અધ્યાય ૧૩ - બ્રહ્માએ વાછડાં તથા બાળકોનું હરણ કરવાથી ભગવાન તે સર્વરૂપ થયા.

।। श्रीशुकउवाच ।।

साधु पृष्टं महाभाग त्वया भागवतोत्तम । यन्नूतनयसीशस्य श्रृण्वन्नपि कथां मुहुः ।।१।।
શુકદેવજી કહે છે- હે વૈષ્ણવોમાં ઉત્તમ મોટા રાજા ! તમે બહુજ સારું પૂછયું
, ભગવાનની કથાને વારંવાર સાંભળવા છતાં પણ તમને કથામાં અરૂચિ થતી નથી અને નવી ને નવી લાગે છે.૧

સાર ગ્રહણ કરનારા સત્પુરૂષોની વાણી, કાન અને ચિત્ત જો કે ભગવાનની કથામાં જ લાગી રહેલાં હોય છે, તોપણ જેમ સ્ત્રીલંપટ પુરૂષોને સ્ત્રીઓની વાતો પ્રતિક્ષણ નવી નવી અને સારી લાગે છે. તેમ તે સત્પુરૂષોને પ્રત્યેક ક્ષણે ભગવાનની વાતોનવી નવી અને સારી લાગતી હોય છે.૨

હે રાજા ! સાવધાન થઇને સાંભળો, આ વાત છાની છે તોપણ તમારી પાસે કહું છું, કેમકે ગુરૂએ સ્નેહવાળા શિષ્યની પાસે છાની વાત પણ કહેવી જોઇએ. ૩

પૂર્વે કહ્યા પ્રમાણે વાછરડાં અને  ગોવાળિયાઓની અઘાસુરના મુખરૂપ મૃત્યુથી રક્ષા કરીને તેઓને નદીને કિનારે લાવી, ભગવાને કહ્યું કે- અહો ! હે મિત્રો ! આ કાંઠો આપણને રમવાની સગવડવાળો અને અત્યંત રમણીય છે. અહીંની રેતી કોમળ અને સ્વચ્છ છે. ખીલેલાં અનેક કમળોની સુગંધથી ખેંચાઇ આવેલા ભ્રમરાઓ અને પક્ષીઓના જળમાં થતા શબ્દોના પડઘાઓથી શોભી રહેલાં ઝાડ ચારેકોર વ્યાપ્ત થઇ રહ્યાં છે.૪-૫

અહીં બેસીને આપણે જમવું છે, દિવસ ચઢી ગયો છે અને ભૂખ પણ લાગી છે. વાછરડાંઓને પાણી પાઇને આપણા સમીપમાં ધીરેધીરે ઘાસ ચરવા દો.૬

આ ભગવાનનાં વચનનો સ્વીકાર કરી સર્વે બાળકો વાછરડાંઓને પાણી પાઇ, લીલા ઘાસવાળા પ્રદેશમાં ચરતાં મુકી, શીંકા ધરતી પર રાખીને ભગવાનની સાથે આનંદથી જમવા લાગ્યા.૭

વનમાં ભગવાનની ચારેકોર મોટી ગોળ પંક્તિઓમાં એક બીજાને અડીને બેઠેલા, પ્રફુલ્લિત દૃષ્ટિવાળા અને ભગવાનની સામે જેઓ મોઢાં રાખ્યાં હતાં, એવા
વ્રજના બાળકો કમળની પાંખડીની પેઠે શોભતા હતા.૮

કેટલાક બાળકો ફુલનાં, કેટલાક બાળકો ફળની પાંખડીઓનાં, કેટલાક પાંદડાંનાં, કેટલાક અંકુરનાં, કેટલાક ફળનાં, કેટલાક શીંકાંનાં, કેટલાક વૃક્ષની છાલનાં અને કેટલાક છીપરોનાં વાસણ કરીને જમતા હતા.૯

