અધ્યાય ૪૧ - ભગવાને મથુરામાં પ્રવેશીને ધોબીને માર્યો તથા સુદામા માળી અને દરજી ઉપર પ્રસન્ન થયા.

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે શ્રીકૃષ્ણે અક્રૂરજીને જળમાં પોતાનું દર્શન આપી તે હજુ સ્તુતિ કરતા જ હતા, ત્યાં નટ જેમ પોતાના નાટકને સંકેલી લે તેમ પોતાનું સ્વરૃપ સંકેલી લીધું.૧

વિસ્મય પામેલા અક્રૂરજી પણ ભગવાનને અંતર્ધાન થયેલા જોઇ, પાણીમાંથી બહાર આવી, કપડાં આદિ પહેરી, તરત રથની પાસે આવ્યા.૨

ભગવાને અક્રૂરજીને પૂછયું કે- તમો પૃથ્વીમાં, આકાશમાં કે જળમાં કાંઇ આશ્ચર્ય જેવું જોયું ? તમો કાંઇ આશ્ચર્ય જોયું હોય તેવું, તમારી આકૃતિ ઉપરથી જણાય છે.૩

અક્રૂરજી કહે છે આજગતમાં, પૃથ્વીમાં, આકાશમાં અને જળમાં જે કાંઇ આશ્ચર્ય જેવું છે તે તમે જ છો. તમે સર્વ જગતરૃપ છો. તો તમને જ મેં જોયા, માટે સર્વે આશ્ચર્ય મારા જોવામાં આવ્યું.૪

હે પરમેશ્વર ! તમારે વિષે જ સર્વે આશ્ચર્યો રહ્યાં છે. તો તમારાં દર્શન કરનારો હું તે મેં પૃથ્વી, આકાશ કે જળમાં તમારા વિના બીજું શું આશ્ચર્ય જોયું હોય ?૫
શુકદેવજી કહે છે- આમ કહી અક્રૂરજી રથ હાંક્યો અને દિવસ આથમતાં પહેલાં બળદેવ અને કૃષ્ણને મથુરામાં પહોંચાડયા.૬

હે રાજા ! માર્ગમાં સ્થળે સ્થળે મળેલા ગામના લોકો આ વસુદેવના બન્ને પુત્રોને જોઇને, રાજી થતાં પોતાની દૃષ્ટિને પાછી જ ખેંચતા ન હતા.૭

અક્રૂરજીનો રથ પહોંચ્યો તે પહેલાં જ નંદાદિક ગોવાળો આગળથી મથુરાના ઉપવન પાસે આવી રાહ જોતા ત્યાં જ ઉભા હતા.૮

નંદાદિ ગોવાળોને મળીને કૃષ્ણ ભગવાને નમ્રતાવાળા અક્રૂરજીનો હાથ પોતાના હાથે પકડી, જાણે હસતા હોય તેમ આ પ્રમાણે કહ્યું.૯

ભગવાન કહે છે- તમો રથ સહિત મથુરા નગરીમાં તમારે ઘેર જાઓ. અમો તો અહીં ઉતારો કરીને પછી મથુરાને જોઇશું.૧૦

અક્રૂરજી કહે છે- હે પ્રભુ ! હે નાથ ! હે ભક્તવત્સલ ! તમારા બન્ને જણ વિના હું એકલો મથુરામાં નહીં જાઉં. કારણ કે હું તમારો ભક્ત છું, તેથી મારો તમારે ત્યાગ ન કરવો જોઇએ.૧૧

હે શ્રીકૃષ્ણ ! ચાલો આપણે સાથે જઇએ. મોટા ભાઇ, ગોવાળો અને મિત્રોની સાથે પરમ સ્નેહી આપ અમારે ઘેર પધારીને અમારા ઘરને સનાથ કરો.૧૨

આપણાં ચરણ ધોવાનું જળ આંગણે પડવાથી પિતૃ, અગ્નિ અને દેવતાઓ તૃપ્ત થાય છે, તે ચરણરજથી અમારાં ગૃહસ્થનાં ઘર પવિત્ર કરો.૧૩

મહાત્મા બળીરાજા પણ આપના ચરણારવિંદને ધોવાથી પવિત્ર કીર્તિને યોગ્ય થયા છે. અને સર્વોત્તમ ઐશ્વર્યને તથા સાચા ભક્તલોકની ગતિને પામ્યા છે.૧૪

