સ્વર્ગ અને નરક સંબંધી ઉત્તમરાજાએ પૂછેલા પ્રશ્નનો ભગવાન શ્રીહરિએ ઉત્તર કર્યો. નરકે જનારનાં લક્ષણો. સ્વર્ગે જનારનાં લક્ષણો.
सुव्रत उवाच -
प्रबोधिन्या निशि हरिर्महत्यां भक्तसंसदि । शुश्राव जागरं कुर्वन्प्रबोधिन्याः कथां नृपः ! ।। १ ।।
कथान्ते बहुधा चक्रे सत्कर्मातिप्रशंसनम् । स्वीयानां शिक्षणायैव सचासत्कर्मगर्हणाम् ।। २
तमुत्तमो नरपतिः प्रणम्य विनयान्वितः । बद्धाञ्जलिपुटोऽप्राक्षीत्प्रश्नावसरवित्तदा ।। ३
राजोवाच -
देहिनामत्र भगवन् ! प्रवृत्तिः कर्मसु ध्रुवम् । सर्वेषां दृश्यते लोकेव्यवहारक्रियात्मनाम् ।। ४
नरकाप्तिर्भवेत्तत्र कर्मभिः कैः क्रियावताम् । स्वर्गप्राप्तिर्भवेत्कैश्च तन्मे त्वं वक्तुमर्हसि ।। ५
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ પ્રબોધનીની રાત્રીએ ભક્તજનોની મોટી સભામાં જાગરણ કરતાં પ્રબોધનીની કથા સાંભળી.૧
શ્રીહરિએ કથાની સમાપ્તિમાં ભક્તજનોની શિક્ષાને માટે સત્કર્મોની ખૂબજ પ્રશંસા કરી અને અસત્કર્મોની ખૂબજ ભર્ત્સના કરી.૨
તે સમયે પ્રશ્ન પૂછવાના અવસરને જાણતા દુર્ગપુરપતિ ઉત્તમરાજા ભગવાન શ્રીહરિને પ્રણામ કરી બહુજ વિનયથી બે હાથ જોડી પૂછવા લાગ્યા.૩
હે ભગવાન ! આલોકમાં લૌકિક વ્યવહારના કર્મમાં આસક્ત મનવાળા સર્વે દેહધારીઓની અનેક પ્રકારના કર્મમાં નિશ્ચિત પ્રવૃત્તિ જોવામાં આવે છે.૪
તે કર્મોની મધ્યે કેવાં કર્મો કરનાર મનુષ્યોને નરકની પ્રાપ્તિ થાય છે ? અને કેવાં કર્મો કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ? તે તમે મને જણાવો.૫
सुव्रत उवाच -
इति पृष्टो नरेन्द्रेण तेन बुद्धिमता प्रभुः । द्विविधान्यपि कर्माणि प्रोवाच सफलानि सः ।। ६
श्री नारायणमुनिरुवाच -
परदाराभिहर्तारः परदाराभिमर्शिनः । परदारप्रयोक्तारो ये ते निरयगा मताः ।। ७
ये परस्वापहर्तारः परस्वानां च नाशकाः । सूचकाश्च परेषां ये ते वै निरयगा मताः ।। ८
प्रपाणां च सभानां च सङ्क्रमाणां च भूपते ! । अगाराणां च भेत्तारो नरा निरयगा मताः ।। ९
अनाथां प्रमदां बालां वृद्धां मीतां तपस्विनीम् । वञ्चयन्ति नरा ये च ते वै निरयगा मताः ।। १०
वृत्तिच्छेदं गृहच्छेदं दारच्छेदं च ये नराः । मित्रच्छेदं तथा कुर्युस्ते वै निरयगा मताः ।। ११
सूचकाः सन्धिभेत्तारः परवृत्त्युपजीवकाः । अकृतज्ञाश्च मित्राणां ते वै निरयगा मताः ।। १२
पाषण्डा दूषकाश्चैव समयानां च दूषकाः । ये प्रत्यवसिताश्चैव ते वै निरयगा मताः ।। १३
विषमव्यवहाराश्च विषमाश्चैव वृद्धिषु । लाभेषु विषमाश्चैव ते वै निरयगा मताः ।। १४
द्यूतव्यवहाराश्च निष्परीक्षाश्च मानवाः । प्राणिहिंसाप्रवृत्ताश्च ते वै निरयगा मताः ।। १५
