શ્લોક ૧૨૧

मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितम् । तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।।१२१।।


અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે, એમ જાણવું. અને જે ગોલોકધામ છે, એ અમોને પ્રિય છે. અને તે ગોલોક ધામને વિષે બ્રહ્મરૂપે કરીને ભગવાનની જે સેવા કરવી, એ અમોએ મુક્તિ માની છે, એમ જાણવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાનના સ્વરૂપને કેવી રીતે તથા કયા સિદ્ધાન્તને અનુસારે સમજવું જોઇએ ? અને ભક્તજનોનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઇએ ? શ્રીજીમહારાજે આ સામાન્ય ધર્મના અંતિમ શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. પ્રથમ તો શ્રીજીમહારાજ શ્રીરામાનુજાચાર્યે સ્થાપન કરેલા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને માન્ય રાખતાં કહે છે કે- વિશિષ્ટાદ્વૈત એ અમારો સિદ્ધાંત છે. આ લોકમાં અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈત આ પાંચ મતો પ્રસિદ્ધ છે. જે આચાર્યો થયા એ સર્વે જીવ, માયા અને ઇશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું છે. જીવ અને માયાનો પરમાત્મા સાથે શું સંબન્ધ છે ? તેનું બધા આચાર્યોએ નિરૂપણ કર્યું છે. તેમાં બધા આચાર્યોમાં થોડા થોડા મતભેદો છે. 


આ અદ્વૈત સિદ્ધાંતનું સ્થાપન શ્રી શંકર સ્વામીએ કરેલું છે. આ સિદ્ધાન્તમાં ''ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव केवलम्'' ।। इति ।। એક જ બ્રહ્મ (પરમાત્મા) સત્ય છે. અને આ જગત મિથ્યા છે. અર્થાત્ જગત નામનું કોઇ પદાર્થ જ નથી. અને જીવતત્ત્વ પણ મિથ્યા છે. જીવ એજ પરમાત્મા છે. જેમ સસલાનાં શીંગડાંનું અસ્તિત્વ ત્રણે કાળમાં નથી. તેમ જીવ અને માયાનું અસ્તિત્વ ત્રણે કાળમાં નથી. એક જ ઇશ્વર તત્ત્વ જ સત્ય છે.


કદાચ કોઇને શંકા થાય કે સસલાનાં શીંગડાંનું અસ્તિત્વ નથી, અર્થાત્ મિથ્યા છે. તેથી સસલાનાં શીંગડાં કદીપણ જોયામાં આવતાં નથી. તેમ જો જગત મિથ્યા હોય, જગતનું જો કોઇ અસ્તિત્વ જ ન હોય, તો આ જગત જોયામાં કે અનુભવ્યામાં આવવું જોઇએ નહિ.


આના ઉત્તરમાં અદ્વૈતીઓ કહે છે કે- અવિદ્યારૂપી અજ્ઞાનને કારણે દોરડીમાં જેમ સર્પની ભ્રાન્તિ થાય છે. તેમ જે એક સત્યભુત પરમાત્મા છે, એ પરમાત્માને વિષે અવિદ્યાના કારણે જગતની ભ્રાન્તિ થાય છે. અને એ ભ્રાન્તિનું મુખ્ય કારણ અવિદ્યા છે. તેથી જ્યારે અવિદ્યાનો નાશ થાય છે, ત્યારે જગત મટીને બ્રહ્મ બની જાય છે. અને જીવ પણ બ્રહ્મ બની જાય છે. કારણ કે વસ્તુતાએ જીવ અને જડ જગત, ઇશ્વર જ છે. અને વળી એ ઇશ્વર નિર્ગુણ છે. અર્થાત્ ઇશ્વર ગુણ વિનાના છે. એની અંદર કોઇપણ ગુણો નથી. અને તેથી જ બ્રહ્મ નિર્વિશેષ છે. એ બ્રહ્મની અંદર બીજો કોઇપણ વિશેષ નથી. આ અદ્વૈત સિદ્ધાન્ત છે.


- અદ્વૈતસિદ્ધાંતમાં દોષ  - 


શંકર સ્વામીના આ અદ્વૈત સિદ્ધાન્તમાં ઇશ્વર પણ અવિદ્યાથી ઢંકાઇને પોતાના ઇશ્વરત્વને ભુલી જાય છે. અને હું જીવ છું. આવી ભ્રાન્તિથી યુક્ત થાય છે. તેથી ઇશ્વર કરતાં પણ અવિદ્યાનો પ્રભાવ અધિક સિદ્ધ થાય છે. આ અદ્વૈતસિદ્ધાન્તમાં મહાન દોષ છે. અને ઇશ્વર ગુણાદિકથી રહિત છે માટે નિર્ગુણ અને નિર્વિશેષ છે, આ રીતે અદ્વૈતીયોનું જે માનવું છે. એ પણ મહાન દોષ છે. તેથી શ્રીજીમહારાજે આ અદ્વૈતસિદ્ધાન્તને માન્ય રાખેલો નથી.


- શુદ્ધાદ્વૈત -


આ સિદ્ધાન્ત શ્રીવલ્લભાચાર્યજીએ સ્થાપન કર્યો છે. આ સિદ્ધાન્તમાં ભગવાન શુદ્ધ અને એક છે. શુદ્ધ અને એક એવા ભગવાનના સત્, ચિત્ અને આનંદ આ ત્રણ અસાધારણ ધર્મો છે. સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ એવા પરમાત્માને જ્યારે લીલા કરવાની ઇચ્છા થઇ, ત્યારે પરમાત્મા પોતે જ પોતાની યોગશક્તિથી આનંદ અને ચિત્ત ધર્મને ઢાંકી દઇને "સત્'' સ્વરૂપે વિરાજમાન થયા, એ માયા બની. તેથી માયામાં આનંદ અને ચિત્ત ધર્મ નથી, અને વળી ત્યાર પછી પરમાત્મા પોતે જ પોતાની યોગશક્તિથી આનંદ અને ચિત્ત ધર્મને ઢાંકી દઇને ''ચિત્'' રૂપે વિરાજમાન થયા, એ સર્વે જીવો બન્યા. અર્થાત્ જેમ અગ્નિમાંથી સૂક્ષ્મ તણખાઓ ઉત્પન્ન થાય, તેમ પરમાત્મા થકી ચૈતન્ય જીવો તથા જગત રૂપી તણખાઓ ઉત્પન્ન થયા. આ રીતે શુદ્ધ અને એક એવા પરમાત્માનો અંશાંશી ભાવ નિરૂપણ કર્યો છે. તેથી પરમાત્માને શુદ્ધ એવા અદ્વૈત (એક) વર્ણવેલા છે.


