૭. ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ ત્રણેથી પ્રત્યક્ષ પ્રભુને જાણે તે પૂર્ણજ્ઞાની.

સંવત્ ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઇને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે, ''આજ તો ભારેભારે પ્રશ્ન પુછો તો વાત કરીએ.'' ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''શ્રુતિમાં એમ કહ્યું છે જે, ''ऋते ज्ञानन्न मुक्तिः। तमेव विदित्वातिमृत्यमेति नान्यः पन्था विद्यतेजनाय ।'' એ શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે,' ત્યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને થાય છે'' એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જ્ઞાન તે જાણવાનું નામ છે'' ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, ''જાણવું એજ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી.'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી, તેમ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?'' ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ''જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે.'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે, કાં જે જેને શાસ્ત્રે કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણેછે, માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે, કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યાજ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સ્પર્શ કર્યોજ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયાજ કહેવાય. અને નાસિકાએ કરીને સુંઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સુંઘ્યાજ કહેવાય. અને જીહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યાજ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જે જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવસત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરૂદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મત્સ્ય, કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઇ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઇ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે. ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાનપણ તેવાજ થાય છે' માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પુછો છો ?'' ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, જે ''ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ.'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે તે તો પોતે પોતાને એમ કહે છે જે-
यस्मात्क्षरमतीतोहमक्षरादपि चोत्तमः ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ।।
मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनंजय ! ।
मयि सर्वमिदं प्रोत्तं सूत्रे मणिगणा इव ।।
पश्य मे पार्थ ! रूपाणि शतशोथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतानि च ।।
ઇત્યાદિ વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણથકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે અને કોઇક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે-
नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्।
તથા ગીતામાં કહ્યું છે જે- ૧૦ कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।
અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું, તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરૂષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેનેજ પુરૂષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદનપુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન, પુષ્પ, શ્રવણ, મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે –
૧૧ ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भूतेषु मद्बक्तिं लभते पराम् ।

માટે બ્રહ્મરૂપ થઇને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને
૧૨ भूमिरापोनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।
એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે અને
૧૩अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।

એ વ્યાપ્ય એવી ચેતન પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે ૧૪બેયના આધાર છે, જેમ આકાશ છે તે પૃથ્વ્યાદિક ચાર ૧૫તત્વનો આધાર છે. અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે, ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છેતથા જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે. અને પૃથ્વ્યાદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, ૫તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ ૧૬સંકોચ વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે, ત્યાં શ્રુતિયો છે- ૧૭'' यस्याक्षरं शरीरं, यस्यात्मा शरीरं, यस्या पृथ्वी शरीरं '' ઇત્યાદિક શ્રુતિઓ છે, તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે. આનંદમય બ્રહ્મ કહ્યો છે. ઇત્યાદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે જે, ભગવાન સર્વના કારણ છે, ને સર્વના આધાર છે. માટે એ સર્વને બ્રહ્મ કહ્યા છે, પણ એ સર્વે શરીર છે, અને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ પુરૂષોત્તમ છે. તે ભગવાનને વિષે એ જડ ચેતનરૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહીછે, અને એ સર્વેને વિષે ભગવાન જે તે અંતર્યામીરૂપે કારણપણે કરીને રહ્યા છે, અને તેજ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ.''

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પુછયું જે, ''એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દૃઢ ૧૮આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ ?'' ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ''જેમ અંધારૃં ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે, તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરૂષોત્તમ ભગવાનને વિષે જડ ચિત્ પ્રકૃતિ રહીછે, ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. ૧૯અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઇક એને અલૌકિકપણું જણાયું જોઇએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે, 'એ ભગવાનને વિષે તો સર્વ છે પણ મને દેખાડતા નથી, એવીજ એની ઇચ્છા છે.' એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે-
आर्तो जिज्ञासुरर्थाथीं ज्ञानी च भरतर्षभ ।
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।
એવો જે જ્ઞાની તે તો સદા સાકારમૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિપુરૂષ, અક્ષર તેથકી પર ને સર્વના કારણ, સર્વના આધાર, જાણીને અનન્યપણે સેવે છે, એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્ત્રે કરીને '' अहं ब्रह्मास्मि '' થઇ બેસે છે ને કહે છે જે, 'રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી ૨૦લહરી છે' એવા જે ૨૧બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતિ તે તો અતિદુષ્ટ છે, ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઇ દિવસ એનો છુટકો થતો નથી.'' ઇતિ વચનામૃતમ્ ।।૭।। ૧૧૫ ।।