कृताशं कृतनिर्देशं कृतभक्तं कृतश्रमम् । भेदैर्ये व्यपकर्षन्ति ते वै निरयगा मताः ।। १६
पर्यश्नन्ति च ये दारानग्निभृत्यातिथींस्तथा । उत्त्सन्नपितृदेवेज्यास्ते वै निरयगा मताः ।। १७
નરકે જનારનાં લક્ષણો :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે બુદ્ધિમાન ઉત્તમરાજાએ પ્રશ્ન કર્યો તેથી સમર્થ ભગવાન શ્રીહરિ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિરૂપ બે પ્રકારનાં કર્મો કહેવા લાગ્યા.૬
તેમાં સૌ પ્રથમ નરક પ્રાપ્તિને કરાવનારાં કર્મો કહે છે. જે પુરુષોએ પરસ્ત્રીનું અપહરણ કર્યું હોય, જેણે પરસ્ત્રી સાથે બળાત્કાર કર્યો હોય, જે કોઇની પાસેથી પૈસાની દલાલી લઇ કોઇ પરસ્ત્રીને રૂપિયા આદિકનું પ્રલોભન આપીને કોઇ અન્ય પુરુષની સાથે વ્યભિચાર કરવા પ્રેરણા કરતા હોય, આ ત્રણ પ્રકારના પુરુષો નરકમાં જાય છે.૭
વળી જે પુરુષો પરધનની ચોરી કરી હોય, જેણે પર સંપત્તિનો અગ્નિદાહ આદિકથી નાશ કર્યો હોય, અને જે અન્ય જનો ઉપર ચાડીચુગલી દ્વારા દોષોનું આરોપણ કરતા હોય તે મનુષ્યો પણ નરકને પામે છે.૮
જે મનુષ્યો પાણીના પરબનો, સભાસ્થળનો, સેતુનો અને ઘરોનો વિનાશ કરે છે, તે ચારે પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે.૯
અનાથ સ્ત્રી, બાલિકા, વૃદ્ધા, ભયથી દુઃખી અને તપસ્વિની સ્ત્રી; આ પાંચ પ્રકારની સ્ત્રીઓને ધનથી ધર્માદિકનો લોપ કરાવી છેતરે છે, તે પુરુષો નરકમાં જાય છે.૧૦
જે મનુષ્યો કોઇની આજીવિકા વૃત્તિનો વિનાશ કરે, કોઇની ઘરઉપયોગી વસ્તુનો વિનાશ કરે, કોઇના સગપણ કે વિવાહનો વિચ્છેદ કરાવી નાખે, પરસ્પર એક પ્રાણ અને એક મનથી જીવતા મિત્રોમાં સાચી ખોટી એક બીજાની વાતો કરીને બન્નેમાં ભેદ ઉત્પન્ન કરે, તે મનુષ્યો નરકમાં જાય છે.૧૧
હે રાજન્ ! જે મનુષ્યો રાજમાં ચાડી કરનારા હોય, કોઇ કાર્ય માટે પરસ્પર સંધિ કરેલી હોય તેને તોડાવી નાખનારા હોય, જે બીજાની વૃત્તિ ઉપર લાંચ આદિક ગ્રહણ કરીને જીવતા હોય, જે મિત્રોનો ઉપકાર ભૂલીને તેમના પર અપકાર કરતા હોય, તે ચાર પ્રકારના મનુષ્યો પણ નરકમાં જાય છે.૧૨
જે વેદ વિરોધી પાખંડ ધર્મનો આશ્રય કરનારા હોય, જે સંતોની નિંદા કરી તેમના જીવનમાં દૂષણનું દોષારોપણ કરતા હોય, જે ધર્મના સંકેતો હોય તેમાં પણ દોષનું આરોપણ કરી દૂષણ પમાડતા હોય, જે અનુકૂળમાં પણ પ્રતિકૂળનું વાતાવરણ ઊભું કરી પરને છેતરતા હોય, તેવા મનુષ્યો નરકમાં જાય છે.૧૩
જે મનુષ્યો લોક વિરૂદ્ધ ઉલટો વ્યવહાર કરતા હોય, વ્યાજે આપેલા રૂપિયાનું બમણું વ્યાજ લેતા હોય, વેપારમાં મૂળ ધન કરતાં બમણો લાભ (નફો) લેતા હોય, તે ત્રણે પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે.૧૪
