અધ્યાય ૪ - કંસે બાળકોની કરાવવા માંડેલી હીંસા.

શુકદેવજી કહે છે- બહારના અને અંતઃપુરનાં દ્વાર પૂર્વની પેઠે જ બંધ થઇ ગયાં. પછી બાળકનો શબ્દ સાંભળીને દ્વારપાળો તુરત જાગી ગયા અને તરત જ કંસની સમીપે જઇને દેવકીને પ્રસવ થયાની વાત કહી, કે જેની કંસ ઉદ્વેગને લીધે રાહ જોઇ રહ્યો હતો.૧-૨

''આતો મૃત્યુ'' એમ વિવ્હળ થયેલો કંસ તુરત પથારીમાંથી ઉઠીને માથાના વાળને સરખા કર્યા વિના ઠેશો ખાતો ખાતો સૂવાવડના ઘરમાં આવ્યો.૩

સતી એવી રાંક દેવકીએ દયામણી રીતે તે ભાઇને કહ્યું કે- ''હે ભલા ભાઇ ! આ તારી ભાણેજી દીકરી છે માટે આને તારે મારવી ન જોઇએ.૪ 

હે ભાઇ ! તમો દૈવની પ્રેરણાથી મારા અગ્નિ જેવા તેજસ્વી ઘણા પુત્રોને મારી નાખ્યા, પણ આ એક દીકરી મને આપો.૫

હું તમારી નાની બહેન રાંક અને મંદ ભાગ્યવાળી અને જેના પુત્રો મરી ગયા છે એવી છું, તો હે ભાઇ ! આ છેલ્લી પ્રજા મને આપવી જોઇએ.''

શુકદેવજી કહે છે- આ પ્રમાણે દીકરીને છાતી સાથે દબાવીને બહુ જ રાંકની પેઠે રૂદન કરતી દેવકીએ પ્રાર્થના કરી, તોપણ દુષ્ટ કંસે તેને તરછોડીને તેના હાથમાંથી તે કન્યાને આંચકી લીધી.૭

સ્વાર્થથી સ્નેહને તોડી નાખનાર કંસે એ બહેનની દીકરી કે જે માત્ર જન્મેલી જ હતી, તેના પગ પકડીને પથ્થર ઉપર પછાડી.૮

વિષ્ણુની નાની બેન એ સાધારણ કન્યા ન હતી. તે કંસના હાથમાંથી ઉછળીને તુરત આકાશમાં ગઇ. ત્યાં સાક્ષાત્ યોગમાયા રૂપે જોવામાં આવી. દિવ્ય માળા, વસ્ત્ર, લેપ તથા રત્નના અલંકારથી શોભતી હતી. મોટી આઠ ભુજાઓમાં ધનુષ, ત્રિશૂળ, બાણ, ઢાલ, તરવાર, શંખ, ચક્ર અને ગદા એ આઠ આયુધો ધારણ કર્યાં હતાં.૯-૧૦

સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, કિન્નર અને સર્પો ઘણાં ઘણાં બલિદાન આપીને તેની સ્તુતિ કરતા હતા, એ દેવીએ કંસને કહ્યું કે- ''હે મંદ ! મને મારવાથી તારું શું  વળવાનું છે ? તારો પૂર્વનો શત્રુ, કે જે તારા પ્રાણ લેનાર છે તે તો બીજા કોઇ સ્થાનકમાં ઉત્પન્ન થઇ ચુક્યો છે. માટે નિર્દોષ બાળકોને તું વૃથા માર માં.''૧૧-૧૨

ભગવતી યોગમાયા તે કંસને આ પ્રમાણે કહી પૃથ્વીમાં ઘણાં નામવાળાં સ્થાનકોમાં ઘણાં ઘણાં નામથી રહી.૧૩

એ દેવીનું વચન સાંભળી બહુ જ વિસ્મય પામેલા કંસે દેવકી અને વસુદેવને છોડીને નમ્રતાથી કહ્યું કે- ''હે બેન ! હે બનેવી ! અહો ! ! ! બહુ જ ભૂંડું થયું. રાક્ષસ જેમ પોતાનાં છોકરાંને જ મારી નાખે તેમ, મેં પાપીએ તમારા ઘણા પુત્રોને મારી નાખ્યા.૧૪-૧૫

ખરેખર હું નિર્દય છું. મેં જ્ઞાતિજનો અને સગાસંબંધીઓનો ત્યાગ કર્યો છે. માટે ખડ એવો હું બ્રહ્મહત્યારાની પેઠે જીવતાં જ મરેલો છું. અને મર્યા પછી કયા લોકને  પામીશ ?૧૬

કેવળ માણસો જ ખોટું બોલે છે એમ નથી, પરંતુ દેવતાઓ પણ ખોટું બોલે છે, કે જેઓના વિશ્વાસથી મેં પાપીએ બહેનના બાળકોને મારી નાખ્યાં.૧૭ 

