અધ્યાય ૧

આ અધ્યાયમાં શૌનકમુનિએ સૂતપુત્ર ઉગ્રશ્રવા પ્રત્યે અને સાવર્ણિમુનિએ કાર્તિકસ્વામી પ્રત્યે આત્યંતિક શ્રેયનો સહેલામાં સહેલો ઉપાય જાણવા માટે પુછેલા પ્રશ્નનો અર્થ સવિસ્તર વર્ણવ્યો છે. (શ્લોક ૨૮)

સમસ્ત મુમુક્ષુ જીવોના નિઃશ્રેયસ માટે પ્રાદુર્ભવેલા પરમ કૃપાળુ ભગવાન શ્રીવેદવ્યાસ, જીવોના પરમ મોક્ષમાં ઉપયોગી ઉપાસના કાંડમાં રૂચિ ઉપજાવવામાં હેતુભૂત અંતઃકરણશુદ્ધિ માટે, સપ્તખંડાત્મક સ્કંદપુરાણમાં આવેલા વિષ્ણુ ખંડના પ્રથમ દ્વિતીય ભાગમાં કર્મકાંડ તથા જ્ઞાનકાંડનું ઉપપત્તિસાથે સપ્રપંચ વિવેચન કરીને, ભગવદ્બક્તિએ રહિત કેવળ પ્રવૃત્ત નિવૃત્ત કર્મ જ જેમ એમ તેવું આત્મજ્ઞાન પણ શાસ્ત્રમાં હેય કહેલું હોવાથી ઉપાસના કાંડના પરમ રહસ્યભૂત અને સમગ્ર વિષ્ણુખંડરૂપ મહાકલ્પતરૂના ફળભૂત એવું સાક્ષાત્ પરંબ્રહ્મ શ્રી વાસુદેવ ભગવાનના ચરણારવિંદનું જે ઉપાસન છે તે જ આત્યંતિક શ્રેયનું સાક્ષાત્ પરમ સાધન છે એમ નિશ્ચય કરીને તેનો ઉપદેશ વિષ્ણુખંડના ત્રીજા ભાગમાં બત્રીશ અધ્યાયાત્મક શ્રીવાસુદેવ માહાત્મ્ય ગ્રંથથી કરતાં, પૂર્વોક્ત સમગ્ર અધિકારીઓએ દુઃસાધ્ય એવું જે બ્રહ્માત્મજ્ઞાન અને તેના અંગભૂત ધર્માદિ સકળ સાધનોનું પણ સાફલ્ય શ્રીવાસુદેવ ભગવાનના ચરણારવિંદની ઉપાસનાથી જ થાય છે. એમ પ્રતિપાદન કરતા થકા આવા અર્થની જીજ્ઞાસાવાળા શૌનક સાવર્ણિ આદિકના પ્રશ્નોને ઉતારતાં, આ ગ્રંથનો પસ્તાવ કરે છે. આત્યંતિક શ્રેયનું સુખસાધ્ય સાધન શૌનક મહર્ષિ પુછે છે -



શૌનક મહર્ષિ બોલ્યા

હે સૌતે ! સુતપુરાણીના પુત્ર ઉગ્રશ્રવ ! તમોએ મુમુક્ષુ જીવોના શ્રેયની સાક્ષાત્ કે પરંપરાએ પ્રાપ્તિ માટેનાં બહુ બહુ સાધનો, જેવાં કે ધર્મ વર્ણાશ્રમસંબંધી, જ્ઞાન-જીવાત્માસંબન્ધી, વૈરાગ્ય-ભગવાન થકી બીજી વસ્તુમાત્રમાં અરુચિરૂપ અને યોગ-પરમાત્મા સંબન્ધી અષ્ટાંગયોગ આદિક અમોને વિસ્તારથી કહ્યાં ।।૧।।

હે મહાબુદ્ધે ! બહુ બહુ ઇતિહાસો કહી કહીને જેનો અર્થ અતિશય સ્પષ્ટ કર્યો છે એવાં તે સમગ્ર ધર્માદિ સાધનો, તેનાં તેનાં ફળ સાથે મેં યજ્ઞાસ્થ મુનિગણોની સાથે આદરથી સાંભળ્યાં ।।૨।।

તમોએ કહેલાં અને મેં સાંભળેલાં તે ધર્માદિ સમસ્ત સાધનો તો બુદ્ધિશક્તિ આદિકે રહિત એવા ત્રૈવર્ણિકો તથા સ્ત્રી, શૂદ્ર આદિક સર્વકોઇ મનુષ્યોએ નહિ સિદ્ધ કરાય એવાં અતિ કઠીન છે. વળી તેમાં અશુભ દેશ કાળાદિક અનંત અંતરાયો અતર્કિત આવી પડતા હોવાથી તેની સિદ્ધિ જે અભિષ્ટ ફળપ્રાપ્તિ તે પણ દુર્લભ છે. ।।૩।।