૧ ભગવાનના જ્ઞાન વિના મુક્તિ થતી નથી.
૨ તે ભગવાનને જાણીનેજ મોક્ષને પામે છે તે વિના બીજો મોક્ષનો માર્ગ નથી.
૩ સ્વધર્મ, તપ, યોગ વિગેરે.
૪ અર્થઃ- પૂર્વ શ્લોકમાં કહેલા ક્ષર પુરૃષને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષર મુક્ત થકી પણ અતિશય ઉત્કૃષ્ટ છું માટે શ્રુતિ સ્મૃતિમાં ''પુરૃષોત્તમ'' નામથી પ્રખ્યાત છું.
૫ અર્થઃ- આ જડચિદાત્મક સમગ્ર જગતને મારા મહિમાના એક અંશથી ધારણ કરીને હું રહ્યો છું.
૬ અર્થઃ- હે અર્જુન ! મારાથી વ્યતિરિક્ત કોઇ પણ જ્ઞાાનબળાદિગુણયોગથી પરતર નથી, જેમ સૂત્રમાં મણિગણો પ્રોત છે તેમ આ મારા શરીરભૂત જડચિદાત્મક સમગ્ર જગત મારે વિષે પ્રોત છે એટલે આશ્રિત છે.
૭ અર્થ - હે પાર્થ ! મારાં સર્વના આશ્રયરૃપ અનેક રૃપને જો. જે રૃપો નાના પ્રકારનાં અને દિવ્ય અને શ્વેતાદિ નાના વર્ણવાળાં અને સુરનરાદિ નાના આકૃતિવાળાં છે.
૮ શુકદેવજી બ્રહ્મસ્વરૃપને પામ્યા હતા પણ ભગવાનની ભક્તિ એ યુક્ત એવા જ્ઞાનથી પોતાની ન્યૂનતાને ટાળતા હવા.
૯ નૈષ્કર્મ્ય જે આત્મોપાસનરૃપ જ્ઞાન તે જો કે રાગ દ્વેષાદિકરૃપ અંજને રહિત છે પણ તે જો ભગવાનની ભક્તિ વિનાનું છે તો તે અતિ શોભતું નથી. અર્થાત્ ભક્તિ વિનાનું કેવળ જ્ઞાન શોભતું નથી.
૧૦ અર્થઃ- મુમુક્ષુએ કરવા યોગ્ય કર્મમાં જાણવું રહ્યું છે. તથા વિકર્મ જે નાના પ્રકારના વૈદિક કામ્ય કર્મ તેમાં પણ જાણવું રહ્યું છે. તથા અકર્મ જે જ્ઞાાન તેમાં પણ જાણવાનું રહ્યું છે. એવી રીતે કર્મની ગતી ગહન છે. એટલે તેનું તત્ત્વ ન જાણી શકાય તેવું છે.
૧૧ અર્થ - બ્રહ્મરૃપ થયો છે કેતાં આત્મસ્વરૃપનો જેને સાક્ષાત્કાર થયો છે અને પ્રસન્ન મન છે. એટલે કલેશ કર્માદિ દોષથી જેનું મન કલુષિત નથી અને કોઇનો પણ શોક કરતો નથી તેમ કોઇ પદાર્થને ઇચ્છતો નથી સર્વ ભૂતમાં જે સમ છે એટલે કોઇનો પણ આદર નહિ કરનાર અર્થાત સર્વ વસ્તુને તૃણવત્ માને છે. તે પુરૃષ મારે વિષે પરા ભક્તિને પામે છે. અર્થાત્ જેને આત્માનો સાક્ષાત અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર થાય છે.
૧૨ અર્થ - આ વિચિત્ર અને અનંત એવાં ભોગ્ય, ભોગનાં ઉપકરણ અને ભોગસ્થાનરૃપે રહેલી જગતની આ પ્રકૃતિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન આદિ ઇન્દ્રિયો મહત્તત્વ અને અહંકાર આ આઠ પ્રકારે પરિણામ પામી છે તે પ્રકૃતિ મદાત્મક છે એમ જાણ. અર્થાત્ હું અચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું.
૧૩ અર્થ - આ મારી અપરાપ્રકૃતિ છે આ અચેતન પ્રકૃતિથી વિલક્ષણ આકારવાળી પરા અને ચેતનરૃપ એવી પ્રકૃતિ છે. તે મદીયા છે એમ જાણ. જે ચેતન પ્રકૃતિએ આ અચેતન સમગ્ર જગત ધારણ કરેલું છે. ૧૪ અર્થાત્ હું ચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું.
ધારણ વ્યાપકપણે કરીને.
૧૫ તથાપિ આકાશ પોતાના સામર્થ્યથી નિર્લેપ છે.
૧૬ યદ્યપિ આકાશમાં સંકોચ વિકાસ વસ્તુતાએ નથી તથાપિ પોતે પૃથિવ્યાદિ ભૂતોમાં વ્યાપીને રહ્યો છે તેથી તે ભૂતોમાં થતા સંકોચ વિકાસનો પરંપરાએ આકાશમાં ઉપચાર માત્ર થાય છે તેમ નિર્વિકારિ પરમાત્માના સ્વરૃપમાં સાક્ષાત્ સંકોચ વિકાસ નથી પરંતુ પોતાના શરીરરૃપ જડાજડ બે પ્રકૃતિમાં અંતર્યામીપણે પોતે વ્યાપીને રહ્યા છે. તેથી તે બે પ્રકૃતિમાં થતા સંકોચ વિકાસનો શરીરી પરમાત્મામાં પરંપરાએ ઉચ્ચાર માત્ર થાય છે. આવો ભાવાર્થ સમજવો.
૧૭ અર્થઃ- પરમાત્માનું અક્ષર શરીર છે, જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્માનું પૃથ્વી શરીર છે.
૧૮ ભગવાનના સ્વરૃપનું પૂર્વોક્ત જ્ઞાાન.
૧૯ કેમકે કદાચિત્ સંશય થવાનો સંભવ રહે છે.
૨૦ તરંગઃ એટલે મારામાં અને પરમાત્મામાં ભેદ નથી.
૨૧ કોદાળીથી જેમ ખોદે તેમ બ્રહ્મ જે પરમાત્મા તેનું ખંડન કરનારા.