સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળી પાઘ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ, પખાજ લઇને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઇને બેઠી હતી.
પછી તે સર્વે ને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, "સર્વે સાંભળો એક વાર્તા કરીએ" એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા, ને પછી બોલ્યા જે, "જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશે દઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં, પીતાં. નાતાં, ધોતાં, ચાલતાં, બેઠતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને જ્યારે અંતરમાં કાંઇ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઇ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ, અને દેહના જે સંબંધી તેને પોતાનાં સંબંધી માનવાં નહિ; કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરીઆવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કુતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે, તેમાં કઇ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરૂષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે; તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને આ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશે માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડયો છે, તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનોે મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનોે એેકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ, એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઇને, ૧અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે; તે અક્ષરનાં ૨બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરૂષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરૂષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે તે સર્વે પુરૂષોત્તમના દાસભાવે વરતે છે અને પુરૂષોત્તમ-નારાયણ તે સર્વેના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઇને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઇ ઠેકાણે લોભાવું નથી. એવો દઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એેકાંતિક ભક્તિ કરવી. અને ભગવાનનું અતિશે માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજાં જે સ્ત્રીધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતેજ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઇ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિયો દેખાય તો તે ભગવાનને મુકીને તે સિદ્ધિયોમાં લોભાઇ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. ઇતિ વચનામૃતમ્ ।।૨૧।।
૧ ભગવાનના ધામનો માર્ગ.
૨ સાકાર નિરાકાર.