જે જુગાર રમાડીને આવેલા નાણાંથી પોતાનું જીવન ચલાવતા હોય, પરીક્ષા કર્યા વગર એમને એમ કોઇના ઉપર દોષ ઢોળી દેતા હોય, પ્રાણીઓની હિંસા કરવામાં સતત પ્રવૃત્ત રહેતા હોય, તે ત્રણે પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે.૧૫
હે રાજન્ ! કોઇ મનુષ્ય પોતાના માલિક પાસે કોઇ આશા સાથે આવેલો હોય, માલિકે અમુક કામ માટે આટલું ધન આપીશ એવી જેની સાથે પ્રતિજ્ઞા કરેલી હોય, વેતન લઇને કામ કરનારા હોય, અને કોઇ આશા રાખીને માલિક માટે પરિશ્રમ કર્યો હોય, આ ચાર પ્રકારના જનો અને માલિકની વચ્ચે જે મનુષ્યે ભેદના ઉપાયો કર્યા હોય અર્થાત્ ધણીના કાનમાં અવળું સમજાવીને નિરાશા પેદા કરી જુદા પાડયા હોય. તેવા ચાર પ્રકારના મનુષ્યો નરકમાં જાય છે.૧૬
જે પુરુષ પોતાની પત્નીને છોડીને બહાર કાંઇક સારૂં સારૂં જમી લેતો હોય, અગ્નિ, નોકરો અને અતિથિને જમાડયા વગર જમી લેતો હોય, પિતૃશ્રાદ્ધ અને દેવપૂજાનો જેણે ત્યાગ કરી દીધો હોય, તેવા છ પ્રકારના જનો નરકમાં જાય છે.૧૭
वेदविक्रयिणश्चैव वेदानां चैव दूषकाः । वेदानां लेखकाश्चैव ते वै निरयगा मताः ।। १८
केशविक्रयका राजन्विषविक्रयकाश्च ये । विकर्मभिर्ये जीवन्ति ते वै निरयगा मताः ।। १९
शस्त्रविक्रयिकाश्चैव शस्त्राणां कर्तृकास्तथा । शल्यानां धनुषां ये च ते वै निरयगा मताः ।। २०
शिलाभिः शङ्कुभिर्वापि श्वभ्रैर्वा तीक्ष्णकण्टकैः । ये मार्गमनुरुन्धन्ति ते वै निरयगा मताः ।। २१
उपाध्यायांश्च भूत्यांश्च भक्तांश्च स्वसमाश्रितान् । ये त्यजन्त्यत्र निर्दोषांस्ते वै निरयगा मताः ।। २२
જે જનો મૂલ્ય લઇને વેદપારાયણના ફળને વહેંચી દેતા હોય, જે વેદનો અભિપ્રાય જાણ્યા વિના તેનાં વચનને દૂષિત કરતા હોય, જે વેદોનું અશુદ્ધિ લેખન કરતા હોય, તે ત્રણે જનો નરકમાં જાય છે.૧૮
જે મનુષ્યો ચામર, કમ્બલ આદિકના માધ્યમથી કેશનો વેપાર કરતા હોય, જે ઝેરનો વેપાર કરતા હોય, શાસ્ત્રનિષેધ કર્મો દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોય, તે તથા જે મનુષ્યો શસ્ત્રોનો વેપાર કરતા હોય, ઉત્પાદન કરતા હોય, બાણો તથા ધનુષ્યો આદિકનું નિર્માણ કરતા હોય, તે મનુષ્યો નરકમાં જાય છે.૧૮-૨૦
હે રાજન્ ! જે મનુષ્યો પથ્થર, ખીલ્લા, તીક્ષ્ણ કાંટા આદિક વડે મનુષ્યોને જવા આવવાના માર્ગને રોકતા હોય, જે મનુષ્યો લોભાદિ દોષોથી રહિત અને પોતાના આશરે રહેલા વિદ્યાનો અભ્યાસ કરાવનારા ગુરુજનોનો ત્યાગ કરી દે છે. વળી કામાદિ દોષથી રહિત પોતાને આશરે રહેલા નોકરોનો ત્યાગ કરી દે છે, દંભ કે કપટથી રહિત પોતાને શરણે રહેલા ભક્તો કે પરિચારકોનો ત્યાગ કરી દે છે, તે મનુષ્યો નરકમાં જાય છે.૨૧-૨૨
