स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम | भूतभावन भूतेश देवदेव जगत्पते ||१०-१५||
શ્લોકાર્થ
હે ભૂતભાવન ! ભૂત-પ્રાણીમાત્રને વૃદ્ધિ પમાડનાર ! હે ભૂતેશ ! ભૂતમાત્રના નિયંતા, હે દેવદેવ ! હે જગત્પતે ! અને હે પુરૂષોત્તમ ! તમેજ એક તમારા સ્વરૂપને તથા મહિમા સામર્થ્યને તમારી મેળે જ સ્વયં પોતે જ જાણો છો. ।।૧૫।।
ભાવાર્થ
હવે-યથાવસ્થિત આપના સ્વરૂપને આપ પોતે જ જાણો છો. એમ કહે છે-
સર્વ પુરૂષોમાં ઉત્કૃષ્ટસ્વરૂપ એવા હે પુરૂષોત્તમ ! યથાવસ્થિત જેમ છે તેમ તમારા પોતાના સ્વરૂપને તમે પોતેજ તમારા જ જ્ઞાનથી તમેજ જાણો છો. સર્વ ભૂતનો ઉદ્ભવ કરનારા, સર્વ ભૂતના નિયમાક, સર્વ દેવોના પણ પરમ દૈવત અને સર્વ જગતના પતિ-રક્ષક, ેવા હે પ્રભો ! દેવતાઓ જેમ મનુષ્યો કરતાં સ્વરૂપ, સ્વભાવ અને ગુણોથી પણ ઉત્કૃષ્ટ છે, તેમ તે દેવોના કરતાંય સર્વ પ્રકારથી આપ અતિ ઉત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ છો. એ અર્થ છે. ।।૧૫।।