।। श्रीशुकउवाच ।।
नंदः पथि वचः शौरेर्नमृषेतिविचिन्तयन् । हरिं जगाम शरणमुत्पातागमशंकितः ।।१।।
વસુદેવનું વચન ખોટું ન હોય એમ માર્ગમાં વિચાર કરતા અને ઉત્પાત થવાની શંકા રાખતા નંદરાય ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા.૧
कंसेन प्रहिता घोरा पूतना बालघातिनी । शिशूंश्चचार निघ्नन्ती पुरग्रामव्रजादिषु ।।२।।
કંસે મોકલેલી અને બાળકોને મારનારી પૂતના, પુર, ગામડાં અને વ્રજાદિકમાં બાળકોને મારતી મારતી ફરતી હતી.૨
न यत्र श्रवणादीनि रक्षोघ्नानि स्वकर्मसु । कुर्वन्ति सात्वतां भर्तुर्यातुधान्यश्च तत्र हि ।।३।।
ભગવદ્ગુણના શ્રવણ મનનાદિક જે છે એ રાક્ષસોને હણનાર છે, ભગવદ્ગુણના શ્રવણ મનનાદિક જ્યાં ન હોય તે સ્થળમાં રાક્ષસીઓ પોતાનું કામ કરી શકે છે.૩
सा खेचर्येकदोपेत्य पूतना नन्दगोकुलम् । योषित्वा मायया।।त्मानं प्राविशत् कामचारिणी ।।४।।
આકાશમાં ફરનારી અને યથેષ્ટ રીતે ચાલનારી પૂતના એક દિવસ નંદરાયના વ્રજમાં આવીને માયાથી પોતાના શરીરનો કોઇ ઉત્તમ સ્ત્રી જેવો વેષ બનાવી અંદર પેઠી.૪
तां केशबन्धव्यतिषक्तमल्लिकां बृहन्नितम्बस्तनकृच्छ्रमध्यमाम् । सुवाससं कम्पितकर्णभूषणत्विषोल्लसत्कुन्तलमण्डिताननाम् ।।५।।
એના ચોટલામાં મલ્લિકાનાં ફુલ ગુંથેલાં હતાં. મોટા નિતંબ અને સ્તનના ભારથી કેડ લચકી જતી હતી. ઉત્તમ વસ્ત્ર પહેર્યાં હતાં, હાલતાં કુંડળની કાંતિને લીધે ઝળકતા કેશોથી મોઢું શોભી રહ્યું હતું.૫
वल्गुस्मितापाङ्गविसर्गवीक्षितैर्मनो हरन्तीं वनितां व्रजौकसाम् । अमंसताम्भोजकरेण रूपिणीं गोप्यं श्रियः द्रष्टुमिवागतां पतिम् ।।६।।
સુંદર મંદ હાસ્યથી યુક્ત અને નેત્રકટાક્ષથી ગોવાળોનાં મન હરાઇ ગયાં હતાં, તેથી કોઇ ગોવાળોએ તેને અટકાવી નહીં, અને હાથમાં કમળ હોવાથી તે ભગવાનનાં દર્શન સારૂં દેહ ધરીને આવેલી લક્ષ્મી જેવી લાગતી હતી, તેથી ગોપીઓ પણ ચુપ થઇ ગઇ.૬
बालग्रहस्तत्र विचिन्वती शिशून् यदृच्छया नन्दगृहे।सदन्तकम् । बालं प्रतिच्छन्ननिजोरुतेजसं ददर्श तल्पे।ग्निमिवाहितं भसि ।।७।।
બાળકોને શોધતી આવતી બાળગ્રહરૂપ પૂતનાએ, યદૃચ્છાથી નંદરાયના ઘરમાં સ્વાભાવિક મોટા તેજથી ઢંકાયેલ હોવાથી રાખથી ઢંકાયેલા અગ્નિની ઉપમા ધરાવનાર અને દુષ્ટ પ્રાણીઓના કાળરૂપ એવા તે બાળકને જોયા.૭
