શ્લોક ૪

अर्जुन उवाच | अपरं भवतो जन्म परं जन्म विवस्वतः | कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ||४-४||

શ્ર્લોકાર્થ

અર્જુન પૂછે છે-આપનો જન્મ હમણાં વર્તમાન કાળમાં છે અને વિવસ્વાનનો-સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયો હતો. તો એ હું કેમ સમજી શકું કે આપે જ પૂર્વે એ કર્મયોગ કહ્યો હતો. ।।૪।।


ભાવાર્થ

''મેં પ્રથમ સૂર્યને કહ્યો હતો.'' એમ કાળસંખ્યા જોતાં બહુજ દૂર કાળમાં વર્તતું ભગવદ્વચન અસંભવિત લાગવાથી તેમાં શંકા પામતાં અર્જુન પૂછે છે-તમારો જન્મ-પ્રાદુર્ભાવ હમણાં-બહુ દૂર નહિ એવા મારા જન્મ-સમયની સમીપસમયમાં જ થયેલો છે. અને સૂર્યનો જન્મ-કશ્યપ થકી અદિતિને વિષે ઉત્પન્ન થવું, તે તો ઘણા યુગકાળની સંખ્યા વડે બહુ દૂર કાળમાં થયેલો હતો, તો એવા અતિ ઘણા પૂર્વ સમયમાં, હાલ-સમયમાં થયેલા તમે સૂર્યને આ યોગ કહ્યો હતો એવું પ્રત્યક્ષ પ્રમાણથી વિદ્ધ તમારૂં વચન હું કેમ જાણું ? કેવા પ્રકારે મારા જાણવામાં આવે ? ।।૪।।