સ્નેહગીતા - કડવું ૯<br />

પદરાગ મા –
સ્નેહને રે સમાન, ના'વે કોઇ સ્નેહને રે સમાન ।
રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઇ ધ્યાન; ના'વે ૦ ।।૧।।
જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન ।
તજી ઘરવાસ ઉદાસ ફરે કોય, કરે તીરથ વ્રત દાન; ના'વે ૦ ।।૨।।
માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન ।
કરે ૨અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન; ના'વે ૦ ।।૩।।
સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં રે જ્ઞાન ।
નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના'વે ૦ ।।૪।। પદ ।।૨।।

સ્નેહ સાંકળે ૩પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઇ આપદાજી ।
સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી ।।૧।।
ઢાળ –મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ ૪એણીપરે ।
રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ।।૨।।
વળી વન વાટે ઘરે ઘાટે, દિયે દયાળુ દરશન દાન ।
નાથ નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।।
હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે ।
મગન રે'તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે ।।૪।।
હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।
પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।।
હાસ વિલાસ હરિની સાથે, વળી કે'વું સુણવું તે કાનને ।
તાળી વળી લેવી તેહશું, ૫ત્રોડવું હરિશું તાનને ।।૬।।
રાત દિવસ વીતે રંગે, વળી અંગે આનંદ અતિ ઘણું ।
સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ।।૭।।
વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।
એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।।
પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।
મથુરાં જાવાનું મન કીઘું, ઇચ્છા એવી ઉરમાં ધરી ।।૯।।
ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।
નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા'લો કે' વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।।