શ્રીજી મહારાજના વચનામૃતનો પરથારો

શ્રી ગોલોકના મધ્યને વિષે ભગવાનનું અક્ષરધામ છે, તે કેવું છે તો કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદરૂપ છે અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે. એવું જે એ અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જેતે સદાય વિરાજમાન છે, તે કેવા છે તો જેને પુરૂષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઇશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે, અને વળી તે ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે, સર્વજ્ઞા છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વયંપ્રકાશ છે, સ્વતંત્ર છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે અને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તે રૂપ છે લીલા જેમની એવા છે. અને પ્રકૃતિ પુરૂષ, કાળ, પ્રધાન પુરૂષ ને મહત્તત્ત્વાદિક તે જે પોતાની શક્તિયો તેના પ્રેરક છે અને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે ને સદા કિશોરમૂર્તિ છે ને કોટિ કોટિ કંદર્પ સરખા સુંદર છે અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે. અને અમૂલ્ય ને દિવ્ય એવાં જે નાના પ્રકારનાં વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે અને કાનને વિષે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે અને મસ્તકને વિષે નાના પ્રકારનાં રત્નજડિત એવો જે મુકુટ તેને ધરી રહ્યા છે અને શરદઋતુનું જે કમળ તેની પાંખડી સરખાં અણિયાળાં છે નેત્રકમળ જેનાં એવા છે. અને રૂડું એવું જે સુગંધિમાન ચંદન તેણે કરીને ચર્ચ્યાં છે અંગ જેનાં એવા છે. અને મધુરે સ્વરે કરીને વેણુને વજાડે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શનાદિક આયુધ તથા નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે અને કોટિ કોટિ સૂર્ય ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેની એવા છે અને અનંત કોટિ એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિયો તેમણે સેવ્યાં છે ચરણકમળ જેનાં એવા છે અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિયો તથા વરાહાદિ અવતાર એ સર્વેના ધરનારા છે.

એવા જે શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ ભગવાન તે જે તે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે ને પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિ ને મરિચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવનાં કલ્યાણ કરવાને અર્થે અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કોશલ દેશને વિષે પ્રગટ થતા હવા.

હવે એ ભગવાન જેવી રીતે પ્રગટ થયા છે તે સંક્ષેપે કરીને કહીએ છીએ.¬ એક સમયે મરીચ્યાદિક ઋષિ જે તે બદ્રિકાશ્રમને વિષે શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરવા સારૃં આવતા હવા, તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા શ્રીનરનારાયણનાં દર્શન કરવા આવ્યા. પછી તે ઋષિની સભાને વિષે ઉદ્ધવ સહિત બેઠા એવા જે શ્રીનરનારાયણ ઋષિ તેમનું દર્શન કરીને શ્રીનરનારાયણે માન્યા થકા ધર્મદેવ જેતે તે સભાને વિષે બેસતા હવા. અને મરીચ્યાદિક ઋષિએ શ્રીનરનારાયણ ઋષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃત્તાંતની વાર્તા, તેને શ્રીનારાયણ ઋષિના મુખારવિંદ થકી એકાગ્રચિત્ત થઇને ધર્મદેવ જે તે સાંભળતા હતા તથા તે ઋષિ ને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્રચિત્ત થઇને સાંભળતા હતા.

તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રીનારાયણ ઋષિને દર્શને આવ્યા, તેમનું કોઇથી સન્માન થયું નહિ. માટે તે દુર્વાસા ઋષિ તો એ ધર્માદિક સર્વેને શાપ દેતા હવા જે, ''મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિષે મનુષ્યપણાને પામો અને ત્યાં અસુરો થકી અપમાનને તથા કષ્ટને પામો'' એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણાક પ્રકારના વિનયે યુક્ત વચને કરીને શાંતિ પમાડયા એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા જે, તમે સર્વે શ્રીનારાયણ ઋષિની વાર્તા સાંભળવાને વિષે આસક્ત હતા માટે મુને ન દેખ્યો ને મારૃં સન્માન ન થયું એની મને ખબર નહોતી, તે સારૃં મેં તમને શાપ દીધો પણ તે મારો શાપ તો નિવારણ નહિ થાય પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરૃં છું જે, ''હે ધર્મદેવ ! તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિષે મનુષ્ય દેહ ધરશો અને ત્યાં આ નારાયણ ઋષિ તમારા પુત્ર થશે અને તમને ને આ ઋષિઓને મારા શાપ થકી મુકાવશે ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે.'' એમ કહીને દુર્વાસા ઋષિતો પાછા કૈલાસપર્વતમાં ગયા.

પછી શ્રીનારાયણ ઋષિ જે તે ધર્માદિક સર્વે પ્રત્યે બોલતા હવા જે અપરાધ વિના જે આ શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઇચ્છું તો હું સમર્થ છું તે ટળી જાય, પણ હમણાં ભરતખંડને વિષે કળિયુગના બળને પામીને અધર્મ ને અસુરો તે બહુ વૃદ્ધિને પામ્યા છે તેમના નાશને અર્થે મારી ઇચ્છાએ કરીને જ એ શાપ થયો છે તે મેં અંગીકાર કર્યો છે. માટે હે ધર્મ ! હું તમારો પુત્ર થઇને તે અસુરોનો ને અધર્મનો નાશ કરીશ ને તમારી સર્વેની રક્ષા કરીશ ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. માટે તમે કાંઇ ચિંતા રાખશો માં ને પૃથ્વીને વિષે સર્વે મનુષ્ય દેહને ધારો. એવાં વચન સાંભળીને ને શ્રીનારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જાતા હવા.

હવે ધર્મ ને મૂર્તિ જેવી રીતે પ્રગટ થયાં છે તે કહીએ છીએ જે, કોશલ દેશને વિષે ઇટાર નામે પુર છે તેમાં સરવરીયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાલશર્મા નામે હતા તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની તેને વિષે ધર્મદેવ જે તે સંવત્ ૧૭૯૬ ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસે મધ્યાહ્ન પછી પ્રગટ થતા હવા. અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાતકર્માદિક સંસ્કારને કરતા હવા અને બારમે દિવસે દેવશર્મા એવું નામ ધરતા હવા, અને તે કોશલ દેશને વિષે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણશર્મા નામે બ્રાહ્મણ તે થકી ભવાની નામે જે તેની પત્ની તેને વિષે મૂર્તિ જે તે સંવત્ ૧૭૯૮ ના કાર્તિક સુદિ ૧૫ પુનમને દિવસે સાયંકાળે પ્રગટ થતાં હવાં તે પછી દિવસે દિવસે મોટાં થયાં ને શ્રીકૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યાં માટે ભક્તિ એવા નામને પામતાં હવાં.