તમારાં ચરણનો સ્પર્શ કરેલ જળ (ગંગાજી) ત્રણે લોકને પવિત્ર કરે છે. તે જળને શંકરે પોતાના મસ્તક ઉપર ધરેલ છે, અને જેના પ્રભાવથી સગર રાજાના પુત્રો સ્વર્ગમાં ગયા છે.૧૫

હે દેવના દેવ ! હે ઉત્તમ કીર્તિવાળા ! હે નારાયણ ! જે આપનું શ્રવણ તથા કીર્તન પવિત્ર છે તેમને હું પ્રણામ કરૃં છું.૧૬

શ્રીકૃષ્ણ ભગવાન કહે છે- યાદવોના મંડળનો દ્રોહ કરનારા કંસને માર્યા પછી, મોટાભાઇની સાથે હું તમારે ઘેર આવીશ અને સંબંધીઓને આનંદ આપીશ.૧૭

શુકદેવજી કહે છે- આ પ્રમાણે શ્રીકૃષ્ણ બોલતાં જાણે ઉદાસ થયા હોય એવા અક્રૂરજી મથુરામાં ગયા, અને પોતે કરેલા કામની વાત કંસની પાસે કહીને પોતાને ઘેર ગયા.૧૮ પછી પાછલે પહોરે બલરામ સહિત ગોવાળોથી વીંટાએલા ભગવાન શ્રીકૃષ્ણ જોવાની ઇચ્છાથી મથુરામાં પધાર્યા.૧૯ 

મણિનાં ઉંચાં નાકાં અને દ્વારવાળી, મોટાં સોનાનાં કમાડ અને તોરણવાળી, ખાઇઓને લીધે શત્રુઓથી પેસાય નહીં એવી તથા સમીપની વાડીઓથી શોભી રહેલી અને જેમાં ધાન્યના કોઠાર તથા અશ્વશાળા આદિ સ્થાનકો ત્રાંબાનાં અને લોઢાનાં હતાં એવી મથુરાને ભગવાને જોઇ.૨૦

સોનાના ચૌટા, ધનવાનોની હવેલીઓ, ઉપવન, એક ધંધાથી જીવનાર લોકોના બેસવાનાં સ્થાનકો અને બીજા ઘરોથી પણ મથુરા શોભી રહી હતી. વૈદૂર્યમણિ, હીરા, સ્ફટિક, નીલમણિ, પરવાળાં, મોતી અને હારિતમણિથી જડેલા ગોખના છિદ્રો, છાજલીઓ, વેદીઓ તથા બાંધેલી તળીયાની ભૂમિમાં બેઠેલાં પારેવાં અને મોર નાદ કરી રહ્યા હતા, રાજમાર્ગ, બજાર, અને આંગણાંઓમાં પાણી છાંટયાં હતાં. ફુલ, નવાં પાંદડાં, ધાણી અને ચોખા ચારેકોર વેરાએલા હતા.૨૧-૨૨

પ્રત્યેક ઘરના દ્વારોની બન્ને બાજુએ ચોખાના ઢગલા ઉપર રાખેલા જળ ભરેલા કળશો શણગારેલા હતા. તે કળશ ઉપર દહીં અને ચંદન છાંટેલાં હતાં, કળશની ઉપર ચારેકોર ફુલની માળાઓ રાખેલી હતી. કળશના ગળામાં વસ્ત્રો વીંટયાં હતાં. મુખમાં આંબા આદિનાં પાંદડાં ખોસેલાં હતાં, ઉપર બીજાં પાત્ર મૂકી તેઓમાં અનેક દીવા કર્યા હતા, ધજાઓ ચઢાવેલી હતી અને તેની સમીપે હથા સહિત કેળો તથા સોપારીનાં ઝાડ લગાવી દીધાં હતાં.૨૩

હે રાજા ! એ નગરીમાં રાજમાર્ગથી આવેલા અને મિત્રોથી વીંટાએલા શ્રીકૃષ્ણ તથા બળદેવને જોવા સારૃં ગામની સ્ત્રીઓ ઉત્કંઠાથી અને ઉતાવળથી ભેળી થવા લાગી અને કેટલીક પોતાના મહેલ ઉપર ચઢી.૨૪

