અધ્યાય ૪૨ - શ્રીકૃષ્ણ ભગવાને કુબજાનો ઉદ્ધાર તથા ધનુષનો ભંગ કર્યો.

શુકદેવજી કહે છે- પછી રાજમાર્ગમાં ચાલતા ભગવાને એક કુબડાં મોઢાવાળી યુવાન કુબ્જા સ્ત્રી, કે જેણે શરીરમાં લેપન કરવાના ચંદનનું પાત્ર હાથમાં લીધું હતું તેને જતી દીઠી. તેને જોઇને સુખ આપનારા ભગવાને પુછયું કે- હે સુંદરી ! હે ઉત્તમ સાથળવાળી ! તું કોણ છે ? અને આ ચંદન કોનું છે ? અમારી પાસે સારી રીતે વાત કર અને અમોને આ ઉત્તમ લેપન આપ. એમ કરવાથી તારૃં તરત જ કલ્યાણ થશે.૧-૨

 કુબ્જા કહે છે- હે સુંદર ! હું ત્રિવક્રા નામની દાસી છું અને લેપનનું ચંદન કરવાના કામમાં હું કંસને પ્યારી છું, મારૃં ઘસેલું ચંદન કંસને બહુ જ વહાલું છે, તો તે ચંદનને તમારા વિના બીજો કોણ યોગ્ય છે ?૩

શુકદેવજી કહે છે- રૃપ, કુમારપણું, રસિકપણું, હસવું, બોલવું અને જોવું તેથી પરવશ થયેલી તે કુબ્જાએ તે બન્ને ભાઇને ઘાટું ચંદન આપ્યું.૪

પીળા આદિ વર્ણથી શોભતા તે ચંદનથી નાભિ ઉપરના ઘણા ખરા ભાગમાં જેઓએ લેપન કરી લીધું છે, એવા બે ભાઇઓ શોભવા લાગ્યા.૫

પ્રસન્ન થયેલા ભગવાને તરત જ પોતાના દર્શનનું ફળ દેખાડવા માટે, એ રૃપાળા મોઢાવાળી અને ત્રણ ઠેકાણે વાંકી કુબ્જાને સરખી કરવાનું મન કર્યું.૬

તેના બે પગના આગલા ભાગને પોતાના બે પગથી દબાવી, જેની બે આંગળીઓ ઉંચી રાખી હતી એવા હાથથી તેની ચિબુક પકડીને ભગવાને તેના શરીરને ઉંચું કર્યું.૭

એમ કરવાથી અંગ સરળ અને સમાન થઇ જતાં, મોટા નિતંબવાળી અને મોટા સ્તનવાળી તે કુબ્જા ભગવાનના સ્પર્શના મહિમાને લીધે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ થઇ.૮

પછી રૃપ, ગુણ અને ઉદારતાથી ભરેલી, હસતી અને કામદેવથી વ્યાકુળ થયેલી તે કુબ્જાએ ભગવાનના વસ્ત્રનો છેડો તાણીને તેમને કહ્યું કે- હે વીર ! ચાલો આપણે ઘેર જઇએ, હું તમને અહીં મૂકી દેવાને ઇચ્છતી નથી. હે પુરૃષોત્તમ ! મારા ચિત્તને તમે પરવશ કરી નાખ્યું માટે મારા ઉપર કૃપા કરો.૯-૧૦

બલરામના દેખતાં આ પ્રમાણે એ સ્ત્રીએ માગણી કરતાં, ભગવાને પોતાના મિત્રોનાં મોઢાં જોઇ હસતાં હસતાં તેને કહ્યું કે- હે સુંદરી ! જે ઘર પુરૃષોના મનની પીડાને શમાવનાર છે, ત્યાં હું મારૃં કામ પૂર્ણ થયા પછી આવીશ. કારણ કે અમો ઘર વિનાના વટેમાર્ગુ છીએ, તેઓને આશરો લેવાનું ઠેકાણું તું જ છે.૧૧-૧૨