પોતપોતાના ભોજનના નોખનોખા સ્વાદને પરસ્પર દેખાડતા, હસતા અને હસાવતા બાળકો ભગવાનની સાથે જમતા હતા.૧૦

बिभ्रद्वेणु जठरपटयोः श्रृङ्गवेत्रे च कक्षे वामे पाणौ मसृणकवलं तत्फलान्यङ्गुलीषु । तिष्ठन् मध्ये स्वपरिसुहृदो हासयन् नर्मभिः स्वैः स्वर्गे लोके मिषति  बुभुजेयज्ञाभुग् बालकेलिः। એ બાળકોમાં યજ્ઞાભોક્તા ભગવાન પણ જમતા હતા. એ સમયમાં ભગવાને પેટ ઉપરના વસ્ત્રની અંદર વેણું ધરી હતી, શીંગડી અને છડી કાંખમાં લીધાં હતાં, ડાબા હાથમાં દહીંભાતનો કોળિયો હતો, અથાણાં આંગળીઓમાં લીધાં હતાં, ગોળાકારે બેઠેલા પોતાના મિત્રોની વચમાં બેઠા હતા, હાંસીના વચનોથી હસાવતા હતા. આવી લીલાને દેવતાઓ જોઇ રહ્યા હતા.૧૧

હે રાજા ! આ પ્રમાણે ગોવાળિયાઓ જમવા લાગતાં અને તેઓના ચિત્ત ભગવાનમાં લાગી જતાં વાછરડાંઓ ઘાસની લાલચથી વનની અંદર દૂર ચાલ્યાં ગયાં.૧૨

વાછરડાં દૂર નીકળી ગયેલાં હોવાથી ભય પામેલા ગોવાળિયાઓને જોઇ ભગવાને તેઓને કહ્યું કે- હે મિત્રો ! જમવું છોડશો નહીં, હું જઇને વાછરડાઓને અહીં લાવું છું.૧૩

આ પ્રમાણે કહી હાથમાં દહીં ભાતનો કોળિયો લઇ પર્વતો, ગુફાઓ, કુંજો અને વિષમ સ્થળોમાં પોતાનાં વાછરડાંઓને શોધવા સારૂ ભગવાન ત્યાંથી આગળ વધ્યા.૧૪

હે રાજા ! આ અવકાશ મળતાં જે બ્રહ્મા પ્રથમ ભગવાને કરેલા અઘાસુરનો મોક્ષ જોવાથી પરમ વિસ્મય પામીને આકાશમાં જ ઉભા હતા, તે બ્ર્રહ્મા માયાથી બાળક થયેલા ભગવાનનો બીજો પણ ઉત્તમ મહિમા જોવા સારૂં, અહીંથી બાળકોને અને ત્યાંથી વાછરડાંઓને બીજા સ્થળમાં લઇ જઇને પોતે અંતર્ધાન થઇ ગયા.૧૫

પછી વાછરડાંઓ નહીં જોવામાં આવતાં ભગવાન પાછા કાંઠે આવ્યા, ત્યાં બાળકો પણ જોવામાં નહીં આવતાં એ બન્નેને ચારેકોર શોધવા લાગ્યા.૧૬

સર્વના સાક્ષી ભગવાન વનમાં કોઇ પણ સ્થળે વાછરડાંઓને અને ગોવાળોને નહીં દેખીને આ સઘળું બ્રહ્માએ કર્યું છે, એમ તરત જાણી ગયા.૧૭

પછી જગતના કર્તા ઇશ્વર, વાછરડાં અને ગોવાળોની માતાઓને તથા બ્રહ્માને પ્રીતિ ઉપજાવવા સારૂ પોતે જ સઘળાં વાછરડાં અને ગોવાળિયારૂપે થયા.૧૮