કેટલીક કપડાં અને ઘરેણાં પણ ઉંધાં પહેરી લીધાં હતાં. કેટલીક ધારણ કરવા યોગ્ય કુંડળ કંકણ આદિ ઘરેણાંઓને મધ્યે એક એક ઘરેણું પહેરીને આવી હતી, એક ઝાંઝર, અને એક કાનમાં પત્ર લગાવ્યાં હતાં અને કેટલીક સ્ત્રીઓ બીજી આંખ આંજ્યા વિના જ આવી હતી.૨૫

કેટલીક જમતી હતી તે જમવું મૂકી દઇને ઉત્સાહથી આવી, કેટલીક તેલથી શરીરનું મર્દન કરતી હતી તે અધુરૃં મૂકીને આવી અને કેટલીક નાહ્યા વિના જ આવી, કેટલીક છોકરાંને ધવરાવવાનું પડતું મૂકીને આવી.૨૬

મોટા મદોન્મત્ત હાથીની પેઠે ચાલતા અને લક્ષ્મીજીને પ્રીતિ આપનારા શ્રીકૃષ્ણ ભગવાન મનોહર લીલા સહિત પોતાનું હાસ્ય અને દૃષ્ટિથી તેના મનને હરતા હતા.૨૭

હે કામદેવને જીતનારા રાજા ! વારંવાર સાંભળેલા હોવાને લીધે શ્રીકૃષ્ણમાં જ જેનું મન લાગી રહ્યું હતું એવી તથા શ્રીકૃષ્ણના જોવા તથા હસવારૃપ અમૃતના સિંચનથી માન પામેલી અને રોમાંચિત થયેલી સ્ત્રીઓ નેત્રરૃપદ્વારથી આનંદમય ભગવાનને હૃદયમાં પધરાવી તેમનું આલિંગન કરી પોતાને પ્રથમ ભગવાન નહીં મળવાથી મનમાં જે ઘણી વ્યથા હતી એ અવસ્થાને છોડી દીધી.૨૮

મહેલના શિખરો પર ચઢેલી અને પ્રીતિથી પ્રફુલ્લિત મુખવાળી સ્ત્રીઓ બલરામ તથા શ્રીકૃષ્ણને ફુલોથી વધાવતી હતી.૨૯

રાજી થયેલા દ્વિજલોકો સ્થળે સ્થળે જળનાં પાત્ર સહિત દહીં, અક્ષત, માળા, ચંદન અને ભેટોથી બન્ને ભાઇઓનો સત્કાર કરવા લાગ્યા હતા.૩૦

મથુરાની સ્ત્રીઓ બોલતી હતી કે- અહો ! ગોપીઓએ કયું મોટું તપ કર્યું હશે ? કે જેઓ મનુષ્યલોકના મહોત્સવરૃપ આ શ્રીકૃષ્ણ તથા બળદેવજીને સર્વદા દેખે છે.૩૧

મથુરામાં ચાલ્યા જતા ભગવાને કોઇ રંગારા ધોબીને આવતો જોઇ, તેની પાસે ધોએલાં અને અતિ ઉત્તમ વસ્ત્ર માગ્યાં.૩૨

ભગવાને કહ્યું કે- હે ધોબી ! અમો બન્ને જણાને જેવાં જોઇએ તેવાં વસ્ત્રો આપ, તેથી તારૃં પરમ કલ્યાણ થશે. એમાં સંશય નથી.૩૩

સર્વ પ્રકારે પરિપૂર્ણ ભગવાન આ પ્રમાણે માગણી કરતાં એ રાજાનો ચાકર મદોન્મત્ત ધોબી ક્રોધ કરીને તોછડા શબ્દોથી બોલ્યો કે- હે છકેલા લોકો ! તમો પર્વતોમાં અને વનોમાં ફરનારા થઇને નિત્યે આવાં જ કપડાં પહેરતા હશો નહિ ? કે જેથી પોતાના અધિકારનો વિચાર કર્યા વિના રાજાના પદાર્થોને માગો છો.૩૪-૩૫

અરે મૂર્ખ લોકો ! જતા રહો. જો જીવવાની ઇચ્છા હોય તો આવી માગણી કરશો નહીં. રાજાના ચાકરો અભિમાની માણસને કેદ કરે છે, લુંટી લે છે, અને મારી પણ નાખે છે.૩૬

