किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः | तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||४-१६||
શ્ર્લોકાર્થ
કર્મ શું ? અને અકર્મ શું ? એ બાબતમાં મોટા મોટા કવિ-જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે. તો તે કર્મ હું તને કહી સમજાવીશ, કે-જે જાણ્યા-સમજ્યા પછી કર્મના અશુભ બંધનથી તું મુક્ત થઇ જઇશ. ।।૧૬।।
ભાવાર્થ
હવે-કહેલા કર્મનું-કર્મયોગનું સ્વપ સમજાવતાં કહે છે-કર્મ-મુમુક્ષુનોએે કરવા યોગ્ય કર્મ શું છે ? અને અકર્મ-જ્ઞાન એ શું છે ?
ફળાસક્તિએ રહિત અને પરમેશ્વરની ઉપાસનાએ સહિત એવું શાસ્ત્રીય કર્મ જ અહીંઆ કર્મ શબ્દથી જાણવું અને કર્મનું આચરણ કરનારા જીવાત્માનું યથાર્થ જ્ઞાન, તથા તે કર્મથી ઉપાસના કરવા યોગ્ય પરમાત્મસ્વપનું યથાર્થ જ્ઞાન અહીંયા અકર્મ-શબ્દથી કહેવામાં આવ્યું છે. આ કર્મ-અકર્મનું સ્વપ સમજાવામાં મોટા મોટા કવિઓ - વિવેકી એવા જ્ઞાનીજનો પણ મોહ પામી ગયેલા છે, અર્થાત્-ખરી રીતે નથી જાણી શકતા. તે-જ્ઞાનમિશ્ર કર્મ હું તને કહીશ-કહું છું. કે-જેને જાણવા - સમજવાથી તું અશુભ-બંધનમાં હેતુભૂત અજ્ઞાનથી મુકત થઇ જઇશ. ।।૧૬।।