અધ્યાય ૧૨


કાર્તિક સ્વામી કહે છે- હે સાવર્ણિ મુને ! શિવજીએ વિષપાન કર્યા પછી બહુ હર્ષને પામેલા દેવો તથા દૈત્યો મંથન કરવાના સ્થાન પ્રત્યે પાછા આવીને, વળી ફરીથી એક હજાર વર્ષ પર્યંત સમુદ્ર મંથનમાં તત્પર થઇ રહ્યા. ।।૧।।

તત્પર તે સર્વેએ હજાર વર્ષપર્યંત સતત સમુદ્રમંથન કર્યું, પણ તેમાંથી જ્યારે કાંઇપણ વસ્તુ નીકળ્યું નહિ ત્યારે તે મથનારાઓ શ્વાસભરપુર મુખવાળા હોઇને અતિશય શિથિલ થઇ ગયા. ।।૨।।

મહાસર્પ વાસુકીતો પ્રાણાંત પીડાને પામી ગયો, મથવાને સમયે મંદરાચળ પણ નિયત સ્થળે સ્થિર સ્થિતિવાળો રહી શક્યો નહિ, આડો અવડો ડોલવા લાગ્યો. ।।૩।।

આ રીતે સર્વેને નિરૂત્સાહી જોઇને વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી પ્રદ્યુમ્ન ભગવાને દેવો અસુરો અને વાસુકીમાં પ્રવેશ કરીને બળ ધારણ કર્યું. ।।૪।।

વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી અનિરૂદ્ધ પણ તે જ સમયમાં નગરાજ મંદરાચળને હજાર હાથવડે ડબાવીને બીજો મહાચળ હોયને શું ? એમ તેની ઉપર સ્થિર સ્થિતિ માટે બેઠા. ।।૫।।

મંદરાચળની સ્થિર સ્થિતિ થયા પછી બહુ બળને પામેલા તથા વિસ્મયને પામેલા તે સુરગણો અને અસુરગણો આનંદ પૂર્વક વેગથી મહાસમુદ્રને મથવા મંડયા. ।।૬।।

આ રીતે દેવાદિકો તીવ્ર વેગથી મંથવા મંડયા પણ શ્રીનારાયણના પરમ પ્રતાપને લીધે તેના શ્રમને પામ્યા નહિ. મંથન કરવાને સમયે સમ-ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ, એમ સરખી રીતે આકર્ષણ (વલોણું) થવાથી તે મંથન બહુજ શોભાયમાન થયું. ।।૭।।

આ પ્રકારે દેવાસુરોએ મહાસમુદ્રનું મંથન કરવા માંડયું ત્યારે મહાવૃક્ષોના રસો તથા ઔષધિઓના રસો મંદરાચળની ચોગરદમ અધિકપણે પ્રવાહસદૃશ નીકળવા લાગ્યા. ।।૮।।

વલોવા માંડેલા આવા મહાસમુદ્ર થકી કળાઓના નિધિરૂપ ચંદ્રમા પ્રથમ પ્રકટ થયો. જે ચંદ્રમા પોતાની શીતળ કિરણોવડે સમગ્ર ઔષધિઓનો અધ્યક્ષપણે પોષણકર્તા કહ્યો છે. ।।૯।।

ઔષધિપોષક ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયા પછી, સર્વ કોઇ ગોજાતિની અધિષ્ઠાત્રી દેવી અને ઘૃતાદિ હવિર્દ્રવ્યની ઉત્પત્તિમાં હેતુ હોવાથી હવિર્ધાની અને ચંદ્રમાને સમાન ઉજ્જવળ કાંતિવાળી અને વળી પોતાના સેવકોના સમગ્ર સંકલ્પોને સંપૂર્ણ કરનારી હોવાથી કામદુઘા નામથી પ્રસિદ્ધ એવી ધેનું પ્રકટ થઇ. ।।૧૦।।

ત્યારપછી અશ્વમાત્રનો અધિદેવ, શ્વેત વર્ણવાળો ઉચ્ચૈઃશ્રવા નામનો અશ્વ ઉત્પન્ન થયો. તે પછી ચંદ્રમાસદૃશ શ્વેત કાંતિવાળો, ચાર દાંતવાળો, ગજમાત્રનો અધિપતિ ઐરાવત ગજ ઉત્પન્ન થયો. ।।૧૧।।

