હેમંતસિંહ રાજાએ કરેલી સ્તુતિ (અષ્ટક). સંતો-ભક્તોની સાથે શ્રીહરિની જુનાગઢમાં પધરામણી. અષ્ટપદી આરતીનું ગાન.
हेमन्तसिंह उवाच -
देवाधिदेवाय दयालयाय तमःपरायाखिलकारणाय । भक्तप्रियायाद्बुतलक्षणाय नारायणायेश ! नमोऽस्तु तुभ्यम् ।। १ ।।
હે ઇશ ! તમે દેવાધિદેવ છો. દયાના નિધિ છો, માયિક મહાઅંધકારથી પર છો, સર્વના કારણ અક્ષરબ્રહ્મના પણ કારણ છો, એકાંતિક ભક્તપ્રિય છો. શરીરે અતિશય આશ્ચર્યકારી દિવ્ય લક્ષણોથી યુક્ત અને સર્વથી વિશિષ્ટ એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૧
प्रसन्नवक्त्राय सिताम्बराय सत्पुष्पहाराय मनोहराय । लम्बत्सुपुष्पोत्तमशेखराय नारा. ।। २
હે ઇશ્વર ! તમે સદાય હસતા મુખકમળથી શોભી રહેલા, શ્વેતવસ્ત્રને ધારણ કરનારા, મનોહર પુષ્પના હાર ધારણ કરનારા, પાઘમાં લટકતા ઉત્તમ તોરાઓથી અત્યંત શોભી રહ્યા છો. એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૨
ब्रह्माख्यसद्धामनिकेतनाय मुक्तैः स्वभक्तैः परिषेविताय । सुश्वेततेजोनिधिमध्यगाय नारा. ।। ३
હે ઇશ્વર ! તમે સર્વશ્રેષ્ઠ અક્ષરબ્રહ્મધામમાં નિવાસ કરીને રહેલા છો. બ્રહ્મભાવને પામેલા મુક્તોથી અનેકવિધ દિવ્ય ઉપચારોવડે સદાય સેવાયેલા છો. અત્યંત શ્વેત તેજોમય અક્ષરબ્રહ્મધામની મધ્યે સદાય વિરાજો છો.એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૩
शान्ताय दान्ताय तपःप्रियाय शुद्धाय सिद्धाय गुणातिगाय । एकान्तधर्मप्रतिपादकाय नारा ।। ४
હે ઇશ્વર ! તમે સાધુપણાના નાટકનું અનુકરણ કરી અંતઃકરણને શાંત રાખીને વર્તો છો. તેમજ બાહ્ય ઇન્દ્રિયોનું પણ દમન કરીને વર્તો છો. તપને વહાલું કરીને રાખો છો. સદાય પવિત્રપણે મનુષ્ય શરીરમાં રહેવા છતાં સદાય સ્વતઃસિદ્ધદશામાં વર્તો છો. તમે ગુણાતિત છો અને એકાંતિક ધર્મનું પ્રતિપાદન કરનારા એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૪
निष्कामनामव्रतपालकाय निष्कामनामव्रतचारकाय । निष्कामनामव्रतलम्भनाय नारा. ।। ५
હે ઇશ્વર ! લોકને શીખવવાને માટે તમે સદાય અષ્ટાંગ બ્રહ્મચર્યવ્રતના લક્ષણવાળું નિષ્કામીવ્રત પાળો છો. અને મુમુક્ષુઓમાં પ્રવર્તાવો છો. કારણ કે તે જ નિષ્કામ વ્રતના પાલનથી જ તમે પ્રાપ્ત થાઓ તેવા છો. એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૫
अशेषदुःखौघविनाशकाय प्रकाशकायातिसुखप्रदाय । निःशेषपापप्रशमाभिधाय नारा. ।। ६
