અધ્યાય ૪૩ - અખાડાના દ્વારમાં કુવલ્યાપીડ હાથીને મારીને, મલ્લના અખાડામાં પ્રવેશ કરતા શ્રીકૃષ્ણ ભગવાન તથા બળદેવજી.

શુકદેવજી કહે છે- હે પરીક્ષિત રાજા ! ''અમે ધનુષનો ભંગ આદિ કર્મ કરી અમારૃં ઐશ્વર્ય સૂચન કરાવી દીધું છે, તોપણ અમારા માતા-પિતાને આ છોડતો નથી અને અમને પણ મારવા ઇચ્છે છે, તેથી આ મામાને મારતાં અમને કાંઇ પણ દોષ નથી.'' આ પ્રમાણે પહેલે દિવસે જેઓએ પોતાની પવિત્રતા કરી લીધી હતી. એવા શ્રીકૃષ્ણ અને બળદેવજી મલ્લોના નગારાંનો શબ્દ સાંભળી જોવા સારૃં આવ્યા.૧

અખાડાના દ્વારથી આગળ આવ્યા, ત્યાં તે ઠેકાણે ઉભેલો કુવલ્યાપીડ નામનો હાથી કે જેને અંબષ્ઠ (મહાવત) હાંકતો હતો તેને ભગવાને દીઠો.૨

ભેઠ બાંધી તથા પોતાના વાંકા કેશ બાંધીને ભગવાને મેઘની ગર્જના સરખી ગંભીર વાણીથી એ હાથીના રક્ષક અંબષ્ઠને કહ્યું કે - 'હે અંબષ્ઠ ! હે અંબષ્ઠ ! અમને માર્ગ દે. તુરત ખસી જા, અને જો નહીં ખસે તો તને તથા તારા હાથીને હમણાં યમપુરીમાં મોકલી આપીશ.૩-૪ 

આ પ્રમાણે તરછોડેલા અને કોપેલા અંબષ્ઠે મૃત્યુ, મૃત્યુનું નિમિત્તકાળ અને મૃત્યુના નિયંતા યમ જેવા હાથીને ભગવાનની સામે હાંક્યો.૫

હાથીએ સામે દોડી તરત પોતાની સુંઢથી ભગવાનને પકડયા. ભગવાન પણ સુંઢમાંથી છટકી તથા તેને મૂઠી મારીને તેના ચાર પગમાં છૂપી રહ્યા.૬

ભગવાનને નહીં દેખતાં ક્રોધ પામેલા અને સુંઘીને જાણનાર તે હાથી વળી ભગવાનને પકડયા પણ બળાત્કારથી તે નીકળી ગયા.૭

ગરૃડ જેમ નાગને ખેંચે તેમ ભગવાન મોટા બળવાળા હાથીને તેનું પુછડું પકડીને લીલા માત્રથી પચીસ ધનુષ જેટલે દૂર સુધી પાછળ પગે ખેંચ્યો.૮

પછી જેમ કોઇ બાળક, ચારે બાજુ ફરતા ગાયના વાછરડાંની સાથે ફરે, તેમ બાળકરૃપ શ્રીકૃષ્ણ ડાબી અને જમણી કોર ફર્યા કરતા તે હાથીની સાથે ફરવા લાગ્યા.૯

પછી સામે આવી પોતાના હાથથી તે હાથીને પ્રહાર કરી, ભગવાન એ હાથીને પાડી નાખવા એ રીતે દોડયા, કે જાણે હમણાં હાથી ભગવાનનો સ્પર્શ કરી જશે.૧૦

દોડતા ભગવાન ક્રીડાથી પૃથ્વી ઉપર પડીને પાછા તુરત ઉઠી ગયા. ભગવાનને પડેલા માની તે ક્રોધી હાથીએ ભગવાનને મારવા પોતાના દાંત ધરતીમાં માર્યા.૧૧

પોતાનું પરાક્રમ વ્યર્થ જતાં બહુ જ ક્રોધ પામેલા અને મહાવતો જેને હાંક્યા કરતા હતા, એવો હાથી ક્રોધથી ભગવાનની સામે દોડયો.૧૨

તે આવતા હાથીની સામે જઇ ભગવાને પોતાના હાથથી તેની સૂંઢ પકડીને તેને પાડી નાખ્યો.૧૩

એ પડેલા હાથીને સિંહની પેઠે પગથી દબાવી રમત માત્રમાં તેનો દાંત ખેંચી લઇને તે જ દાંતથી હાથીને તથા તેના રક્ષકો મહાવતોને માર્યા.૧૪

