પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે ૧મોબત જડીજી ।
ચિત્તે રંગ ચટકી તે ૨ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।।
ઢાળ –ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું ।
વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઉદાસી ધન ધામશું ।।૨।।
અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું ।
શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।।
માંહોમાંહિ વળી પુછે, બાઇ કૃષ્ણજી તે ક્યાં હશે ।
કોઇ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઇક લઇ મસે ।।૪।।
વન ભવન વાટ ૩વીથિની, વળી જુવે જમુના તીર ।
અણ દિઠે અલબેલડો, કોઈ ધરી ન શકે ધીર ।।૫।।
વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય ।
પ્રાણ ગતવત થઇ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।।
એમ કરતાં આવિ અચાનક, જો દેખે દ્રગે દયાળને ।
પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।।
માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।
પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।।
અતિ ઉદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।
હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।।
પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।
નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।।૪।।