પછી તે ભક્તિના પિતા જે કૃષ્ણશર્મા તે જેતે પોતાની પુત્રી જે ભક્તિ તેનો ધર્મના અવતાર જે દેવશર્મા તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા અને એજે પોતાના જમાઇ તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા, પછી તે દેવશર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ તેને આશરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા. અને પોતે ધર્મને વિષે અતિ દૃઢ પણે વર્ત્યા તેને જોઇને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીનેજ બોલાવતા હવા.

પછી એ ધર્મ ભક્તિને અસુરો થકી અતિશય કષ્ટ થયું, તેના નિવારણને અર્થે તે ધર્મ ભક્તિ જે તે વૃંદાવનમાં જઇને મરીચ્યાદિક ઋષિયે યુક્ત થકાં શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતાં હવાં. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મ ભક્તિ પ્રત્યે બોલતા હવા જે હે ધર્મ ! ભક્તિ ! તમને કષ્ટના દેનારા જે અસુરો તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિષે માર્યા હતા તે મારી ઉપર એમને વૈર છે માટે તમને મારા જાણીને પીડે છે તે અસુરોના નાશને અર્થે હું જેતે નારાયણ ઋષિ રૂપે તમારા થકી પ્રકટ થઇને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઇશ ને તમારી ને ઋષિની અસુરોના કષ્ટ થકી રક્ષા કરીશ ને તમને દુર્વાસાના શાપ થકી મુકાવીશ ને અસુરોનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ' એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઇ ગયા અને ધર્મના હૃદયકમળને વિષે વિરાજમાન થયા પછી તે ધર્મ ભક્તિ જે તે અતિશય આનંદ પામીને ત્યાંથી પાછા પોતાને ગામ છપૈયા આવીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને કરતાં હવાં અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા માટે સર્વે જન જે તે તેમને હરિપ્રસાદ નામે કરીને બોલાવતા હવા.

અને પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સંવત્ ૧૮૩૭ અઢારસોને સાડત્રીસના ચૈત્ર સુદ ૯ નવમીને દિવસ રાત્રિ દશ ઘડી ગઇ ત્યારે પ્રકટ થતા હવા અને તેજોમંડળમાં પોતાનું દર્શન આપતા હવા. તે સમયમાં હરિપ્રસાદજી ના ઘરને વિષે મોટો ઉત્સવ થતો હવો અને ઇંદ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુંદુભિને વજાડતા થકા પુષ્પનો વર્ષાત કરતા હવા અને અપ્સરાઓ જેતે નૃત્ય કરતી હવી અને ગંધર્વો જે તે ગાન કરતા હવા અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા. અને દેવતાને સાધુનાં જે મન તે અતિ પ્રસન્ન થતાં હવાં અને અસુરનાં જે મન તે તત્કાળ ત્રાસ પામતાં હવાં અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હવી ને બાળરૂપ એવા જે હરિ તેને આશિષ દેતી હવી અને તે સમયને વિષે મંદ સુગંધ અને શીતળ એવા જે વાયુ તે વાતા હવા અને તારાના ગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતો હવો અને તે શ્રીહરિના જન્મથી તે છપૈયાપુર અક્ષરધામ તુલ્ય થાતું હવું. તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રનું જે જાતકર્મ તેને બ્રાહ્મણો પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણોને ઘણાક પ્રકારનાં દાન આપતા હવા.

પછી જન્મથી છઠ્ઠા દિવસને વિષે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળ રૂપ એવા જે તે ભગવાન તેને મારવા સારૃં આવ્યા તેમને તે ભગવાન જે તે પોતાની દૃષ્ટિમાત્રે કરીને બાળીને ભગાવી દેતા હવા. પછી ભગવાન ત્રણ મહિના ને અગિયાર દિવસના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેષે તે હરિપ્રસાદને ઘેર આવતા હવા. ત્યારે હરિપ્રસાદજી જે તે તે ઋષિનું અતિશય સન્માન કરીને ને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે 'તમે અમારા પુત્રનું નામકરણ કરો' પછી તે ઋષિ જે તે રાજી થઇને નામકરણ કરતા થકા બોલ્યા જે, હે હરિપ્રસાદજી ! આ તમારા પુત્ર જે તે તમારી સર્વે આપદાને હરશે તથા જે જન એના આશ્રિત થશે તેમની સર્વે આપદાને હરશે અને કર્ક રાશિને વિષે એમનો જન્મ છે માટે એમનું હરિ એવું નામ થશે. અને વળી આ જે તમારા પુત્ર તેમના દેહનો કૃષ્ણ વર્ણ છે તથા પોતાના આશ્રિત જનનાં જે મન તેમને પોતાની મૂર્તિને વિષે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે કૃષ્ણ એવે નામે વિખ્યાત થશે અને એ બે નામ નોખાં નોખાં છે તો પણ એ બે ભેળાં મળીને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર જે તે ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે માટે નીલકંઠ એવે નામે કરીને લોકને વિષે પ્રસિદ્ધ થશે. અને આ જે તમારા પુત્ર તેના હાથને વિષે પદ્મનું ચિહ્ન છે. તથા પગને વિષે વજ્ર ઊર્ધ્વરેખા અને કમળ તેનાં ચિહ્ન છે તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધી મનુષ્યના નિયંતા થશે. અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે. ને તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે.' એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જેતે ઘણિક દક્ષિણા ને ભારે ભારે નવાં વસ્ત્ર ને આભૂષણ તે આપતા હવા પછી તે ઋષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારૃં ચાલી નીસરતા હવા. અને તે પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતાં હવાં. પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળલીલાએ કરીને પોતાનાં માતાપિતાને ને સંબંધી જનોને બહુ આનંદ ઉપજાવતા થકા બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા. અને તે પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમે મહિને પ્રથમ પૃથ્વી પર બેસારતા હવા. અને છઠ્ઠા મહિનાને વિષે પ્રથમ અન્ન જમવા શીખવતા હવા. અને સાતમે મહિને કાનને વિંધાવતા હવા. અને ત્રીજું વર્ષ બેઠું ત્યારે ચૌલ સંસ્કાર જે ગર્ભના કેશ ઉતરાવવા તે કરાવતા હવા, અને એજ દિવસે માયાવી એવો જે કાળીદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો. તેને ભગવાને પોતાની દૃષ્ટિમાત્રે કરીને મોહ પમાડયો તે વૃક્ષને વિષે અથડાઇ અથડાઇને મરી જતો હવો.

અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરોના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા. અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિષે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા. અને આઠમા વર્ષને વિષે ભારે ભારે સામગ્રીઓને ભેળી કરીને પોતાના પુત્રને યજ્ઞાોપવીત દેતા હવા. અને તે શ્રીહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞાોપવીતને પામીને નૈષ્ઠિકબ્રહ્મચારીના ધર્મને વિષે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા. અને પોતાના પિતા પાસે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વેનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા. અને તે સર્વમાંથી પોતે ચાર સાર કાઢતા હવા. તેમાં શ્રીમદ્બાગવત પુરાણ થકી તો 'પંચમ સ્કંધ' ને 'દશમ સ્કંધ' એ સાર કાઢયો તથા સ્કંદપુરાણ થકી 'વાસુદેવ માહાત્મ્ય' એ સાર કાઢયો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી 'ભગવગ્દીતા, વિદુરનીતિ ને વિષ્ણુસહસ્રનામ' એ સાર કાઢયો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી 'યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ' એ સાર કાઢયો એવી રીતે એ ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્ય રાખતા હવા પછી તે શ્રીહરિ જે તે જન્મ થકી અગિયાર વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્ય ગતિને આપતા હવા. ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા. અને તે પછી કેટલાક માસ ગયા કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્ય ગતિને પમાડતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા.

અને એવી રીતે ભક્તિ-ધર્મ જે તે દિવ્યગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિને પાસે રહેતાં હવાં. તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાના જે સંબંધી તેને પુછયા વિનાજ નિત્ય સ્નાનને મિષે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલાજ ઉત્તર દિશાને વિષે તપ કરવા સારૃં ચાલી નિસરતા હવા. તે પોતે કેવા છે તો બહિર્વાસે સહિત જે કૌપીન તેને ધારી રહ્યા છે ને મૃગચર્મ ધાર્યું છે ને પલાશનો દંડ ધાર્યો છે ને શ્વેત એવું જે યજ્ઞાોપવીત તે ધાર્યું છે ને કંઠને વિષે તુલસીની બેવડી માળા ધારી છે ને ચાંદલે સહિત જે ઊર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે ને ક્ડને વિષે મુંજની મેખળા ધારી છે ને હાથને વિષે જપમાળા, કમંડળુ, ભીક્ષાપાત્ર ને જળગરણું એટલાં વાનાંને ધારી રહ્યા છે ને શાલગ્રામ ને બાળમુકુંદનો જે બટવો તેને ગળાને વિષે ધારી રહ્યા છે. ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિષે ધારી રહ્યા છે, એવા વેષને ધરતા થકા શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે સરયૂ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા. તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતની તળાટીમાં જે એક મહા મોટું વન આવ્યું તેને પામતા હવા, પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતને પામ્યા ને તે પર્વતને વિષે ચાલતા થકા કેટલેક દિવસે કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્રતપ કર્યું ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હવા. અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા તે હિમાલય પર્વતની તળેટીમાં એક મહાઘોર વન આવ્યું તેને વિષે બાર માસ સુધી વિચરતા હવા. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે તે વનને વિષે વડના વૃક્ષતળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળયોગી તેને દેખતા હવા ને તે યોગી પાસે રહીને અષ્ટાંગયોગને શીખતા થકા એક વર્ષ સુધી રહ્યા ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધગતિને પમાડતા હવા. અને પછી ત્યાંથી ઉત્તર મુખે ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિવરાહ નામે જે તીર્થ તેને પામ્યા. અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિષે સીરપુર નામે જે શહેર તેને પામતા હવા. અને તે શહેરનો રાજા સિદ્ધવલ્લભ નામે મહા ધાર્મિક હતો. તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ચોમાસાના ચાર મહિના સુધી ત્યાં રહેતા હવા અને તે શહેરને વિષે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેમને એવા જે અસુરો તેમના મદને હરતા હવા. અને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાના સામર્થ્યે કરીને રક્ષા કરતા હવા. અને વળી તે શહેરને વિષે વેદ, શાસ્ત્ર પુરાણનો ભણેલો એવો તૈલંગદેશનો કોઇ બ્રાહ્મણ હતો તેણે તે રાજા થકી હસ્તિ આદિકનું મહાદાન લીધું તેણે કરીને તે બ્રાહ્મણ ગૌરવર્ણ હતો. પણ શ્યામવર્ણ થઇ ગયો પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાન્તિને અર્થે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો. તેને પોતાના સામર્થ્યે કરીને તે પાપ થકી મુકાવ્યો ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણ થતો હવો. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઇક ગામ હતું તેને પામ્યા ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો તે પોતાના ગામમાં જે કોઇ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો તે બ્રાહ્મણ આવીને શ્રીહરિની ઉપર પોતાનું જંત્ર મંત્ર અભિચાર સંબંધી જે ઘણુંક સામર્થ્ય તેને કરતો હવો પણ તેણે કરીને પોતે કાંઇ પરાભવ પામ્યા નહિ ને પોતાને સામર્થ્યે કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વત ને પામ્યા. જે પર્વતને વિષે નવલાખ સિદ્ધનાં સ્થાનક છે ને નવલાખ ઠેકાણે અગ્નિની જ્વાળા નિસરે છે તથા પાણીના કુંડ છે તે પર્વતને વિષે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઉતર્યા તે બાળવાકુંડ નામે જે તીર્થ તેને પામતા હવા અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે ગંગાસાગરના સંગમને પામીને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઉતર્યા ને કપિલાશ્રમને પામતા હવા. ને ત્યાં નિત્યે કપિલજીનાં દર્શન કરતા થકા એક માસ સુધી રહ્યા. અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા. ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હવા. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા તે આદિકૂર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા ને પછી ત્યાંથી મહાવનને વિષે ચાલતા થકા માનસપુરને પામ્યા અને તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો ને તે રાજાદ્વારા અસુરોનો પરાભવ કરાવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રિને પામ્યા ને ત્યાંથી શિવકાંચી ને વિષ્ણુકાંચીને પામ્યા. ને ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં જઇને બે માસ સુધી રહેતા હવા ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિષે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને સમુદ્રને વિષે સ્નાન કરીને નિત્યે રામેશ્વર મહાદેવનાં દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેમાં પાંચ દિવસ સુધી ચાલ્યા પણ કાંઇ અન્નજળને ન પામ્યા પછી છઠ્ઠે દિવસે મધ્યાહ્ન સમે વનમાં એક કૂપ આવ્યો તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્ય વિધિ કરતા થકા શાલગ્રામની સેવા કરવા લાગ્યા ત્યારે તે શાલગ્રામને પાત્રમાં મુકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડયું. તે જેટલું પાણી રેડયું તેટલું શાલગ્રામ પી ગયા તે એમ કરતાં કરતાં પાંચ સાત કમંડળુ રેડયાં તેને પી ગયા પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલગ્રામને ચંદનાદિકે કરીને પૂજતા હવા અને એમ વિચાર કરવા લાગ્યા જે શાલગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ હશે ખરી પણ આપણી પાસે કાંઇ નૈવેદ્ય ધર્યાનું નથી માટે વિષ્ણુને શું જમાડીએ ? એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેષે ત્યાં આવીને પ્રથમથી જ ઉભાં હતાં તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલગ્રામની પૂજા કરતા જોઇને તેમને સાથવો ને મીઠું આપતાં હવાં પછી તે સાથવાને જળમાં ચોળીને ને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા ને ત્યાં રહી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા ને ત્યાંથી પદ્મનાભ ગયા ને ત્યાંથી જનાર્દન ગયા ને ત્યાં આદિકેશવ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને ત્યાંથી મલયાચલ નામે જે કુલગિરિ તેને પામતા હવા અને ત્યાં સાક્ષિગોપાલ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા પાંચ દિવસ રહેતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા બે માસ સુધી રહેતા હવા. પછી તે વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને મહી નદીને પામ્યા ને મહીનદીને ઉતરીને તથા સાબરમતી નદીને ઉતરીને ભાલદેશને ઉલ્લંઘીને ભીમનાથ આવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીનાં દર્શન કરીને પંચતીર્થી કરતા કરતા માંગરોલ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રીહરિકૃષ્ણ ભગવાન તે જે તે જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિષે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા. અને તે તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાનાં દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિક ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા.