આ પ્રમાણે ધોબી બકવાદ કરતાં કોપ પામેલા ભગવાને પોતાના હાથની એક થપાટથી કાયા ઉપરથી માથું પાડી નાખ્યું.૩૭

તેના હાથ નીચેના બીજા સર્વે ધોબીઓ વસ્ત્રોના ગાંસડા ત્યાં જ મૂકી ચારેકોર ભાગી ગયા, પછી ભગવાને વસ્ત્ર લઇ લીધાં.૩૮

ભગવાન અને બલરામ પોતાને સરસ લાગે એવાં વસ્ત્ર પહેર્યાં અને વધ્યાં તે ગોવાળોને માટે લઇ લીધાં અને બાકી પૃથ્વી પર પડતાં મૂક્યાં.૩૯

પછી રાજી થયેલા એક દરજીએ વિચિત્ર વર્ણવાળાં વસ્ત્રોથી અને આભરણથી તેઓને જેવો જોઇએ તેવો શણગાર કરી આપ્યો.૪૦

અનેક લક્ષણોવાળા વેષોથી શણગારેલા એ શ્રીકૃષ્ણ અને બલરામ ઉત્સવમાં શણગારેલા ધોળા અને કાળા બે હાથીઓની પેઠે શોભવા લાગ્યા.૪૧

એ દરજી ઉપર પ્રસન્ન થઇને ભગવાને તેને પોતાના સરખું રૃપ, જગતમાં ઉત્તમ લક્ષ્મી, બળ, ઐશ્વર્ય, સ્મરણ અને ઇંદ્રિયોની શક્તિ આપી.૪૨

પછી એ બન્ને ભાઇઓ સુદામા નામના માળીને ઘેર ગયા. તે બન્ને ભાઇને આવેલા જોઇ માળી મસ્તકથી પગે લાગ્યો.૪૩

ગોવાળો સહિત એ બન્ને ભાઇઓને આસન તથા પગ ધોવા જળ આપી, માળા, તાંબુલ, ચંદન અને બીજાં પણ ઉત્તમ પદાર્થોથી પૂજા કરીને માળી બોલ્યો કે- હે પ્રભુ ! આજ તમારા આવવાથી મારો જન્મ સફળ થયો, મારૃં કુળ પવિત્ર થયું અને પિતૃ, દેવ તથા ઋષિઓ પણ મારા ઉપર પ્રસન્ન થયા.૪૪-૪૫

તમો આ સર્વે જગતના પરમ કારણરૃપ છો અને જગતની વૃદ્ધિ તથા અભયને માટે પોતાના સંકલ્પરૃપ જ્ઞાનથી પૃથ્વીમાં અવતરેલા છો.૪૬ 

તમો જોકે ભજતો હોય તેને જ ભજો છો, તોપણ સર્વે પ્રાણીઓમાં સમાન સર્વના મિત્ર અને જગતના આત્મા છો. તેથી તમો વિષમ દૃષ્ટિથી વર્તો છો એમ કહી શકાય નહીં.૪૭

હું તમારો દાસ છું, માટે મને આપ આજ્ઞા કરો. હું આપનું શું કાર્ય કરૃં ? આપ આજ્ઞા કરો એજ અમારી ઉપર મોટો અનુગ્રહ કર્યો ગણાશે.૪૮

આ પ્રમાણે બોલતા સુદામા માળીએ શ્રીકૃષ્ણનો અભિપ્રાય જાણી રાજી થઇને સારાં અને સુગંધી ફુલોથી રચેલી માળાઓ પહેરાવી.૪૯

એ માળાઓથી શણગારેલા ગોવાળો સહિત પ્રસન્ન થયેલા અને વર આપનારા એ બન્ને ભાઇઓ નમેલા અને શરણાગત થયેલા એ માળીને વરદાન માગવાનું કહ્યું.૫૦

સુદામાએ પણ સર્વના આત્મા તે ભગવાનમાં અવિચળ પ્રીતિ, ભગવાનના ભક્તો ઉપર સ્નેહ અને પ્રાણીઓ ઉપર પરમ દયા માગી.૫૧

બલરામ સહિત ભગવાન તેના માગ્યા પ્રમાણે તેને વરદાન આપી અને નહીં માગ્યા છતાં પણ તેના વંશમાં લક્ષ્મી વધતી જશે, એવું વચન, બળ, આયુષ્ય, યશ અને કાંતિ આપીને ત્યાંથી વિદાય થયા.૫૨