- શુદ્ધાદ્વૈતમાં દોષ -


વલ્લભ સ્વામીના આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં જીવાત્માઓ ભગવાનના જ ટુકડા છે. અને જગત પણ એક ભગવાનનોજ ટુકડો છે, તેથી શુદ્ધ અને એક એવા ભગવાનની અંદર ચ્યુતભાવ, ક્ષરભાવ કે વિકારીભાવ આવી જાય છે, જે વેદ વિરૂદ્ધ છે. કારણ કે વેદમાં ભગવાનને તો અચ્યુત, અક્ષર અને અવિકારી કહ્યા છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં ભગવાન અવિદ્યાથી તો ઢંકાતા નથી, પણ પરમાત્માની અંદર વિકારીભાવ અને ક્ષરભાવ આવી જાય છે, આ વેદ વિરૂદ્ધ હોવાથી મહાન દોષ છે. તેથી શ્રીજીમહારાજે આ શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તને માન્ય રાખેલો નથી.- દ્વૈતસિદ્ધાંત -



આ દ્વૈત સિદ્ધાંત શ્રી માધવાચાર્યજીએ સ્થાપન કરેલો છે. આ દ્વૈત સિદ્ધાંતમાં જીવ, માયા તથા ઇશ્વર આ ત્રણે તત્ત્વોનો ભેદ સ્વીકારવામાં આવેલો છે. ભગવાન, જીવ અને માયા ભિન્ન ભિન્ન તત્ત્વ છે. તેમાં ઇશ્વર અને જીવની અંદર સ્વામી સેવકભાવ પ્રતિપાદન કરેલો છે. ભગવાન સ્વતંત્ર છે અને જીવ પરતન્ત્ર છે. સ્વામી સ્વતન્ત્ર હોય છે. સેવક પરતંત્ર હોય છે. અને જે સેવક હોય, એ હમેશાં સેવ્યથી અત્યંત ભિન્ન હોય છે. જેમ રાજા સેવ્ય છે. તો એ રાજા પોતાના સેવકવર્ગથી અત્યંત ભિન્ન છે. તેમ જીવો સેવક હોવાથી, સેવ્ય એવા પરમાત્માથી હમેશાં અત્યંત ભિન્ન છે. આ રીતે જીવતત્ત્વની પરમાત્મા થકી અત્યંત ભિન્નતા આ સિદ્ધાન્તમાં નિરૂપણ કરેલી છે.


- દ્વૈતસિદ્ધાંતમાં દોષ -


આ સિદ્ધાંત મોટે ભાગે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સમાન છે. પણ આ સિદ્ધાંતમાં ત્રણે તત્ત્વોને અત્યંત ભિન્ન બતાવ્યાં છે. ત્રણે તત્ત્વોનો પરસ્પર શું સંબન્ધ છે. એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું નથી. આ એક મહાન દોષ રહેલો હોવાથી શ્રીજીમહારાજે આ દ્વૈત સિદ્ધાંતને પણ માન્ય રાખેલો નથી.


- દ્વૈતાદ્વૈતસિદ્ધાંત - 


આ મત નિંબાર્કાચાર્યજીએ સ્થાપન કરેલો છે. આ દ્વૈતાદ્વૈતની અંદર બે શબ્દો છે. એક દ્વૈત અને બીજો અદ્વૈત. દ્વૈત એટલે ભેદ, અને અદ્વૈત એટલે અભેદ. જીવ અને માયા ભગવાનના જ અંશો છે. જેમ અગ્નિ થકી તણખાઓ ઉત્પન્ન થાય, તેમ જીવ અને માયા ભગવાન થકી ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ તણખાઓ છે.


 જેમ મહાન અગ્નિની જ્વાળા થકી એક સૂક્ષ્મ તણખો ઉત્પન્ન થાય છે. તેમાં જેમ ભેદ રહ્યો છે કે, એક મહાન અગ્નિ અને બીજો તણખો, એ સૂક્ષ્મ અગ્નિ. આ રીતે જેમ ભેદ રહ્યો છે. તેમ જીવ અને માયા, અગ્નિના સૂક્ષ્મ તણખાની સમાન છે. અને ઇશ્વર મહાન અગ્નિની જ્વાળાની સમાન છે. આ રીતે ઇશ્વર થકી જીવ અને માયાનો જે ભેદ રહ્યો છે, તેને દ્વૈત કહેવામાં આવે છે.


અને વળી જેમ મહાન અગ્નિ થકી ઉત્પન્ન થયેલા જે સૂક્ષ્મ તણખાઓ અને અગ્નિની જ્વાળાઓ એ પણ એક જાતનો અગ્નિ જ છે. આમ તો જાતિએ કરીને તણખાઓ અને જ્વાળા આ બન્ને સમાન છે, અને બન્ને એક જ છે. તેમ જીવ અને માયા ભગવાન થકી ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ તણખાઓ છે. તેથી બ્રહ્મત્વ જાતિએ કરીને તો બન્ને સમાન છે. આ રીતે જે અભેદ રહ્યો છે તેને અદ્વૈત કહેવામાં આવે છે. આ પ્રમાણે દ્વૈત અને અદ્વૈત આ બન્ને શબ્દો સાથે મળીને દ્વૈતાદ્વૈત સિદ્ધાંત બને છે.


અને વળી બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે સૃષ્ટિ હોય ત્યારે આ બધું જુદું જુદું દેખાય છે, તેથી દ્વૈત. અને જ્યારે પ્રલય થઇ જાય, ત્યારે બધું પરમાત્મારૂપ થઇ જાય છે, ત્યારે અદ્વૈત. આ રીતે આ સિદ્ધાંતમાં પરમાત્માને દ્વૈતાદ્વૈત વર્ણવેલા છે. યાદવપ્રકાશાચાર્ય પણ આ દ્વૈતાદ્વૈતને માને છે


- દ્વૈતાદ્વૈતસિદ્ધાંતમાં દોષ -


આ સિદ્ધાંતની અંદર પણ જીવ અને ઇશ્વરનો અભેદ, તથા માયા અને ઇશ્વરનો અભેદ પ્રતિપાદન કરેલો છે. તેથી જીવની અંદર રહેલા સુખદુઃખાદિ દોષો, અને માયાની અંદર રહેલું વિકારીપણું આદિક દોષો પરમાત્માની અંદર સિદ્ધ થાય છે. આ એક મહાન દોષ રહ્યો છે, તેથી જ શ્રીજીમહારાજે આ દ્વૈતાદ્વૈત સિદ્ધાંતને માન્ય રાખેલો નથી.


- વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત -


આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત શ્રી રામાનુજાચાર્યજીએ સ્થાપન કરેલો છે. અને સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા શ્રીહરિએ આ પૃથ્વી ઉપર આવીને શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને શિરોમાન્ય રાખીને બહાલી આપેલી છે. આથી પહેલાં કોઇપણ પરમાત્માના અવતારોએ કોઇપણ આચાર્યના સિદ્ધાંતને પૂર્ણપણે માન્યતા આપેલી હોય, એવું કોઇ શાસ્ત્રમાં સાંભળવામાં આવતું નથી. આ જ એક અદ્વૈતીય પ્રસંગ છે કે- સાક્ષાત્ પરમાત્મા શ્રીહરિએ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્તને શિરોમાન્ય રાખેલો છે.


આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની અંદર તમામ શ્રુતિઓનું સન્માન કરવામાં આવેલું છે. કોઇપણ શ્રુતિનો તિરસ્કાર કરવામાં આવ્યો નથી. જ્યારે અદ્વૈત સિદ્ધાંતમાં તો કેવળ અભેદ શ્રુતિઓનો જ સ્વીકાર કરવામાં આવે છે. અને એ સિવાય બીજી ભેદ શ્રુતિઓ તથા ઘટક શ્રુતિઓનો ત્યાગ કરવામાં આવે છે. અને મધ્વાચાર્યના દ્વૈત સિદ્ધાંતમાં કેવળ ભેદશ્રુતિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. અને બીજી શ્રુતિઓનો તિરસ્કાર કરવામાં આવે છે. આ રીતે બીજા સર્વે મતોમાં તમામ શ્રુતિઓને સન્માન આપવામાં આવેલું નથી. પણ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં તો તમામ શ્રુતિઓને સન્માન આપવામાં આવેલું છે. કોઇપણ શ્રુતિનો તિરસ્કાર કરવામાં આવેલો નથી. એજ કારણથી આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને શ્રીજીમહારાજે પૂર્ણપણે માન્ય રાખેલો છે. વેદોમાં પરમાત્માને સિદ્ધ કરનારી મુખ્યપણે ત્રણ પ્રકારની શ્રુતિઓ છે. ભેદ શ્રુતિ, અભેદ શ્રુતિ અને ઘટક શ્રુતિ.


- ભેદ શ્રુતિ -


''ज्ञा।ज्ञाौ द्वावजावीशानीशौ'' ।। इति ।। આ શ્રુતિ જીવ અને પરમાત્માનો ભેદ પ્રતિપાદન કરનારી છે. માટે ભેદશ્રુતિ કહેવામાં આવે છે. આ શ્રુતિનો એ અર્થ છે કે, જીવ અજ્ઞાની છે. અલ્પજ્ઞા છે. અને પરમાત્મા સર્વજ્ઞા છે. જીવ અસમર્થ છે, અને પરમાત્મા સમર્થ છે. આ પ્રમાણે આ શ્રુતિમાં જીવ અને પરમાત્માનો ભેદ સ્પષ્ટ જણાઇ આવે છે. માટે ભેદશ્રુતિ કહેવાય છે.


- અભેદશ્રુતિ -


''सर्वं खल्विदं ब्रह्म'' ।। इति ।। ''तत्त्वमसि'' ।। इति ।। આ બન્ને શ્રુતિઓમાં પહેલી શ્રુતિ જડ, જગત અને પરમાત્માનો અભેદ પ્રતિપાદન કરનારી છે. અને બીજી શ્રુતિ જીવ અને પરમાત્માનો અભેદ પ્રતિપાદન કરનારી છે. માટે અભેદ શ્રુતિ કહેવામાં આવે છે. આ બન્ને શ્રુતિઓમાં પ્રથમની શ્રુતિનો એ અર્થ છે કે, આ સંપૂર્ણ જગત પરમાત્મા છે, અને બીજી શ્રુતિનો એ અર્થ છે કે, ઉદૃાલકમુનિ શ્વેતકેતુને કહે છે. હે શ્વેતકેતુ ! તું તે છો, અર્થાત્ તું તે ઇશ્વર છો. આ પ્રમાણે આ બન્ને શ્રુતિઓમાં જીવ, જગત અને પરમાત્માનો અભેદ સ્પષ્ટ જણાઇ આવે છે. તેથી અભેદ શ્રુતિ કહેવાય છે.


- ઘટકશ્રુતિ -


''यः पृथिव्यां तिष्ठन् पृथिव्या अन्तरो यं पृथिवी न वेद यस्य पृथिवी शरीरम्'' ।। इति ।। ''यः आत्मनि तिष्ठन्नात्मनो।न्तरो यमात्मा न वेद यस्यात्मा शरीरम्'' ।। इति ।। આ બન્ને ઘટક શ્રુતિઓ છે. ભેદ અને અભેદ બન્નેને જે ઘટાવે તેને ઘટક શ્રુતિ કહેવાય છે. વેદમાં ભેદશ્રુતિ અને અભેદ શ્રુતિનો જ્યારે વિરોધ ઉપસ્થિત થાય છે, ત્યારે ઘટક શ્રુતિ ભેદનું તથા અભેદનું અર્થઘટન કરીને ભેદ શ્રુતિના તથા અભેદશ્રુતિના વિરોધને શાંત કરે છે. બન્નેના ટકરાવને નિવારે છે.


આ ઘટક શ્રુતિઓમાં પહેલી શ્રુતિનો એ અર્થ છે કે, પરમાત્મા પૃથ્વીની અંદર અંતર્યામિરૂપે રહેલા છે. પૃથ્વીના આધાર છે. અને પૃથ્વી આધેય છે તેથી પૃથ્વી પરમાત્માનું શરીર છે, અને પરમાત્મા શરીરિ આત્મા છે. અને બીજી શ્રુતિનો એ અર્થ છે કે, પરમાત્મા જીવાત્માની અંદર અંતર્યામિરૂપે રહેલા છે, જીવાત્માના આધાર છે. અને જીવાત્મા આધેય છે. તેથી જીવો પરમાત્માનું શરીર છે, અને પરમાત્મા જીવોના શરીરિ આત્મા છે. આ પ્રમાણે ઘટક શ્રુતિ જીવાત્મા તથા પરમાત્માનો અને જડ, જગત તથા પરમાત્માનો શરીર-શરીરિભાવ પ્રતિપાદન કરે છે.


