શ્લોક ૧૨૦

देशकालवयोवित्तजातिशक्त्यानुसारतः । आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम् ।।१२०।।


અને મારા આશ્રિતો હોય તેમણે, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ ત્રણેનો નિર્ણય દેશ, કાળ, અવસ્થા, જાતિ અને સામર્થ્ય તેને અનુસારે કર્તવ્ય પણે જાણવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શાસ્ત્રોની અંદર ધર્મની બાબતમાં અનેક પ્રકારની છૂટ આપવામાં આવેલી છે. ધર્મ તો માનવના કલ્યાણને માટે હોય છે. તેથી ઋષિમુનિઓએ ધર્મની બાબતમાં કોઇપણ જગ્યાએ જડતા દાખવેલી નથી. આપત્કાળમાં અનેક પ્રકારની છુટો આપવામાં આવેલી છે. અને દેશ કાળને અનુસારે પણ ધર્મની બાબતમાં અનેક અવકાશો રાખવામાં આવેલા છે. ધર્મ આ લોકમાં પણ મનુષ્યોના સુખને માટે હોય છે. તેથી ધર્મની બાબતમાં જો જડતા રાખવામાં આવે તો પછી એ ધર્મ સુખરૂપ રહે નહિ. ઉલ્ટો એ ધર્મ મહાન દુઃખરૂપ બની જાય છે. તેથી શ્રીજીમહારાજ આ ૧૨૦ મા શ્લોકમાં કહે છે કે, પ્રાતઃકાળમાં સ્નાન કરવું, સંધ્યાવંદન કરવું, આદિક આચાર અને ઋણનું લેવું દેવું આદિક વ્યવહાર અને જાણે અજાણે થયેલાં પાપોનું પ્રાયશ્ચિત આ ત્રણેનો જ્યારે કર્તવ્યપણે નિશ્ચય કરવો હોય, ત્યારે દેશ ઉપદ્રવવાળો છેકે પછી ઉપદ્રવથી રહિત છે ? અને દેશ ઠંડો છે કે ગરમ છે ? આ સર્વે જોવું. અને વળી અત્યારે સુકાળ છે કે દુષ્કાળ છે ? એ પણ જોવું. વળી પુરુષની બાલ્ય, યુવા કે વૃદ્ધ અવસ્થા છે ? એ પણ જોવું. અને વળી તે વ્યક્તિ ધનવાન છે કે નિર્ધન છે ? એ પણ જોવું. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જાતિ જોવી. અને શરીરનું સામર્થ્ય પણ જોવું. આ બધું જોઇને ત્યાર પછીજ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતનો કર્તવ્યપણે નિશ્ચય કરવો.


