૧. વૈરાગ્યથી વિષય નિવૃત્તિ પામે ત્યારે મન જીતાય તે વિષે.

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે " जितं जगत् केन मनो हि येन ।।" એ શ્લોકમાં એમ કહ્યું છે જે, " જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછાં હઠે અને કોઇ વિષય પામવાની ઇચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દ્રઢ પણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઇ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું.

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પુછયું જે, "વિષયની નિવૃતિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે, તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઇએ જે, હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું, ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે'' એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ સમજે જે હું આત્મા છું અનેજે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે; અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે. અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું જે દર્શન તે ઉપર અનંતકોટી બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે સર્વે ને વારી ફેરીને નાખી દઇએ, અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષય સુખ ભેળાં કરીએ તો પણ તેના કોટીમા ભાગની બરોબર પણ થાય નહિ અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે તેને મુકીને નરકના કુંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું ઇચ્છું ? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે.' એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઇ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ અને એનું જ મન જીતાણું કહેવાય છે. અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઇક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડયા મુકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઇ જાય. અને જેમ કૂતરાંનું ગલુડીયું હોય તે પણ નાનું હોય ત્યારે સારૃં દીસે તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ." ઇતિ વચનામૃતમ્ ।।૧।। ૭૯ ।।

૧ જેનામાં આત્મનિષ્ઠા આવે છે તેનામાં વૈરાગ્ય પણ સહજેજ આવી જાય છે અને જેને માહાત્મ્યજ્ઞાન સિદ્ધ થાય છે. તેનામાં સ્વધર્મ અને પ્રીતિ પણ આવી જાય છે. માટે તમે કહેલાં વૈરાગ્યાદિ ત્રણ સાધનની અપેક્ષાએ આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન તેજ વિષયની નિવૃત્તિ થવામાં અત્યુત્કૃષ્ટ સાધન છે.