ત્યારપછી વૃક્ષરાજ પારિજાત નામનો દિવ્ય વૃક્ષ પ્રકટ થયો. તે પછી રક્ત કમળના જેવી કાંતિવાળો કૌસ્તુભ નામનો શ્રેષ્ઠ મણિ પ્રગટ થયો. ।।૧૨।।

ત્યારપછી રૂપ અને લાવણ્યના સ્થાનભૂત અપ્સરાઓ ઉત્પન્ન થઇ. ત્યારપછી સમગ્ર માદક વસ્તુઓની અધિષ્ઠાત્રી સુરાદેવી ઉત્પન્ન થઇ. ।।

ત્યારપછી સમસ્ત શસ્ત્રોનું અધિદૈવત શાર્ઙ્ગ નામનું ધનુષ ઉત્પન્ન થયું. તે પછી વાદ્યમાત્રનો અધિદેવ પાંચજન્ય નામનો દિવ્ય શંખ પ્રકટ થયો. ।।૧૪।।

ઉત્પન્ન થયેલાં ઉક્ત રત્નો મધ્યે ચંદ્રમા, પારિજાત, કલ્પવૃક્ષ અને અપ્સરાઓનો સમૂહ આ ત્રણ રત્નો તો ઉત્પન્ન થયાની સાથેજ સૂર્યમાર્ગ (આકાશ) ને આશરીને રહ્યાં. ।।૧૫।।

સુરાદેવી અને ઉચ્ચૈઃશ્રવા અશ્વરાજને તો દૈત્યાધિપતિઓએ તત્કાળજ ગ્રહણ કરી લીધો. ઐરાવત નામનો ગજેન્દ્ર ભગવાનની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્રે ગ્રહણ કર્યો. ।।૧૬।।

કૌસ્તુભમણિ, શાર્ઙ્ગ ધનુષ અને પાંચજન્ય શંખ, આ ત્રણ રત્નો તો વિષ્ણુ ભગવાનનેજ પામી ગયાં. આ રીતે જ્યારે સમુદ્રથકી ઉત્પન્ન થએલાં ઉક્ત વસ્તુઓ સર્વએ યથા યોગ્ય લઇ લીધાં. ત્યારે દેવાદિકે સર્વેએ મળીને હવિર્ધાની જે ધેનુ હતી તે તો તપસ્વી ઋષિઓને યોગ્ય જાણીને આપી. ।।૧૭।।

વળી ફરીથી વેગથી વલોવા માંડેલા ક્ષીરસાગરથકી જે સાક્ષાત્ સ્વયં શ્રી હતાં તેજ કન્યારૂપે પ્રાદુર્ભાવ પામ્યાં. કેવાં શ્રી ? તો કાંતિએ રહિત થઇ ગએલી ત્રિલોકીને પોતાના કૃપાકટાક્ષવડે જ અતિશય આનંદ ઉપજાવનારાં થયાં. ।।૧૮।।

પ્રાદુર્ભવેલાં લક્ષ્મીદેવીને ગ્રહણ કરવા માટે તો સુર અસુર નર વિગેરે સર્વ કોઇએ પણ ઉત્કટ ઇચ્છા કરી. પરંતુ લક્ષ્મીજીના પ્રતાપથીજ કોઇ પણ તેમની સમીપે જવા માટે પણ સમર્થ થયો નહિ. ।।૧૯।।

ત્યાર પછી ઇન્દ્ર સમુદ્રથકી પ્રકટ થયેલી કન્યાને હસ્તમાં કમળ હોવાથી "આ લક્ષ્મીદેવી જ છે" એમ નિશ્ચય કરીને પરમ આનંદને પામ્યો. તેમજ આ લક્ષ્મીદેવી જ છે, એમ એમનાં અસાધારણ લક્ષ્ણોથી જાણતા એવા ભવબ્રહ્માદિ દેવો પણ બહુ આનંદને પામ્યા. ।।૨૦।।

