।। श्री शुक उवाच ।।
गोेपा नंदादयः श्रुत्वा द्रुमयोः पततो रवम् । तत्राजग्मुः कुरुश्रेष्ठ निर्धातभयशंकिताः ।।१।।
શુકદેવજી કહે છે- હે રાજા ! ઝાડ પડવાનો શબ્દ સાંભળીને વજ્રપાતના ભયથી ભયભીત થયેલા નંદાદિક ગોવાળિયાઓ ત્યાં આવ્યા.૧
ધરતી પર પડેલાં યમલાર્જુનને જોઇને તેઓને પડવાનું કારણ પ્રત્યક્ષ છતાં પણ તેને નહીં જાણીને ભમી ગયા.૨
દોરડાંથી બંધાએલા બાળકને ખાંડણિયો ખેંચતા દીઠા તોપણ આ કોણે કર્યું ? શાથી થયું ? આશ્ચર્ય થયું ! ઉત્પાત થયો એમ ભય પામીને ભમવા લાગ્યા.૩
છોકરાઓએ કહ્યું કે- આ કૃષ્ણ વચમાં આવી જતાં તેણે આડું થયેલું ખાંડણિયું ખેંચીને ઝાડ પાડી નાખ્યાં અને તે ઝાડમાંથી બે પુરૂષ નીકળ્યા તેઓને પણ અમે દીઠા.૪
ગોવાળિયાઓમાં કેટલાએક તો આ બાળક ઝાડ ઉખેડી નાખે એ સંભવે જ નહીં, એમ ગણીને તે છોકરાઓનું કહેવું માન્યું નહીં અને મનમાં સંદેહ થયો.૫
દોરડાંથી બંધાએલા અને ખાંડણિયાને ઘસડતા પોતાના પુત્રને જોઇને નંદરાયે હસતે મોઢે તેમને છોડયા.૬
ગોપીઓના ફોસલાવવાથી કોઇક સમયે બાળકની પેઠે અને અણસમજુની પેઠે ભગવાન નાચતા હતા, કોઇ સમયે ગાતા અને કોઇ સમયે લાકડાના યંત્રની પેઠે તેઓના સ્વાધીનમાં જ રહેતા હતા.૭
કોઇ સમયે ગોપીઓએ આજ્ઞા કરવાથી પાટલા, પાલી, પવાલાં અને ચાખડી ઉપાડતા હતા, તેમજ પોતાના ભક્ત વ્રજજનોને રાજી કરવા સારૂ હાથ હલાવતા હતા.૮
ભગવાનનું માહાત્મ્ય જાણનારા પુરૂષોને હું ભક્તવશ છું, એમ દેખાડતા ભગવાન પોતાની બાલચેષ્ટાઓથી વ્રજને આનંદ આપતા હતા.૯
નંદરાય આદિ વૃદ્ધ ગોવાળિયા ગોકુળમાં મોટા ઉત્પાત થતા જોઇ, ભેળા થઇને વ્રજના હિતનો વિચાર કરવા લાગ્યા.૧૦
તેઓમાં ઉપનંદ નામનો એક ગોવાળ, કે જે દેશકાળના તત્ત્વને જાણનારો, જ્ઞાન તથા અવસ્થાથી મોટો અને બળભદ્ર તથા શ્રીકૃષ્ણનું પ્રિય કરનારો હતો, તે બોલ્યો કે- આપણને ગોકુળનું હિત કરવાની ઇચ્છા હોય તો અહીંથી ચાલ્યા જવું જોઇએ, કેમકે બાળકોનો નાશ કરે એવા મોટા ઉત્પાતો અહીં આવે છે.૧૧-૧૨
બાળકોને મારનારી રાક્ષસીના હાથથી આ બાળક દૈવ ઇચ્છાથી બચ્યો છે. વળી ગાડું માથે ન પડયું એ પણ ભગવાનના અનુગ્રહથી જ.૧૩
એક દૈત્ય વંટોળિયાનારૂપથી આ શ્રીકૃષ્ણને નિરાધાર આકાશમાં લઇ ગયો હતો અને પાછો શિલા ઉપર પડયો, ત્યાં પણ આ કૃષ્ણની મોટા દેવતાઓએ રક્ષા
કરી છે.૧૪
ઝાડની વચમાં આવી જતાં પણ આ અથવા બીજો કોઇ બાળક મરણ પામ્યો નહીં, એ પણ ભગવાને જ રક્ષા કરી છે.૧૫
માટે હવે બીજો કોઇ ઉત્પાતી અનર્થ વ્રજમાં આવે એ પહેલાં બાળકોને લઇને પરિવાર સહિત આપણે બીજે ઠેકાણે ચાલ્યા જવું જોઇએ.૧૬
વૃન્દાવન નામનું વન પશુઓને અનુકુળ અને ગોવાળિયા ગોપીઓ તથા ગાયોએ સેવવા જેવું છે. એમાં પર્વત, ખડ અને લતાઓ પણ સારાં છે, તેથી એ વૃન્દાવનમાં આજે જ જવું જોઇએ. માટે તમારી સૌની રૂચિ હોય તો તરત ગાડાં જોડો અને ગાયોના ધણને આગળ ચાલતાં કરો.૧૭-૧૮