ધર્મશાસ્ત્રોમાં દેશકાળાદિકને અનુસારે જ આચારાદિકના ઘણા પક્ષો જોયામાં આવે છે. તેમાંથી કોઇપણ એક પક્ષ દેશકાળાદિકને અનુસારે ગ્રહણ કરવો. જેમ કે- કાત્યાયન સૂત્ર હરિહરભાષ્યને વિષે જ્યાં આહ્નિક પ્રકરણ છે, ત્યાં સ્નાનવિધિમાં દશ પ્રકારનું સ્નાન બતાવેલું છે.- ''नद्यादिजलेन स्ननं वारुणं मुख्यम् । तस्या।संभवे प्रशस्तभस्मना सर्वाङ्गोद्धूलनमाग्नेयम्'' ।। इति ।। પ્રથમ તો નદી, કૂવો, તળાવ આદિકના જળ વડે સ્નાન કરવું એ દશ સ્નાનોમાં મુખ્ય સ્નાન કહેલું છે. અને આ સ્નાનને ''વારૂણ'' સ્નાન કહેવામાં આવે છે. હવે કોઇ એવો દેશકાળ આવી પડેલો હોય, અને જો નદી,તળાવાદિકનું જળ મળે એમ ન હોય તો, પવિત્ર ભસ્મ વડે આખા શરીરમાં લેપન કરીને સ્નાન કરાય, તે સ્નાનને ''આગ્નેય'' સ્નાન કહેવાય છે. અને ગાયની ખરીમાંથી ઉડતી રજને શરીર દ્વારા જે ગ્રહણ કરવી તેને ''વાયવ્ય'' સ્નાન કહેવામાં આવે છે. અને સ્નાનના મંત્રો બોલવા પૂર્વક દર્ભના અગ્રભાગ વડે મસ્તક ઉપર જળનું જે પોક્ષણ કરવું તેને ''મંત્ર'' સ્નાન કહેવામાં આવે છે. અને ભીના વસ્ત્ર વડે આખા શરીરનું જે માર્જન (લુંછવું) કરવું, તેને ''કાપિલ'' સ્નાન કહેવામાં આવે છે. ''आपोहिष्ठा'' આ મંત્ર બોલીને આખા શરીરમાં જે માર્જન કરવું તેને ''બ્રાહ્મ'' સ્નાન કહેવામાં આવે છે. અને શરીરમાં તીર્થની મૃત્તિકા લગાવવી તેને ''પાર્થિવ'' સ્નાન કહેવામાં આવે છે. અને તડકો હોય છતાં વરસાદ પડતો હોય તે વરસાદના જળ વડે જે સ્નાન કરવું તેને ''દિવ્ય'' સ્નાન કહેવામાં આવે છે. મન વડે ભગવાનનું સ્મરણ કરવું એ ''માનસ'' સ્નાન કહેવાય છે. અને ભગવાનની પ્રસાદીના જળને શંખમાં ધારણ કરીને જે સ્નાન કરવું તેને ''વૈષ્ણવ'' સ્નાન કહેવામાં આવે છે. આ રીતે દશ પ્રકારનાં સ્નાનો બતાવેલાં છે. આ બધાં સ્નાનનો દેશકાળાદિકને અનુસારે કર્તવ્યપણે નિશ્ચય કરવો. જેમ કે કોઇ ઠંડો હિમાલય જેવો દેશ હોય, અને ત્યાં જો ગરમ જળની વ્યવસ્થા ન હોય, અને ઠંડા જળથી સ્નાન કરવા જતાં શરીર પડી જાય એવી પરિસ્થિતિ હોય, તો ભીના કપડાંથી શરીરને લુહીને પણ સ્નાન કરવું. અથવા શરીરમાં કોઇ એવી ભયંકર બિમારી આવી પડેલી હોય, અને જળથી સ્નાન થઇ શકે એમ ન હોય, તો સ્નાનના આ દશ પ્રકારમાંથી કોઇપણ એક પ્રકારને ગ્રહણ કરીને પણ સ્નાન કરવું. અથવા ભયંકર દુષ્કાળ આવી પડેલો હોય, અને પીવા માટે પણ પાણી માંડ મળતું હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારેપણ આ દશ પ્રકારના સ્નાનમાંથી કોઇપણ એક પ્રકારને ગ્રહણ કરીને સ્નાન કરી શકાય છે. અને વળી સંધ્યાવંદન કે પૂજામાં પણ એ રીતે જ સમજવું. આપણે આપણા ઘરમાં વિસ્તાર પૂર્વક બે કલાક સંધ્યાવંદન કે પૂજા કરતા હોઇએ. પણ કોઇ એવો ભયંકર દેશકાળ જો આવી પડે તો પછી પોતાના સામર્થ્યને અનુસારે સંધ્યાવંદન કે પૂજા કરવી. અને વળી નિત્યવિધિમાં પ્રતિપાદન કરેલું છે કે, દિશાએ જઇ આવ્યા પછી માટીથી હાથ ધોવા જોઇએ. તેમાં કોઇ એવો દેશ હોય કે જ્યાં માટીથી હાથ ધોવાની વ્યવસ્થા ન હોય. અને જો માટીથી હાથ ધોવા જાય તો એ માટી બેશનમાં ભરાઇ જાય અથવા તો ગટરમાં ભરાઇ જાય, તો એવા દેશમાં પછી માટીથી જ હાથ ધોવા પડે એવો કોઇ નિયમ નથી. તે સમયે તો દેશકાળને અનુસારે કોઇ પાવડર હોય કે સાબુન હોય તેનાથી હાથની શુદ્ધિ કરી શકાય છે. પણ એ પાવડર કે સાબુન પવિત્ર હોવાં જોઇએ. અને વળી નિત્ય વિધિમાં પ્રતિપાદન કરેલું છે કે વૃક્ષના કાષ્ટથી દાંત સાફ કરવા, અર્થાત્ દાતણ કરવું તેમાં પણ જો એવા કોઇ દેશકાળ હોય કે, જ્યાં વૃક્ષના કાષ્ટનું દાતણ મળે નહિ. તો પછી કોઇપણ પવિત્ર દ્રવ્યથી કે પીછીથી દાંત સાફ કરી શકાય છે. અને વળી નિત્ય વિધિમાં પ્રતિપાદન કરેલું છે કે સૂર્યોદયથી પહેલાં જાગવું. અર્થાત્ બ્રાહ્મમુહૂર્તમાં જાગવું. તો અમુક દેશોની અંદર તો સાંજે દશ વાગ્યે સૂર્યનો અસ્ત થાય અને સવારે ત્રણ વાગ્યે ઉદય થઇ જતો હોય છે. તો આવા દેશમાં સૂર્યોદય કે બ્રાહ્મમુહૂર્તનો નિયમ લાગુ પડે નહિ. આ પ્રમાણે સર્વત્ર સદાચારનો નિર્ણય દેશકાળને અનુસારે જ કરવો.