अदान्तदमकाश्चैव नसानां वेधकाश्च ये । बन्धकाश्च पशूनां ये ते वै निरयगा मताः ।। २३
अगोप्तारश्च राजानो बलिषङ्भागतस्कराः । समर्थाश्चाप्यदातारस्ते वै निरयगा मताः ।। २४
क्षान्तान्दान्तांस्तथा प्राज्ञान्दीर्घकालं सहोषितान् । त्यजन्ति कृतकृत्यान् ये ते वै निरयगा मताः ।। २५
एते निरयगाः प्रोक्ताः नरा दुष्कृतकारिणः । भागिनः स्वर्गलोकस्य ये तान् वच्म्यथ भूपते ! ।। २६
જે મનુષ્યો બળદના વૃષણનો ઉચ્છેદ કરી વીર્યનો વિનાશ કરતા હોય, જે વાછરડાના નાકને વીંધતા હોય, જે અસમયે ગાય આદિ પશુને બાંધી રાખતા હોય, તે તથા જે રાજાઓ પ્રજાનું ચોર આદિકથી રક્ષણ ન કરતા હોય, ને બલાત્કારે પ્રજા પાસેથી છઠ્ઠા ભાગનો કર ઉઘરાવતા હોય, ધન ધાન્યાદિકથી સમૃદ્ધ હોય છતાં પાત્રમાં દાન આપતા ન હોય, તે સર્વે નરકમાં જાય છે.૨૩-૨૪
જે બહુકાળ પર્યંત પોતાને રાજી કરવા પોતાની સમીપે રહેતા હોય, જે ક્ષમાશીલ સ્વભાવના હોય, જેણે ઇન્દ્રિયો ઉપર દમન કરી નિયમમાં રાખી હોય, જે પ્રતિભાયુક્ત હોય, અન્યના કામ કરી કૃત્યભાવમાં વર્તતા હોય આવા સજ્જનોનો ત્યાગ કરનારા મનુષ્યો નરકમાં જાય છે. આ પ્રમાણે મેં તમને દુષ્ટ કર્મ કરનારા મનુષ્યો જે નરકમાં જાય છે તેની વિક્તિ કહી, હવે દેવલોકના ભાગીદાર જે જનો છે તે તમને કહું છું.૨૫-૨૬
दानेन तपसा चैव सत्येन श्रद्धयापि च । ये धर्ममनुवर्तन्ते ते नराः स्वर्गगामिनः ।। २७
शुश्रूषाभिस्तपोभिश्च विद्यामादाय वा धनैः । ये प्रतिग्रहनिःस्नेहास्ते नराः स्वर्गगामिनः ।। २८
भयाल्लोभात्तथा क्रोधाद्दारिद्याद्वयाधिघर्षणात् । सत्कृत्यं न विमुञ्चन्ति ते नराः स्वर्गगामिनः ।। २९
क्षमावन्तश्च धीराश्च धर्मकार्येषु चोत्थिताः । मङ्गलाचारसम्पन्नास्ते नराः स्वर्गगामिनः ।। ३०
निवृत्ताः सर्वमांसेभ्यः परदारेभ्य एव च । सुराभ्यो ये च मद्येभ्यस्ते नराः स्वर्गगामिनः ।। ३१
आश्रमाणां च पातारः कुलसत्कर्मणां तथा । देशानां नगराणां च ते नराः स्वर्गगामिनः ।। ३२
સ્વર્ગે જનારનાં લક્ષણો :- હે રાજન્ ! જે મનુષ્યો દાન, તપ, સત્ય, શ્રદ્ધાથી ધર્મનું પાલન કરે છે, જે મનુષ્યો ગુરુની સેવા કરીને તથા વિદ્યાર્થીને ઉચિત તપનું આચરણ કરીને તેમજ ગુરુને પુષ્કળ ધન અર્પણ કરીને વિદ્યા ભણે છે અને બીજા પાસેથી જે અનુદાન સ્વીકારતા નથી, તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે, જે મનુષ્યો ભય, લોભ, ક્રોધ, દરિદ્રતા તથા શરીરના રોગની પીડાના કારણે પણ સત્કર્મો છોડતા નથી, તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૨૭-૨૯
