શ્લોક ૧૨૨

एते साधारणा धर्माः पुंसां स्त्रीणां च सर्वतः । मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ।।१२२।।


અને પૂર્વે જે સર્વે ધર્મો કહ્યા, એ ધર્મો અમારા આશ્રિત ત્યાગી, ગૃહસ્થ બાઇ, ભાઇ સર્વે સત્સંગીઓના સામાન્ય ધર્મો કહ્યા છે. અને હવે સર્વેના પૃથક્ પૃથક્ વિશેષ ધર્મો કહીએ છીએ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે સમગ્ર ધર્મશાસ્ત્રોરૂપી સમુદ્રનું દોહન કરીને, તમામ સત્સંગીઓના સામાન્ય ધર્મો ૧૨૧ મા શ્લોક પર્યંત પ્રતિપાદન કર્યા. જે ધર્મો ગૃહસ્થ બાઇ, ભાઇ, ત્યાગી, બ્રહ્મચારી સર્વે સત્સંગીઓને સરખા પાળવાના હોય તેને સામાન્ય (સાધારણ) ધર્મો કહેવાય છે. તમામ ધર્મોનું તથા તમામ સાધનોનું પ્રયોજન એક જ અનાદિ અજ્ઞાનરૂપી માયાના બંધનને દૂર કરવા માટે હોય છે. આચાર્યો હોય, ગૃહસ્થો હોય કે ત્યાગીઓ હોય આ સર્વેને અનાદિ અજ્ઞાનરૂપી માયાનું બંધન વળગેલું છે. અને એ અનાદિ અજ્ઞાનરૂપી માયાના બંધનને તોડયા વિના મોક્ષપદની પ્રાપ્તિ થતી નથી. અને ભગવાનની ભક્તિ વિના અનાદિ અજ્ઞાનરૂપી માયાનું બંધન ક્યારેય પણ તુટતું નથી. અને ભગવાનની ભક્તિ પણ ધર્મ વિના પુષ્ટિને પામતી નથી. તેથી શ્રીજીમહારાજે ભક્તિની પુષ્ટિને માટે સર્વેના ૧૨૧ મા શ્લોક પર્યંત સાધારણ ધર્મો કહ્યા છે. અને આ ૧૨૨ મા શ્લોકમાં વિશેષ ધર્મો કહેવાની પ્રતિજ્ઞા કરેલી છે. અને હવે ૧૨૩ મા શ્લોકથી પ્રારંભીને અંત પર્યંત આચાર્યો, ગૃહસ્થો, તેમાં પણ ધનાઢય ગૃહસ્થો, રાજાઓ, સધવા-વિધવા બહેનો, નૈષ્ઠિકબ્રહ્મચારીઓ તથા સાધુઓ, આ સર્વેના વિશેષ ધર્મો શ્રીજીમહારાજે અનુક્રમે કહેલા છે.


તે તે વર્ણને તથા તે તે આશ્રમને જ ઉદેશીને કહેવામાં આવેલા ધર્મોને વિશેષ ધર્મો કહેવાય છે. અર્થાત્ તે તે વર્ણના અને તે તે આશ્રમના વ્યક્તિગત જે ધર્મો તેને વિશેષ ધર્મો કહેવાય છે. તેમાં હવે વિશેષ ધર્મોને કહેવાનો પ્રારંભ કરતાં પ્રથમ શ્રીજીમહારાજ બન્ને આચાર્યોના વિશેષ ધર્મો કહે છે. ।।૧૨૨।।