અને પછી ત્યાંથી ચાલ્યા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવત્ ૧૮૫૬ અઢારસો ને છપ્પનના શ્રાવણવદી છઠ્ઠને દિવસે લોજપુરમાં આવતા હવા અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રીરામાનંદ સ્વામી તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા અને તેમને સાધુલક્ષણે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા. અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિષે વિરાજમાન એવા જે શ્રી રામાનંદ સ્વામી તેમનાં દર્શન સંવત્ ૧૮૫૬ ના જ્યેષ્ઠ વદિ ૧૨ દ્વાદશીને દિવસે કરતા હવા. તે સ્વામી કેવા છે તો ગૌર ને પુષ્ટ છે મૂર્તિ જેની એવા છે ને શ્વેત વસ્ત્ર પેર્યાં છે ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધરી રહ્યા છે એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા. પછી તે સ્વામી જેતે તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જોઇને બહુ આનંદ પામતા હવા ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પુછતા હવા પછી તે શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતા, પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાનાપ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગયોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો એ આદિક જે સર્વ પોતાનું વૃત્તાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા ને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે 'હે બ્રહ્મચારી ! તમે તો અમારા છો કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુ જનને ધર્મે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોશલ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો.' એવી રીતનાં જે સ્વામીનાં વચન તેને સાંભળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી જેતે અતિશે પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત્ ૧૮૫૭ ના કાર્તિક સુદિ એકાદશીને દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા ત્યારે તે સ્વામીએ 'સહજાનંદ' એવું પોતાનું નામ ધર્યું તથા બીજું નામ 'નારાયણમુનિ' એવું નામ ધર્યું પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુ ગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણમુનિ તેને જોઇને અને પોતાની જે ધર્મધૂરા તે નારાયણમુનિને સોંપીને પોતે સંવત્ ૧૮૫૮ ના માગસર સુદિ તેરસને દિવસે દેહ ત્યાગ કરીને પાછા બદ્રિકાશ્રમને વિષે જતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.

પછી શ્રીસહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહક્રિયા તેને યથાવિધિ કરીને તે ધર્મધૂરાને ઉપાડી લેતા હવા અને શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ બ્રહ્મચારી ને ગૃહસ્થ હતા તેમની સચ્છાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમના ચિત્તને તાણી લેતા હવા તે વાર પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાના શિષ્ય જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વીંટાણા થકા સોરઠ, હાલાર, કચ્છ, ઝાલાવાડ, કાઠીયાવાડ, દંઢાવ્ય, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેમને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા ને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા ને અધર્મનો ઉચ્છેદ કરતા થકા ને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેમનો પરાભવ કરતા થકા વિચરતા હવા.

અને શ્રીજીમહારાજ જે તે જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન તે શ્રીજીમહારાજનાં અલૌકિક ઐશ્વર્યને જોઇને ઘણાક આશ્રિત થતા હવા ને શ્રીજીમહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. પછી શ્રીજીમહારાજ જે તે તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે પોતાનું જે નાનાપ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે લક્ષ્મી, રાધિકા અને શ્રીદામાદિ પાર્ષદે સહિત શ્રીકૃષ્ણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો વૈકુંઠ લોકને વિષે લક્ષ્મીને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો શ્વેતદ્વીપને વિષે નિરન્નમુક્તે સહિત મહાપુરૂષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મી આદિક શક્તિઓ ને પાર્ષદે સહિત ભૂમાપુરૂષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બદ્રિકાશ્રમને વિષે મુનિએ સહિત નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિષે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો સૂર્યના મંડળને વિષે હિરણ્યમય પુરૂષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અગ્નિ મંડળને વિષે યજ્ઞાપુરૂષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો પ્રણવના જે નાદ તેને તત્કાળ સંભળાવતા હવા. અને કેટલાકને તો કોટિ કોટિ સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા. અને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દૃષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બ્રહ્માંડના આધાર અને પુરૂષસૂક્તને વિષે કહ્યા એવા જે વિરાટ પુરૂષતે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ભૂગોળ ને ખગોળને વિષે રહ્યાં જે દેવતાનાં સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હવા. ને કેટલાકને તો આધારિક જે છ ચક્ર તેને વિષે રહ્યા એવા જે ગણેશ આદિ દેવતા તેમને પૃથક્ પૃથક્ દેખાડતા હવા. અને ક્યારેક તો સો એ સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્તજન તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા. અને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્તજન તેમણે પોતાના ઘરને વિષે શ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતે પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા. અને ક્યારેક તો દેહને ત્યાગ કરતા એવા જે પોતાના ભક્ત તેમને પોતાના ધામ પ્રત્યે લઇ જવાને ઇચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભક્ત અથવા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા. એવી રીત્યે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહિ એવા જે જન તેમને પોતાનાં અલૌકિક ઐશ્વર્યને દેખાડતા એવા જે શ્રીસહજાનંદજી મહારાજ તેમને જોઇને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્ય તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને ને શ્રીજીમહારાજનો અનન્ય આશ્રય કરીને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. પછી ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા પણ વાદે કરીને શ્રીજીમહારાજને જીતવાને કાજે કોઇ સમર્થ ન થયા. પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપને દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે 'હે મહારાજ ! તમે તો પરમેશ્વર છો માટે અમારા જે જે ઇષ્ટદેવ છે તેનાં દર્શન અમને કૃપા કરીને કરાવો' એવી રીતે જે તેમનું પ્રાર્થના વચન તેને સાંભળીને તે સર્વેને બેસારીને ને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રીજીમહારાજનાં દર્શન માત્રે કરીને ખેંચાઇ ગયાં છે નાડીપ્રાણ જેમનાં એવા થકા પોત પોતાના હૃદયને વિષે પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા, તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા જે વૈષ્ણવ હતા તથા નિમ્બાર્ક સંપ્રદાયના હતા તથા માધવી સંપ્રદાયના હતા એ ત્રણ તો ગોપીના ગણે વીંટાણા ને વૃન્દાવનને વિષે રહ્યા ને બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. અને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ, વિષ્વક્સેન ને ગરૂડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણ રૂપે દેખતા હવા. અને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિ-રૂપે દેખતા હવા. અને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રમથ ગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિષે રહ્યા જે હિરણ્યમય પુરૂષ તે રૂપે દેખતા હવા. અને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિરૂપે દેખતા હવા. અને જે દેવીના ઉપાસક હતા તે તો દેવીરૂપે દેખતા હવા. અને જે જૈન હતા તે તો તીર્થંકરરૂપે દેખતા હવા. અને જે યવન હતા તે તો પેગંબરરૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજી-મહારાજને જોઇને ને સર્વના કારણ જાણીને ને પોત પોતાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો દૃઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાને પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિષે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડા પ્રકારે સ્થાપન કરતા હવા.