જે જનો ક્ષમાવાન હોય, ધીરજધારી હોય, ધર્મકાર્યમાં સદાય તત્પર રહેતા હોય, જે સર્વેને મંગલ કરનારૂં આચરણ કરતા હોય, સર્વે પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત હોય, પરદારાના સંગથી વિમુખ હોય, કોઇ પણ પ્રકારની સુરા કે માદકપીણાના પાનથી નિવૃત્ત હોય, બ્રહ્મચર્યાદિ આશ્રમોનું અધર્મનો ત્યાગ કરવા પૂર્વક રક્ષણ કરતા હોય, કુળ પરંપરાગત આવતા સદાચારનું જે રક્ષણ કરતા હોય, પોતાના દેશ અને દેશવાસીઓના રક્ષણમાં તત્પર હોય, પોતાના નગરના જનોના રક્ષણમાં તત્પર હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૩૦-૩૨
सर्वहिंसानिवृत्ताश्च नराः सर्वसहाश्च ये । सर्वस्याश्रयभूताश्च ते नराः स्वर्गगामिनः ।। ३३
मातरं पितरं चैव शुश्रूषन्ति गुरूंश्चये । जितेन्द्रिया मिताहारास्ते नराः स्वर्गगामिनः ।। ३४
आख्याश्च बलवन्तश्च यौवनस्था अपीह ये । भवन्ति निर्मदा नित्यं ते नराः स्वर्गगामिनः ।। ३५
अपराद्धेषु सस्नेहा मृदवो मृदुवत्सलाः । आराधनासुखाश्चापि पुरुषाः स्वर्गगामिनः ।। ३६
सहस्त्रपरिवेष्टारस्तथैव च सहस्रदाः । त्रातारश्च सहस्राणां ते नराः स्वर्गगामिनः ।। ३७
હે રાજન્ ! જે મનુષ્યો કાયા, મન, વાણીથી સર્વપ્રકારે હિંસાથી રહિત હોય, પોતાના ધર્મની પુષ્ટિ માટે સર્વ પ્રકારના દુઃખોને સહન કરનારા હોય, ધર્મનિષ્ઠ સર્વજનોના આશ્રયભૂત થઇ તેમના દુઃખોનું નિવારણ કરતા હોય, જે માતા પિતા અને ગુરુની યથાયોગ્ય સેવા કરતા હોય, જે મિતાહાર કરી ઇન્દ્રિયોને જીતીને વર્તતા હોય, જે મનુષ્ય આલોકમાં ધનવાન હોય, શરીરે મહાબલવાન હોય અને યુવાનીના જોરમાં હોય છતાં હમેશાં નિર્માનીપણે વર્તતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૩૩-૩૫
જે મનુષ્યો પોતાનો અપરાધ કરનારા પર પણ સ્નેહ રાખતા હોય, બીજાનું દુઃખ દેખીને જેનું હૃદય દ્રવી જતું હોય, સ્વભાવથી કોમળ મનુષ્યો સાથે પ્રીતિ રાખતા હોય, સ્વધર્મનિષ્ઠ મનુષ્યોની કારણ વિના સેવા કરીને સુખી કરતા હોય, જે મનુષ્યો હજારો સાધુ બ્રાહ્મણાદિકને જમાડી તૃપ્ત કરતા હોય, જે હજારો રૂપિયાનું સત્પાત્રમાં દાન કરતા હોય, જે મનુષ્યોને અન્નજળ આપી રક્ષણ કરતા હોય, તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૩૬-૩૭
सुवर्णस्य च दातारो गवां च नृपसत्तम ! । अन्नाम्बुवाहनानां च ते नराः स्वर्गगामिनः ।। ३८
वैवाहिकानां द्रव्याणामन्नानां च यथोचितम् । दातारो वाससां चैव पुरुषाः स्वर्गगामिनः ।। ३९
विहारावसथोद्यानकूपारामसभाप्रपाः । कारयन्ति स्वशक्तया ये ते नराः स्वर्गगामिनः ।। ४०
निवेशनानां क्षेत्राणां वसतीनां च भूपते ! । दातारः प्रार्थितानां च ते नराः स्वर्गगामिनः ।। ४१
सर्वभूतदयावन्तो विश्वास्याः सर्वदेहिनाम् । त्यक्तहिंसासमाचारास्ते नराः स्वर्गगामिनः ।। ४२