विबुध्य तां बालकमारिकाग्रहं चराचरात्मा।।स निमीलितेक्षणः । अनन्तमारोपयदङ्कमन्तकं यथोरगं सुप्तमबुद्धिरज्जुधीः ।।८।।
સ્થાવર જંગમોના આત્મારૂપ શ્રીકૃષ્ણ ભગવાન, તેને બાળકોને મારનારી પૂતના જાણીને નેત્ર મીંચી ગયા, પછી મૂર્ખ માણસ જેમ દોરડી સમજીને સૂતેલા સર્પને લઇ લે, તેમ તે પૂતનાએ પોતાના કાળરૂપ ભગવાનને પોતાના ખોળામાં લીધા.૮
तां तीक्ष्णचित्तामतिवामचेष्टितां वीक्ष्यान्तरा कोशपरिच्छदासिवत् । वरस्त्रियं तत्प्रभया च धर्षिते निरीक्षमाणे जननी ह्यतिष्ठताम् ।।९।।
મ્યાનમાં ઢાંકેલી તલવારની પેઠે ઉપરથીકોમળ અને અંદર બહુ જ તીક્ષ્ણ અને ભૂંડાં કામ કરનારી પૂતનાને ઘરની અંદર આવેલી જોઇ તથા તેને ઉત્તમ સ્ત્રી જાણીને રોહિણી અને યશોદા પણ તેની કાંતિથી મોહ પામી ગયાંહતાં, તેઓ કેવળ ઉભાં રહી જોયા કરતાં હતાં.૯
तस्मिन् स्तनं दुर्जरवीर्यमुल्बणं घोराङ्कमादाय शिशोर्ददावथ । गाढं कराभ्यां भगवान् प्रपीडय तत् प्राणैः समं रोषसमन्वितो।पिबत् ।।१०।।
તે સ્થળમાં દુષ્ટ પૂતનાએ બાળક શ્રીકૃષ્ણ ભગવાનને ખોળામાં લઇ, તેમના મોઢામાં ભયંકર અને ન પચે એવા ઝેરથી ભરેલું પોતાનું સ્તન દીધું. ક્રોધવાળા ભગવાન એ સ્તનને બે હાથવડે બહુ જ દબાવીને તે પૂતનાના પ્રાણની સાથે પીવા લાગ્યા.૧૦
सा मुञ्च मुञ्चालमिति प्रभाषिणी निष्पीडयमानाखिलजीवमर्मणि । विवृत्य नेत्रे चरणौ भुजौ मुहुः प्रस्विन्नगात्रा क्षिपती रुरोद ह ।।११।।
સર્વ અંગોમાં પીડાતી પૂતના ''મૂકી દે મૂકી દે'' એમ બોલવા લાગી, આંખો ફાટી ગઇ, શરીરમાં પસીનો વળી ગયો, વારંવાર હાથ અને પગ પછાડતી રોવા
લાગી.૧૧
तस्याः स्वनेनातिगभीररंहसा साद्रिर्मही द्यौश्च चचाल सग्रहा । रसा दिशश्च प्रतिनेदिरे जनाः पेतुः क्षितौ वज्रनिपातशङ्कया ।।१२।।
અત્યંત ગંભીર વેગવાળા તે પૂતનાના શબ્દથી પર્વત સહિત પૃથ્વી અને ગ્રહો સહિત આકાશ ચલાયમાન થઇ ગયાં. પાતાળ અને દિશાઓમાંથી પડઘા પડયા અને વજ્ર પડવાની શંકાથી મનુષ્યો ધરતી ઉપર પડી ગયાં.૧૨
निशाचरीत्थं व्यथितस्तना व्यसुर्व्यादाय केशांश्चरणौ भुजावपि । प्रसार्य गोष्ठे निजरूपमास्थिता वज्राहतो वृत्र इवापतन्नृप! ।।१३।।
આ પ્રમાણે સ્તનમાં વ્યથા થતાં મરણ સમયે પોતાનું પ્રથમનું રૂપ ધરીને એ રાક્ષસી વજ્રથી મરણ પામેલા વૃત્રાસુરની પેઠે વ્રજમાં પડી. મરણ પામેલી એ રાક્ષસીનું મોઢું ફાટી ગયું હતું. કેશ છૂટી ગયા અને પગ તથા હાથ લાંબા થઇ ગયા હતા.૧૩