મરી ગયેલા હાથીને છોડી દઇ તેનો દાંત હાથમાં લઇને ભગવાન અખાડામાં પધાર્યા. હાથીનો દાંત ખભા ઉપર રાખ્યો હતો. પોતાના શરીરમાં તે હાથીના મદ તથા લોહીના છાંટા ઉડયા હતા.૧૫

અને મુખારવિંદ ઉપર પરસેવાનાં બિંદુઓ લાગી રહેલાં હોવાથી શોભતા હતા. હે રાજા ! કેટલાક ગોવાળોથી વીંટાએલા અને હાથીના દાંતરૃપી ઉત્તમ આયુધવાળા એ બન્ને ભાઇઓ અખાડાના સ્થાનકમાં પ્રવેશ કર્યો.૧૬

મલ્લોને વજ્રરૃપ જણાતા, મનુષ્યોને ઉત્તમ મનુષ્ય જણાતા, સ્ત્રીઓને દેહધારી કામદેવરૃપ જણાતા, ગોવાળોને સંબંધીજન જણાતા, દુષ્ટ રાજાઓને દંડ આપનાર જણાતા, પોતાના મા-બાપને બાળકરૃપ જણાતા, કંસને મૃત્યુરૃપ જણાતા, અજ્ઞાનીઓને લોહીથી ખરડવાને લીધે બીભત્સની સમાન જણાતા, યોગીઓને પરમાત્મારૃપે જણાતા અને યાદવોને પરમ દૈવતરૃપ જણાતા શ્રીકૃષ્ણ ભગવાન પોતાના મોટા ભાઇની સાથે અખાડામાં ગયા.૧૭

હે રાજા ! કુવલ્યાપીડ હાથીને મારેલો જાણી તે બન્ને ભાઇઓને જીતવા કઠણ જાણી, કંસ દૃઢ મનવાળો છતાં પણ તે સમયે બહુ જ ઉદ્વેગ પામ્યો.૧૮

અખાડામાં આવેલા મોટા હાથવાળા, પોતાની કાંતિથી જોનારાઓના મનનું હરણ કરતા અને જેઓ વિચિત્ર વેષના આભરણ, માળાઓ અને વસ્ત્રો ધાર્યાં હતાં. એવા બન્ને ઉત્તમ વેષ ધારણ કરનાર બે નટની પેઠે શોભતા હતા.૧૯ 

એ બે ઉત્તમ પુરૃષને જોઇને જેનાં મોઢાં તથા નેત્ર આનંદના વેગથી પ્રફુલ્લિત થયાં છે એવા રાજાઓ, નગરના લોકો અને દેશના લોકો તેમના મુખારવિંદને આસક્ત પૂર્વક જોવા લાગ્યા, છતાં જોતાં તૃપ્તિ પામતા ન હતા. તેથી નેત્રથી પાન કરતા હોયને શું ? જીહ્વાથી ચાટતા હોયને શું ? નાકથી સુંઘતા હોયને શું ? અને હાથથી આલિંગન કરતા હોયને શું ? એમ જણાતા હતા.૨૦-૨૧

ભગવાનનાં રૃપ, ગુણ, મધુરતા અને પ્રૌઢપણાએ જાણે સ્મરણ આપેલું હોય એવી રીતે સર્વે લોકો ભગવાનનાં દેખેલાં અને સાંભળેલાં પરાક્રમો વિષે વાતો કરવા લાગ્યા.૨૨

આ બન્ને જણ સાક્ષાત્ નારાયણના અંશથી અહીં વસુદેવના ઘરમાં અવતરેલા છે.૨૩

આ કૃષ્ણ દેવકીના ઉદરથી જન્મતાં તેમને ગોકુળમાં લઇ જવામાં આવેલ છે અને આટલા વર્ષ સુધી નંદરાયના ઘરમાં ગુપ્ત રહીને મોટા થયેલ છે.૨૪

પૂતના, તૃણાવર્ત, યમલાર્જુન, શંખચુડ, કેશી, ધેનુકાસુર અને બીજા પણ એવા દુષ્ટ લોકોને આ કૃષ્ણે મારેલા છે.૨૫

આ કૃષ્ણે ગોવાળો અને ગાયોને દાવાનળમાંથી બચાવેલી હતી, કાલિય નાગનું દમન કર્યું હતું અને ઇંદ્રનો મદ ઉતાર્યો હતો.૨૬