परस्वे निर्ममा नित्यं परदारविवर्जिताः । धर्मलब्धान्नभोक्तारस्ते नराः स्वर्गगामिनः ।। ४३
मातृवत्स्वसृवच्चैव नित्यं दुहितृवच्च ये । परदारेषु वर्तन्ते ते नराः स्वर्गगामिनः ।। ४४
स्तैन्यान्निवृत्ताः सततं सन्तुष्टाः स्वधनेन च । स्वभाग्यान्युपजीवन्ति ते नराः स्वर्गगामिनः ।। ४५
હે રાજન્ ! જે મનુષ્યો સુવર્ણ, ગાય, અન્ન, જળ અને વાહનનું પાત્રમાં દાન આપે, જે પુરુષો વિપ્ર આદિકની કન્યાઓના વિવાહમાં ઉપયોગી ધન, અન્ન અને વસ્ત્રોનું દાન કરે છે, જે પુરુષો અગ્નિહોત્રશાળા, ઘર, ઉદ્યાન, કૂવા, આરામગૃહ અને સભાશાળા તથા પાણીનું પરબ પોતાની શક્તિ પ્રમાણે કરાવે છે તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૩૮-૪૦
જે પુરુષો વટેમાર્ગુને રહેવાનાં સ્થળો, ક્ષેત્રો, સામગ્રીએ સહિત ઘરો અર્પણ કરે છે. તેમજ વટેમાર્ગુ કોઇ સુવિધા માગે તો તેને આપે છે, જે મનુષ્યો ભૂતપ્રાણીમાત્ર ઉપર દયા કરે છે, જે સર્વે જનો પોતાના ઉપર વિશ્વાસ કરે તેવું વર્તન રાખે છે, હિંસક આચારને છોડીને વર્તે છે, વળી જે મનુષ્યો પરધનમાં હમેશાં મમત્વ રહિત તેમજ પરસ્ત્રીના સંગે રહિત વર્તે છે અને જે મનુષ્ય ધર્મમાં અવિરોધી અન્નનો જ આહાર કરે છે તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૪૧-૪૩
હે રાજન્ ! જે પુરુષો પોતાથી અધિક ઉંમરવાળી બીજી સ્ત્રી સાથે નિત્યે માતાના સરખો, પોતાના સરખી ઉંમરવાળી સ્ત્રી સાથે બહેનના સરખો અને પોતાનાથી નાની ઉંમર વાળી સ્ત્રી સાથે દિકરીના જેવો વ્યવહાર રાખે છે તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. જે મનુષ્યો ચોરીના કર્મથી સદાય નિવૃત્ત હોય, પોતાની કમાણીમાંથી સંતુષ્ટ હોય, પોતાના ભાગ્યપ્રમાણે જ જીવન જીવતા હોય તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૪૪-૪૫
परदारेषु ये नित्यं चरितावृत्तलोचनाः । जितेन्द्रियाः शीलपरास्ते नराः स्वर्गगामिनः ।। ४६
श्लक्ष्णां वाणीं निराबाधां मधुरां दोषवर्जिताम् । स्वागतेनाभिभाषन्ते ते नराः स्वर्गगामिनः ।। ४७
परुषं ये न भाषन्ते कटुकं निष्ठुरं तथा । अपैशुन्यरताः सन्तस्ते नराः स्वर्गगामिनः ।। ४८
पिशुनां ये न भाषन्ते मित्रभेदकरीं गिरम् । ऋतं मैत्रं तु भाषन्ते ते नराः स्वर्गगामिनः ।। ४९
ये वर्जयन्ति पारुष्यं परद्रोहं च ये नराः । सर्वभूतसमा दान्तास्ते नराः स्वर्गगामिनः ।। ५०
જે મનુષ્યો જીતેન્દ્રિય હોય, પરસ્ત્રી સામે દૃષ્ટિ પણ ન કરતા હોય, જે બ્રહ્મચર્યાદિ શીલવ્રત પરાયણ હોય, વળી જે મનુષ્યો અતિશય સ્નેહાળ, અને કોઇને દુઃખ ન થાય તેવી દોષે રહિત, મધુર અને પ્રિય વાણી બોલીને જનોનું સ્વાગત કરતા હોય, જે મનુષ્યો કોઇના છિદ્રોની ચાડીચૂગલી દ્વારા અન્યજનોને ક્યારેય વાત ન કરતા હોય, તેમજ તીક્ષ્ણ, કઠોર અને નિષ્ઠુર વાણી ક્યારેય ન બોલતા હોય તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૪૬-૪૮