આ પ્રમાણે મધુર વચનથી તેને વિદાય કરી, શ્રીકૃષ્ણ માર્ગમાં ચાલ્યા જતા હતા, ત્યાં વેપારીઓ અનેક પ્રકારની ભેટો, પાનબીડાં, માળાઓ અને સુગંધવાળાં પદાર્થોથી તેમનું અને બળદેવજીનું પૂજન કર્યું.૧૩

ભગવાનનાં દર્શન થવાથી કામદેવ ઉત્પન્ન થવાને લીધે ચિત્રામણ જેવી થઇ રહેલી અને જેઓનાં વસ્ત્ર, કંકણ તથા કેશ ખસી જતાં હતાં, એવી સ્ત્રીઓને પોતાના શરીરનું ભાન પણ રહેતું ન હતું.૧૪

પછી ગામના લોકોને ધનુષ્યનું ઠેકાણું પૂછતા જતા ભગવાને તે સ્થળમાં જઇને, જાણે ઇંદ્રનું હોય તેવું અદ્ભુત ધનુષ્ય જોયું.૧૫

ઘણા પુરૃષોવડે રક્ષણ કરાએલા, પૂજેલા અને મોટી શોભાવાળા તે ધનુષને શ્રીકૃષ્ણે પોતાને રક્ષક લોકોએ વાર્યા છતાં પણ બળાત્કારથી ઉપાડયું.૧૬

રક્ષણ કરનારા લોકોના દેખતાંજ લીલા માત્રમાં ડાબા હાથથી ઉપાડેલા તે ધનુષને, આંખ મીંચી ઉઘાડીએ એટલી વારમાં સજ્જ કરી, ખેંચીને, ભગવાને જેમ મદોન્મત્ત હાથી શેરડીના સાંઠાને ભાંગી નાખે તેમ ભાંગી નાખ્યું.૧૭

ધનુષ ભાંગતાં તેનો શબ્દ સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી અને દિશાઓમાં વ્યાપ્ત થઇ રહ્યો, કે જે શબ્દને સાંભળી કંસ ત્રાસ પામ્યો.૧૮

કોપ પામેલા ધનુષના રક્ષકો પોતાના અનુચરો સહિત શસ્ત્રો ઉપાડીને ભગવાનને પકડી લેવા સારૃં ''પકડો અને બાંધો'' એમ બોલતા બોલતા ભગવાનને ઘેરી વળ્યા.૧૯

પછી તેઓનો દુષ્ટ અભિપ્રાય જોઇ ક્રોધ પામેલા બલરામ અને શ્રીકૃષ્ણે ધનુષના કટકા લઇ તેનાથી તે લોકોને માર્યા અને કંસે મોકલેલા બીજા સૈન્યને પણ માર્યું. પછી એ ધનુષની શાળાના દ્વારમાંથી બહાર નીકળીને એ બન્ને ભાઇઓ ગામમાં ફરવા લાગ્યા અને ગામની શોભા જોઇને રાજી થયા.૨૦-૨૧

તે બન્ને ભાઇઓનું અદ્ભુત પરાક્રમ, તેજ, દૃઢતા અને રૃપ જોઇને ગામના રહેવાસીઓ, આ કોઇ ઉત્તમ દેવ છે, એમ માનવા લાગ્યા.૨૨

આ પ્રમાણે મન ગમતી રીતે ફરતાં ફરતાં સૂર્ય આથમી ગયો, એટલે ગોવાળોથી વીંટાએલા શ્રીકૃષ્ણ અને બળદેવજી ગામમાંથી ઉતારે આવ્યા.૨૩

ભગવાન વ્રજમાંથી પધાર્યા તે સમયમાં વિરહથી આતુર થયેલી ગોપીઓએ મથુરામાં જે જે થવાની કલ્પના કરી હતી તે સર્વે કલ્પનાઓ, ભગવાનનું શરીર કે જેમાં લક્ષ્મીજી પોતાને ભજનારા બ્રહ્માદિક દેવોને છોડી દઇ નિવાસ કરીને રહેલ છે, તે શરીરની શોભાને જોનારા મથુરાના લોકોમાં સાચી થઇ.૨૪ 

