સુખમય મૂર્તિ જોઇ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સોંપીજી ।
અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજ્જા જેણે લોપીજી ।।૧।।
ઢાળ – લોપી લજ્જા જેણે લોકની, અને સ્નેહવશ થઇ સુંદરી ।
સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।।
હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની |
પ્રીત વશ થઈ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।।
ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।
સૂતાંસૂતાં જાગે ઝબકી, ઉઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।।
વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું ।
લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।।
વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી ।
મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂંછું વાલા સાથજી ।।૬।।
અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઈ પ્રીતમાં ।
સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના'વે બીજું ચિત્તમાં ।।૭।।
મરજાદા મેલી થઈ ઘેલી, ઉન્મત્ત દશા આવી અંગે ।
તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।।
આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયાક્લેશનું કરવું ।
એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।।
પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ ।
નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।।