૩
एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी । प्रस्न्तुं पाययामास स्तनं स्नेहपरिप्लुता ।।३४।।
ગોકુળમાં આવી રીતનાં ઘણાં ઘણાં આશ્ચર્યો જોઇને વિસ્મય પામેલા નંદરાયને વસુદેવનાં વચન ઉપર બહુ જ વિશ્વાસ બેઠો.૩૪
पीतप्रायस्य जननी सा तस्य रुचिरस्मितम् । मुखं लालयती राजञ्जृम्भतो ददृशे इदम् ।।३५।।
એક દિવસે સ્નેહથી વ્યાપ્ત થયેલાં યશોદા બાળકને લઇ, ખોળામાં બેસાડી, તેને પોતાનું દુધપાન કરાવતાં હતાં.૩૫
खं रोदसी ज्योतिरनीकमाशाः सूर्येन्दुवह्निश्वसनाम्बुधींश्च । द्वीपान् नगांस्तद्दुहितर्वनानि भूतानि यानि स्थिरजङ्गमानि ।।३६।।
सा वीक्ष्य विश्वं सहसा राजन्! सञ्जातवेपथुः । म्मील्य मृगशावाक्षी नेत्रे आसीत् सुविस्मिता ।।३७।।
ધાવી રહ્યા પછી તે બાળકના સુંદર મંદહાસ્યવાળા મુખને યશોદા લાડ લડાવતાં હતાં, ત્યાં તે બાળકને બગાસું આવતાં તેના મુખમાં અંતરિક્ષ, સ્વર્ગ, પૃથ્વી, તારામંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્રો, દ્વીપ, પર્વતો, નદીઓ, વન અને સઘળાં સ્થાવર જંગમ પ્રાણીઓને દીઠાં.૩૬-૩૭
सा वीक्ष्य विश्वं सहसा राजन् संजातवेपथुः । संमील्य मृगशावाक्षी नेत्रे आसीत्सुविस्मिता ।६८
હે પરીક્ષિત રાજા ! સઘળા બ્રહ્માંડને જોઇને તુરત જેને કંપ ઉત્પન્ન થયો, અને વિસ્મય પ્રાપ્ત થયો એવાં મૃગનેત્રી યશોદા પોતાનાં નેત્ર મીંચી ગયાં.૩૮
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे तृणावर्तमोक्षो नाम सप्तमो ।ध्यायः ।।७।।
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સાતમો અધ્યાય સંપૂર્ણ.