अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे | प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ||४-२९||
શ્ર્લોકાર્થ
કેટલાક પ્રાણને અપાનમાં હોમે છે, તથા બીજા કેટલાક અપાનને પ્રાણમાં હોમે છે, અને કેટલાક પ્રાણ-અપાનની ગતિ રોકીને પ્રાણાયામપરાયણ વર્તનારા હોય છે. ।।૨૯।।
ભાવાર્થ
તેજ પ્રમાણે બીજા વળી-અપાન વાયુમાં પ્રાણવાયુને-ઉર્ધ્વવાયુને, પૂરક નામના પ્રાણસંયમ કરવાના સાધનભૂત પ્રાણાયામથી હોમે છે, વળી તેઓ પ્રાણવાયુમાં અપાનવાયુને રેચક નામના પ્રાણાયામથી હોમે છે, એટલે કે-અપાન વાયુને બહાર ફેંકે છે. વળી પાછા તેજ યોગીઓ-ઉર્ધ્વગમન અને અધોગમન, એ પ પ્રાણ-અપાન વાયુની ગતિઓને પ્રાણનિયમન કરવાના સાધનભૂત કુંભક નામના પ્રાણાયામથી રોકીને-સ્થિર કરીને, તે પ્રાણ અને અપાન એ બન્નેને વશમાં રાખે છે.
આ બધા યોગીઓ કેવા છે ? તો કે- પૂરક, કુમ્ભક અને રેચક ક્રિયાઓ વડે પ્રાણાદિક વાયુઓનું સર્વ પ્રકારે નિયમન કરવું તેજ સર્વથી શ્રેષ્ઠ-અત્યુત્કૃષ્ટ, પ્રાપ્ય વસ્તુનું સાધનભૂત પ્રાપક - સાધન જેમને છે એવા છે. અહીંઆ '' નિયતા દ્વારા'' પ્રાપ્ય એવું પદ આગળના શ્લોકથી લાવીને તે વિશેષપણથી વિશિષ્ટ જ આ સઘળા યોગીઓ જાણવા. ।।૨૯।।