હે ઇશ્વર ! તમે શરણાગત પોતાના આશ્રિત ભક્તજનોના સમગ્ર દુઃખનો વિનાશ કરો છો. સૂર્ય-ચંદ્રરૂપે થઇ આખા જગતને પ્રકાશ આપનારા છો. પોતાના એકાંતિક ભક્તજનોને પોતાના નિરતિશય આનંદ સ્વરૂપના દર્શનાદિકનું સુખ આપો છો. સર્વે પાપનો નાશ કરનાર નામોને ધારણ કરનારા, એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૬
नरोत्तमायाखिलधारणाय प्रपन्नजीवार्तिनिवारणाय । ब्रह्मण्यदेवाय महेश्वराय नारा. ।। ७
હે ઇશ્વર ! તમે પુરુષોત્તમ છો. અક્ષરબ્રહ્મરૂપે અનંતકોટિ બ્રહ્માંડોને ધારણ કરનારા છો. પોતાની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનારા કોઇ પણ દુઃખી જીવાત્માની સમગ્ર પીડાનો નાશ કરનારા, બ્રાહ્મણોને દેવની સમાન પૂજનારા, તમે માયાના પણ ઇશ્વર છો, એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૭
महामुनिव्रातनिषेविताय श्रद्धादयाक्षान्तिपरायणाय । नित्याय जीवोद्धरणोद्यताय नारा. ।। ८
હે ઇશ્વર ! તમે મુક્તાનંદ સ્વામી જેવા અનંત પવિત્ર સંતોના સમુદાયથી સદાય સેવાયેલા છો. શ્રદ્ધા, દયા, ક્ષમા આદિનો સદાય આશ્રય કરીને વર્તો છો. તમે ત્રણે કાળમાં દિવ્યાકૃતિરૂપ હોવાથી નિત્ય સિદ્ધ છો. પોતાના સંબંધમાં આવનાર સ્થાવર, જંગમરૂપ સર્વ પ્રાણીમાત્રના આત્માને જન્મ-મરણરૂપ સંસૃતિમાંથી મૂકાવવા તત્પર રહો છો. એવા હે સર્વના અંતર્યામી નારાયણ ! હું તમને નમસ્કાર કરૂં છું.૮
भगवंश्चिरकालीनो हृत्स्थो मम मनोरथः । त्वयेहागत्य कृपया कृतः पूर्णोऽद्य सर्वथा ।। ९
इतोऽस्ति नातिदूरे वै जीर्णदुर्गपुरं मम । तत् पावय त्वमिति मे प्रार्थितं भवति प्रभो ! ।। १०
सहस्रशः पौरजनास्तव सन्दर्शनादिना । प्राप्स्यन्ति जन्मसाफल्यमित्युक्तो हरिरब्रवीत् ।। ११
एवं चेत्तर्हि भूपाल ! यायामाद्यैव तत्पुरम् । त्वदिच्छा तेन पूर्णा स्यात्तीर्थयात्रापि नो भवेत् ।। १२
હે ભગવાન ! બહુ સમયથી અંતરમાં રહેલો મારો મનોરથ આપ કૃપા કરીને અહીં મારે ગામ પંચાળા સંતોએ સહિત પધારીને પૂર્ણ કર્યો છે.૯
હે પ્રભુ ! મારૂં જુનાગઢ નગર પણ અહીંથી બહુ દૂર નથી. તેથી તમે જુનાગઢને પણ આપના પાવન પગલાંથી પવિત્ર કરો. એવી મારી પ્રાર્થના છે.૧૦
હે ભગવાન ! હજારો જુનાગઢવાસી જનો આપનું દર્શન કરી પોતાના મનુષ્યજન્મની સફળતા પ્રાપ્ત કરશે. હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે, હે ભૂપાલ ! જો એવું જ હોય તો આપણે આજે જ જુનાગઢ શહેરમાં પધારીએ. તેમ કરવાથી તમારી ઇચ્છા પરિપૂર્ણ થશે અને અમારી તીર્થયાત્રા પણ થશે.૧૧-૧૨
इत्युक्तः सोऽतिमुदितस्तदैव सह बन्धुभिः । योजियित्वा स्वयानानि सज्जोऽभूत्सत्वरक्रियः ।। १३
ततो हरिस्तेन नृपेण भक्तैरन्यैस्तथा तत्पुरसङ्गतैश्च । वृतोऽश्ववारैस्तुरगाधिरूढो ययौ नराधीश ! सहर्षिरीशः ।। १४