તે સમયમાં મૂર્તિમાન સમુદ્ર ત્યાં આવીને 'આ કન્યા મારી છે' એમ કહીને તેણીને પોતાના ખોળામાં લઇને, પછી સુવર્ણમય સિંહાસનમાં પોતે બેસાર્યાં. ।।૨૧।।

અમૃત મેળવવાની ઇચ્છાવાળા, બહુ ધૈર્યવાળા અને બહુ બળવાળા એવા પણ સર્વ સુરો અસુરોએ મળીને ફરીથી અધિકાધિક સમુદ્રમંથન કરવા માંડયું પણ તેમાંથી અભિલષિત અમૃતતો નીકળ્યું જ નહિ. ।।૨૨।।

હે મુને ! તે સમયે અભિષ્ટ અમૃત નહિ નીકળવાથી નિરાશ થયેલા માટે જ કરમાઇ ગયાં છે મુખ જેમનાં અને મનમાં બહુ ખેદ પામેલા એવા કશ્યપપુત્ર તે સુરાસુરો સમુદ્રમંથનમાં શિથિલ પ્રયત્નવાળા થયા.।।

હે બ્રહ્મન્ ! આ રીતે નિરાશ, નિરૂત્સાહી, નિષ્પ્રયત્ન તે સુરાસુરોને જોઇને કરૂણાનિધિ મહાસમર્થ ભગવાન સ્વયં હસ્તા થકા મંથન માટે તત્પર થયા. ।।૨૪।।

રત્નજડીત કટિમેખળાથી દૃઢપણે બાંધ્યો છે કચ્છ જેનો એવું જે પીતાંબર તેમાં કાંતિ જેમની છે એવા ભગવાન મધ્ય ભાગમાં રહીને બે બે હાથવડે વાસુકી નાગને બન્ને બાજુથી ગ્રહણ કરી રહ્યા. એટલે જમણા બે હાથવડે મંદરાચળને વીંટતાં બાકી રહેલા મુખભાગને અને ડાબા બે હાથવડે મંદરાચળને વીંટતાં અવશેષ રહેલા પુચ્છભાગને પકડી રહ્યા.।।

જ્યારે સ્વયં ભગવાને મંદરાચળને વીંટતાં બાકી રહેલા વાસુકીના મુખ પુછનો મધ્યભાગ પકડયો ત્યારે એક તરફ સમગ્ર દૈત્યો વાસુકીના મુખને પકડીને ઉભા રહ્યા અને એક તરફ સમગ્રદેવો વાસુકીના પુછને પકડીને ઉભા રહ્યા. ।।૨૬।।

આ રીતે દેવાસુરોના મધ્યભાગમાં રહેલા અને કરમાં ચળકતાં ચંચળ કટકાદિ આભૂષણોને ધારી રહેલા એવા ભગવાન મથતા દેવાસુરોનાં નેત્રોને આનંદ આપતા થકા લીલામાત્રથી સમુદ્રમંથન કરવા લાગ્યા. ।।૨૭।।

જ્યારે ભગવાન પોતે દેવાસુરો સાથે સમુદ્રમંથન કરવા મંડયા ત્યારે મોટા ઋષિઓની સાથે બ્રહ્મા આકાશમાં રહીને 'જય જય' આવો દીર્ઘ ધ્વનિ કરતા થકા ભગવાનની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ।।૨૮।।

આ પ્રકારે દેવાસુરો સાથે ભગવાને મથવા માંડેલા તે ક્ષીરસમુદ્ર થકી વિષ્ણુના અંશભૂત ધન્વન્તરી નામના પુરૂષ પ્રગટ થઇ આવ્યા. કેવા ? તો ગૌર અંગવાળા અને હાથમાં અમૃતકળશને ધારી રહેલા.।।

પ્રકટ થયેલા આ ધન્વન્તરી ભગવાન ઘૃતાદિ સમગ્ર રસોના સર્વોત્તમ સારભૂત તે અમૃતકળશને લઇને લક્ષ્મીજીની સમીપે આવતા રહ્યા. ।।૩૦ ।।

ઇતિ શ્રીસ્કન્દપુરાણે વિષ્ણુખંડે શ્રીવાસુદેવમાહાત્મ્યે અમૃતમંથને ચતુર્દશરત્નોત્પત્તિનામા દ્વાદશો અધ્યાયઃ ।।૧૨।।