- ઘટકશ્રુતિદ્વારા ભેદશ્રુતિનો સમન્વય -


વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં ભેદશ્રુતિનો પણ શરીર-શરીરિભાવથી સમન્વય કરવામાં આવેલો છે. જડ જગત અને જીવ આ બન્ને ઇશ્વર થકી ભિન્ન તો છે, પણ એકદમ ભિન્ન નથી. ભિન્ન હોવા છતાં ઇશ્વર સાથે સંલગ્ન છે. એમ આ ઘટકશ્રુતિદ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ આપણું આ પંચભૂતનું શરીર છે, એ શરીર, અંદર રહેલા શરીરિ જીવાત્મા થકી તત્ત્વે કરીને પૃથક્ હોવા છતાં આપણે શરીરને જીવાત્મા થકી પૃથક્ કરી શકતા નથી. તેમાં આપણું આ શરીર તત્ત્વ આધેય છે, અને જીવાત્મા તત્ત્વ શરીરનો આધાર છે.


એજ રીતે જીવો અને જડ જગત આ બન્ને પરમાત્માનાં શરીરો છે. અને પરમાત્મા એ બન્નેના શરીરિ આત્મા છે. તેથી જીવાત્માઓ અને જડ જગત, તત્ત્વે કરીને શરીરિ એવા પરમાત્મા થકી તદન પૃથક્ હોવા છતાંપણ પરમાત્મા થકી જુદાં પડી શકતાં નથી. તેમાં જીવાત્મા તત્ત્વ અને જડ તત્ત્વ આધેય છે. અને પરમાત્મા તત્ત્વ આધાર છે. આપણા શરીર થકી જેમ જીવાત્મા ભિન્ન છે, તેમ જીવો અને જડ જગત થકી પરમાત્મા પણ ભિન્ન છે. આ રીતે ભેદને ઘટકશ્રુતિ માન્ય રાખે છે, પણ સ્વતંત્રપણે નહિ


- ઘટકશ્રુતિ દ્વારા અભેદ શ્રુતિનો સમન્વય -


જેમ આપણું શરીર અને જીવાત્માનો અવિનાભાવ સંબન્ધ રહેલો છે. અર્થાત્ પરસ્પર અભેદ સંબન્ધ કહેલો છે. તેમાં આપણા શરીરનું અસ્તિત્વ જીવાત્માને લઇને છે, જીવ વિના આપણા આ શરીરનું અસ્તિત્વ નથી. જ્યારે શરીરમાંથી જીવ નીકળી જાય છે, ત્યારે બીજા ક્ષણમાં જ શરીરનું અસ્તિત્વ મટી જાય છે, અને શબનું અસ્તિત્વ આવી જાય છે. આ રીતે જીવાત્માને લઇને જ શરીરનું અસ્તિત્વ છે. જ્યાં સુધી શરીરિ જીવાત્મા છે, ત્યાં સુધી જ શરીર છે. અને શરીરિ જીવાત્મા જો નથી, તો શરીર પણ નથી. શરીર તો એ ને એ દેખાતું હોવા છતાં, જીવાત્માના અભાવને કારણે તેને શબ કહેવાય છે. શરીર કહેવાતું નથી. આ પ્રમાણે આપણું શરીર અને જીવાત્મા આ બન્નેનો અભેદ સંબન્ધ કહેલો છે. તેથી ''હું મનુષ્ય છું.'' ''હું દેવ છું.'' આ વાક્યોમાં '' મનુષ્ય અને દેવ'' આ બન્ને શરીર વાચક શબ્દો છે, છતાં અભેદ સંબન્ધને કારણે શરીરથી વિશિષ્ટ એવા જીવાત્માના વાચક બને છે. તેથી ''હું મનુષ્ય છું'' એટલે મનુષ્ય શરીરથી વિશિષ્ટ હું છું. ''હું દેવ છું.'' એટલે દેવશરીરથી વિશિષ્ટ હું છું. જીવ છે એ કાંઇ મનુષ્ય નથી, અને દેવ પણ નથી. જીવ છે એ મનુષ્યત્વ અને દેવત્વ આ બન્નેથી વિલક્ષણ છે. છતાં અભેદ સંબન્ધને કારણે તે તે શરીરવાચક શબ્દોથી કહેવામાં આવે છે.


એજ રીતે જીવ અને જડ્ જગતનો પરમાત્માની સાથે અવિનાભાવ સંબન્ધ કહેલો છે. અર્થાત્ જીવ અને જડ્ જગતનું અસ્તિત્વ જગદીશ એવા પરમાત્માને લઇને છે. અંતર્યામી એવા પરમાત્મા વિના જીવ અને જડ્ જગતનું અસ્તિત્વ નથી. આ રીતે જીવ અને જડ્ જગતનો જગદીશની સાથે અભેદ સંબન્ધ કહેલો છે. તેથી જીવ વાચક સર્વે શબ્દો, તથા જડ્ જગત વાચી સર્વે શબ્દો અંતર્યામી એવા જગદીશની અંદર જ વિરામ પામે છે. એજ કારણથી ''જીવ બ્રહ્મ છે'' એટલે જીવથી વિશિષ્ટ બ્રહ્મ છે, પણ જીવ કાંઇ બ્રહ્મ નથી. અને ''પૃથ્વી બ્રહ્મ છે.'' એટલે પૃથ્વીથી વિશિષ્ટ બ્રહ્મ છે, પણ પૃથ્વી કાંઇ બ્રહ્મ નથી. આ રીતે પરમાત્મા જો કે, તત્ત્વે કરીને જીવ તથા જડ્ જગત થકી વિલક્ષણ છે, છતાં અભેદ સંબન્ધને કારણે, અર્થાત્ શરીર-શરીરિભાવ સંબંધને કારણે તે તે જડ્ જગત વાચી શબ્દોથી, તથા જીવ વાચક શબ્દોથી જગદીશને જ કહેવામાં આવે છે. વસ્તુતાએ જડત્વ અને જીવત્વ થકી જગદીશ એવા પરમાત્મા વિલક્ષણ છે. આ રીતે જગદીશ વિના જડ્ જગત તથા જીવનું અસ્તિત્વ નથી, માટે તેનો પરમાત્માની સાથે અભેદ સંબન્ધ છે. અને તેથી જ જડ્ જગત અને જીવ થકી જગદીશને અભિન્ન વર્ણવેલા છે. આ પ્રમાણે ઘટક શ્રુતિ શરીર-શરીરિભાવથી અભેદને પણ માન્ય રાખે છે. અને ભેદ શ્રુતિ તથા અભેદ શ્રુતિનો જે વિરોધ ઉપસ્થિત થાય છે, તેને શાંત કરે છે. આ પ્રમાણે વિશિષ્ટદ્વૈત સિદ્ધાંતની અંદર તમામ શ્રુતિઓનો સમન્વય કરવામાં આવેલો છે. એજ કારણથી આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને શ્રીજીમહારાજે શિરોમાન્ય રાખેલો છે.


