૧. ભગવત્સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવા વિષે

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે

રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પુછયો જે "સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?'' ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછીશ્રીજી મહારાજ બોલ્યા જે "લ્યો અમે ઉત્તર કરીએ જે,ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે, જેમ ચિંતામણી કોઇક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહેછે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે, તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઇ કઠણ સાધન પણ નથી અને તેથી કોઇ મોટી પ્રાપ્તિ પણ નથી."

ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પુછયો જે "જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે ''ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ?" ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે "ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને૩ બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મુકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઇક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઇક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઇક વિમાન ઉપર બેસીને જાય છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે."

પછી વળી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પુછયું જે " કેટલાક તો ઘણા દિવસ સુધી ૪ સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે "એને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે 'અન્ય સ્થળને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઇ સાધને કરીને ટળતાં નથી, તે શાસ્ત્રમાં કહ્યું છે જે


।।अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनष्यति । तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ।।


તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃત. ।।૧।।

૧. વાસુદેવનારાયણની સંધ્યા આરતી પછી.
૨. સ્વધર્મ, જ્ઞાનાદિક .
૩. દિવ્ય.
૪. સત્શબ્દથી કહેલા ભગવાન, સત્પુરૂષ, સદ્ધર્મ અને સત્શાસ્ત્ર આ ચારનો સંગ.