જે મનુષ્યો ખળયુક્ત વાણી ન બોલતા હોય, જે મિત્રોમાં પરસ્પર ભેદ ઉત્પન્ન થઇ જાય તેવી વાણી ન બોલતા હોય, સત્ય અને મિત્ર ભાવે યુક્ત જ સદાય વચનો બોલતા હોય તે મનુષ્યો સ્વર્ગમાં જાય છે.૪૯
જે મનુષ્યો સર્વ ભૂતપ્રાણી માત્રમાં પોતાના જેવી ભાવના રાખી સમભાવે વર્તતા હોય, ઇન્દ્રિયોનું દમન કરી ચતુરાઇપૂર્વક વર્તતા હોય અને જેણે કઠોર વાણીનો ત્યાગ કરી દીધો હોય, જે પરનો દ્રોહ થાય તેવું વર્તન ક્યારેય ન કરતા હોય તે સર્વે પુરુષો સ્વર્ગમાં જાય છે.૫૦
न कोपाद्वयाहरन्ते ये वाचं हृदयदारिणीम् । सान्त्वं वदन्त्यपि क्रुद्धास्ते नराः स्वर्गगामिनः ।। ५१
ग्रामे गृहे वा यद्द्रव्यं पारक्यं विजने स्थितम् । नाभिनन्दन्ति ये नित्यं ते नराः स्वर्गगामिनः ।। ५२
तथैव परदारान् ये कामवृत्तान् रहोगतान् । मनसापि नहीच्छन्ति ते नराः स्वर्गगामिनः ।। ५३
शत्रुं मित्रं च ये नित्यं तुल्येन मनसा नराः । भजन्ति मैत्राः सङ्गम्य ते नराः स्वर्गगामिनः ।। ५४
श्रुतवन्तो दयावन्तः शुचयः सत्यसङ्गराः । स्वैरर्थैः परिसन्तुष्टास्ते नराः स्वर्गगामिनः ।। ५५
જે પુરુષો ક્રોધ ઉત્પન્ન થાય છતાં પરના હૃદયને ભેદી નાખે તેવી દુઃખકર વાણીનો ત્યાગ કર્યો હોય, વળી કોઇના ઉપર ક્રોધ ઉત્પન્ન થયો હોય છતાં તેમને જાણે સમજાવતા હોય તેવી શાંત વાણી બોલતા હોય, જે મનુષ્યો ગામમાં, ઘરમાં કે જંગલમાં કે કોઇ એકાંત સ્થળમાં પણ પડેલા પારકા ધનને ક્યારેય પણ ઇચ્છે નહિ તે સ્વર્ગમાં જાય છે.૫૧-૫૨
જે પુરુષો એકાંત સ્થળમાં પણ પોતાની સાથે ઉપભોગ કરવાની બુદ્ધિથી આવેલી પરસ્ત્રીઓને મનથી પણ ઇચ્છે નહિ, તે પુરુષો સ્વર્ગમાં જાય છે.૫૩
જે સર્વની સાથે મિત્રભાવે વર્તી મિત્ર કે શત્રુને મળે ત્યારે એક સરખો ભાવ વ્યક્ત કરે પરંતુ ખેદભાવે ન વર્તે, જે મનુષ્યો હમેશાં શાસ્ત્રના અધ્યયન, પરાયણ રહેતા હોય, દયાવાન, બહાર અંદર પવિત્રપણે વર્તતા હોય, સત્ય પ્રતિજ્ઞાવાળા હોય, પોતાની આજીવિકા વૃત્તિથી જે ધન પ્રાપ્ત થાય તેનાથી સદાય સંતુષ્ટ રહેતા હોય તે સ્વર્ગમાં જાય છે.૫૪-૫૫
श्रद्धावन्तो मैत्रवन्तश्चोक्षाश्चोक्षजनप्रियाः । धर्माधर्मविदो नित्यं ते नराः स्वर्गगामिनः ।। ५६
न्यायोपेता गुणोपेता देवद्विजपराः सदा । यथोचितोद्योगपरास्ते नराः स्वर्गगामिनः ।। ५७
एवं सत्कर्मसंस्था ये भवन्ति पुरुषा इह । स्वर्गे यान्ति त एवेति जानीहि नृपसत्तम ! ।। ५८
मानुष्यं दुर्लभं प्राप्य सत्कर्माण्येव ये नराः । हित्वेतराणि कुर्वन्ति ते धन्याः सन्ति भूतले ।। ५९