હવે વિશિષ્ટાદ્વૈત શબ્દનો અર્થ સમજાવતાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ''विशिष्टयोः अद्वैतम्'' इति विशिष्टाद्वैतम्'' ।। इति ।। બન્ને અવસ્થાઓથી વિશિષ્ટ એવા એક પરમાત્મા તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત. એ બન્ને અવસ્થાઓ કઇ ? તો કહે છે કે- એક કારણ અવસ્થા અને બીજી કાર્ય અવસ્થા.


આ દેખાતા જગતનો જ્યારે પ્રલય હોય છે, ત્યારે જીવ અને જડ્ જગત આ બન્નેની અતિ સૂક્ષ્મ દશા હોય છે, અને એ બન્ને તત્ત્વ નામ રૂપના વિભાગથી રહિત હોય છે. આ રીતે નામરૂપના વિભાગથી રહિત એવી જીવ અને જડ્ જગતની જે સૂક્ષ્મ દશા તેને કારણાવસ્થા કહેવામાં આવે છે. આ કારણાવસ્થાની અંદર પરમાત્મા અંતર્યામિપણે રહેલા છે. તેથી પરમાત્માને કારણાવસ્થાથી વિશિષ્ટ કહેવામાં આવે છે. આ એક કારણાવસ્થાથી વિશિષ્ટ પરમાત્મા થયા.


આ જગતની જ્યારે સ્થિતિ દશા હોય છે, ત્યારે જીવ અને જડ્ જગતની સ્થૂલ દશા હોય છે, અને એ બન્ને તત્ત્વ નામ રૂપના વિભાગથી યુક્ત હોય છે. આ રીતે નામરૂપના વિભાગથી યુક્ત એવી જીવ અને જડ્ જગતની સ્થૂલ દશા, તેને કાર્ય અવસ્થા કહેવાય છે. આ કાર્ય અવસ્થાની અંદર પણ પરમાત્મા અંતર્યામિપણે રહેલા છે, તેથી પરમાત્માને કાર્યાવસ્થાથી વિશિષ્ટ કહેવામાં આવે છે. આ બીજી કાર્યાવસ્થાથી વિશિષ્ટ પરમાત્મા થયા. આ રીતે બન્ને અવસ્થાઓથી વિશિષ્ટ પરમાત્માનો જે અદ્વૈતભાવ, અર્થાત્ અકતા તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત.


પ્રલય સમયે સૂક્ષ્મ દશાને પામેલા જીવો અને જડ્ તત્ત્વ જે માયા તેથી વિશિષ્ટ એવા જે પરમાત્મા હતા, એજ પરમાત્મા સૃષ્ટિ સમયે एको।हं बहुस्यां प्रजायेय ।। इति ।। આ રીતે પોતે જ સંકલ્પ કરીને, સ્થૂલ દશાને પામેલા જીવો અને જડ્ જગતથી વિશિષ્ટ બની જાય છે. આ પ્રમાણે પરમાત્મા પ્રલય સમયે જીવ અને માયાથી વિશિષ્ટ હોય છે. અને સૃષ્ટિ સમયે પણ જીવ અને માયાથી વિશિષ્ટ જ હોય છે. જીવ અને માયા પરમાત્માનાં અપૃથક્ વિશેષણો છે. પરમાત્માથી ક્યારેય પણ જુદાં પડી શકતાં નથી. અને અપૃથક્ વિશેષણથી જે યુક્ત હોય, તેને વિશિષ્ટ શબ્દથી કહેવામાં આવે છે.


જેમ પુષ્પમાં સુગન્ધી રહેલી છે. તે સુગંધને પુષ્પથી જુદી પાડી શકાતી નથી. તેથી એ સુગંધ પુષ્પનું અપૃથક્ વિશેષણ કહેવાય છે. અને પુષ્પને વિશિષ્ટ કહેવામાં આવે છે. અર્થાત્ પુષ્પ હમેશને માટે સુગંધથી વિશિષ્ટ છે. એજ રીતે જીવ અને માયાને પરમાત્મા થકી પૃથક્ કરી શકાતાં નથી, તેથી જીવ અને માયા પરમાત્માનાં અપૃથક્ વિશેષણો કહેવાય છે. અને પરમાત્માને તેનાથી વિશિષ્ટ કહેવામાં આવે છે. જીવ અને માયાની જ્યારે કારણ અવસ્થા હોય, ત્યારે પરમાત્મા એ કારણાવસ્થાથી વિશિષ્ટ હોય છે. અને જીવ તથા માયાની જ્યારે કાર્ય અવસ્થા હોય, ત્યારે પણ પરમાત્મા એ કાર્ય અવસ્થાથી વિશિષ્ટ હોય છે. આ રીતે બન્ને અવસ્થાઓથી વિશિષ્ટ એવા પરમાત્માનો જે અદ્વૈતભાવ, અર્થાત્ એકતા તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત.


જેમ કે જીવ જ્યારે જાગ્રત અવસ્થામાં રહ્યો હોય, ત્યારે જાગ્રત અવસ્થાથી વિશિષ્ટ હોય છે. એજ જીવ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં રહ્યો હોય, ત્યારે સુષુપ્તિ અવસ્થાથી વિશિષ્ટ હોય છે. તેથી જાગ્રત અવસ્થાથી વિશિષ્ટ જીવ, અને સુષુપ્તિ અવસ્થાથી વિશિષ્ટ જીવ, આ બન્ને જીવની જેવી રીતે એકતા છે. તેવી જ રીતે કારણાવસ્થાથી વિશિષ્ટ પરમાત્મા, અને કાર્ય અવસ્થાથી વિશિષ્ટ પરમાત્મા, આ બન્નેની જે એકતા, તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત.અને વળી શ્રીજીમહારાજ કહે છે કે- ગોલોક છે, એ અમારું પ્રિય ધામ છે. અર્થાત્ વૈકુંઠ, શ્વેતદ્વીપ ઇત્યાદિક ભગવાનનાં ધામોને મધ્યે ગોલોક નામનું જે ધામ છે, એ અમોને ઇષ્ટ છે. હવે આ ગોલોક ધામ કેવું છે તેનું સ્વરૂપ શતાનંદ સ્વામીએ સત્સંગીજીવનમાં જ્યાં બ્રહ્મપુરનું વર્ણન કરેલું છે, ત્યાં કહેલું છે. - ''नारायणमुनिरुवाच - भक्ता ! श्रृणुत वक्ष्यामि रुपं ब्रह्मपुरस्य वः । एकान्तिकानां भक्तानां प्राप्यस्यातिसुखस्य च ।। एतद्रहस्यमस्ति इति पुराणेषु महर्षिभिः । न सम्यक् विस्तरेणोक्तं प्रोक्तं नामान्तरेण च'' ।। इति ।। શ્રીજીમહારાજ કહે છે કે- હે ભક્તજનો ! આ બ્રહ્મપુરનું સ્વરૂપ અતિ રહસ્યરૂપ છે. અર્થાત્ અતિ ગોપનીય છે. તેથી પરાશરાદિક મહર્ષિઓએ પુરાણોમાં વિસ્તારથી વર્ણવેલું નથી. અને વૈકુંઠ, ગોલોકાદિક નામ વડે જ બ્રહ્મપુરને કહેલું છે. જેમ કે, છાંદોગ્યોપનિષદને વિષે ''एतत्सत्यं ब्रह्मपुरम्'' ।।इति।। આ બ્રહ્મપુર સત્યસ્વરૂપ છે. આ રીતે સંક્ષેપથી વર્ણવેલું છે. મહાભારતના મોક્ષધર્મને વિષે ''प्राप्यावध्यं ब्रह्मपुरम्'' આ બ્રહ્મપુર અવિનાશી છે.