पतमानो।पि तद्देहस्त्रिगव्यूत्यन्तरद्रुमान् । चूर्णयामास राजेन्द्र! महदासीत्तदद्बुतम् ।।१४।।
હે પરીક્ષિત રાજા ! એ પૂતનાનો દેહ પડતાં પડતાં છ ગાઉની અંદરનાં વૃક્ષોનો ભૂકો કરી નાખ્યો, આવું એક મોટું આશ્ચર્ય થયું.૧૪
ईषामात्रोग्रदंष्ट्रास्यं गिरिकन्दरनासिकम् । गण्डशैलस्तनं रौद्रं प्रकीर्णारुणमूर्धजम् ।।१५।।
એ ભયંકર પૂતનાના મોઢામાં હળના જેવી લાંબી અને ઉગ્ર દાઢો હતી, નાક પર્વતની ગુફા જેવું હતું, સ્તન પર્વતમાંથી પડેલા મોટા પથ્થરા જેવડા હતા, કેશ વીખરાએલા અને રાતા હતા.૧૫
अन्धकूपगभीराक्षं पुलिनारोहभीषणम् । बद्धसेतुभुजोर्वङ्घ्रि शून्यतोयहृदोदरम् ।।१६।।
આંખો અંધારા કુવા જેવી ઉંડી હતી, નિતંબ નદીના કાંઠા જેવા ભયંકર હતા, હાથ, સાથળ અને પગ જાણે સડક બાંધી હોય એવા હતા, પેટ પાણી વગરના ધ્રો જેવું હતું.૧૬
सन्तत्रसुः स्म तद् वीक्ष्य गोपा गोप्यः कलेवरम् । पूर्वं तु तन्निःस्वनितभिन्नहृत्कर्णमस्तकाः ।।१७।।
ગોવાળિયા અને ગોપીઓેનાં હૃદય, કાન અને માથાં પ્રથમ જ પુતનાના શબ્દથી જાણે ફાટી ગયાં હોય તેવાં થઇ ગયાં હતાં એવી પૂતનાના શરીરને જોઇ ત્રાસ પામ્યા.૧૭
बालं च तस्या उरसि क्रीडन्तमकुतोभयम् । गोप्यस्तूर्णं समभ्येत्य जगृहुर्जातसम्भ्रमाः ।।१८।।
ગોપીઓએ ઘણા સંભ્રમથી તુરત આવીને પુતનાની છાતી ઉપર નિર્ભય રીતે રમતા બાળક એવા ભગવાનને તેડી લીધા.૧૮
यशोदारोहिणीभ्यां ताः समं बालस्य सर्वतः ।रक्षां विदधिरे सम्यग्गोपुच्छभ्रमणादिभिः ।।१९।।
યશોદા અને રોહિણીની સાથે તે સઘળી ગોપીઓએ તે બાળક ઉપર ગાયનાં પૂંછડાં ફેરવવા આદિ ક્રિયાઓથી સારી રીતે રક્ષા કરી.૧૯
गोमूत्रेण स्नपयित्वा पुनर्गोरजसार्भकम् । रक्षां चक्रुश्च शकृता द्वादशाङ्गेषु नामभिः ।।२०।।
બાળકને ગોમૂત્રથી, ગાયની રજથી અને ગાયનાં છાણથી નવરાવી, તેનાં બાર અંગોમાં ભગવાનનાં નામોથી રક્ષા કરી.૨૦
गोप्यः संस्पृष्टसलिला अङ्गेषु करयोः पृथक् । न्यस्यात्मन्यथ बालस्य बीजन्यासमकुर्वत ।।२१।।
પછી કાંઇક ધારણા મળતાં ગોપીઓએ આચમન લઇને પોતાના શરીરમાં પ્રથમ અંગન્યાસ તથા કરન્યાસ પૃથક્ પૃથક્ કરીને પછી બાળકના અંગમાં પણ બીજન્યાસ કર્યો.૨૧