प्रतिग्रामं भक्तजनै रक्ष्यमाणोऽपि वर्त्मनि । आवासं नाकरोत्क्वापि दृष्टया तान् सुखयन् ययौ ।। १५
तस्मिन्नेव दिने राजन् ! जीर्णदुर्गं निशामुखे । स प्राप्यावा समकरोद्धेमन्तस्यालये शुभे ।। १६
સંતો-ભક્તોની સાથે શ્રીહરિની જુનાગઢમાં પધરામણી :- હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી અતિશય પ્રસન્ન થયેલા હેમંતસિંહરાજા પોતાનું કાર્ય તત્કાળ સમાપ્તિ કરી એ જ સમયે રથ આદિ વાહનો જોડી ભાઇ અનુપસિંહ આદિ સ્વજનોની સાથે જુનાગઢ જવા તૈયાર થયા.૧૩
હે રાજન્ ! પછી શ્રીહરિ હેમંતસિંહ રાજાની સાથે ઉત્તમરાજા, જયાબા, લલિતાબા તથા જુનાગઢથી પધારેલા ભક્તો તથા સોમલાખાચર આદિક પાર્ષદો, રામપ્રતાપભાઇ તથા ઇચ્છારામભાઇ આદિ સંબંધીજનો તથા મુક્તાનંદ સ્વામી આદિ સમગ્ર સંતોને સાથે લઇ ઘોડેસવાર થઇ જુનાગઢ પધાર્યા.૧૪
રસ્તામાં આવતા દરેક ગામના ભક્તજનોએ પોતાને ગામ રોકાવા બહુ સ્તુતિ કરી છતાં કોઇ પણ ગામે નહીં રોકાઇને માત્ર પોતાનાં દર્શનનું સુખ આપી તે તે ગામના ભક્તજનોને આનંદ આપતા જુનાગઢ પધાર્યા.૧૫
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ સંવત ૧૮૭૭ ના ફાગણવદ ચૌદશના દિવસે પ્રાતઃકાળે પંચાળા ગામેથી નીકળીને તે જ દિવસે સાયંકાળે જુનાગઢ પધારી હેમંતસિંહ રાજાના ભવનમાં ઉતારો કર્યો.૧૬
सभ्राता धाविताश्वोऽसौ शीघ्रमेत्य पुरं स्वकम् । हरेः शुश्रूषणपरो हेमन्तोऽभूत्सबान्धवः ।। १७
ब्राह्मणा रामजिच्चाम्बाशङ्करो रूपशङ्करः । परिचेरुस्तमन्येऽपि गोकुलश्चोद्धवादयः ।। १८
तैः पौरभक्तैः सहितस्तदातिथ्यं यथोचितम् । चकार नृपतिर्भक्तया मन्यमानः कृतार्थताम् ।। १९
तीर्थयात्रां चकारासावमावास्यादिने ततः । प्रशंसन् रैवतगिरिं देवभूरियं त्विति ।। २०
स्नत्वा गोमुखगङ्गायां कुण्डे दामोदराह्नये । महादानानि स ददौ यथाविधि हरिर्नृप ! ।। २१
ततो दामोदरस्येक्षां पूजनं च चकार सः । भवेश्वरस्य च ततो महादेवस्य भक्तितः ।। २२
ब्राह्मणान् भोजयामास शतशश्च सहस्रशः । तेभ्यश्च दक्षिणां प्रादात् तुतुषुस्तेन तेऽखिलाः ।। २३
नागरा ब्राह्मणास्तस्य बहवश्चक्रुराश्रयम् । तैरर्थ्यमानो न्यवसत् तत्र चैत्र्यवधि प्रभुः ।। २४
હે રાજન્ ! ભાઇ અનુપસિંહની સાથે હેમંતસિંહ રાજા પોતાના અશ્વોને તત્કાળ દોડાવી શ્રીહરિની સેવામાં ઉપયોગી સામગ્રી ભેળી કરવા પહેલાં જુનાગઢ પધારી સેવામાં તત્પર થયા.૧૭
તેમજ રામજી, અંબાશંકર, રૂપશંકર, ઇત્યાદિ બ્રાહ્મણ ભક્તો તથા ગોકુળ, ઉદ્ધવ આદિ અન્ય ભક્તજનો પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૮