અને વળી સ્કંદપુરાણમાં यद् ब्रह्मपुरमित्याहु'' જેને બ્રહ્મપુર શબ્દથી કહેવામાં આવે છે. આ રીતે સર્વત્ર સંક્ષેપથી બ્રહ્મપુરનું વર્ણન કરેલું છે. પણ શ્રીજીમહારાજ કહે છે કે- હે ભક્તો ! તમો સર્વે શુદ્ધ અંતઃકરણવાળા છો. અને ઉત્તમ અધિકારી છો. તેથી આ બ્રહ્મપુરનું વિસ્તારપૂર્વક વર્ણન તમારી આગળ કરું છું. તેને તમો સર્વે સાંભળો. - આ બ્રહ્માંડને વિષે ચૌદ લોક રહેલા છે. એ ચૌદ લોકરૂપી બ્રહ્માંડને ફરતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ અને પ્રકૃતિ આ આઠ આવરણો રહેલાં છે. તેમાં અંતિમ જે પ્રકૃતિ નામનું આવરણ છે. ''ततः परं चिदाकाशमस्ति तेजोमयं महत्'' ।। इति ।। આ આવરણથી પર તેજોમય અને અપરિચ્છિન્ન એવો ચિદાકાશ રહેલો છે. જે ચિદાકાશને પરમ વ્યોમ આવા નામથી પણ કહે છે. જેમ આ બ્રહ્માંડની અંદર સર્વત્ર વ્યાપ્ત એવો ભૌતિક આકાશ રહેલો છે. અને તે જડસ્વરૂપ છે. એજ રીતે પ્રકૃતિ નામના આઠમા આવરણથી પર અપરિચ્છિન્ન એવો એક આકાશ રહેલો છે. અને એ આકાશ ચૈતન્યસ્વરૂપ છે. તેથી ચિદાકાશ કહેવામાં આવે છે. અને એ ચિદાકાશ તેજોમય છે. ''अस्ति तत्रानन्दमयी सुधासिन्धुर्महानदी । नित्या।नन्ता च गम्भीरा यामाहुर्विरजामपि'' ।। इति ।। જેમ આ ભૌતિક આકાશને મધ્યે આ બ્રહ્માંડરૂપી ગોળો રહેલો છે. અને જેની ફરતે ચારે બાજુ સમુદ્ર રહેલો છે. તેમ જ ચિદાકાશને મધ્યે અતિતેજોમય એક મહાન દ્વિપ રહેલો છે. અને તેની ચારે બાજુ ગોળાકારે વિરજા નામની નદી રહેલી છે. વિરજા નદીની મધ્યે રહેલા આ દ્વીપને વિષે દિવ્ય અને અતિ રમણીય કામધેનુ ગાયો રહેલી છે. વિવિધ પ્રકારનાં દિવ્ય વૃક્ષો, ફળો તથા પુષ્પો રહેલાં છે. અને વૃંદાવનાદિક બહુ પ્રકારના બગીચાઓ રહેલા છે. તેમ જ નદીઓ અને સરોવરોથી એ દ્વીપ અતિ રમણીય છે. ''अस्ति तस्मिन् बृहद्दुर्गं शतशृङ्गाचलाभिधम्'' ।। इति ।। તે દ્વીપને મધ્યે અતિ વિશાળ અને કમળની સમાન ગોળાકાર શતશૃંગ નામનો એક દુર્ગ (કીલ્લો) રહેલો છે. એ કીલ્લાની ચારે દિશામાં અતિશે ઉંચાં ચાર ગોપુર રહેલાં છે. અર્થાત્ એ કીલ્લાની ચારેબાજુ એક એક અતિ ઉંચા દરવાજા રહેલા છે. અને એ ચારે દરવાજામાં સુબલ, પ્રબલ આદિક ચાર દ્વારપાળો ઉભા છે. આવા દુર્ગની મધ્યે દિવ્ય તેજોમય એક પ્રદેશ છે. જે પ્રદેશની આ બ્રહ્માંડમાં કોઇપણ વસ્તુની સાથે ઉપમા આપી શકાય તેમ નથી. આવો એક નિરૂપમ પ્રદેશ છે. ''तदेतत्परमं धाम श्रीकृष्णस्य सनातनम् । गोलोक इति यत्प्राहुर्गोपगोपीगणावृत्तम्'' ।। इति ।। એ નિરૂપમ પ્રદેશને શ્રીકૃષ્ણ ભગવાનનું પરમ સનાતન ધામ કહેલું છે. જે ધામ મુક્ત એવા ગોપ અને ગોપીઓથી વ્યાપ્ત છે. આવું જે પરમાત્માનું ધામ તેને ગોલોક આવા નામથી કહે છે. ''तन्मध्ये।स्ति महत्तेजः कोटिकोटयर्कभासुरम् । मनोहरमतिश्वेतं घनं सच्चित्सुखात्मकम्'' ।। इति ।। એ ગોલોકના મધ્ય પ્રદેશમાં કરોડે કરોડ સૂર્યની સમાન પ્રકાશમાન અતિશ્વેત ઘાટું અને સચ્ચિદાનંદ એવું મહાન તેજ રહેલું છે. ''यदाहुरक्षरं ब्रह्म सर्वाधारं तथामृतम् । तदेतदवगन्तव्यं धाम ब्रह्मपुरं हरेः'' ।। इति ।। તે મહાન તેજને અક્ષરબ્રહ્મ કહે છે, અમૃત કહે છે, આવું પરમ જે તેજ છે, એ પરમાત્માનું બ્રહ્મપુર નામનું ધામ જાણવું. ''तत्राश्चर्यमयं दिव्यं मन्दिरं वर्तते प्रभोः'' ।। इति ।। અતિ તેજોમય બ્રહ્મપુર ધામની મધ્યે ભગવાનનું એક મંદિર રહેલું છે. એ મંદિરમાં દિવ્ય સિંહાસન ઉપર ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે. જેને રામ કહે છે. જેને વાસુદેવ કહે છે. જેને પરંબ્રહ્મ કહે છે. જેને સહજાનંદ કહે છે. જેને બદરીપતિ નારાયણ કહે છે. આવું જે એક તત્ત્વ શ્રીકૃષ્ણ છે. તે શ્રીકૃષ્ણ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે. તે પ્રદેશને જ અક્ષરધામ શબ્દથી કહેલ છે. જ્યાં મુક્તો અખંડ ભગવાનની સેવામાં રહેલા છે.


