શ્લોક ૧૩

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः | तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ||४-१३||

શ્ર્લોકાર્થ

ગુણ-કર્મના વિભાગ પ્રમાણે બ્રાહ્મણાદિક ચારેય વર્ણો મેં રચ્યા છે. માટે તેનો કર્તા પણ મને જાણ ! અને કર્તા છતાં અકર્તા અવિકારી પણ મને જ જાણ ! ।।૧૩।।


ભાવાર્થ

હવે-કર્મની પોતાના આરાધન માટે જ કર્તવ્યતા છે એમ દૃઢ કરતા થકા કહે છે - મેં, ગુણ-કર્મના વિભાગથી એટલે કે-માયાના સત્ત્વાદિક ત્રણ ગુણો, તેમજ-શમદમાદિક, શૌર્યધૈર્યાદિક, કૃષિવાણિજ્યાદિક અને પરિચયર્યાદિક, જે બ્રહ્મણાદિકનાં ધર્મભૂત નિયત થયેલાં કર્મો, તે એ બન્નેના-ગુણ અને કર્મના વિભાગને અનુસરીને બ્રાહ્માદિક ચાર વર્ણના વિભાગની વ્યવસ્થાથી રહેલું આ સઘળું જગત્ સર્જ્યું છે. સર્જ્યું એમ કહેવાથી રક્ષણ સંહાર વિગેરે પણ જાણી લેવું. ગુણકર્મના વિભાગને લીધે ભિન્ન ભિન્ન પ્રકારે સર્જેલા આ વિચિત્ર જગતનો કર્તા હોવા છતાં પણ ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓનાં કર્મ પ્રમાણે સારા-નરસા ઉચ્ચ નીચ દેહાદિકનું કર્તાપણું છે, માટે-એ હેતુને લીધે જ વસ્તુતાએ અકર્તા એવોજ મને જાણ !

તમને કેવા જાણવા ? એના ઉત્તરમાં કહે છે-સત્ત્વાદિક ગુણવિભાગને અનુસારે પ્રવર્તતા કર્મવિભાગને અનુસરીને દેવ-મનુષ્યાદિક વિચિત્ર સૃષ્ટિ આદિકનું કર્તાપણું હોવાથી તેના તેના કર્તૃત્વાદિકના અભિમાનથી થતા વિકારોનો લેશ પણ નહિ હોવાથી સર્વથા નિર્વિકાર અને અવિનાશિસ્વપ એવો મને જાણ ! એમ પૂર્વાપર વાક્યનો સંબંધ જાણવો. ।।૧૩।।