જુનાગઢવાસી સર્વે ભક્તજનોની સાથે હેમંતસિંહ રાજાએ પોતાની જાતને કૃતકૃત્ય માની અતિશય ભાવથી શ્રીહરિનો સત્કાર કર્યો.૧૯
આ દેવભૂમિ છે. એ પ્રમાણે ગિરનાર પર્વતની ખૂબ પ્રશંસા કરીને શ્રીહરિ સંવત ૧૮૭૭ના ફાગણવદ અમાસને દિવસે તેની તીર્થયાત્રા કરી.૨૦
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ દામોદર કુંડમાં તથા ગૌમુખીગંગામાં સ્નાન કરી યથાવિધિ મહાદાન કર્યાં.૨૧
પછી દામોદર ભગવાનનાં ભક્તિભાવ પૂર્વક દર્શન તથા પૂજન કરી ભાવેશ્વર મહાદેવજીનાં દર્શન અને પૂજન પણ ભાવથી કર્યાં.૨૨
શ્રીહરિએ ત્યાં સેંકડો અને હજારો બ્રાહ્મણોને જમાડયા તથા તેઓને ખૂબજ દક્ષિણાઓ આપી, તેથી તે સમગ્ર બ્રાહ્મણો ખૂબજ સંતુષ્ટ થયા.૨૩
તેમાં અનેક નાગર બ્રાહ્મણોએ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો. પછી તેઓની પ્રાર્થનાથી શ્રીહરિ ચૈત્ર સુદ પૂનમ સુધી જુનાગઢમાં નિવાસ કરીને રહ્યા.૨૪
संवत्सरप्रतिपदि पौरास्तस्य समर्चनम् । चक्रुश्चन्दनपुष्पैश्च नूत्नवासोधनादिभिः ।। २५
भक्तवर्यः स भूपस्तु तज्जन्मतिथिविन्नृप ! । नवम्यां पूजनं तस्य चकारपरया मुदा ।। २६
सितैरनर्घ्यैर्वसनैर्हैमै रम्यैर्विभूषणैः । सच्चन्दनाङ्गरागेण कुंकुमाक्तैस्तथाक्षतेः ।। २७
मल्लिकादामभी रम्यैर्नानाशेखरराजिभिः । धूपैर्दीपैश्च विविधैः खाद्यैः स्वादुफलैश्च सः ।। २८
रूप्यमुद्रामृतस्थालं निधाय पुरतोऽस्य च । नीराजयामास मुदा षट्वदीं स पठन्निमाम् ।। २९
હે રાજન્ ! જુનાગઢ પુરવાસી જનો ચૈત્રસુદ પડવાને દિવસે નવાવર્ષ નિમિત્તે ચંદન, પુષ્પ, નૂતન વસ્ત્રો તેમજ ધન અર્પણ કરીને ભગવાન શ્રીહરિની પૂજા કરી.૨૫
હે રાજન્ ! શ્રીહરિના પ્રાદુર્ભાવની તિથિને જાણતા હેમંતસિંહ રાજાએ અતિ હર્ષથી ચૈત્રસુદ નવમી તિથિએ શ્રીહરિનું વિધિપૂર્વક પૂજન કર્યું.૨૬
તેમાં શ્વેત મહાકિંમતી વસ્ત્રો, સુવર્ણમાંથી તૈયાર કરેલાં રમણીય આભૂષણો, સુગંધીમાન અગરુ ચંદનનો અનુરાગ તથા કુંકુમ મિશ્રિત ચોખા, સુંદર મલ્લિકાના પુષ્પોની માળા, અનેકવિધ પુષ્પોના તોરાઓની પંક્તિ, ધૂપ, દીપ, નૈવેદ્યમાં અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, સ્વાદિષ્ટ ફળો, તેમજ દક્ષિણામાં રૂપાની મુદ્રા ભરેલો થાળ હેમંતસિંહ રાજા શ્રીહરિના ચરણમાં અર્પણ કરી ષટ્પદીનું ગાન કરતાં કરતાં અતિ હર્ષથી તેમની આરતી ઉતારવા લાગ્યા.૨૭-૨૯
जय देव ! जय देव ! जय मङ्गलकर्ता २ नारायण ऋषिभर्ता कलिमलभयहर्ता ।। ध्रुवपदम् ।।
तेजःसञ्चयराजत्सिततरतनुकान्ते ! २ नानामुक्तसमर्चित ! २ सुखकर ! बहुशान्ते !