જે સદાય શ્રદ્ધાવાન હોય, સર્વની સાથે મિત્રભાવ રાખતા હોય, વ્યવહારમાં પોતે શુદ્ધ વર્તે અને બીજા શુદ્ધ વર્તતા હોય તે પોતાને હમેશાં ગમતા હોય, અને ધર્મ તથા અધર્મને બરાબર સમજી જાણતા હોય તે અને યોગ્ય વર્તન કરતા હોય, સદ્ગુણોએ યુક્ત હોય, સદાય સાધુ, બ્રાહ્મણની સેવામાં તત્પર રહેતા હોય, પોતાના ધર્મમાં બાધ ન આવે એ રીતે સદાય ઉદ્યોગ પરાયણ રહેતા હોય તે પુરુષો સ્વર્ગમાં જાય છે.૫૬-૫૭
હે રાજન્ ! આ પ્રમાણે જે મનુષ્યો આલોકમાં સત્કર્મ પરાયણ વર્તે છે. તે સર્વે મનુષ્યો સ્વર્ગમાં જાય છે. એમ તમે નક્કી માનો.૫૮
જે મનુષ્યો હજારો ઉપાયોથી પણ ન મળે તેવા આ દુર્લભ મનુષ્ય શરીરને પામીને બીજાં દુષ્કર્મોનો ત્યાગ કરી, કહ્યાં એવાં સત્કર્મો કરે છે તે સર્વે આ પૃથ્વી પર ખરેખર ધન્યભાગ્યશાળી છે.૫૯
सुव्रत उवाच -
इत्याश्रुत्य प्रभोर्वाक्यं स राजा मुदितो नृप ! । अन्येऽपि भक्ताः सकलाः संहृष्टास्तं ववन्दिरे ।। ६०
ततो द्वितीये दिवसे ब्राह्मणान्स सहस्रशः । भोजयामास भगवांस्तदिष्टैर्मिष्टभोजनैः ।। ६१
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનું અમૃતની સમાન વચન સાંભળી અતિશય આનંદ પામેલા ઉત્તમરાજા તથા સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની ખૂબજ પ્રશંસા કરી વંદન કર્યા.૬૦
ત્યારપછી બીજે દિવસે બારસના શ્રીહરિએ હજારો બ્રાહ્મણોને ઇચ્છિત મિષ્ટાન્ન ભોજન કરાવી તૃપ્ત કર્યા.૬૧
दूरदेशागताँल्लोकान् व्यसृजत्स ततः प्रभुः । शतक्रोशीयलोकास्तु प्रायशो न ययुस्ततः ।। ६२
श्रवणं गुणकीर्तनं हरेः स्मरणं चार्चनवन्दने तथा । सततं नृप ! कुर्वतां ययुः क्षणसाम्येन दिनानि तन्नृणाम् ।। ६३
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ બહુ દૂર દૂરના દેશોમાંથી પોતાને દર્શને આવેલા હજારો ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી તેથી તે જવા નીકળ્યા, પરંતુ સો સો કોશ સુધીના પ્રદેશોમાં જે ભક્તજનો રહેતા હતા તે ભગવાન શ્રીહરિની સમીપે જ રહ્યા.૬૨
શ્રીહરિનાં ચરિત્રોનું નિત્ય શ્રવણ, ગુણ કીર્તન, સ્મરણ, પૂજન અને વંદન કરતા ભક્તજનો શ્રીહરિનું સાંનિધ્ય હોવાને કારણે એક ક્ષણની માફક દિવસો પસાર કરતા હતા.૬૩
इति श्री सत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे कार्यायनग्रामे स्वर्गनरकगामिपुरुषलक्षण-निरूपणनामा चतुर्दशोऽध्यायः ।। १४ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારીયાણી ગામે ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાના પ્રશ્નથી સ્વર્ગ અને નરકગામી પુરુષોનાં લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે ચૌદમો અધ્યાય પૂર્ણ થયો. --૧૪--