જાજળી તથા શિલોંછવૃત્તિ મુદ્ગળ આદિક બહુ મહર્ષિઓ ધર્માદિ સાધનો વડે જ ઇપ્સિત સિદ્ધિને પૂર્વે પામી ગયા છે. તો તમો તેને દુર્લભ કેમ કહો છો ? એવી શંકામાં કહે છે કે - તમારૂં તે કહેવું સત્ય (અર્ધ અંગીકારમાં) છે. બહુ લાંબો કાળ અને વળી સતત અભ્યાસ આદિક વડે તેવા મહાસમર્થોને ધર્માદિ વડે અભિલષિત સિદ્ધિ ભલે થઇ છે, પરંતુ આધુનિક જે અમો આદિક અલ્પશક્તિવાળા સર્વે જનો છીએ તેમનાથી તો તે સાધનો દુઃસાધ્ય છે. તો સર્વની ઉપર દયા લાવીને સુખસાધ્ય જે કોઇ બીજો ઉપાય હોય તે કહો ? એવા અભિપ્રાયથી ચાર શ્લોક વડે કહેછે - તમોએ કહેલાં તે સાધનો મહા ધૈર્યશાળી પુરૂષોએ મહા પ્રયાસે કરીને સાધતાં પણ બહુ દીર્ઘ કાળે કરીને માંડ માંડ સિદ્ધ થયાં છે. એક તો બહુ લાંબો કાળ જાય અને વળી પ્રયાસનો પાર જ નહિ અને વળી મહાધૈર્યશાલીથી જ સાધી શકાય છે. માટે બ્રાહ્મણાદિક ત્રૈવર્ણિકો તથા બ્રહ્મચારી આદિક ચાર આશ્રમીઓ તથા સ્ત્રિયો શૂદ્રો આદિક સર્વ કોઇએ પણ આ લોકમાં સહજ સાધ્ય એવો જે મોક્ષોપાય તે અમને દયા લાવીને કહો. નરદેહધારી જે કોઇ પણ જને કરેલા અલ્પ પણ સાધનથી વિના વિઘ્ને મોટું મનોભિષ્ટ અવિનાશી મોક્ષરૂપ મહાફળ થાય એવું મોક્ષસાધન સર્વ જીવોના હિત માટે સારી રીતે વિચાર કરીને અમારી ઉપર કૃપા કરીને કહેવાને યોગ્ય છો. તમો મહાબુદ્ધિશાળી છો. જે કોઇ સાધારણ જન પણ કરી શકે અને વળી તે સાધન પણ મોટું નહિ પણ અલ્પ જ હોય અને વળી તેમાં કોઇ અંતરાયો ન આવી શકે અને આવે તો તેનું નિવારણ થઇ જાય અને વળી ફળ પણ અલ્પ નહિ પણ બહુ મોટું થાય એવું મોક્ષસાધન કહો ? એવો પુછવાનો આશય છે. ।।૪-૭।।

હું અલ્પબુદ્ધિ છું તે મારાથી સ્વલ્પ પ્રયાસ કરવાથી પણ મહા ફળ આપે એવું બીજું મોક્ષસાધન કહેવા માટે શી રીતે સમર્થ થવાય ? એમ પણ કહી શકાય તેમ નથી. કેમ કે તમો તો મોટા મોટાઓના મહા કૃપાપાત્ર છો. પરંબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણના ભ્રાતા મહાસમર્થ બળદેવજી તથા સર્વ લોકોના ઉપકારાર્થે અવતરેલા મહાકારુણિક ભગવાન વેદવ્યાસ તથા પિતા રોમહર્ષણના ( તથા ત્રૈય્યારુણિ, કાશ્યપ, સાવર્ણિ, અકૃતવ્રણ, વૈશંપાયન, હારીત, આ છ પુરાણીઓના પણ) મહા અનુગ્રહથી તમો સમસ્ત શાસ્ત્રોના સિદ્ધાંતને સારી રીતે જાણો છો. માટે મોક્ષનો સહેલો ઉપાય જાણવા ઇચ્છતા અમોને તે કહેવાને યોગ્ય છો. ।।૮।।

આ રીતે પુછેલા સૂતપુત્ર ઉગ્રશ્રવા કહે છે - હે શૌનક ! સાવર્ણી નામના મહર્ષિએ પણ તમો પૂછો છો તેમજ શંકરનંદન કાર્તિક સ્વામી પ્રત્યે જ્ઞાનકાંડનો અર્થ સાંભળ્યા પછી વિનયથી પુછયું હતું ।।૯।।