सुरगणवन्दितचरणः करुणानिधिरात्मा २ परमं ब्रह्म परात्पर ! २ निर्गुण ! परमात्मा ।। जय. ।। ३०
ષટ્પદી આરતીનું ગાન :- હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ. સર્વેનું મંગળ કરનારા તમારો જય થાઓ. હે નારાયણ ! હે મુક્તાનંદાદિ સંતોના સ્વામી ! તમે કલિયુગના મળરૂપ કામ, ક્રોધાદિ દોષોના ભયને હરણ કરનારા છો. એવા તમારો જય થાઓ, જય થાઓ. હે અક્ષરબ્રહ્મના મહાતેજના પુંજને વિષે શોભી રહેલી શ્વેત શરીરની કાંતિને ધારણ કરનારા ! હે અનંત અક્ષરમુક્તોથી સેવાયેલા ચરણકમળવાળા ! હે સર્વને સુખ કરનારા ! હે બહુ શાંતિવાળા ! હે પરાત્પર ! હે નિર્ગુણ ! હે બ્રહ્માદિ સર્વ દેવતાઓના સમુદાયથી વંદન કરાયેલા ચરણકમળવાળા ! હે કરૂણાના નિધિ ! હે સર્વના અંતર્યામી આત્મા ! એવા હે પરબ્રહ્મ ! હે પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૦
भूमौ देवसपत्नैः शातिततनुगेहं २ पातुं सात्वतधर्मे २ प्रकटितनरदेहस् ।
धर्मात्मज ! निजनन्दन ! नन्दितवृषसग २ वन्दे नैष्ठिकवर्ये २ त्वामितमुनिवर्गम् ।। जय. ।।३१
હે ધર્માત્મજ ! હે પોતાના ભક્તજનોને આનંદ આપનારા ! તમે આ ભારતવર્ષની ધરા ઉપર રાજા તથા ગુરુરૂપે પ્રગટેલા દૈત્યોદ્વારા વિનાશ કરાયેલી મૂર્તિ તથા પોતાનું ઘર માની જેના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહેલા છો એવા સંતો તથા એકાંતિક ભાગવતધર્મનું રક્ષણ કરવા માટે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી મનુષ્ય શરીરનું ધારણ કરો છો. તમે જ્ઞાન, વૈરાગ્યાદિ ધર્મસર્ગને સદાય આનંદ પમાડો છો. નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં સર્વોત્તમ એવા તમે અગણિત સંતસમુદાયના સ્વામી છો. એવા હે પરબ્રહ્મ પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૧
मद्याभिषपरवनितानिरतासुरवारं २ महसा स्वेन निरस्यं २ स्तम इव सविताऽरम् ।
पाषण्डाध्वसुरक्षितनिजजनभयहारी २ मनसिजदर्पविमोचन ! २ कुपथक्षयकारी ।। जय. ।।३२
હે સર્વના મનમાં ઉદ્ભવ પામનારા કામદેવના ગર્વનું ભંજન કરનારા ! સૂર્ય જેમ પોતાના તેજથી અંધકારનો વિનાશ કરે છે, તેમ તમે તમારા અલૌકિક દિવ્ય પ્રતાપથી મદ્યમાંસનું સેવન કરનારા તથા પરસ્ત્રીનો સંગ કરનારા અસુરોના સમૂહોનો તત્કાળ વિનાશ કરી વેદવિરુદ્ધ માર્ગથકી પોતાના શરણે આવેલા જનોનું રક્ષણ કરી તેમની જન્મમરણરૂપ સંસૃતિના ભયથકી રક્ષા કરો છો. તેમજ કૌલપંથ કે કુંડાપંથ આદિ કુમાર્ગનો પણ તમે વિનાશ કરો છો. એવા હે પરબ્રહ્મ પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૨
