૧૪. ધામમાંથી ભગવદિચ્છા વિના કોઇ પડે નહિ, પ્રમાદ ને મોહરૂપ શત્રુ ટાળવા.

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા, અને કાળા છેડાનો શ્વેત ખેશ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને પાઘમાં પીળા પુષ્પનાં છોગાં ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો,અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે,"ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,"કોણ ભગવાનના ધામને પામીને પાછો પડયો છે એક તો બતાવો ?" પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે,"એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડયા, અને ગોલોકમાંથી રાધીકાજી ને શ્રીદામા પડયા" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,"જય વિજય પડયા એતો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારૃં પાડયા જે, 'સનકાદિક જેવા સંતનો દ્રોહ કરેતો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા માટે એ કાંઇ પડયા ન કહેવાય. એતો ભગવાનની ઇચ્છાએ થયું અને પડયો તો તે કહેવાય જે તેને પાછો ભગવાનનો સંબંધજ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડયાં તે પણ ભગવાનનીજ ઇચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધારીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતાં. માટે રાધિકાજીને કોઇ પડયાં કહે તો ભગવાન પણ તે ભેળે પડયા કહેવાય, તે સારૃં ભગવાનનીજ ઇચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યાં, એ તે કાંઇ પડયાં ન કહેવાય, એ ઠેકાણે તો ભગવાનની જ ઇચ્છા જાણવી, તે ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જડ હોય તે ચૈતન્ય થઇ જાય અને ચૈતન્ય હોય તે જડ થઇ જાય, કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય પણ તે ભગવાનની ઇચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઇ પડે જ નહિ. અને જે પડે છે, તે તો આધુનિક ભક્ત હોય, તે સાધનકાળમાંથીજ પડે છે તે તો યોગભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિધ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે તે તો કોઇ કાળે પડતા નથી.

એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, "લ્યો હવે અમે એક પ્રશ્ન પુછીએ." પછી મુનિએ કહ્યું જે,"પુછો" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત-ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તો તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે.'' માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઇએ છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઇને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે ? પછી સ્વયંપ્રકાશાનંદસ્વામી બોલ્યા જે, ''જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશે વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઇ ઝાઝી ચિંતા રાખે નહિ.''

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે ? અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ? પછી સ્વયંપ્રકાશાનંદસ્વામી બોલ્યા જે, ''ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે તો.'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે, તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશે મનમાં ખટકો રાખીને કોઇ પુરૂષ સાથે હસીને તાળી લે નહિ અને તેને એમ મનમાં બીક રહે જે જો હું ગાફલાઇ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે, તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો અને વળી જેમ કોઇક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરૂષ સાથે તાળિયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે, કે કેમ છે ? અને જે ગાફલાઇ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડયા વિના નહિ રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે અને જે ગાફલાઇ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.

પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પુછયો જે, ''સ્થૂલ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સ્થૂલ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વછે, કે કાંઇ ઓછાં અધિક છે ? એ બે શરીરનું રૂપ કરો'' પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, ''હે મહારાજ ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''સ્થૂલ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચમહાભૂત નામે જે પાંચ તત્ત્વ તેનું છે અને સૂક્ષ્મ દેહ છે તેતો પાંચ જ્ઞાનેંદ્રિયો પાંચ કર્મેંદ્રિયો પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે ઓગણીશ તત્ત્વ તેનું છે અને તે સ્થૂલ દેહને વિષે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે પણ તે વિના થતી નથી, કેમ જે કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોનાં ગોલક તેમણે યુક્ત એવો જે સ્થૂલ દેહ તેને વિષે તે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે તેણે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે પણ કેવળ સ્થૂલ દેહના ગોલકે કરીને થતું નથી તે માટે પંચ તત્ત્વનું જે સ્થૂલ દેહ તેને વિષે ઓગણીશ તત્ત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યૂતપણે રહ્યું છે તે સારૃં સ્થૂલ દેહને વિષે પણ ચોવિશ તત્ત્વ છે અને તેમજ સૂક્ષ્મ દેહને વિષે પણ પંચ તત્ત્વનું જે સ્થૂલ દેહ તે એકત્વપણે વર્તે છે ત્યારેજ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે અને સૂક્ષ્મ દેહ ઓગણીશ તત્ત્વનું છે તેને વિષે પંચ તત્ત્વનું સ્થૂલ દેહ ભળે છે માટે સૂક્ષ્મ દેહ પણ ચોવીશ તત્ત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂલ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂલ દેહમાં વીર્યપાત થઇ જાય છે. માટે સ્થૂલ દેહ ને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.''

પછી મુનિએ પ્રશ્ન પુછયો જે, ''હે મહારાજ ! આ તો જેવું સ્થૂલ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું ત્યારે જેમ સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે, કે કાંઇ ફેર છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''સ્થૂલ દેહને વિષે જેવી દઢ પોતાપણાની માનીનતા છે તેવીજ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહનાં કર્મને અલ્પ કહ્યાં છે તે તો જીવને હિંમત દેવા સારૃં છે. અને જેને સ્થૂલ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી, તેને તો સ્થૂલ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે એતો કેવળ આત્મ સત્તારૂપેજ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂલ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહિ. અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ અને પ્રારબ્ધાનુસારે જે સુખદુઃખ આવે, તેને ભોગવે અને ભોગવતો થકો એમ માને જે, હું એનો ભોક્તા નથી, હું તો આત્મા છું.' અને જે અજ્ઞાની, દેહાભિમાની હોય તેને તો સ્થૂલ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખદુઃખને પણ ભોગવે છે કેમ જે, જે અજ્ઞાની છે તે જેજે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપે માનીને એમ માને જે, 'હું વિષયનો ભોક્તા છું.' પછી જ્યારે અંતસમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમનાદૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઇ જાય ને મૂર્છા અવસ્થા આવે છે, પછી તે યમનાદૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે, પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઇ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મુકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે.'' ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। ।।૯૨।।

૧.'' यदगतवा न निवर्तन्ते '' '' सर्गेड़पि नोपजायन्ते प्रलयेन व्यथन्ति च '' '' मामुपेत्यातु कौतेय ! पुनर्जन्म न विधते '' ઇત્યાદિ વચનથી.
૨ पार्साद परावो विश्र्णोर्विप्रशापात्पदाच्युतौ એમ ભાગવતમાં કહ્યું છે.
૩ આ વાત બ્રહ્મવૈવર્તપુરાણમાં પ્રસિદ્ધ છે.
૪ સંકલ્પાત્મક સંભોગ.