સંવત્ ૧૮૮૦ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી અયોધ્યાવાસીને ઘેર ગાદીતકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પ્રેમાનંદસ્વામી સરોદો લઇને કીર્તન ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "લ્યો પ્રશ્ન ઉત્તર કરીએ." એમ કહીને શ્રીજીમહારાજે પુછયું જે, "જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય, અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે, ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન ૧હોય ? એ પ્રશ્ન છે." પછી મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, "જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો ૨હોય." ત્યારે શ્રીજીમહારાજે પુછયું જે, "સત્તારૂપ રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને ૩સજાતિ છે કે ૪વિજાતિ છે ?" પછી મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, "એ પ્રીતિ તો આત્માને ૫સજાતિ છે." પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય, એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને ૬બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઇને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એજ બ્રહ્મ સ્વરૂપ છે. એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.'' ઇતિ વચનામૃતમ્ ।।૪૩।। ૧૭૬ ।।
૧ રાગ પર્યાય જેનો છે એવી પ્રીતિ. રજોગુણનું કાર્ય હોવાથી ગુણાતીત ભક્તમાં તે સંભવે નહિ, એમ જાણીને આ સંશય કર્યો છે.
૨. પણ આ નિર્ગુણ ભક્તની જે પ્રીતિ તે ભગવાનના માહાત્મ્ય જ્ઞાાનમૂલક છે. માટે નિર્ગુણ છે.
૩. આત્માની સાથે એકભૂત, એટલે પૃથક્ નહિ રહેનારી.
૪. આત્માથી પૃથક્પણે રહેનારી.
૫. નિર્ગુણભક્તની પ્રીતિ ભગવાનના મહિમામૂલક છે. જે મહિમા છે તેનો આધાર આત્મા છે માટે તે પ્રીતિ આત્માની સાથે એકીભૂત છે પૃથક્ નથી.
૬. બ્રહ્મરૃપ પોતાના આત્માથી અપૃથક્ સિદ્ધ છે. માટે બ્રહ્મસ્વરૃપ કહી છે.