''જો હું ચુપ રહીશ તો વાછરડાં અને બાળકોની માતાઓને ખેદ થશે અને તેઓને લાવીશ તો બ્રહ્માને મોહ નહીં થાય'' એવા વિચારથી સઘળું જગત વિષ્ણુમય છે, એવી વેદની વાણીને સાર્થક કરવા માટે  ભગવાન સર્વ રૂપે થયા. ગોવાળિયા, વાછરડાં, તેઓનાં નાનાં શરીર, હાથ, પગ, લાકડી, શીંગડી, વેણું, શીંકાં, અલંકાર, વસ્ત્ર, શીલ, ગુણ, નામ, આકૃતિ, અવસ્થા અને વિહારાદિક જેવાં હતાં, તે પ્રમાણે જ યથાર્થ રીતે સર્વ રૂપે થયેલા ભગવાન શોભવા લાગ્યા.૧૯

પોતે જ પોતારૂપ ગોવાળોની પાસે પોતારૂપે જ વાછરડાંઓને વળાવી પોતારૂપ જ વિહારોથી ક્રીડા કરતા સર્વાત્મા ભગવાન વ્રજમાં પધાર્યા.૨૦

હે રાજા ! સર્વ રૂપે થયેલા શ્રીકૃષ્ણ, તે તે વાછરડાંઓને જુદાં જુદાં હાંકી તેઓને તે તે સ્થાનકમાં પેસાડી તે તે ઘરમાં પેઠા.૨૧

વેણુનાદ સાંભળી ઉતાવળી ઉઠેલી ગોપબાળોની માતાઓ પુત્રરૂપે થયેલા શ્રીકૃષ્ણને, પોતાના પુત્ર માની, પરબ્રહ્મને જ હાથથી ઉપાડી તથા અત્યંત આલિંગન કરી પુત્રરૂપે થયેલા શ્રીકૃષ્ણને, સ્નેહને લીધે પોતાના સ્તનમાંથી ઝરતાં મીઠાં અને મદ આપનાર દૂધ ધવરાવવા લાગી.૨૨

આ પ્રમાણે તે તે સમયની ક્રીડાના નિયમ પ્રમાણે સાયંકાળ સુધી પહોંચેલા અને પોતાની સુંદર લીલાઓથી આનંદ આપતા ભગવાનને માતાઓએ મર્દન, સ્નાનલેપન, અલંકાર, રક્ષાનાં તિલક (ગાલમાં કાળું ટપકું) અને ભોજનાદિકથી લાડ લડાવ્યા.૨૩

પછી ગાયો પણ પોતાને ચરવાના વનમાંથી ઊતાવળી વ્રજમાં આવીને પોતાના હુંકારના શબ્દથી બોલાવેલાં અને પાસે દોડી આવેલાં પોત પોતાનાં વાછરડાંઓને આંચળમાંથી ઝરતું દૂધ ધવરાવવા લાગી અને વારંવાર ચાટવા લાગી.૨૪

સર્વરૂપે થયેલા ભગવાનમાં ગાયો અને ગોપીઓનો માતૃભાવ તો પૂર્વના જેવો તો રહ્યો, પણ આ સમયમાં સ્નેહ વધતો દેખાયો. આ રીતે ભગવાન પણ ગાયો તથા ગોપીઓની આગળ પૂર્વની પેઠે બાળભાવનું પ્રદર્શન કરતા રહ્યા, પણ 'આ મારી મા છે અને હું આનો પુત્ર છું' એવો મોહ રહ્યો ન હતો.૨૫

વ્રજવાસીઓને પૂર્વે યશોદાના પુત્ર શ્રીકૃષ્ણમાં પોતાના પુત્રો કરતાં પણ વધારે, જેવો સીમા વગરનો સ્નેહ હતો, તેવો સ્નેહ આ સમયમાં એક વર્ષ સુધી
પોતાના બાળકોમાં પણ વધી ગયો.૨૬

આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને વાછરડાંઓને પાળનાર થઇને વાછરડાં અને બાળકોરૂપ પોતાના સ્વરૂપને પોતેજ પાલન કરતાં એક વર્ષ સુધી વનમાં અને વ્રજમાં ક્રીડા કરી.૨૭

