સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરી ઉપર રાત્રિને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આજતો અમારૃં જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઇ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંઘાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે, અને તે વિના કોઇ પદાર્થમાં પ્રીતિ નથી. એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશે ત્યાગનો ફુંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઇનેબીજા હરિભક્તના અંતર સામું જોઇએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઇઓ, એ સર્વેને કાંઇક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઇ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઇ, તે દિવસ ભગવાનની પણ શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યાં નથી. અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી. અને હવેતો ભગવાન મળ્યા છે માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે "હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઇને વિષે પ્રીતિ રાખવી નથી." અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઇ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દૃઢાવ હોય તે સાથેજ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંઘાથે અમે હેત કરીએ તોપણ થાય નહિં માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય તે કહ્યું.'' એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ્ ।।૫૦।। ૧૮૩ ।।