સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાની આગળ મશાલ બે બળતી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને કીર્તન ગવાતાં હતાં.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "કીર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્ન ઉત્તર કરીએ." પછી સર્વે મુનિ બોલ્યા જે, "ઘણું સારૃં મહારાજ." પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, "ભગવાનનું સ્વરૂપ છે તેને કોઇક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઇક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?" પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, "જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે."
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "સાંખ્યવાળે ચોવીશ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞા જે જીવ ઇશ્વરરૂપ ચૈતન્ય છે, તે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે. કેમ જે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞાને તો અન્યોન્ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞા વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞા કહેવાય નહિ. તે માટે તત્ત્વ ભેળા જ જીવ ઇશ્વરને કહ્યા છે, અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞા એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્ત્વ દાં કેમ કહેવાય ? અને જેમ આકાશ છે તેને વિષે ચાર તત્ત્વ રહ્યાં છે તો પણ આકાશને કોઇનો દોષ અડતો નથી, તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્ત્વનો એકેય દોષ અડતો નથી, એવું જે ભગવાનનું સ્વરૂપ છે. તેમાં ચોવીશ તત્ત્વ કહીએ તેમાં શો બાધ છે ? અને તત્ત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું ?
પછી દીનાનાથ ભટ્ટે પુછયું જે, "જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્ત્વે સહિત સમજવું કે તત્ત્વે રહિત સમજવું ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્ત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્ત્વ છે કે નથી એવું ચુંથણું કરવું ગમે જ નહિ. ભક્ત હોય તે તો એમ જાણે જે 'ભગવાન તે ભગવાન, એને વિષે ભાગત્યાગ કર્યાનો માગ નથી, એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે.' અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઇ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞા જાણવો. અને જે પુરૂષને ભગવાનને વિષે એવી દૃઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવગ્દીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે
-सर्व धर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।
અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થના સારૃં પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઇ, ભત્રીજા, દીકરા ઇત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશે સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઇ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, 'ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો;' પણ શુકજીને લેશ માત્ર સંશય થયો નહિ, અને જે ગોપીયો સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીયોને પણ સંશય ન થયો જે 'ભગવાન હોય તો આમ કેમ કરે ?' એવો કોઇ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા. તો પણ ઉદ્ધવજીને કોઇ રીતે સંશય થયો નહિ, અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઇ રીતે સંશય ન થયો, અને સામું ગોપીયોનું માહાત્મ્ય અતિશે સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશે શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દૃઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે, પછી શાસ્ત્રવેતા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દૃઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે, અને દૃઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દૃઢ મતિ પણ કરી શકે નહિ અને જે દૃઢ મતિવાળા હોય તેને પણ ઓળખે નહિ, અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે. અને માહાત્મ્ય પણ તે જ જાણે; જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશે માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું.
અને પુરૂષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞાના ક્ષેત્રજ્ઞા છે તો પણ નિર્વિકાર છે, અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરૂષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરૂષ છે તેને પણ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરૂષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞા જાણવો. જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞા કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઇ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે; તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિષે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરૂષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞા જાણવો; અને જેને એવી પુરૂષોત્તમના સ્વરૂપને વિષે દૃઢ નિષ્ઠા થઇ, તેને એથી ઉપરાંત બીજું કાંઇ સમજવાનું રહ્યું નથી." ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। ૧૫૦ ।।