અને વળી ધનાઢય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાંક અન્નસત્ર કરાવતા હવા તથા હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ, મહારૂદ્ર ને અતિરૂદ્રાદિક યજ્ઞા તેને કરાવતા હવા. અને તે યજ્ઞાને વિષે હજારો બ્રાહ્મણોને મિષ્ટ અન્ને કરીને તૃપ્ત કરાવતા હવા. અને તે બ્રાહ્મણને બહુ પ્રકારનાં દાન અપાવતા હવા. અને સાધુ બ્રાહ્મણ ને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરાવતા હવા. તથા અધર્મ ને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા. અને વળી દેશદેશમાં મોટાં મોટાં મંદિર કરાવીને તેમને વિષે નરનારાયણ ને લક્ષ્મીનારાયણ ને ભક્તિધર્મ હરિકૃષ્ણ ને રાધાકૃષ્ણાદિક મૂર્તિયોનું સ્થાપન કરતા હવા. અને તે મૂર્તિયો દ્વારે અનંત ભક્તજનને ચમત્કાર દેખાડતા હવા. અને શ્રીજીમહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાના માહાત્મ્યે સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેમને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા. એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજીમહારાજ તે જેતે શ્રીગઢડા નગરને વિષે પોતાના ભક્ત એવા જે અભય નામે રાજા ને તેમની પુત્રીયો ને તેમનો પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઇને એમને ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા. અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, હુતાશની અને અન્નકુટ એ આદિક જે ઉત્સવના દિવસ તેને વિષે ભારે ભારે સામગ્રીયો મંગાવીને મોટા ઉત્સવ કરાવતા હવા. અને તે ઉત્સવને વિષે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશદેશના જે હરિભક્ત સત્સંગી તે શ્રીજીમહારાજનાં દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા. અને નાના પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ એ આદિક જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજીમહારાજને પૂજતા હવા. અને તે ઉત્સવને વિષે શ્રીજીમહારાજ જે તે નાના પ્રકારની ભોજન સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણોને ઘણિક પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા.

એવા જે શ્રીસહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિનાં જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ. શ્રીજીમહારાજનાં બે ચરણાર્િંવદના તળામાં ઉર્ધ્વરેખા છે તે કેવી છે તો અંગૂઠાની પાસેની જે આંગળીઓ તેની બેય કોરા નીકળી છે ને પાનીને બેય કોરા નીકળી છે અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે. અને તે જમણા પગના તળામાં ઉર્ધ્વરેખાની બેય કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જંબૂફળ એમનાં ચિહ્ન છે. અને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઉભી રાતી રેખાનું ચિહ્ન છે. ને એજ અંગૂઠાને બાહેરલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે. અને જમણા પગની છેલ્લી આંગળીના બાહેરના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવાં બે ચિહ્ન પાસે પાસે છે. અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું ચિહ્ન છે. અને ડાબા પગના તળામાં ઉર્ધ્વરેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમનાં ચિહ્ન છે. અને બે પગનાં તળાં રક્ત છે ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણાં ઝીણાં ને કોમળ એવાં રોમનાં ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાનાં ચિહ્ન છે. અને બે પગની જે બાહેરની ઘુંટીઓ તેની હેઠે આસનના ઘસારાનાં ચિહ્ન છે. અને જમણા પગની ઘુંટીથી પાંચ તસુ ઉંચો નળીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે અને ડાબા પગની ઘુંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીંચણને બાહેરલે પડખે એક ચિહ્ન છે. અને કટિભાગને વિષે બે કોરે ધોતિયું પહેર્યાનાં ઘસારાનાં શ્યામ ચિહ્ન છે. અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવડી પડે છે અને ઊંડી ને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે તેમાં જમણી કોરે તો નાભિના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તે નાભિથી જરાક છેટે છે. અને જમણી કુખમાં એક મોટો તિલ છે. ને તેની પાસે બીજો નાનો તિલ છે. અને નાભિથી ઉપર બે તસુને છેટે ત્રણ તિલ છે તેમાં બે નળીની ઉપર એક એક છે. અને એક વચ્ચે છે અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે અને ડાબે પડખે કુખથી ઉંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઉભી હાર છે ને તેની પાસે બાહેરલી કોરે એક બીજી નાના ચાર તિલની ઉભી હાર છે. અને તેજ બગલ નીચે ત્રણ તિલની એક ઉભી હાર છે. અને હૃદયને વિષે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે. અને છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે પાંચ તસુ પહોળું અને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે તે જમણી કોરે કાંઇક વિશેષ ચઢતું છે. અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે. અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે. અને બે સ્તનથી ઉપર બે છાપનાં ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે માંહેલી કોરે ઉભી ઓળ્યે ચાર તિલ છે. અને જમણી ભુજામાં મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. ને તે છાપના ચિહ્નને પડખે બાહેરલી કોરે નાના ચાર તિલ છે. અને જમણી કૂણીથી હેઠા ને કાંડાથી ઉંચા બે તિલ છે. અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે. અને ડાબી ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. અને ડાબી કૂણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે. અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માંહેલી કોરે એક નાનો તિલ છે. અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે. અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે, ને તે નખના જે અગ્ર ભાગ તે અતિ તીક્ષ્ણ છે અને બે હાથનાં જે તળાં તે રક્ત છે ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઉંચાં બે છાપનાં ચિહ્ન છે. અને બે કૂણીઓ શ્યામ છે અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે અને દાઢીથી હેઠો એક તિલ છે. અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાંસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે. ને એ તિલથી હેઠો એક તિલ છે, ને વળી તેથી હેઠો બીજો તિલ છે. અને કરોડની ડાબી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે. અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે, ને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ઉંચો ને આંખના ખુણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે. અને નાસિકાને ઉપર શીળીનાં ચાઠાનાં ઝીણાં ઝીણાં ચિહ્ન છે. અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાંપણ્યો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢય તેમાં શ્યામ ચિહ્ન છે અને જિહ્વા તે કમળના પત્ર સરખી રક્ત છે અને તે જીભની ઉપર શ્યામ ચિહ્ન છે. અને ડાબા કાનને માંહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળ ને ઉપડતું એવું જે લલાટ તેને વિષે તિલકને આકારે ઉભી બે રેખા છે અને વળી લલાટને વિષે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે. અને જમણા કાનની બૂટી ઉપર એક નાનો તિલ છે. અને તાળવાની ઉપર એક મોટો તિલ છે. અને શિખાથી આગળ સમીપે એક તિલ છે. અને શિખાથી પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે. અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે. અને શ્રીજીમહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેણે યુક્ત છે. અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શોભાયમાન છે અને તે મૂર્તિનાં દર્શનને કરનારા જે ભક્તજન તેમના મનને ને નેત્રને હરિલે એવી તે મૂર્તિ છે. અને તે મૂર્તિ ઘનશ્યામ છે ને શાંત સ્વભાવે યુક્ત છે અને દુર્ગપત્તનને વિષે શ્રીગોપીનાથની મૂર્તિ જેટલી ઉંચી છે તેટલી જ શ્રીજીમહારાજની મૂર્તિ ઉંચી છે અને શ્રીજીમહારાજની મૂર્તિનાં જે કર, ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવાં કહ્યાં છે તેવાં છે. એવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિનાં જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યાં છે.

