સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પુછયો જે, ''કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય ?'' પછી પરમહંસ વતે તેનો ઉત્તર ન થયો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઇક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માંહીલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''એવો કપટી હોય ને તે ડાહ્યો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવો ?'' ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ''એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય ને ખાધે-પીધે, બેઠતે-ઉઠતે, ચાલતે-હાલતે, પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે, ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે.''
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કળીએ જે એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે ?'' ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહિ તો ન કળાય.''
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે ? અને તેનો અવધિ હોય તે કેવો જે, ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે, ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે ?'' ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જે ઘાટને ટાળ્યાનો યત્ન કરે. તો પણ ટળે નહિ, એવો જે કોઇક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ પંદર દિવસ તથા મહિના સુધી ન થાય, ને વળી કોઇક દિવસ પ્રકટ થઇ આવે, એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે, અને એમજ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું, અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહિ. એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહિ.''
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય ?'' પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, ''જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ, ઇત્યાદિક સર્વમાંથી પણ ગુણ લીધો. એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.''
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય ત્યારે અતિશે ઇન્દ્રિયો, અંતઃકરણ જીતાય કે તેમાંથી એકવાનું હોય તો પણ જીતાય ? અને જો એમ કહેશો જે 'એ ત્રણેવાનાં ભેળાં હોય તો જીતાય,' ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી. અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાનો વિચાર કરીને શી યુક્તિ શીખવી, તે કહો ?'' ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, 'શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇંદ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે, 'આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્યવાર્તા ન સાંભળવી, ઇત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી, અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું. એમ ત્રણે વાનાંએ કરીને ઇંદ્રિયો અંતઃકરણ જીતાય છે.
અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''ઇન્દ્રિયોને જીત્યે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીત્યે ઇંદ્રિયો જીતાય છે?'' પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, ''બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇંદ્રિયો જીતાણી હોય, તો પણ પંચ વર્તમાનના નિયમમાં દૃઢ થઇને રહેતો હોય, તો બાહ્ય ઇંદ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇંદ્રિયો જીતાય નહિ અને બાહ્ય ઇંદ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે, કેમ જે જો બાહ્ય ઇંદ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તાવવા દે નહિ ત્યારે અંતઃકરણ માંહીલી કોરથી નિરાશ થઇ જાય છે જે, ''આ દેહે કરીને આ વાત બનવાની નથી.''
અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''બાહ્ય ઇંદ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય ?'' પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો; ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, ''ધર્મશાસ્ત્રમાં કહ્યા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રત કરે, તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ, તેનું સહન કરે, અને ભગવાનનાં કથા, કીર્તન, વાર્તા કરે, તથા ભજન સ્મરણમાં બેસે, તથા આસન જીતે, ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે.'' ઇતિ વચનામૃતમ્ ।।૫।। ૧૧૩ ।।