હે મહાભાગ્યશાળી ! જે તમારા પુત્રોએ પોતાનાં પ્રારબ્ધ ભોગવ્યાં તેઓનો શોક કરો માં, કેમકે દૈવાધીન પ્રાણીઓ નિરંતર એક ઠેકાણે સાથે રહેતાં જ નથી.૧૮

જેમ પૃથ્વીમાં પૃથ્વીના વિકારરૂપ ઘટાદિક પદાર્થો થાય છે અને પાછાં ફુટી જાય છે, તેમાં પૃથ્વી કાંઇ પણ ફેરફાર નહીં પામતાં એવીને એવી જ રહે છે, તેમ દેહ જન્મે છે અને મરી જાય છે, તેમાં આત્મા કાંઇ પણ ફેરફાર નહીં પામતાં એકરૂપ જ રહે છે.૧૯

આ પ્રમાણે જે માણસ યથાર્થ ભેદને સમજતો નથી તેને દેહમાં આત્મબુદ્ધિ થાય છે, અને જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ હોય ત્યાં સુધી દેહનો યોગ તથા વિયોગ અને તેના થકી સુખ દુઃખ ચાલ્યા કરે છે.૨૦

એટલા માટે હે ભલી બહેન ! તારા પુત્રોને મેં મારી નાખ્યા તોપણ તેઓનો તું શોક રાખીશ માં; કેમકે સર્વ પ્રાણીઓને પરતંત્રપણાથી પોતાનું કરેલું ભોગવવું પડે છે.૨૧

જ્યાં સુધી પોતાના સ્વરૂપને નહીં જાણીને 'હું મરનારો છું અથવા મારનારો છું' એમ માને છે, ત્યાં સુધી એ દેહાભિમાની અજ્ઞાની માણસ વધ્યવધક ભાવને પામે છે.
અર્થાત્ પોતે હણાય છે અને બીજાને હણે છે.૨૨

દીન ઉપર દયા કરનારા સાધુ લોકો મારા અપરાધની ક્ષમા કરજો.'' એમ કહી રડી પડીને કંસે દેવકી તથા વસુદેવના પગ પકડયા, અને યોગમાયાના વચન ઉપર વિશ્વાસ રાખી પોતાનો સ્નેહ દેખાડવા વસુદેવ દેવકીને બંધનમાંથી છોડયાં.૨૩-૨૪

એ પસ્તાએલા ભાઇ ઉપર દેવકીએ ક્ષમા કરી. અને વસુદેવે પણ વૈર મૂકી, હસીને તેને કહ્યું કે- ''હે મહાત્મા કંસ ! જેમ તું કહે છે તેમ જ છે. પ્રાણીઓને દેહાભિમાન અજ્ઞાનથી જ થયેલ છે, કે જેથી આ પોતાનો અને આ પારકો એવી ભેદબુદ્ધિ થાય છે.૨૫-૨૬

શોક, હર્ષ, ભય, દ્વેષ, લોભ, મોહ અને મદવાળા દેહાભિમાની લોકો 'ઇશ્વર જ પદાર્થોનો પરસ્પર નાશ કરે છે' એ વાતને જાણતા નથી, અને પોતાને જ હણનાર અને હણાયેલો માને છે.૨૭

આ પ્રમાણે પ્રસન્ન થયેલાં દેવકી અને વસુદેવ દ્વારા શુદ્ધ અંતઃકરણથી બોલાવેલો કંસ તેઓની આજ્ઞા લઇને પોતાના ઘરમાં ગયો.૨૮ 

એ રાત્રી વીતી ગયા પછી કંસે મંત્રીઓને બોલાવીને તેઓને યોગમાયાએ કરેલી સઘળી વાત કહી સંભળાવી.૨૯

પોતાના સ્વામી કંસનું બોલવું સાંભળીને તેના મંત્રી દૈત્યો દેવતાઓના શત્રુ, દેવતાઓ ઉપર ક્રોધ કરનારા અને લાંબા વિચાર વગરના હતા તેથી તેઓએ કંસને કહ્યું કે- હે યાદવોના ઇન્દ્ર ! જો એમ હોય તો પુર, ગામડાં અને વ્રજાદિકમાં દશ દિવસની અંદરનાં અને દશ દિવસ ઉપરાંતનાં જે જે બાળકો જન્મેલાં હશે તેઓને આજ જ અમે મારી નાખીશું. ૩૦-૩૧

જે દેવતાઓ  યુદ્ધમાં બીકણ અને તમારા ધનુષની દોરીના શબ્દથી
નિરંતર ઉદ્વેગ પામ્યા કરે છે
, તેઓ ઉદ્યમથી આપણને શું કરી શકવાના છે ? કાંઇ પણ કરી શકવાના નથી.૩૨

તમે બાણ ફેંકો છો ત્યારે તમારાં બાણથી ચારે તરફ માર્યા જતા દેવતાઓ જીવવાની ઇચ્છાથી યુદ્ધ મૂકીને ભાગી જાય છે.૩૩