 હવે પરમ તત્ત્વ પરમાત્મા અને પરમાત્માનું ધામ તથા ધામની અંદર રહેલા મુક્તો, આ બધા આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણથી અગોચર છે. તેથી આપણે પરમાત્માને કે પરમાત્માના ધામને પ્રત્યક્ષ જોઇ શકતા નથી. કેવળ શાસ્ત્ર પ્રમાણથી આપણે એમનું અસ્તિત્વ સ્વીકારી શકીએ છીએ. અને અસ્તિત્વ સ્વીકાર્યા બાદ શાસ્ત્રના આધારે જ આપણે એ તત્ત્વોની કલ્પના કરી શકીએ છીએ. જેમ કે- આ લોકમાં એક વિશાળ ભૌતિક આકાશ છે. તેમ પ્રકૃતિમંડળથી પર એક તેજોમય ચિદાકાશ છે. જેમ આ ભૌતિક આકાશની મધ્યે આ બ્રહ્માંડરૂપી ગોળો છે. અને એ બ્રહ્માંડરૂપી ગોળાની ચારે બાજુ સમુદ્ર છે. તેમ ચિદાકાશને મધ્યે એક વિશાળ દ્વીપ છે. અને એ દ્વીપની ચારે બાજુ ગોળાકારે એક વિરજાનામની નદી છે. અને આ બ્રહ્માંડરૂપી ગોળામાં જેમ પૃથ્વીલોક છે, તેમ ચિદાકાશમાં રહેલા દ્વીપને વિષે શતશૃઙ્ગ કીલ્લાને મધ્યે એક વિશાળ તેજોમય ગોલોક પ્રદેશ છે. અને આ પૃથ્વીલોકનો જે રાજા હોય, તેની જેમ પૃથ્વીને મધ્યે કોઇપણ સ્થળે એક રાજધાની હોય છે. તેમ વિશાળ તેજોમય એવા ગોલોક પ્રદેશને મધ્યે અનંત કોટી બ્રહ્માંડના રાજા એવા પરમાત્માની ''બ્રહ્મપુર'' નામની રાજધાની છે. જે કરોડે કરોડ સૂર્યની સમાન પ્રકાશમાન છે. અને આ લોકમાં જેમ રાજધાનીની અંદર એક સરસ મજાનો રાજાનો મહેલ હોય છે. અને એ મહેલમાં એક સુંદર રાજસિંહાસન ઉપર રાજા વિરાજમાન હોય છે. તેમ પરમાત્માની બ્રહ્મપુર નામની રાજધાનીની અંદર એક સુંદર અને રમણીય મંદિર રહેલું છે. એ મંદિરને જ અક્ષરધામ શબ્દથી કહેલું છે. અને એ અક્ષરધામને વિષે રહેલું એક દિવ્ય સિંહાસન તેના ઉપર સાકાર દિવ્ય મૂર્તિમાન એવા જે, શ્રીકૃષ્ણ ભગવાન તે અખંડ વિરાજે છે. અને અનંત મુક્તો ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરી રહેલા છે. આ રીતે પ્રકૃતિમંડળથી પર તેજોમય એવા એક જ ચિદાકાશ નામના પ્રદેશની અંદર સ્થાનના ભેદવડે કરીને એક પ્રદેશને ગોલોક શબ્દથી કહેવામાં આવે છે. અને ગોલોકની અંદર જ રહેલા એક પ્રદેશને બ્રહ્મપુર શબ્દથી કહેવામાં આવે છે. અને બ્રહ્મપુરમાં એક પ્રદેશ છે જેને અક્ષરધામ શબ્દથી કહેવામાં આવે છે. અને અક્ષરધામ નામના પ્રદેશને વૈકુંઠ શબ્દથી પણ કહેવામાં આવે છે. પણ અંતે આ સર્વે ભગવાનનાં જ ધામો કહેવાય છે. માટે શ્રીજીમહારાજ કહે છે કે- ગોલોક ધામ એ અમારું પ્રિય ધામ છે. અને એ તેજોમય ગોલોક ધામને મધ્યે જે શ્રીકૃષ્ણ પરમાત્મા વિરાજમાન છે. એ પરમાત્માની જે સેવા કરવી એ અમોએ ઇચ્છિત મુક્તિ માનેલી છે, પણ સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય અને સારુપ્ય આ ચાર પ્રકારની જે મુક્તિ છે, એ અમોને ઇષ્ટ નથી. સાલોક્યાદિક ચાર પ્રકારની મુક્તિ કરતાં સેવા મુક્તિ તો અતિ દુર્લભ છે. અને પરમ એકાંતિક ભક્તજનોને જ એ સેવામુક્તિ ઇચ્છિત છે. ''सालोक्यसार्ष्टिसामीप्य सारुप्यैकत्वमप्युत । दीयमानं न गृन्ति विना मत्सेवनं जनाः'' ।। इति ।। આ ભાગવતના શ્લોકમાં કપિલ ભગવાન દેવહુતિ માતા પ્રત્યે કહે છે કે- મારા જે પરમ એકાંતિક ભક્તો છે. તેમને હું સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને આપવા ઇચ્છું છું, છતાં એ ભક્તો મારી સેવા સિવાય કાંઇપણ ગ્રહણ કરતા નથી. કેવળ એક જ મારી સેવાને જ ગ્રહણ કરે છે. અને વળી ભાગવતના અગિયારમા સ્કન્ધમાં શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે, હે ઉદ્ધવ ! મારે વિષે જ જેમણે પોતાનાં મન અર્પણ કરેલાં છે, આવા પરમ એકાંતિક ભક્તજનો મારી સેવા વિના તો બ્રહ્મા કે ઇન્દ્રની પદવીને ઇચ્છતા નથી. અને ચક્રવર્તી રાજ્ય કે રસાતળનું રાજ્ય પણ ઇચ્છતા નથી. તથા અણિમાદિક અષ્ટ સિદ્ધિઓને પણ ઇચ્છતા નથી. તો પછી નાશવંત આ લોકના વૈભવોને તો ક્યાંથી ઇચ્છે ? ન જ ઇચ્છે. અને વળી ભાગવતના નવમા સ્કંધમાં ભગવાને દુર્વાસા પ્રત્યે કહેલું છે કે- હે ઋષે ! મારી સેવાથી જ પૂર્ણ મારા એકાંતિક ભક્તજનો મારી સેવામાં વિરોધી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતા નથી. તો પછી કાળે કરીને નાશ પામી જનારાં રાજ્યાદિકનાં સુખોને તો ક્યાંથી જ ઇચ્છે ? ન જ ઇચ્છે. અને વળી ભાગવતમાં ઇન્દ્રે દિતિ પ્રત્યે કહેલું છે કે- ''आराधनं भगवत ईहमाना निराशिषः । ये तु नैच्छन्त्यपि परं ते स्वार्थकुशलाः स्मृताः'' ।। इति ।। હે દિતિ ! ભગવાનની નિષ્કામભાવથી આરાધનાને કરતા જે પુરુષો ભગવાન પાસેથી મોક્ષને પણ ઇચ્છતા નથી, એજ પુરુષો પોતાનો સેવારૂપી તથા મોક્ષરૂપી સ્વાર્થ સાધવામાં કુશળ કહેલા છે. અર્થાત્ ભગવાન પાસેથી જે પુરુષો મોક્ષની પણ માગણી ન કરે, તે પુરુષો જ મોક્ષ પ્રાપ્ત કરવામાં કુશળ કહેલા છે. અને વળી શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે- હે રાજન્ ! ભગવાનની સેવાએ કરીને જેમના સર્વે મનોરથો સમાપ્ત થયેલા છે, એવા પરમ એકાંતિક ભક્તજનો તો પરમપુરુષાર્થરૂપ આત્યંતિક મોક્ષનો પણ આદર કરતા નથી. એટલા જ માટે ઉદ્ધવજી પણ ભગવાન શ્રીકૃષ્ણને કહેલું છે કે, હે પ્રભુ ! તમારા ચરણ કમળનું સેવન કરનારા પુરુષોને આ લોકમાં ચાર પુરુષાર્થોને મધ્યે કયો પુરુષાર્થ દુર્લભ હોય છે ? કોઇપણ પુરુષાર્થ દુર્લભ હોતો નથી. છતાં પણ ઉદ્ધવજી કહે છે કે- હું એક તમારા ચરણની સેવામાં જ ઉત્કંઠાવાળો થયેલો છું. તેથી હું એ ચારે પુરુષાર્થોને ઇચ્છતો નથી. આ પ્રમાણે સેવામુક્તિ સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિ કરતાં અતિ દુર્લભ કહેલી છે. અને ભગવાનના પરમ એકાંતિક ભક્તજનોને જ એ સેવામુક્તિ ઇષ્ટ છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ભગવાન પણ આવી સેવામુક્તિ પોતાના પરમ એકાંતિક ભક્તોને જ આપે છે, પણ સર્વે ભક્તોને આપતા નથી. અને આ સેવામુક્તિ છે, એજ એકાંતિકી ગતિ અને બ્રહ્મગતિ કહેવાય છે.