वरमभयं च कराभ्यां ददतं सितवसनं २ श्यामं सितमुपवींत २ दधतं मितहसनम् ।
शारदपूर्णसुधाकरबिम्बद्युतिवदनं २ हृदि कुर्वे च भवन्तं २ शुभगुणगणसदनम् ।। जय. ।।३३
હે શ્રીહરિ ! તમે જમણા હાથથી વરદાન અને ડાબા હાથથી અભયદાન આપનારી મુદ્રાને સતત ધારણ કરી તેનું વિતરણ કરો છો. ઘણે ભાગે તમે શ્વેત વસ્ત્રોને ધારણ કરો છો. નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરવાળા તમે શ્વેત યજ્ઞોપવિતને ધારણ કરો છો. સદાય મંદમંદ મુખહાસ્ય કરતા તમે શરદપૂર્ણિમાના ચંદ્રબિંબની કાંતિની સમાન મુખકમળથી શોભો છો. તમે સત્ય, શૌચ, દયા, ક્ષાન્તિ, આદિ સમસ્ત સદ્ગુણોના સમૂહના એક સ્થાનભૂત છો, આવા તમારૂં મારા હૃદયમાં સદાય ધ્યાન કરું છું. એવા હે પરબ્રહ્મ પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૩
तिलकं कैसरमलिके दधतं दृशिलोभं साक्षतकुंकुमचन्द्रक २ रुचिरं बहुशोभम् ।
चन्दनकौसुमशेखरबहुविधशुभहारै २ स्त्वामहमर्चितमीडे २ निजजनपरिवारैः ।। जय. ।। ३४
હે શ્રીહરિ ! તમે તમારૂં દર્શન કરનારા જનોના નેત્રોને આકર્ષણ કરતા કેશરતિલકને ભાલમાં ધારણ કરો છો. એ તિલક ચોખા અને કુંકુમના ચાંદલાએ સહિત અતિશય મનોહર તેમજ બહુ શોભાએ યુક્ત વર્તે છે. પોતાના ભક્તજનો રૂપી તમારો પરિવાર ચંદન, પુષ્પોના તોરા, હાર ધારણ કરાવી તમારૂં પૂજન કરે છે. એવા તમારી હું સ્તુતિ કરૂં છું. આવા હે પરબ્રહ્મ પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૪
प्रेमवतीतनुजे त्वयि जलरुहलदनयने २ रमतां मम धीरनिशं २ निजनिजपदनयने ।
पाहि सदा पुरुषोत्तम ! धार्मिकवर ! विष्णो ! २ त्वच्छरणागतजीवं २ कृष्ण ! हरे ! जिष्णो ! ।। ज. ३५
હે પુરુષોત્તમ ! હે ધાર્મિકોમાં શ્રેષ્ઠ ! હે ધર્મધુરંધર ! હે વિષ્ણુ ! હે કૃષ્ણ ! હે શ્રીહરિ ! હે સર્વત્ર વિજય પામવાના સ્વભાવવાળા ! હે પ્રેમવતીના પુત્ર ! હે કમળના પત્રોની સમાન વિશાળ નેત્રોથી શોભતા ! હે પોતાના ભક્તજનોને અક્ષરધામની પ્રાપ્તિ કરાવતા ! તમારે વિષે મારી બુદ્ધિ સર્વકાળ રમણ કરો, અને તમારા શરણાગત એવા મારૂં તમે સદાય વિઘ્નો થકી રક્ષણ કરો. એવા હે પરબ્રહ્મ પરમાત્મા ! તમારો જય થાઓ, તમારો જય થાઓ.૩૫
एवं नीराजयित्वाऽसौ हरेः कृत्वा प्रदक्षिणाम् । प्रणम्य दण्डवद्राजा तस्थौ प्राञ्जलिरग्रतः ।। ३६ ।।
स्वकण्ठाद्धरिरुत्तार्य तुष्टस्तस्मै ददौ स्रजः । महाप्रसाद इत्युक्त्वा स गृहीत्वा मुमोद ह ।। ३७ ।।
હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ષટ્પદીનું ગાન કરતા આરતી કરીને હેમંતસિંહ રાજાએ શ્રીહરિની પ્રદક્ષિણા કરીને દંડવત્ પ્રણામ કર્યા, પછી બે હાથ જોડી શ્રીહરિની આગળ ઊભા રહ્યા.૩૬
ત્યારે અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિએ પોતાના કંઠમાંથી પુષ્પની માળા ઉતારી હેમંતસિંહ રાજાને અર્પણ કરી, ત્યારે રાજા કહેવા લાગ્યા કે, અહો !!! આ પુષ્પનો હાર અર્પણ કરવારૂપ શ્રીહરિએ મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. હું તો ધન્ય ભાગ્યશાળી થયો આ પ્રમાણે તે બહુ રાજી થયા.૩૭
वासांसि च धनं भूषा ब्राह्मणेभ्यो ददौ तदा । उदारबुद्धिर्भगवान् पौरान् विस्मापयन् जनान् ।। ३८
प्रायशो धर्मशास्त्रस्य वार्ताः सदसि सोऽन्वहम् । चकारानन्दयन् विप्रान् कृष्णभक्त्युपबृंहिताः ।। ३९
द्वादश्यां पौर्णमास्यां च ब्राह्मणान् स सहस्रशः । तदिष्टभक्ष्यभोज्यैश्च तर्पयामास सत्पतिः ।। ४० ।।
द्वादश्यामेव च स्वामी सोऽपरो सदःस्थितः । माहात्म्यं द्वारिकायास्तु सर्वानचकथन्निजान् ।। ४१
रामप्रतापेच्छारामौ तच्छ्रूत्वा हरिमूचतुः । कुर्याव द्वारिकायात्रामाज्ञा चेत्तव साम्प्रतम् ।। ४२ ।।
इत्याश्रुत्य स तद्वाक्यं तयोः सद्धर्मनिष्ठताम् । ज्ञात्वान्वमोदत तथा पाथेयं चाश्वकारयत् ।। ४३ ।।
ततस्तौ प्रेषयामास त्रयोदश्यां कुशस्थलीम् । दत्वा धनं च विपुलमश्वौ च शकटद्वयम् ।। ४४ ।।
प्रैषयत्सह ताभ्यां च मयरामद्विजोत्तमम् । तद्देशमार्गादिविदं पत्तीन् शस्त्रभृतश्च सः ।। ४५ ।।
तदाऽतपस्य बाहुल्यात्कौसल्यानितरांस्तु सः । ताभ्यां साकं गन्तुमुत्कान्न्यषेधद्देशकालवित् ।। ४६
હે રાજન્ ! તે સમયે સર્વ જુનાગઢવાસી જનોને અતિશય આશ્ચર્ય પમાડતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રીહરિએ પોતાની પૂજામાં આવેલાં વિવિધ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો બ્રાહ્મણોને દાનમાં આપી દીધાં.૩૮
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પ્રતિદિન સભામાં વિપ્રોને આનંદ આપતા કૃષ્ણભક્તિએ સહિતની ધર્મશાસ્ત્ર સંબંધી બહુધા વાતો કરી.૩૯
સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ ચૈત્રસુદ બારસને દિવસે તેમજ ચૈત્રી પૂનમને દિવસે હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા.૪૦
તેમાં સર્વના સ્વામી ભગવાન શ્રીહરિએ બારસને દિવસે બપોર પછીના સમયે સભામાં વિરાજમાન થઇ પોતાના સર્વે ભક્તજનોની આગળ દ્વારિકાનું માહાત્મ્ય કહ્યું.૪૧