સાવર્ણિ મુનિ પુછે છે:

હે ગુહ ! (કાર્તિક સ્વામી) ધર્મો કે જે વર્ણાશ્રમ ભેદથી અનેક પ્રકારના છે, સાંખ્યજ્ઞાન કે જે આત્માનાત્માના વિવેકરૂપ હોઇને અનેક પ્રકારનું છે, યોગ કે જે અષ્ટાંગ હોઇને બહુ પ્રકારનો છે, ઇત્યાદિ તે આ સમગ્ર સાધનો તમોએ કહેલાં મે સાંભળ્યાં છે. આદિ શબ્દથી વૈરાગ્યાદિ લેવાં ।।૧૦।।

તે ધર્માદિ સાધનો તો અમારા જેવા અલ્પ બળવાળાઓથી અત્યંત દુષ્કર છે એમ હું નિશ્ચયથી માનું છું. કિંબહુના - મારા થકી જે બીજા મોટાઓ છે તેઓએ પણ મહાકષ્ટથી સાધ્ય અને તેમાં પણ બહુ કાળસાધ્ય છે એમ હું નિશ્ચયથી માનું છું ।।૧૧।।

માટે વર્ણાશ્રમી સર્વ કોઇ જનોએ સુખેથી થઇ શકે એવું અને વળી સર્વથી શ્રેષ્ઠતમ એવું જે શ્રેયસ્કારી સાધન હોય તે મને હાલમાં કહેવાને યોગ્ય છો. સુકર કહ્યું એ ઉપરથી તે પૂર્વોક્ત ધર્માદિ સાધનની અપેક્ષાએ નિર્બળ ન હોવું જોઇએ. કિંતુ શ્રેષ્ઠતમ હોવું જોઇએ. સાધનોમાં ધર્માદિક શ્રેષ્ઠ કહેવાય છે, યોગાદિક શ્રેષ્ઠતર કહેવાય છે, તેનાં કરતાં પણ શ્રેષ્ઠતમ નિરતિશય શ્રેષ્ઠ કહો. જે સાધન કહો તે સર્વથી સુખેથી થાય એવું હોવું જોઇએ અને વળી નિઃશ્રેયસ્કારી હોવું જોઇએ અને વળી સર્વની અપેક્ષાએ શ્રેષ્ઠતમ હોવું જોઇએ એવો પુછવાનો અભિપ્રાય છે. ।।૧૨।।

સૂતપુત્ર ઉગ્રશ્રવા કહે છે - આ રીતે જીજ્ઞાસુ મુનિવર્ય સાવર્ણિએ પુછેલા કૃત્તિકાપુત્ર ગુહ હૃદયમાં વાસુદેવ ભગવાનનું ધ્યાન ધરીને બોલ્યા. ભગવાનની પ્રસન્નતા વિના આ પ્રશ્નનો ઉત્તર દુષ્કર હોવાથી ભગવાનનું હૃદયમાં ધ્યાન વિધાન જણાવ્યું છે. ।।૧૩।।

કાર્તિકસ્વામી કહે છે - હે બ્રહ્મન્ ! મેં મારા પિતા મહાદેવના મુખથકી સાંભળેલું સર્વ કોઇ જીવોએ સુખેથી કરી શકાય એવું મોક્ષસાધન હું કહીશ તેને સાવધાન મનથી સાંભળો. ।।૧૪।।

આ લોકમાં પોતાને અભિષ્ટસિદ્ધિને ઇચ્છનારા વર્ણાશ્રમી જનોને દેવતાના આરાધનને તુલ્ય બીજું કોઇ પણ સાધન નથી. ।।૧૫।।

અલ્પ પણ યત્ કિંચિત્ શુભ કર્મ જો દેવતાને ઉદેશીને કરવામાં આવ્યું હોય તો અંતરાય વિના મનુષ્યોને મહાફળને નિશ્ચે આપે છે.।૧૬।

જે દૈવ-અગ્નિહોત્રાદિ, જે પિત્ર્ય-શ્રાદ્ધાદિક, જે સ્વધર્મ વર્ણાશ્રમોચિત સદાચાર, જે કામ્ય-પુત્રેષ્ટિ આદિક, ઇત્યાદિ જે કોઇ પણ કર્મ છે તે દેવતાને ઉદેશીને કરવામાં આવ્યું હોય તો તત્કાળ ઇચ્છિત સિદ્ધિને આપનારૂં થાય છે. ।।૧૭।।