હવે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ શ્રીજીમહારાજનો નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રિ રહે ત્યારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે. અને તે પછી સ્નાન કરીને ધોયેલું જે કોરૃં સૂક્ષ્મ વસ્ત્ર તેણે કરીને શરીરને લુઇને પછી ઉભા થઇને પહેરવાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેને બે હાથે કરીને નીચોવીને પછી સાથળને ને પગને લુઇને પછી ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણીને પહેરે છે અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે રૂચિ જેને એવા જે શ્રીજીમહારાજ તે પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને ને ચાખડી ઉપર ચઢીને પોતાનો નિત્ય વિધિ કરીને જમવા પધારે છે. અને પવિત્ર એવું જે જમવા બેસવાનું સ્થાનક ત્યાં જઇને આસન ઉપર બેસે છે અને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે અને જમવા બેસે ત્યારે ઉગમણું અથવા ઉત્તરાદું મુખ રાખીને ને ડાબા પગની પલાંઠી વાળીને ને જમણો પગ ઉભો રાખીને તે ઉપર જમણા હાથની કુંણી રાખીને જમે છે અને જમતાં જમતાં વારં વાર પાણી પીવાનો સ્વભાવ છે અને જમતાં જમતાં પોતાને જે જમ્યાની જણસ સારી સ્વાદુ જણાય તે બીજો કોઇક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મન ગમતા હોય તેને અપાવે છે અને જમતા થકા ઓડકાર ખાઇને પેટ ઉપરહાથ ફેરવવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો કોઇક ભક્તજનની ઉપર પ્રસન્ન થયા થકા પોતાની પ્રસાદીનો થાળ તેને આપે છે અથવા અપાવે છે અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખભે ખેસને નાખીને ને તે ખેસના છેડાને કેડ સંગાથે તાણી બાંધીને પીરસે છે. અને પીરસે ત્યારે લાડુ, જલેબી આદિક જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે અને સાધુ હરિભક્તોને જમાડવામાં તથા પીરસવામાં પોતાને શ્રદ્ધા, આદર ને પ્રસન્નતા તે ઘણી છે. અને શ્રીજીમહારાજ ક્યારેક તો વર્ષાઋતુ તથા શરદઋતુને વિષે દુર્ગપત્તનને સમીપે ઘેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત નાવા પધારે છે. અને તે નદીના જળને વખાણતા થકા પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા તે ભક્તજન ભેળા બહુ પ્રકારે જળક્રીડા કરે છે. અને જળમાં ડુબકી મારે છે ત્યારે પોતાના કાન, નેત્ર ને નાક તેને બે હાથના અંગૂઠા ને આંગળીએ કરીને દબાવે છે. તથા ડુબકી મારીને ઝાઝી વાર પછી નીકળે છે, ત્યારે પોતાના મુખારવિંદ ઉપર જમણા હાથને ફેરવીને કોગળા કરવાનો સ્વભાવ છે અને ક્યારેક તો નદીના પ્રવાહને મધ્યે ઉભા રહ્યા થકા સાધુની પાસે તાળી વજડાવીને કીર્તન ગવરાવે છે ને પોતે પણ તે ભેળા તાળી વજાડતા થકા ઉત્સાહે સહિત કીર્તન ગાય છે. અને જળમાં સ્નાન કરવા પેસે છે તથા સ્નાન કરીને નીસરે છે ત્યારે પોતાને પ્રિય એવો કોઇક ભક્તજન બળવાન હોય તેના હાથને પોતાને હાથે કરીને ઝાલે છે અને પોતાને દર્શને કરીને હર્ષે યુક્ત છે મુખ જેનાં એવા જે પોતાના ભક્તજન તેમણે સહિત નદીના જળથી બાહેર નીસરીને નદીના કાંઠાને વિષે ઉભા રહ્યા થકા પ્રથમની પેઠે પહેરેલા વસ્ત્રને નીચોવીને ને શરીર લૂઇને ધોળો ખેસ સારી પેઠે તાણીને પહેરે છે અને પછી ધોળો ફેંટો માથે બાંધે છે અને માથે ફેંટો બાંધે છે ત્યારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે તથા ફેંટાના એક આંટાનો પેચ ભ્રકુટિની પાંપણ ઉપર લાવીને બાંધે છે. અને તે પછી ધોળા ખેસને ડાબે ખભે નાખીને ને તે ખેસના છેડાને કેડય સંઘાથે તાણી બાંધીને પછી સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થઇને હજારો જે પોતાના ભક્તજન તેમણે ચારેકોરે વીંટાણા થકા ને પોતાના દર્શનને કરતા જે ભક્તજન તેમના નેત્રને આનંદ ઉપજાવતા થકા પોતાને ઉતારે પધારે છે અને શ્રીજીમહારાજ પોતે ચાલે છે ત્યારે ધોળી પછેડીને અથવા ધોળા ખેસને ડાબા ખભા ઉપર આડસોડે નાખીને જમણા હાથને હલાવતા થકા ચાલે છે. અને ક્યારેક તો રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે. અને ક્યારેક તો ડાબા હાથને કેડય ઉપર મુકીને ને જમણા હાથમાં રૂમાલને લઇને તે જમણા હાથને હલાવતા હલાવતા ચાલે છે અને શ્રીજીમહારાજને સહેજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે અને પોતે ચાલે છે ત્યારે પોતાની કેડે ચાલતા જે ભક્તજન તે દોડે ત્યારે માંડ માંડ ભેળે ચાલી શકે એવી રીતે ઉતાવળા ચાલે છે. અને જ્યારે પોતે ચાખડી પહેરીને ચાલે છે ત્યારે ચાખડીના ચટચટ શબ્દ થાય છે અને ક્યારેક તો પોતે કાંઇક કાર્ય કરવાને તત્પર થયા થકા ઉભા હોય તથા ધીરે ધીરે ચાલતા હોય ત્યારે પોતાના જમણા હાથની મુઠી વાળીને પોતાના જમણા સાથળમાં ધીરે ધીરે મારવાનો સ્વભાવ છે અને ક્યારેક તો ઘણાક માણસની ભીડ થાય છે ને રજ ઉડે છે ત્યારે પોતાની નાસિકા ને મુખારવિંદ તેને આડો રૂમાલ દે છે અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર બેસે છે ને ક્યારેક તો ઓછાડે સહિત ગોદડું પાથર્યું હોય તે ઉપર બેસે છે ને કયારેક