अव्यादजो।ङ्घ्रि मणिमांस्तव जान्वथोरू यज्ञो।च्युतः कटितटं जठरं हयास्यः । हृत् केशवस्त्वदुर ईश इनस्तु कण्ठं विष्णुर्भुजं मुखमुरुक्रम ईश्वरः कम् ।।२२।।
અજ ભગવાન તારા પગની, અણિમાન્ તારા ગોઠણની, યજ્ઞાનારાયણ તારા સાથળની, અચ્યુત કટિની, હયગ્રીવ પેટની, કેશવ હૃદયની, ઇશ તારા વક્ષસ્થળની, ઇન્દ્ર કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉરૂક્રમ મુખની અને ઇશ્વર મસ્તકની રક્ષા કરજો.૨૨
चक्रयग्रतः सहगदो हरिरस्तु पश्चात् त्वत्पार्श्वयोर्धनुरसी मधुहाजनश्च । कोणेषु शङ्ख उरुगाय उपर्युपेन्द्रस्तार्क्ष्यः क्षितौ हलधरः पुरुषः समन्तात् ।।२३।।
ચક્ર ધરનારા ભગવાન તારી આગળ રહેજો, ગદા ધરનારા ભગવાન તારી પાછળ રહેજો, ધનુષ ધરનારા મધુહ ભગવાન અને ખડ્ગ ધરનારા અજન ભગવાન તારાં બે પડખામાં રહેજો, શંખ ધરનારા ઉરૂગાય ભગવાન તારા ચારે ખુણામાં રહેજો, ઉપેન્દ્ર ભગવાન ઉપર રહેજો, તાર્ક્ષ્ય ભગવાન નીચે રહેજો, હળધર ભગવાન સઘળી કોર રહેજો.૨૩
इन्द्रियाणि हृषीकेशः प्राणान् नारायणो।वतु । श्वेतद्वीपपतिश्चित्तं मनो योगेश्वरो।वतु ।।२४।।
ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયની રક્ષા કરજો, નારાયણ પ્રાણની રક્ષા કરજો, શ્વેતદ્વીપપતિ ભગવાન ચિત્તનું રક્ષણ કરજો, યોગેશ્વર ભગવાન મનનું રક્ષણ કરજો.૨૪
पृश्निगर्भस्तु ते बुद्धिमात्मानं भगवान् परः । क्रीडन्तं पातु गोविन्दः शयानं पातु माधवः ।।२५।।
व्रजन्तमव्याद् वैकुण्ठ आसीनं त्वां श्रियः पतिः । भुञ्जानं यज्ञाभुक् पातु सर्वग्रहभयङ्करः ।।२६।।
પૃશ્નિગર્ભ ભગવાન તારી બુદ્ધિની અને પર ભગવાન તારા અહંકારની રક્ષા કરજો, રમતાં ગોવિંદ ભગવાન, સૂતાં માધવ ભગવાન, ચાલતાં વૈકુંઠ ભગવાન, બેસતાં લક્ષ્મીના પતિ, અને જમતાં યજ્ઞાભોક્તા ભગવાન તારી રક્ષા કરજો, કે જે સર્વ ગ્રહોને ત્રાસ ઉપજાવે એવા છે.૨૫-૨૬
डाकिन्यो यातुधान्यश्च कूष्माण्डा ये।र्भकग्रहाः । भूतप्रेतपिशाचाश्च यक्षरक्षोविनायकाः ।।२७।।
कोटरा रेवती ज्येष्ठा पूतना मातृकादयः । उन्मादा ये ह्यपस्मारा देहप्राणेन्द्रियद्रुहः ।।२८।।
स्वप्नदृष्टा महोत्पाता वृद्धबालग्रहाश्च ये । सर्वे नश्यन्तु ते विष्णोर्नामग्रहणभीरवः ।।२९।।