કેવળ નિત્ય નૈમિત્તિક આદિક જ અલ્પ સાધન હોવાથી બલિષ્ઠ દેવતાના આશ્રયથી ઇષ્ટ ફળને આપનારૂં છે એમ નહિ કિંતુ પૂર્વોક્ત સમગ્ર સાધનો પણ દેવતાના આશ્રયથી જ ઇષ્ટ સિદ્ધિને આપનારાં થાય છે એમ હવે કહે છે- જે સાંખ્ય, યોગ, વૈરાગ્ય આદિક દુષ્કર સાધનો પ્રથમ કહ્યાં તે પણ દેવતાના સંબંધથી સુકર તત્કાળ ઇષ્ટ સિદ્ધિને આપનારાં થાય જ ।।૧૮।।

જે હેતુ માટે દેવતાના આરાધને કરીને જ વાંછિત ફળ સિદ્ધિ થાય છે તે હેતુ માટે સર્વ મનુષ્યોએ તે દેવતાનું યથાશક્તિ પ્રીતિથી આરાધન કરવું. ।।૧૯।।

દેવતાના સંબંધથી સર્વ કર્મ ઇષ્ટ ફળને આપનારૂં થાય છે. એમ સાંભળીને જેમના મનમાં સંશય થયો છે એવા સાવર્ણીમુનિ આઠ શ્લોકથી પુછે છે - હે સ્વામી કાર્તિક ! તમોએ ખંડના પ્રથમ ભાગમાં ઊર્ધ્વલોકવાસી દેવતાઓ વસુ, રુદ્ર, આદિત્ય આદિક ભેદથી બહુ પ્રકારના મને કહ્યા છે અને તે દેવતાની આરાધનાની રીતિઓ (પ્રવૃત્ત કર્મસંજ્ઞાવાળી) બહુ પ્રકારની વર્ણન કરી છે. ।।૨૦।।

સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ જેમાં મુખ્ય છે એવાં તે દેવતારાધનનાં ફળો પણ તમોએ જુદાં જુદાં કહ્યાં પરંતુ તે ફળો તો કાળે ગળેલાં અતિતુચ્છ નાશવંત છે એમ પણ તમોએ કહ્યું છે. ।।૨૧।।

 હે ગુહ ! નિવૃત્ત ધર્મવાળા યોગી પુરૂષોને બ્રહ્માદિ દેવોના ઉપાસનથી જન તપ સત્ય આ લોકની પ્રાપ્તિરૂપ ફળ જે કહ્યું તે તો દ્વિપરાર્ધને અંતે નાશ થઇ જનારૂં છે. ।।૨૨।।

આ લોકમાં દુષ્કર એવાં પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મોને મહાકષ્ટ વડે સિદ્ધ કરીને જ્યારે નાશવંત ફળની પ્રાપ્તિ થાય તો તેવાં કર્મ કરવાનું શું પ્રયોજન ? કેવળ વૃથા પરિશ્રમ જ છે. ।।૨૩।।

જે દેવોનું શરીર, સ્થાન, બળ એ આદિકનો કાળે નાશ કરાય છે તે દેવતાઓની ઉપાસના આ કર્મભૂમિમાં મને રુચિકર થતી નથી. ।।૨૪।।

હે ગુહ ! માટે જે દેવ સ્વયં કાળ માયાદિકના ભયે રહિત હોઇને બીજા શરણાગતના ભયને હરનારા હોય અને જે સનાતન નિત્ય હોય અને જેનું ધામ નિત્ય-કાળશક્તિએ અવિચાલ્ય હોય અને જે અક્ષય ફળને આપનારા હોય તથા ભક્તોને વિષે મહાવત્સલ હોય અને જેના પ્રસાદથી સર્વજનોના સમસ્ત મનોરથો અનાયાસથી સત્વર આજન્મમાં જ સિદ્ધ થાય એવા મહાસમર્થ દેવ મને કહો ।।૨૫-૨૬।।

તથા સુખેથી કરી શકાય એવી અને નારદ સનકાદિક શિષ્ટજનોએ સ્વીકારેલી એવી તે દેવની સમગ્ર આરાધન રીતિને વિશેષપણે મને કહો, આ બે પ્રશ્નને હું તત્વથી જાણવા ઇચ્છું છું. ।।૨૭।।

 આ પ્રકારે મહર્ષિ સાવર્ણિએ પુછેલા મહા બુદ્ધિવાળા સમર્થ કાર્તિક સ્વામી બહુ પ્રસન્ન થઇને તે મુનિને માન આપતા થકા આ પ્રમાણે બોલ્યા ।।૨૮।।


ઇતિ શ્રીસ્કન્દપુરાણે વિષ્ણુખંડે શ્રીવાસુદેવમાહાત્મ્યે સાવર્ણિ પ્રશ્નો નામ પ્રથમો અધ્યાયઃ ।।૧।।