તો ગાદી ઉપર બેસે છે. ને ક્યારેક તો ચાકળા ઉપર બેસે છે. ને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડયો હોય તે ઉપર બેસે છે અને બેસે ત્યારે ક્યારેક તો પલાંઠી વાળીને બેસે છે. ને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસે છે અને જ્યારે જ્યારે બેસે ત્યારે ઘણું કરીને તકિયાનું ઉઠીંગણ કરીને બેસે છે અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઉઠીંગણ કરીને ને પોતાના પગને લાંબા કરીને બે પગ ઉપર પગને મુકીને બેસવાનો સ્વભાવ છે અને ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની ઉર્ધ્વરેખા ઉપર પોતાના જમણા હાથની આંગળીને ઉભી ફેરવે છે અને ક્યારેક તો પોતાની જીહ્વાને એક કોરના દાંત તળે દબાવીને બેસવું એવો સહજ સ્વભાવ છે અને ક્યારેક તો પોતે બેઠા થકા પોતાની ડોકને બે પાસે મરોડીને કડાકા વગાડે છે અને ક્યારેક તો પોતાના ભક્તજનની પાસે પોતાના વાંસાને દબાવરાવે છે ત્યારે છાતીની તળે તકિયો રાખીને દબાવરાવે છે અને શ્રીજીમહારાજ જ્યાં જ્યાં સહેજે બેઠા હોય ત્યાં તુલસીની માળાને ફેરવે છે અને ક્યારેક તો રમતની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથનાં તળાં વચ્ચે રાખીને ઘસે છે અને ક્યારેક તો માળા ન હોય ત્યારે પોતાના હાથની આંગળીના પર્વને ગણે છે અને ક્યારેક તો નેત્ર કમળને મીંચીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો નેત્રકમળને ઉઘાડાં રાખીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજીંત્ર વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે અને ક્યારેક તો ચપટી વગાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેમને સમીપે જાય છે અને કથા વંચાવતા હોય ત્યારે વારંવાર 'હરે' એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિષે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક 'હરે' એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે ને તેની સ્મૃતિ થાય છે ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઇને મંદ મંદ હસે છે અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા કરાવતા હોય અથવા કીર્તન ગવરાવતા હોય અથવા કાંઇક વિચારમાં બેઠા હોય ને તે વચ્ચમાં કોઇક જમવાનું પુછવા આવે અથવા કોઇક પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઇ જાય છે અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તે સંબંધી જે જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે. અને ક્યારેક તો સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદાંત ઇત્યાદિક જે શાસ્ત્ર, તેના રહસ્યની વાર્તા કરે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા તે ભક્તજનની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરે છે ત્યારે પ્રથમ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને તાળી વજાડીને સર્વને છાનારાખીને વાર્તા કરે છે અને ક્યારેક ઘણાક ભક્તજનના સમૂહની મોટી સભા થઇ હોય ને તેમની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરવી હોય ત્યારે છેટેથી પણ સંભળાય તેને અર્થે પોતે ઉભા થઇને ને તાળી વજાડીને સર્વને છાના રાખીને વાર્તા કરે છે અને ક્યારેક તો તે વાર્તા કરવાને વિષે એકાગ્ર ચિત્તે કરીને પોતાને ઓઢવાનું વસ્ત્ર ખસી જાય તેની પણ સુરત રહેતી નથી એવો સ્વભાવ છે અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા પોતાના મુખારવિંદ ને સમીપે બેઠા જે સાધુ તથા હરિભક્ત તેમને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરાવે છે ને તેમાં કોઇક કઠણ પ્રશ્ન પુછે તેનો ઉત્તર ન આવડે તો સર્વેને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે છે અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઇક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાખે છે અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પોતાના રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે અને ક્યારેક તો ઉત્સવને વિષે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમણે પ્રીતિએ કરીને કરી જે મોટી પૂજા તેને અંગીકાર કરે છે અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાની પૂજા કરવા સારૃં ઘણાક હરિભક્ત ભેળા થઇને આવે છે, ત્યારે તેમણે ચઢાવ્યા જે પુષ્પના હાર તેને પોતાના બે હાથે કરીને ગ્રહણ કરે છે, તથા ચરણારવિંદે કરીને ગ્રહણ કરે છે, તથા છડીએ કરીને ગ્રહણ કરે છે અને ક્યારેક તો પોતાનાં દર્શન માત્રે કરીને પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે. ને ક્યારેક તો તે સમાધિમાંથી તત્કાળ ઉઠાડે છે અને ક્યારેક તો પોતે સભામાં બેઠા હોય ને કોઇક ભક્તજનને પોતાની પાસે બોલાવવો હોય ત્યારે નેત્રકમળની સાને કરીને અથવા અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તને બોલાવી લે છે અને ક્યારેક તો મોગરા આદિક પુષ્પના હારોને તથા લીંબુ આદિક જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખ ઉપર વારંવાર અડાડે છે અને ક્યારેક તો પોતે ભગવત્કથા કરાવીને સાંભળે છે, અથવા પોતે કથા કરે છે, અથવા પોતે ભગવદ્વાર્તા કરે છે, અથવા કીર્તન ગવરાવીને તે ભેળા પોતે ગાય છે, અથવા મંદિર કરાવે છે, અથવા સાધુ બ્રાહ્મણને જમાડે છે, ઇત્યાદિક સત્ક્રિયા કર્યા વિના કયારેય નવરૃં ન રહેવું એવો સ્વભાવ છે. અને પોતે ભક્તિ ધર્મ સંબંધી જે જે કાર્યનો આરંભ કરે છે તેને સંપૂર્ણ કરવામાં પોતાને શીઘ્રપણું ઘણું છે અને છીંક ખાવી હોય ત્યારે પ્રથમથી પોતાના રૂમાલને ખોળીને ને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છેટે સંભળાય એવી રીતે ઉંચે સ્વરે છીંક ખાય છે અને જ્યારે જ્યારે એવી છીંક ખાય છે ત્યારે બે ત્રણ્ય ભેળી છીંક ખાય છે અને જ્યારે પોતે બગાસું ખાય છે ત્યારે 'હરે હરે હરે' એવા શબ્દનું ઉચ્ચારણ કરતા થકા પોતાને હાથે કરીને નેત્રકમળને બે ત્રણ વાર ચોળે છે અને નિષ્કામ ભક્તે કરી જે પોતાની સેવા તેને વિષે છે રુચિ જેની એવો પોતાનો સ્વભાવ છે અને કાંઇક રમૂજે કરીને અતિશે હસે છે ત્યારે હાથેકરીને પોતાના રૂમાલને મુખારવિંદ આડો દઇને હસે છે અને ક્યારેક તો દેશાંતર થકી પોતાના સમીપે આવ્યા જે સાધુ તથા પોતાને પ્રિય એવા ભક્તજન તેમને જોઇને પ્રસન્ન થયા થકા તત્કાળ ઉઠીને તેમને બાથમાં ઘાલીને મળે છે ને એમને તે તે દેશના સમાચાર પુછે છે અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાને સમીપે રહીને પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતા જે સાધુ તેમને પ્રસન્ન થઇને મળે છે અને ક્યારેક તો પોતાના ભક્તજન ઉપર પ્રસન્ન થઇને તેના મસ્તક ઉપર પોતાના બે હાથ મૂકે છે અને ક્યારેક તો પ્રસન્ન થઇને કોઇક ભક્તજનના હૃદયને વિષે પોતાના ચરણારવિંદનું ધારણ કરે છે અને ક્યારેક તો પોતાની આજ્ઞાને તત્કાળ પાળવાને ઇચ્છતો થકો તત્પર થયો જે કોઇ ભક્તજન; તથા તે પોતાની આજ્ઞાને રુડી રીત્યે પાળીને આવ્યો જે કોઇ ભક્તજન તેને જોઇને તેની ઉપર પ્રસન્ન થયા થકા તેના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપે છે અને ક્યારેક તો કોઇક ભક્તજન ઉપર પ્રસન્ન થઇ તેને પોતાની પ્રસાદી પુષ્પના હાર આપે છે. તથા તોરા, બાજુબંધ આપે છે. તથા પોતાનાં વસ્ત્ર, આભૂષણ આપે છે અને અતિશય ઉદાર છે સ્વભાવ જેમનો એવા જે શ્રીજી મહારાજ તે પોતાને અતિશય પ્રિય એવું જે પદાર્થ તે ભારે મૂલ્યવાળું હોય તો પણ તેને દેવાનો મનમાં સંકલ્પ કરતા થકા તત્કાળ સત્પાત્રને દઇ દે છે. પણ વાર લગાડતા નથી એવો સ્વભાવ છે અને ક્યારેક તો પોતાના હાથ પગની જે આંગળીઓ તેને મરડીને કડાકા વગાડે છે અને કયારેક તો પોતાને સમીપે બેઠા જે ભક્તજન તેમની પાસે પોતાના હાથપગની આંગળીઓને મરડાવીને કડાકા વગડાવે છે અને કયારેક તો કોઇ પ્રાણીને દુખિયો દેખીને અથવા સાંભળીને તત્કાળ દયાએ યુક્ત થકા 'રામ રામ રામ' એવી રીતે બોલવાનો સ્વભાવ છે અને વળી કયારેક તો હરકોઇ મનુષ્યને દુખિયો દેખીને દયાએ કરીને પોતાના ચિત્તમાં ખેદને પામતા થકા પ્રસન્ન થઇને તે મનુષ્યનું દુઃખ ટળે એવી રીત્યે અન્ન-વસ્ત્રાદિક પદાર્થે કરીને ઉપકાર કરે છે અને ક્યારેક તો કોઇકને કોઇ મારતું હોય તેને દેખીને દયાએ કરીને તેને ન દેખી ખમતા થકા તત્કાળ હાંહાંકાર કરીને તેનું નિવારણ કરે છે અને ક્યારેક તો પોતાની આગળ કોઇક સાધુનું અથવા કોઇક હરિભક્તનું કોઇક ઘસાતું બોલે તેને સાંભળીને તેની ઉપર પોતે કચવાઇ જાય છે ને તેનો અનાદર કરીને ઠપકો દે છે અને ક્યારેક તો પોતાના શરીરમાં કાંઇક કસર જેવું હોય ત્યારે પોતાના ડાબા હાથની આંગળીએ કરીને જમણા હાથની નાડીને જુએ છે અને પોતે જ્યારે સભામાંથી ઉઠે છે ત્યારે 'જય સચ્ચિદાનંદ' અથવા 'જય સ્વામિનારાયણ' એમ કહીને ને સાધુને નમસ્કાર કરીને ઉઠવાનો સ્વભાવ છે અને જ્યારે પોતે પંથને માર્ગે ઘોડે ચડીને ચાલે છે ત્યારે ક્યારેક તો લીલાએ કરીને ઘોડાની ડોક ઉપર પોતાના એક પગને લાંબો નાખીને ઘોડાને ચલાવે છે અને સુવે ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે આંગળીઓ તે તિલક કરવાની પેઠે ભાલને વિષે ઊભી ફેરવે છે અને સુવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લઇને ફેરવતા થકા સુવે છે અને પોતે પોઢે છે ત્યારે પોતાનું મુખારવિંદ ઉઘાડું રાખીને પોઢવાનો સ્વભાવ છે અને પોતે ભરનિંદ્રામાં સુતા હોય ને કોઇક જરાક અડી જાય તો તત્કાળ ઝબકીને જાગી જાય છે અને કોણ છે ? એમ તેને પુછે છે.

એવી રીત્યે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે એવા જે શ્રીજીમહારાજ તેમણે શ્રીગઢડામાં રહ્યા થકા પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય પોતાના સ્વરૂપનું જ્ઞાન ને પોતાની માહાત્મ્યે સહિત ભક્તિ એ પાંચ વાર્તા સંબંધી જે જે વચનામૃત કહ્યાં છે તથા અમદાવાદ અને વડતાલને વિષે રહ્યા થકા તથા ત્યાંથી બીજાં ગામોમાં જઇને જે જે વચનામૃત કહ્યાં છે તેમાંથી કેટલાક દિવસનાં જે વચનામૃત તે શ્રીજીમહારાજના જે એકાંતિક ભક્ત તેમની પ્રસન્નતાને અર્થે પોતાની જે સ્મૃતિ તથા બુદ્ધિ તેને અનુસારે લખીએ છીએ.