ડાકણો, રાક્ષસીઓ, કુષ્માંડ, બાળગ્રહ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ, વિનાયક, કોટરા, રેવતી,જ્યેષ્ઠા, પૂતના, માતૃકાદિક, ઉન્માદ, અપસ્માર અને બીજા પણ જેઓ દેહ, પ્રાણ તથા ઇન્દ્રિયોનો દ્રોહ કરનારા છે તેઓ સઘળા નાશ પામજો. સ્વપ્નમાં દેખેલા મોટા ઉત્પાત અને વૃદ્ધ તથા બાળકના ગ્રહો, કે જેઓ વિષ્ણુનું નામ લેવાથી બીએ છે, તેઓ સઘળા તારી પાસેથી જતા રહેજો.૨૭-૨૯
श्रीशुक उवाच - इति प्रणयबद्धाभिर्गोपीभिः कृतरक्षणम् । पाययित्वा स्तनं माता संन्यवेशयदात्मजम् ।।३०।।
આ પ્રમાણે સ્નેહથી બંધાએલી ગોપીઓએ જેની રક્ષા કરી, એવા પુત્રને યશોદાએ સ્તનપાન કરાવીને સુવાડયા.૩૦
तावन्नन्दादयो गोपा मथुराया व्रजं गताः । विलोक्य पूतनादेहं बभूवुरतिविस्मिताः ।।३१।।
नूनं बतर्षिः संजातो योगेशो वा समास सः । स एव दृष्टो ह्युत्पातो यदाहानकदुन्दुभिः ।।३२।।
તેટલામાં મથુરાથી વ્રજમાં આવેલા નંદાદિક ગોવાળિયાઓ પૂતનાના શબને જોઇને બહુ જ વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે- વસુદેવ તો અવશ્ય ઋષિ કે યોગેશ્વર જન્મેલ છે. કેમકે, તેમણે જેવું કહ્યું હતું તેવો જ ઉત્પાત જોવામાં આવ્યો.૩૧-૩૨
कलेवरं परशुभिश्छित्त्वा तत्ते व्रजौकसः । दूरे क्षिप्त्वावयवशो न्यदहन् काष्ठधिष्ठितम् ।।३३।।
પછી તે ગોવાળોએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપી, સઘળા અવયવોને દૂર ફેંકી, બાકીના ભાગને લાકડાંઓમાં નાખીને બાળી નાખ્યો.૩૩
दह्यमानस्य देहस्य धूमश्चागुरुसौरभः । उत्थितः कृष्णनिर्भुक्तसपद्याहतपाप्मनः ।।३४।।
ભગવાને ઉપભોગ કર્યો હોવાથી જેનાં પાપ તુરત નાશ પામી ગયાં, એવો એ પૂતનાનો દેહ બળતાં તેમાંથી અગરૂના જેવો સુગંધી ધુમાડો નીકળ્યો.૩૪
पूतना लोकबालघ्नी राक्षसी रुधिराशना । जिघांसयापि हरये स्तनं दत्त्वा।।प सद्गतिम् ३५।।
किं पुनः श्रद्धया भक्त्या कृष्णाय परमात्मने । यच्छन् प्रियतमं किं नु रक्तास्तन्मातरो यथा ।।३६।।
બાળકોને હણનારી અને રૂધિરનું ભક્ષણ કરનારી પૂતના મારી નાખવાની ઇચ્છાથી પણ ભગવાનને ધવરાવીને મુક્તિ પામી ગઇ, તો પછી શ્રદ્ધાથી અને ભક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય વસ્તુનું અર્પણ કરનારો માણસ મોક્ષ પામે તેમાં તો કહેવું જ શું ? જે ગાયો વત્સાહરણની લીલામાં ભગવાનની માતાઓ થઇ હતી તેઓ પણ મુક્તિ પામી છે.૩૫-૩૬
पद्भ्यां भक्तहृदिस्थाभ्यां वन्द्याभ्यां लोकवन्दितैः । अङ्गं यस्याः समाक्रम्य भगवानपिबत् स्तनम् ।।३७।।