સાત દિવસ સુધી એક હાથથી ગોવર્ધન પર્વત ધર્યો હતો અને વરસાદ, પવન તથા કડાકાથી ગોકુળનું રક્ષણ કર્યું હતું.૨૭

આનું મુખ કે જેમાં જોવું અને હસવું નિરંતર આનંદ ભરેલું જ છે, તેને પ્રેમથી જોયા કરતી ગોપીઓ વગર પરિશ્રમે અનેક પ્રકારનાં તપો કરતી હતી.૨૮

કહેવાય છે કે આ કૃષ્ણવડે રક્ષા કરાએલો યદુવંશ બહુ જ પ્રખ્યાત થઇને લક્ષ્મી, યશ તથા મોટાઇને પામશે.૨૯

આ કમળ સરખા નેત્રવાળા બળદેવ આ શ્રીકૃષ્ણના મોટાભાઇ થાય છે, કે જેણે પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુર આદિને માર્યા છે. (વત્સાસુર તથા બકાસુરનો વધ શ્રીકૃષ્ણે કરેલો છે, છતાં રામચરિત્રને વિષે બળદેવજી દ્વારા વર્ણવાએલો છે. અને ધેનુકાસુરનો વધ બળદેવજીએ કરેલો છે, છતાં શ્રીકૃષ્ણ ચરિત્રને વિષે કૃષ્ણ દ્વારા વર્ણવાએલો છે.)૩૦

આ પ્રમાણે લોકો વાતો કરતા હતા અને વાજાં વાગતાં હતાં તે સમયમાં ચાણુરમલ્લે શ્રીકૃષ્ણ અને બલરામને બોલાવીને કહ્યું હે નંદના પુત્ર ! હે બલરામ ! તમો બન્ને જણા વીર લોકોમાં માન પામેલા અને મલયુદ્ધ કરવામાં કુશળ છો, એમ સાંભળી તે મલયુદ્ધ જોવાની ઇચ્છાથી રાજાએ તમોને અહીં બોલાવેલા છે.૩૧-૩૨

જે પ્રજા મનથી, કર્મથી અને વાણીથી રાજાને પ્રસન્ન કરે તેનું કલ્યાણ થાય છે, અને એથી વિરૃદ્ધ ચાલે તેનું અકલ્યાણ થાય છે.૩૩

ગાયો અને વાછરડાંઓનું પાલન કરનારા લોકો વનમાં નિરંતર આનંદ કરે છે અને મલ્લયુદ્ધની ક્રીડાઓ કરતાં ગાયોને ચારે છે એ વાત પ્રસિદ્ધ જ છે.૩૪

માટે અમારે અને તમારે રાજાનું પ્રિય કરવું જોઇએ. રાજા પ્રસન્ન થાય એટલે સર્વે પ્રાણીઓ પ્રસન્ન થયાં એમ સમજવું, કેમ કે રાજા સર્વ દેવતારૃપ છે.૩૫

મલ્લયુદ્ધ પોતાને પ્યારૃ માનતા શ્રીકૃષ્ણ ભગવાન એ ચારૃણનું વચન સાંભળી તથા તેનો સત્કાર કરી દેશકાળને અનુસરતું વચન બોલ્યા કે- તમો અને વનમાં ફરનારા અમો પણ કંસ રાજાની પ્રજા છીએ, માટે આપણે નિરંતર કંસ રાજાને રાજી કરવા જોઇએ જ અને એવી રીતની આપણને રાજાની આજ્ઞા મળે એજ મોટો અનુગ્રહ સમજવો.૩૬-૩૭

પરંતુ અમો બાળક છીએ માટે અમારા સરખા સાથે લડીશું, કેમકે મલ્લયુદ્ધ યોગ્ય રીતે થાય તો મલ્લોની સભાના અધિકારીઓને અધર્મનો સ્પર્શ ન થાય.૩૮

ચાણુર બોલ્યો કે- તું બાળક નથી અને કિશોર પણ નથી; કેમકે તેં દસહજાર હાથીના બળવાળા કુવલ્યાપીડ હાથીને રમતાં રમતાં મારી નાખ્યો. તેમજ બલદેવ પણ બળવાળાઓમાં ઉત્તમ છે.૩૯

માટે તમો બન્ને ભાઇઓએ બળવાળાની સાથે લડવું પડશે એમાં કાંઇ પણ અનીતિ નથી. હે કૃષ્ણ ! તું મારી સાથે લડ અને બળદેવે મુષ્ટિકની સાથે લડવું.૪૦