સ્નેહગીતા - કડવું ૮<br />

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી ।
અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આ દેહનોજી ।।૧।।

ઢાળ –દેહતણે દુઃખે કરીને, દલગીર ન થાયે દલમાં ।
દરદ દુઃખે દોષ હરિનો, પરઠે નહિ કોઇ પલમાં ।।૨।।
ગુણ ગ્રે'વા વળી ગોપિકાના, જેને અભાવ કોઇ આવ્યો નહિ ।
સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।।
જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો ।
વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।।
વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।
તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે ૨અસમતા ।।૫।।
કોઇ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે ।
દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટયો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।।
રાસ રચિ ખેલ મચિ, વળી ૩વિછોઈ ગયા વનમાં ।
રોઈ રોઈ ખોઈ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।।
નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।
તોયે હરિનો દોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।।
પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો ।
શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।।
લાગી લગન થઇ મગન, વળી ૧તગન કર્યાં તન સુખજી ।
નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।।