અને વળી વ્યવહાર પ્રકરણમાં પણ એજ રીતે જાણવું. વ્યવહારમયૂખને વિષે બૃહસ્પતિએ કહેલું છે કે- ''केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो निर्णयः । देशजातिकुलाचारान् प्राचीनान् पालयेन्नृपः'' ।। इति ।। રાજાએ જકાત કે ટેક્સની બાબતમાં અથવા તો ઋણનું લેવું દેવું આદિકની બાબતમાં કેવળ શાસ્ત્રને આધારે નિર્ણય કરવો નહિ. જેમ કે દક્ષિણ દેશના જનો મામાની પુત્રી સાથે લગ્ન કરે છે. આ દક્ષિણ દેશનો વ્યવહાર છે. તો રાજાએ પ્રાચીન આચારને અનુસારે જ નિર્ણય કરવો. અર્થાત્ એ વ્યક્તિ રાજાના પ્રાયશ્ચિત કે દંડને યોગ્ય નથી. આ રીતે સર્વત્ર વ્યવહાર પ્રકરણમાં જાણવું.


એજ રીતે પ્રાયશ્ચિતના નિર્ણયમાં પણ વૃદ્ધપરાશરે કહેલું છે કે- ''स्त्रीणां बालवृद्धानां क्षीणानां कुशरीरिणाम् । उपवासाद्यशक्तानां कर्तव्यो।नुग्रहश्चतैः ।। ज्ञात्वा देशं च कालं च वयः सामर्थ्यमेव च । कर्तव्यो।नुग्रहःसद्बिर्मुनिभिः परिकीर्तितः'' ।। इति ।। પ્રાયશ્ચિતને આપનારા જે સજ્જન પુરુષો હોય તેમણે સ્ત્રીઓ ઉપર અનુગ્રહ કરવો. બાળક હોય કે, વૃદ્ધ હોય તેમના ઉપર પણ અનુગ્રહ કરવો. કોઇ દરિદ્ર (નિર્ધન) હોય, રોગી હોય અને ઉપવાસ આદિકને કરવામાં અસમર્થ હોય તેમના ઉપર પણ અનુગ્રહ કરવો. અને એ અનુગ્રહ પણ દેશ, કાળ, અવસ્થા અને સામર્થ્ય તેનો વિચાર કરીને કરવો, પણ પક્ષપાતે કરીને અનુગ્રહ કરવો નહિ. યાજ્ઞાવલ્ક્યઋષિએ પણ કહેલું છે કે- ''देशं कालं वयः शक्तिं पापञ्चावेक्ष्य. यत्नतः । प्रायश्चितं प्रकल्प्यं स्याद्यत्र चोक्ता न निष्कृतिः'' ।। इति ।। સ્મૃતિશાસ્ત્રમાં મોટે ભાગે સર્વે પાપોનાં પ્રાયશ્ચિત લખેલાં છે. છતાં કોઇ પાપનું પ્રાયશ્ચિત રહી ગયું હોય. અને કળીયુગમાં કોઇ મનુષ્ય એવું પાપ કરી નાખે કે, જેનું પ્રાયશ્ચિત સ્મૃતિ શાસ્ત્રમાં લખાયેલું ન હોય, તો પ્રાયશ્ચિતને આપનારા પુરુષો હોય તેમણે દેશ, કાળદિકનો પ્રયત્ન પૂર્વક વિચાર કરીને એ પાપનું પ્રાયશ્ચિત આપવું, પણ દેશકાળાદિકનો વિચાર કર્યા વિના પાપોનું પ્રાયશ્ચિત આપી દે, તો કોઇ સમયે પ્રાયશ્ચિત કરનાર પુરુષના મરણનો પણ પ્રસંગ આવી જાય છે. જેમ કે- ''वायुभक्षो दिवा तिष्ठन् रात्रिं नीत्वाप्सु सूर्यदकृ'' ।। इति ।। યાજ્ઞાવલ્ક્યસ્મૃતિની અંદર એક પ્રાયશ્ચિત લખાયેલું છે કે, દિવસે વાયુનું ભક્ષણ કરે અને આખી રાત્રી કંઠ સુધી જળમાં ઉભો રહે. હવે હિમાલય જેવા પ્રદેશમાં જળમાં ઉભા રહેવાનું પ્રાયશ્ચિત આપી દે. અથવા કળકળતી ઠંડીથી યુક્ત શિયાળાનો કાળ હોય, અને એ કાળમાં જો આ પ્રાયશ્ચિત આપી દેવામાં આવે તો, પ્રાયશ્ચિત કરનારનું અવશ્ય મૃત્યુ જ થાય. માટે જે રીતે શરીર મૃત્યુને વશ ન થાય, એ રીતે દેશકાળાદિકનો નિશ્ચય કરીને જ પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો જોઇએ, આવો અભિપ્રાય છે. ।।૧૨૦।।