આ વાત સાંભળી એકમત થયેલા ગોવાળિયાઓ સારૂં થયું, એમ બોલી પોતપોતાનાં ગાડાં જોડી તથા તેઓ પર સરસામાન ચઢાવી ચાલ્યા.૧૯
વૃદ્ધ, બાળકો અને સ્ત્રીઓને ગાડાંમાં બેસાડી તથા સર્વે સરસામાનને ગાડાંઓમાં ભરી સાવધાન અને ધનુષ જેમણે હાથમાં લીધાં હતાં, એવા ગોવાળો ગાયોના ધણને આગળ કરી, ચારેકોર શીંગડીઓ વગાડતા અને તુરીના શબ્દ કરતા કરતા વૃન્દાવનમાં ગયા.૨૦-૨૧
ગાડાંઓમાં બેઠેલી, સ્તન ઉપર લગાવેલાં નવાં કેસરથી શોભતી, સારાં વસ્ત્રવાળી અને જેઓએ ગળામાં પદક નામના આભૂષણો પહેર્યાં હતાં, એવી ગોપીઓ આનંદથી ભગવાનની લીલાઓનું ગાયન કરતી હતી.૨૨
ભગવાન અને બળભદ્રની સાથે એક ગાડાંમાં બેઠેલી અને પુત્રની વાતો સાંભળવામાં તત્પર રહેલી યશોદા અને રોહિણી પોતાના પુત્રોને લીધે શોભતી હતી.૨૩
જે વૃન્દાવન સર્વકાળમાં સુખદાયી છે, તેમાં પ્રવેશ કરીને ત્યાં ગાડાંઓ વતે અરધા ચંદ્રમાના જેવો વ્રજનો આવાસ કર્યો.૨૪
હે રાજા ! વૃંદાવન, ગોવર્ધન અને યમુનાજીના કાંઠાઓ જોઇને બળભદ્ર અને શ્રીકૃષ્ણને બહુ જ આનંદ થયો.૨૫
આ પ્રમાણે બાળલીલાથી અને મનોહર વાક્યોથી વ્રજવાસીઓને પ્રીતિ ઉપજાવતા બળભદ્ર અને શ્રીકૃષ્ણ યોગ્ય કાળે વાછરડાંઓને ચરાવતા થયા.૨૬
રમતનાં અનેક સાધનો રાખતા એ બાળકો બીજા બાળકોની સાથે વ્રજથી થોડેક છેટે વાછરડાં ચારવા લાગ્યા.૨૭
કોઇ સમયે વેણું વગાડતા હતા, કોઇ સમયે બીલાં અને આમળાં આદિ પદાર્થોને ફેંકતા હતા. કોઇ સમયે ઘુઘરીઓવાળા પગથી પ્રહાર કરતા હતા અને કોઇ સમયે
છોકરાઓજ ધાબળા ઓઢીને બળદ થતા હતા, આ રીતે રમતા હતા.૨૮
કોઇ સમયે બલરામ અને શ્રીકૃષ્ણ પણ બળદ જેવા થઇ નાદ કરતાં કરતાં સામસામા વઢતા હતા. કોઇ સમયે હંસ અને મયુરાદિક પ્રાણીઓના શબ્દથી ચાળા પાડીને પ્રાકૃત બાળકની પેઠે ફરતા હતા.૨૯
એક સમયે એ શ્રીકૃષ્ણ અને બળભદ્ર પોતાના મિત્રોની સાથે યમુનાજીને કાંઠે વાછરડાં ચારતા હતા, ત્યાં તેઓને મારવા સારુ દૈત્ય આવ્યો.૩૦
વાછરડાનું રૂપ ધારણ કરીને વાછરડાંના ટોળામાં મળી ગયેલા તે દૈત્યને જોઇ, બળભદ્રને દેખાડતા ભગવાન અજ્ઞાનીની પેઠે ધીરે ધીરે તેની પાસે આવ્યા.૩૧
ભગવાને એનાં પૂછડાંની સાથે પાછલા પગ પકડી, ફેરવી ફેરવીને પ્રાણ કાઢી નાખવા તેને કોઠના ઝાડમાં પછાડયો, તેથી કોઠ પડવા લાગ્યાં અને તેઓની સાથે
મોટી કાયાવાળો એ દૈત્ય પણ પડયો.૩૨
એ દૈત્યને જોઇ વિસ્મય પામેલા બાળકો ''વાહ વાહ'' કહેવા લાગ્યાં અને બહુ જ રાજી થયેલા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.૩૩
સર્વલોકોના મુખ્ય પાલક એ બે ભાઇઓ વાછરડાંઓના પાલક થઇને, પ્રાતઃકાળનું જમણ સાથે લઇ, વાછરડાંઓને ચારતા ચારતા ફરતા હતા.૩૪