એક વર્ષ પુરૂ થવામાં પાંચ કે છ રાત બાકી હતી, ત્યારે એક દિવસે ભગવાન બળભદ્રની સાથે વાછરડાંઓને ચારવા સારૂં વનમાં પધાર્યા હતા.૨૮

ત્યાં બળભદ્રને  એવું જોવામાં આવ્યું, જે ગાયો ઘણે છેટે ગોવર્ધન પર્વતના શિખરમાં ઘાસ ચરતી હતી તે ગાયોએ વ્રજના સમીપમાં ઘાસ ચરતાં વાછરડાંઓને દીઠાં.૨૯

દેખતાં જ સ્નેહથી ખેંચાએલી, પોતાના શરીરનું ભાન ભૂલી ગયેલી અને જેઓના આંચળમાંથી દૂધ ઝરતાં હતાં, એવી ગાયો પોતાના ગોવાળ અને વિષમ માર્ગને નહિ ગણતાં જાણે બે પગે ચાલતી હોય, એવી રીતે મોઢાં તથા પૂછડાં ઉંચાં કરી વેગથી હુંકાર કરતી વાછરડાંઓની પાસે આવી.૩૦

એ ગાયોને જોકે બીજાં નાનાં વાછરડાં હતાં, તોપણ નીચે એ વાછરડાંઓને મળીને તેઓને ધવરાવવા લાગી, અને જાણે વાછરડાંઓનાં શરીરને ગળી જતી હોય એમ ચાટવા લાગી.૩૧

ગોવાળો ગાયોને રોકવાનો પરિશ્રમ વ્યર્થ જતાં લાજ સહિત ક્રોધથી ભરાએલા વિષમ દુઃખ વેઠીને નીચે આવ્યા, ત્યાં વાછરડાંઓની સાથે પોતાના પુત્રો તેઓના જાવામાં આવ્યા.૩૨

પુત્રોને જોવાથી ઉભરાઇ આવેલા પ્રેમરસમાં ડુબેલા અને ક્રોધ મટી જતાં જેઓને સ્નેહ વધ્યો છે, એવા એ ગોવાળો પોતાના પુત્રોને હાથવતે ઉપાડી લઇ આલિંગન કરી તથા તેઓનાં માથાં સુંઘીને પરમ આનંદ પામ્યા.૩૩

પછી બાળકોના આલિંગનથી સુખ પામેલા ઘરડા ગોવાળો ધીરે ધીરે માંડ માંડ તે છોકરાઓ પાસેથી ખસ્યા, પણ છોકરાઓના સ્મરણથી તેઓની આંખ્યોમાં આંસુ ભરાઇ આવ્યાં.૩૪

આ પ્રમાણે જેને ધાવવું છોડી દીધેલું હતું એવાં બચ્ચાંઓ ઉપર પણ ક્ષણે ક્ષણે થતો વ્રજના પ્રેમનો વધારો જોઇને, તેનું કારણ નહીં જાણતા બળભદ્ર વિચાર કરવા  લાગ્યા કે- પૂર્વે વ્રજને સર્વના આત્મા શ્રીકૃષ્ણ ઉપર જેવો પ્રેમ હતો તેવો અપૂર્વ પ્રેમ હમણાં બાળકો ઉપર વધ્યો છે, એટલુંજ નહીં પણ મારા મનમાં પણ વાછરડાં
અને બાળકો ઉપર પ્રેમ વધતો જાય છે તેનું કારણ શું હશે
?૩૫-૩૬

આ તે દેવતાઓની, મનુષ્યોની કે દૈત્યોની માયા હશે ! આ માયા તે કેવી અને ક્યાંથી આવી ? બીજાઓની માયા તો સંભવતી નથી, કેમકે આથી મને પણ મોહ થયો છે. માટે ઘણું કરી આ મારા સ્વામી શ્રીકૃષ્ણની માયા હોવી જોઇએ.૩૭

