શ્લોક ૧૧

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् | मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ||४-११||


શ્ર્લોકાર્થ

હે પાર્થ ! જે મનુષ્યો મને જેવા જેવા ભાવથી ભજે છે, તેઓને હું પણ તેમજ ભજું છું-ફળદાન દ્વારા અનુકૂળ થાઉ છું, અને આખરે એ સર્વ મનુષ્યો મારા માર્ગને જ અનુસરે છે-મુક્તિમાર્ગમાં આવે છે. ।।૧૧।।



ભાવાર્થ

હવે-ભક્તોએ અભિલષિત પ્રાપ્ય વસ્તુના ભેદથી પોતાની ઉપાસનાનો ફળભેદ કહી બતાવે છે-જે-જ્ઞાની, જીજ્ઞાસુ, આર્ત અને અર્થાર્થી, એ સઘળા જનો, જેમ-જે પ્રકારથી, એટલે કે - નિષ્કામ ભાવથી કે સકામ ભાવથી, મને-સર્વ કર્મના ફળને પમાડનારો અને સર્વનો નિયંતા એવો હું તે મને પામે છે-સેવે છે, તે ઉપર કહ્યા એ સર્વેને હું તે જ પ્રમાણે-મારી ઉપાસનામાં ઇચ્છિત-ઉપયોગી વસ્તુઓ આપીનેજ, ભજું છું-અનુગ્રહ કરૂં છું. પણ વિપરીત ભાવથી નથી ભજતો.

હે પૃથાપુત્ર અર્જુન ! બહુ કહેવાથી શું ? આ જગતમાં સર્વ મનુષ્યો પરમ દયાળુ એવા મારા માર્ગને, એટલે કે -સાંસારિક જીવો ઉપર પરમ દયાથી સૌંઉ સૌંઉના અધિકાર પ્રમાણે મેં જ કહેલા બીજા દેવતાઓના પૂજનપ વેદમાર્ગને અનુસરે છે, તો તેઓને પણ હું તેજ પ્રમાણે ભજું છું. અર્થાત્-તેને તેને અપેક્ષિત ફળ આપું છું. એમ જાણવું. ।।૧૧। ।