''ननु'' ''विमुञ्चति यदा कामान् मानवो मनसि स्थितान् । तर्ह्येव पुण्डरीकाक्ष भगवत्त्वाय कल्पते'' ।। इति ।। હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે- ભાગવતમાં પ્રહ્લાદજીએ નૃસિંહભગવાન પ્રત્યે કહેલું છે કે- મનુષ્ય જ્યારે વાસના માત્રથી રહિત થાય છે, ત્યારે એ મનુષ્ય ભગવાનપણાને માટે કલ્પાઇ જાય છે. અર્થાત્ એ ભગવાન બની જાય છે. તો ભાગવતના આ વચનથી સિદ્ધ થાય છે કે- ભગવાનના એકાંતિક ભક્તોને ભગવાન બની જવું એજ મુક્તિ છે. પણ ધામમાં જઇને ભગવાનની સેવા કરવી, એજ મુક્તિ છે. એ વાત તો આ વચનથી સિદ્ધ થતી નથી.

આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- એકાંતિક ભગવાનના ભક્તો પણ ભગવાન બની જાય છે, એમ માનવું નહિ. કારણ કે ભગવાન તો એક જ છે, પરંતુ ભગવાનની પ્રસન્નતાથી એકાંતિક ભક્તો ભગવાનની સમાન ઐશ્વર્યને પામીને ભગવાનની સેવામાં પ્રીતિવાળા થાય છે. આ પ્રમાણે સર્વે સચ્છાસ્ત્રોનો સિદ્ધાંત છે. જેમ કે- ''निरञ्जनः परमं साम्यमुपैति'' ।। इति श्रुतिः ।। આ શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે કે- માયાથી રહિત થયેલો પુરુષ પરમાત્માની સમાન ઐશ્વર્યવાળો થાય છે. અને વળી ગીતામાં પણ કહેલું છે કે- ''इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः'' ।। इति ।। આ જ્ઞાનનો આશ્રય કરીને ઘણા ભક્તો મારી સમાન બનેલા છે. આ રીતે ભગવાનના એકાંતિક ભક્તજનો ભગવાનની સમાન બને છે. શતાનંદ સ્વામી આ સમાનતાનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- ભગવાન પોતાના એકાંતિક ભક્તજનોને તમામ ઐશ્વર્ય આપી દે છે. પણ એક જગતનું નિયન્તાપણું આપતા નથી. એક જ જગતના નિયન્તાપણારૂપ જે ઐશ્વર્ય તેને છોડીને મુક્ત ભગવાનની સમાન ઐશ્વર્યવાળો થાય છે. અને એ મુક્તનું ઐશ્વર્ય પણ પરમાત્માને જ આધીન રહે છે. માટે મુક્તો પણ ભગવાનની સમાન ઐશ્વર્યવાળા થાય છે, પણ ભગવાન બની શક્તા નથી. આવો ભાવ છે. ।।૧૨૧।।