श्रीभगवानुवाच | बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन | तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ||४-५||
શ્ર્લોકાર્થ
શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! મારાં અને તારાં ઘણાંક જન્મ વીતી ગયાં છે, તે સઘળાં જન્મને હું જાણું છું, પણ હે પરંતપ ! તું નથી જાણતો. ।।૫।।
ભાવાર્થ
આ અર્જુનના પ્રશ્નનો ઉત્તર કરતાં ભગવાન શ્રી હરિ પોતાના પ્રાદુર્ભાવનું સ્વપ નિપણ કરી સમજાવે છે-હે અર્જુન ! મારાં ઘણાંક જન્મ વીતી ગયાં, તેમજ-તારાં પણ અનેક જન્મ વિતી ગયાં છે. હે પરંતપ ! સઘળાં તે-તારાં અને મારા જન્મ તેને હુંજ જાણું છું. પણ તું તો તે-મારાં અને તારાં જન્મને નથી જ જાણતો.
આ શ્લોકથી ભગવાને પોતાના અવતારોનું સત્યપણું કહ્યું. તેમજ-પોતાને વિષે અખંડ અનુભવાત્મક જ્ઞાન અબાધિત રહેલું છે એમ પણ કહ્યું. આ અર્થમાં પ્રમાણ વચન-''જે ભગવાન આ સઘળું વિશ્વ સ્વતઃ-અન્યસહાયનિરપેક્ષ પણેજ સદાય પ્રત્યક્ષપણે એક કાળાવચ્છિન્ન જાણે છે.'' ''જે ભગવાનનું અનુભવાત્મક જ્ઞાન કાળે કરીને, તેમજ આ વિશ્વનો લય તથા ઉત્પત્તિ આદિક થવાથી પણ તેમજ પોતાથી કે બીજાથી તેમજ-માયાના ગુણો સત્ત્વાદિકથી કે બીજા કોઇથી પણ નાશ નથી પામતું.'' ઇત્યાદિક ઘણાંક છે. ।।૫।।