यातुधान्यपि सा स्वर्गमवाप जननीगतिम् । कृष्णभुक्तस्तनक्षीराः किमु गावो नु मातरः ।।३८।।
ભક્તોના હૃદયમાં રહેનાર અને લોકવંદિત દેવતાઓએ પણ વંદન કરવા યોગ્ય, એવાં ચરણથી જે પુતનાના અંગને દબાવીને ભગવાને સ્તનપાન કર્યું, તે રાક્ષસી પૂતના પણ તેમની માને લાયક ગતિને પામી ગઇ, ત્યારે ગાયો અને ગોપીઓ કે જેઓના દુધને ભગવાન પીતા હતા તેઓને સદ્ગતિની પ્રાપ્તિ થાય તેમાં શું કહેવું ?૩૭-૩૮
पयांसि यासामपिबत् पुत्रस्नेह्स्न्ुतान्यलम् । भगवान् देवकीपुत्रः कैवल्याद्यखिलप्रदः ।।३९।।
तासामविरतं कृष्णे कुर्वतीनां सुतेक्षणम् । न पुनः कल्पते राजन् संसारो।ज्ञानसम्भवः ।।४०।।
પુત્રના સ્નેહને લીધે પાનો આવવાથી બહુ જ ઝરતાં જે માતાઓના દુધને દેવકીના પુત્ર અને મોક્ષાદિક સર્વ પુરૂષાર્થ આપનારા ભગવાને પીધાં, તે માતાઓ કે- જેઓ નિરંતર ભગવાનમાં પુત્ર દૃષ્ટિ રાખતી હતી, તે માતાઓને અજ્ઞાનથી થતો સંસારનો ફેરો બીજીવાર થવો ન જ સંભવે.૩૯-૪૦
कटधूमस्य सौरभ्यमवघ्राय व्रजौकसः । किमिदं कुत एवेति वदन्तो व्रजमाययुः ।।४१।।
જે વ્રજવાસીઓ પૂતનાના આવ્યા પહેલાં ગાયો ચારવા નીકળીગયા હતા, તે વ્રજવાસીઓ શબના ધુમાડાના સુગંધને સુંઘી 'આ શું અને શાથી થયું ?' એમ બોલતા વ્રજમાં આવ્યા.૪૧
ते तत्र वर्णितं गोपैः पूतनागमनादिकम् । श्रुत्वा तन्निधनं स्वस्ति शिशोश्चासन् सुविस्मिताः ।।४२।।
તેઓ વ્રજમાં ગોવાળોના કહેવાથી પૂતનાનું આવવું અને તેનું મરણ અને તેથી બાળકનું કુશળ રહેવું, સાંભળીને બહુ જ વિસ્મય પામ્યા.૪૨
नन्दः स्वपुत्रमादाय प्रेत्यागतमुदारधीः । मूर्ध्न्युपाघ्राय परमां मुदं लेभे कुरुद्वह! ।।४३।।
હે રાજા ! ઉદાર બુદ્ધિવાળા નંદરાય, જાણે મરી જઇને પાછા આવેલ હોય એવા તાના પુત્રને તેડી, તેનું માથું સુંઘી, પરમ આનંદ પામ્યા.૪૩
य एतत् पूतनामोक्षं कृष्णस्यार्भकमद्बुतम् । शृणुयाच्छ्रद्धया मर्त्यो गोविन्दे लभते रतिम् ।।४४।।
જે માણસ પૂતનાને મોક્ષ આપવારૂપ આ શ્રીકૃષ્ણનાં અદ્ભુત બાળચરિત્રને શ્રદ્ધાથી સાંભળશે તેને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થશે. ૪૪
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षष्ठो।ध्यायः ।।६।।
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.