એક દિવસે સર્વે લોકો પોતપોતાનાં વાછરડાંનાં ટોળાંને પાણી પાવા સારૂ જળાશયની પાસે ગયા અને ત્યાં વાછરડાંઓને પાણી પાઇને પોતે પાણી પીતા હતા.૩૫
એ બાળકોએ તે સ્થળમાં વજ્રથી ભેદાઇને જાણે પર્વતનું શિખર પડેલું હોય, એવું એક મોટું પ્રાણી દીઠું.૩૬
એ મોટો બગલાનારૂપને ધારણ કરનારો બકાસુર હતો. તીખી ચાંચવાળો એ બળવાન બકાસુર આવીને તરત ભગવાનને ગળી ગયો.૩૭
શ્રીકૃષ્ણને મોટા બગલાએ ગળેલા જોઇને બળભદ્રાદિક બાળકો પ્રાણ વિના ઇંદ્રિયોની પેઠે જડ થઇ ગયા.૩૮
નંદરાયના પુત્ર કે જે બ્રહ્માના પણ પિતા છે, એવા શ્રીકૃષ્ણે અગ્નિની પેઠે બકાસુરનું તાળવું બાળવા માંડયું, તેથી બકાસુરે તેમને ઓકી કાઢયા, પણ પાછો બહુ ક્રોધને લીધે બકાસુર તેમને ચાંચથી મારવા આવ્યો.૩૯
સત્પુરૂષોના પતિ અને દેવતાઓને આનંદ આપનાર ભગવાને ચાંચથી મારવા આવતા કંસના મિત્ર બકાસુરને તેની ચાંચના બે ભાગોમાં પકડી, બીજા બાળકોના દેખતાં જ લીલામાત્રથી ઘાસની સડીની પેઠે ચીરી નાખ્યો.૪૦
એ સમયમાં સ્વર્ગના રહેવાસી દેવતાઓ બકાસુરને મારનાર ભગવાનને નંદનવનનાં મલ્લિકા આદિનાં પુષ્પોથી વધાવવા લાગ્યા, અને દુંદુભિ, શંખનાદ તથા સ્તોત્રોથી સ્તુતિ કરવા લાગ્યા, કે જે જોઇને ગોવાળ બાળકો વિસ્મય પામી ગયા.૪૧
ઇંદ્રિયો પ્રાણને પામીને જેમ સુખ પામે, તેમ બકાસુરના મોઢામાંથી મૂકાએલા ભગવાનને પામી, સુખ પામેલા બળભદ્રાદિ બાળકોએ ઠેકાણે આવેલા તે ભગવાનનું આલિંગન કર્યું અને પછી વાછરડાંઓને એકઠાં કરી વ્રજમાં આવીને તે વાત સૌની પાસે કરી દેખાડી. ૪૨
એ વાત સાંભળી વિસ્મય પામેલા અને બહુજ પ્રીતિથી આદરયુક્ત થયેલા ગોવાળિયા અને ગોપીઓ પરલોકથી આવેલાને જેમ જુએ તેમ, તૃષ્ણા ભરેલી આંખોથી જોવા લાગ્યાં અને બોલવા લાગ્યાં કે- અહો ! આ બાળકને માથે ઘણી ઘણી ઘાતો આવી પણ જેઓ ઘાત કરવા આવ્યા તેઓનું જ ભૂંડું થયું; કેમકે એ લોકોએ બીજાઓને ભય ઉત્પન્ન કરેલ હશે.૪૩-૪૪
એ લોકો ભયંકર હોવા છતાં પણ આ બાળકનો પરાભવ કરી શકતા નથી. મારવાની ઇચ્છાથી આની પાસે આવીને પતંગીઆં જેમ અગ્નિમાં પડીને નાશ પામે તેમ નાશ પામી જાય છે.૪૫
અહો ! વેદ જાણનારાઓનાં વચન કદી પણ ખોટાં પડે નહીં. મહાત્મા ગર્ગાચાર્ય જેવું કહી ગયા હતા તેવું જ દેખવામાં આવ્યું.૪૬
આવી રીતે આનંદથી શ્રીકૃષ્ણ તથા બળભદ્રની વાતો કરતા અને આનંદ પામતા નંદાદિક ગોવાળિયાઓને સંસારની વેદના જાણવામાં પણ આવતી ન હતી.૪૭
આ પ્રમાણે જ છુપી જવું, સડક બાંધવી અને વાંદરાની પેઠે કુંદવું ઇત્યાદિક કુમાર અવસ્થાની રમતોથી એ બન્ને ભાઇઓએ વ્રજમાં કુમાર અવસ્થા વ્યતીત કરી.૪૮
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અગીયારમો અધ્યાય સંપૂર્ણ.