પછી શ્રીકૃષ્ણ તથા બળદેવ પોતાના પગ ધોઇ તથા દૂધવાળું અન્ન જમી અને કંસે જે કરવાનું ધાર્યું હતું તે જાણી લઇ, તે રાત્રી ઉતારામાં જ સુખેથી રહ્યા.૨૫

ધનુષનો ભંગ અને રક્ષા કરનારાઓનો તથા પોતાના બીજા સૈન્યનો વધ કેવળ ભગવાન તથા બળદેવે લીલા માત્રમાં જ કર્યો, તે સાંભળીને લાંબા ઉજાગરાવાળો અને ભય પામેલો દુર્બુદ્ધિ કંસ સ્વપ્નમાં અને જાગ્રતમાં મૃત્યુને સૂચવનારાં ઘણાં દુષ્ટ શુકનો દેખવા લાગ્યો.૨૬-૨૭

પ્રતિબિંબ દેખવા છતાં પણ તેમાં પોતાનું માથું દેખતો ન હતો. બે ચંદ્રાદિક ન હોવા છતાં પણ ચંદ્રાદિકનાં બબ્બે બિંબ દેખતો હતો.૨૮ પડછાયામાં છિદ્ર દેખાતાં હતાં. કાનને બંધ કરતાં અંદર જે શબ્દ સાંભળવામાં આવે તેને સાંભળતો ન હતો. વૃક્ષોને સોનાનાં દેખતો હતો. રજ

અને કીચ આદિમાં પોતાનાં પગલાં દેખતો ન હતો.૨૯

સ્વપ્નમાં મુડદાનું આલિંગન કરતો હતો, ગધેડા પર ચઢીને જતો હતો, ઝેર ખાતો હતો, જાસુદના ફુલની માળા પહેરી, તેલથી ખરડાએલો અને નગ્ન એકલો જતો હતો.૩૦

સ્વપ્ન અને જાગ્રતમાં એવી રીતનાં બીજાં પણ કેટલાંક અપશુકનો દેખીને મરણથી ત્રાસ પામેલા કંસને ચિંતાને લીધે નિંદ્રા જ આવી નહીં.૩૧

હે રાજા ! માંડ માંડ પ્રભાત પડતાં અને જળમાંથી સૂર્ય બહાર નીકળતાં કંસે મલ્લોની રમતનો મહોત્સવ કરાવ્યો.૩૨

લોકોએ અખાડાની પૂજા કરી તૂરી અને ભેરી વાગવા લાગ્યાં. માળા, પતાકા અને વસ્ત્રના તોરણોથી બેસવાના મંચોને શણગાર્યા.૩૩

બ્રાહ્મણ અને ક્ષત્રિય આદિ નગરના લોકો અને દેશના લોકો તે મંચો ઉપર બેઠા તથા રાજાઓ પણ જેમ પોતાને અનૂકુળ આવે તેમ આસનો નાખીને તેઓ ઉપર બેઠા.૩૪

કારભારીઓથી વીંટાએલો અને જેનું હૃદય કચવાયા કરતું હતું એવો કંસ, પોતાની નીચેના રાજાઓના મધ્યમાં રાજમંચ ઉપર બેઠો.૩૫

વાજાંઓ વાગવા લાગ્યાં, મલ્લોના તબોટા (મલ્લતાલ) વાજાંઓને પણ દાબી દેતા સંભળાવા લાગ્યા, ત્યારે શણગારેલા અને ગર્વવાળા મલ્લો પોતાના આચાર્યો સહિત આવ્યા.૩૬

સુંદર વાજાંથી રાજી થયેલા ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ એ મલ્લો અખાડામાં આવ્યા.૩૭

કંસે બોલાવેલા નંદાદિ ગોવાળો પણ કંસને ભેટો આપીને એક મંચ ઉપર બેઠા.૩૮