શ્લોક ૮

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् | धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ||४-८||

શ્ર્લોકાર્થ

અને મારા ભક્ત એવા સાધુજનોના પરિત્રાણ માટે અને તેમના દ્રોહી દુષ્કર્મી અસુરોના વિનાશ માટે તથા એકાંતિક ધર્મના સમ્યક્-સ્થાપન માટે હું યુગો યુગ અવતાર લઉ છું. ।।૮।।


ભાવાર્થ

નનુ-શંકા, શું કાર્ય કરવાને માટે ભગવાન જન્મ ધારે છે ? એના સમાધાનમાં કહે છે - સાધુઓ, કે જે-મારા સાક્ષાત્ દર્શનની તીવ્ર ઇચ્છાવાળા છે અને મારા વિયોગને લીધે શરીરનું ધારણ કે પોષણ વિગેરે કરવાને માટે પણ અસમર્થ બની ગયેલા, પરન્તુ - મારા નામનું કીર્તન અને મારાં લીલા-ચરિત્રોનું સ્મરણ કરવાથી જેમ તેમ કરીને ફક્ત પ્રાણનું ધારણ કરી રહેલા એવા મદેકપરાયણ જે સાધુ જનો છે, તેમના પરિત્રાણને માટે-મારી મૂર્તિ અને મારાં લીલા-ચરિત્રોનું દર્શનાદિક આપીને તેઓના રક્ષણને માટે અને વળી-તે સાધુજનોથી પ્રતિકૂળ વર્તન કરનારા દુષ્ટ-અસુરજનોનો, તેમજ કામક્રોધાદિક દુષ્ટ સ્વભાવના પાપીજનોનો વિનાશ-સમૂળ સંહાર કરવા માટે. તેમજ-સચ્છાસ્ત્રપ્રતિપાદિત મારી ઉપાસનાપ્રધાન એવા એકાંતિક ધર્મના સ્થાપન માટે-ઉપદેશ કરીને તેમજ આચરીને પણ તેનું સમ્યક્ રીતે સ્થાપન કરવા માટે. કણાપૂર્ણ મૂર્તિ ધારીને યુગો-યુગ, અર્થાત્-સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિ, એ સર્વ યુગોમાં હું આવિર્ભાવ પામું છું. એ અભિપ્રાય છે. ।।૮।।