તેને સાંભળીને શ્રીહરિ પ્રત્યે તેમના બન્ને ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! જો તમારી આજ્ઞા હોય તો અમે અત્યારે જ દ્વારિકાની યાત્રા કરી આવીએ.૪૨
આવા પ્રકારનું બન્ને ભાઇઓનું વચન સાંભળી ભગવાન શ્રીહરિ તેમની સદ્ધર્મમાં નિષ્ઠા જોઇ, ભલે જઇ આવો, એવી અનુમતિ આપી. તેમજ તત્કાળ ભાતું તૈયાર કરાવ્યું.૪૩
પછી તેમને પુષ્કળ ધન, બે ઘોડા તેમજ બે ગાડાંની વ્યવસ્થા કરી આપી ને બન્ને ભાઇઓને ચૈત્રસુદ તેરસને દિવસે દ્વારિકા જવા મોકલ્યા.૪૪
તેમજ ભગવાન શ્રીહરિએ તે દેશના માર્ગના જાણકાર બ્રાહ્મણશ્રેષ્ઠ મયારામ ભટ્ટને તથા રક્ષણ માટે શસ્ત્રધારી પોતાના પાર્ષદોને તેઓની સાથે મોકલ્યા.૪૫
દેશકાળને બરાબર ધ્યાનમાં રાખી શ્રીહરિએ પોતાના ભાઇઓની સાથે યાત્રામાં જવા અત્યંત ઉત્સુક થયેલા કોશલદેશથી સાથે આવેલા ભાઇઓના પુત્રાદિકને અતિશય ગરમી હોવાને કારણે રોકી રાખ્યા.૪૬
प्रतिपदि ततः साकं स्वीयानुगैः कृतभोजनः सपदि निरगाद्धेमन्तादीननुव्रजतो निजान् ।
निजविरहतः खेदं यातो निवर्त्य बलद्धरिः पथि स सुखयन्स्वीयानायान्नृपोत्तमपत्तनम् ।। ४७ ।।
एतां कथां भगवतो भजनीयमूर्तेर्भक्त्या शृणोति पठति प्रयतः पुमान् यः ।
प्राप्नोति भक्तिममलां स तु वासुदेवे मुक्तो भवत्यखिलसंसृतिबन्धनेभ्यः ।। ४८ ।।
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પછી શ્રીહરિ ચૈત્રવદ પડવાને દિવસે પોતાના અનુયાયી સંતો પાર્ષદોની સાથે ભોજન કરી તે જ ક્ષણે જુનાગઢપુરથી નીકળ્યા. ત્યારે પોતાની પાછળ આવતા અને વિયોગથી ખેદ પામતા હેમંતસિંહ રાજા આદિ સર્વે ભક્તજનોને બળજબરીથી પાછા વાળી માર્ગમાં આવતા ભક્તજનોને આનંદ આપતા ગઢપુર પધાર્યા.૪૭
હે રાજન્ ! શ્રીહરિ ગઢપુરથી નીકળ્યા પછીથી પ્રારંભીને પાછા ગઢપુર આવ્યા ત્યાં સુધીની કથાને જે પુરુષો નિયમપૂર્વક ભક્તિભાવથી સાંભળશે અથવા અન્યને સંભળાવશે તે બન્નેને શ્રીવાસુદેવ ભગવાનને વિષે નિર્મળ એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થશે. અને સંસારના સમસ્ત બંધનોમાંથી મુક્ત થશે.૪૮
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे जीर्णदुर्गगमनदुर्गपुरप्रत्यागमननिरूपणनामा त्रयोविंशोऽध्यायः ।। २३ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિ જુનાગઢમાં અનેક લીલા કરી પાછા ગઢપુર પધાર્યા એ નામે ત્રેવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૩--