કેટલાએક દેવતાઓ હથિયાર મૂકી દઇને રાંકપણાથી હાથ જોડી ઉભા રહે છે, અને કેટલાએક તો પોતાની કાછડીઓ અને વાળને ખુુલ્લાં મુકીને તમારે શરણે આવે છે. અને અમો ભયભીત છીએ, એમ બોલવા લાગે છે.૩૪ 

જેઓ શસ્ત્ર  અસ્ત્રને ભૂલી ગયા હોય, રથ  વગરના હોય, ભયથી ઘેરાએલા હોય, બીજાઓની સાથે યુદ્ધ કરતા હોય તથા જેઓનાં ધનુષ ભાંગી પડયાં હોય અને યુદ્ધ ન કરતા હોય તેઓને તમે મારતા નથી.૩૫

નિર્ભય સ્થાનકમાં શૂરવીર અને યુદ્ધ ન હોય ત્યાં બડાઇ હાંકનારા દેવતાઓથી, ગુપ્ત રહેનાર વિષ્ણુથી, વનવાસી શિવથી, અલ્પ પરાક્રમવાળા ઇન્દ્રથી કે તપ કર્યા
કરતા બ્રહ્માથી આપણને શું થવાનું છે
? તો પણ અમે ધારીએ છીએ કે- શત્રુપણાને લીધે દેવતાઓની ઉપેક્ષા નહીં કરવી જોઇએ. એટલા માટે જે અમો તમારા સેવક છીએ તેથી અમોને દેવતાઓનું મૂળ ખોદી નાખવાની આજ્ઞા કરો.૩૬-૩૭ 

જેમ શરીરમાં થયેલા રોગની ઉપેક્ષા કરતાં તે જામી જાય તો પછી મનુષ્યોથી તેમનો ઉપાય થઇ શકતો નથી, અને જેમ યોગીઓએ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરી હોય અર્થાત્ છુટી મુકી દીધી હોય તો પછી તેનો નિગ્રહ થઇ શકતો નથી, તેમ શત્રુ પણ બળવાન થઇ જાય તો પછી તેને ચલાયમાન કરી શકાતો નથી.૩૮

દેવતાઓનું મૂળ વિષ્ણુ છે અને વિષ્ણુ, જ્યાં સનાતન ધર્મ હોય ત્યાં રહે છે. અને એ ધર્મનું મૂળ વેદ, ગાય, બ્રાહ્મણો, તપ, યજ્ઞા અને દક્ષિણાઓ છે.૩૯

માટે હે રાજા ! સઘળા ઉપાયો કરીને વેદિયા, તપસ્વી અને યજ્ઞા કરનારા બ્રાહ્મણોને તથા યજ્ઞામાં ઉપયોગી થાય એવાં ઘી, દૂધ આદિ આપનારી ગાયોને અમે મારી
નાખીશું.૪૦

બ્રાહ્મણ, ગાયો, વેદ, તપ, સત્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, મનની શાંતિ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞો વિષ્ણુના શરીરરૂપ છે.૪૧

એ વિષ્ણુ જ સઘળા દેવતાઓનો સ્વામી, દૈત્યોનો શત્રુ અને ગુપ્ત રહેનાર છે. બ્રહ્મા અને સદાશિવ સહિત સર્વ દેવતાઓનું મૂળ પણ એ જ છે. માટે બ્રાહ્મણ ઋષિઓને મારવા એ જ વિષ્ણુના વધનો ઉપાય છે.૪૨

શુકદેવજી કહે છે- કાળપાશથી ઘેરાયેલા અને દુષ્ટ બુદ્ધિવાળા અસુર કંસે આ પ્રમાણે દુષ્ટ મંત્રીઓની સાથે વિચાર કરીને બ્રાહ્મણોની હિંસાને પોતાના હિતરૂપ માનીઇચ્છામાં આવે તેવાં રૂપ ધરનારા અને બીજાનો નાશ જ જેઓને વહાલો હતો એવા દૈત્યોને સર્વ દિશાઓમાં સાધુલોકોનો નાશ કરી નાખવાની આજ્ઞા કરીને કંસ પોતાના ઘરમાં ગયો. ૪૩-૪૪

રજોગુણી સ્વભાવવાળા, તમોગુણથી મૂઢ બુદ્ધિવાળા અને જેઓનું મોત સમીપમાં આવ્યું હતું એવા દૈત્યો સત્પુરૂષોનો દ્વેષ કરવા લાગ્યા.૪૫

મહાત્મા લોકોનો અપરાધ કરવાથી પુરૂષનાં આયુષ્ય, લક્ષ્મી, યશ, ધર્મ, શુભલોક, સુખ અને સર્વ પ્રકારના કલ્યાણનો નાશ થાય છે.૪૬

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોથો અધ્યાય સંપૂર્ણ.