આ પ્રમાણે વિચાર કરી બળભદ્રે જ્ઞાનદૃષ્ટિથી જોયું, ત્યાં સર્વે વાછરડાં અને પોતાના મિત્રો શ્રીકૃષ્ણરૂપ તેમના જોવામાં આવ્યા.૩૮

પછી તેમણે ભગવાનને પૂછયું કે- આપણે જે વાછરડાંઓનું પાલન કરીએ છીએ તેઓ ઋષિઓના અંશ છે અને બાળકો દેવતાઓના અંશ છે, પરંતુ હમણાં તેમ જોવામાં આવતું નથી, હમણાં તો આ બાળકોમાં અને વાછરડાંઓમાં એક તમે જ જોવામાં આવો છો, માટે જેવું હોય તેવું ચોખ્ખું કહો. પછી ભગવાને સંક્ષેપથી સર્વે વાત કહેતાં એ બનાવ બળભદ્રના જાણવામાં આવ્યો.૩૯

અહીં તો તેટલામાં એક વર્ષ નીકળી ગયું, પણ બ્રહ્માનો તો પલ માત્ર કાળ થયો હતો. તેટલા કાળમાં બ્રહ્માએ પાછા આવીને જોયું, ત્યાં એક વર્ષ સુધી પૂર્વની પેઠે જ પોતાના બાળમિત્રોની સાથે ક્રીડા કરતા ભગવાનને દીઠા.૪૦

એ જોઇને બ્રહ્મા તર્ક કરવા લાગ્યા કે- ગોકુળમાં જેટલાં બાળકો અને વાછરડાં હતાં તે સર્વે મારી માયારૂપી શયનમાં સૂતાં છે તે હજી સુધી ઉઠયાં નથી, માટે જેઓ મારી માયાથી મોહ પામેલાં છે તેઓથી નોખાં આ વાછરડાં અને બાળકો અહીં કેમ દેખાય છે ? જેટલાંને હું લઇ ગયો છું તેટલી જ સંખ્યાનાં અને તે જ સ્થળમાં ભગવાનની સાથે એક વર્ષથી ક્રીડા કરતાં આ પ્રાણીઓ એક વર્ષથી ક્યાંથી આવ્યાં હશે ?૪૧-૪૨

પોતાના લોકમાં રહેલાં અને વ્રજમાં રહેલાં વાછરડાં તથા ગોપબાળોના વિષયમાં ઘણીવાર સુધી મનમાં વિચાર કરીને એ બ્રહ્મા, આમાં સાચાં કયાં અને ખોટાં ક્યાં ? એ કોઇ રીતે જાણી શક્યા નહીં.૪૩

આ પ્રમાણે બ્રહ્મા, જગતને મોહ પમાડનાર, અને પોતે મોહ રહિત એવા ભગવાનને પોતાની માયાથી મોહ પમાડવા ગયા, ત્યાં પોતે જ મોહ પામી ગયા.૪૪

અંધારી રાતમાં ઝાકળથી થયેલું અંધારૂં જેમ નોખું આવરણ કરી શકે નહીં, પણ તેમાં જ લય પામે; અને જેમ પતંગીઆનો પ્રકાશ દિવસમાં નોખો પ્રકાશ કરી શકે  નહીં, તેમ મોટા પુરૂષ ઉપર બીજો કોઇ સાધારણ પુરૂષ માયા ચલાવવા જાય તો તે નીચ માયા મોટા પુરૂષને કાંઇ પણ કરી શકે નહીં, પણ ઉલટી પોતાને લાવનારના જ સામર્થ્યનો નાશ કરી નાખે.૪૫

બ્રહ્મા જોઇ રહ્યા તેટલી વારમાં તુરત જ બીજું આશ્ચર્ય થયું. સઘળાં વાછરડાં, તેઓને પાળનારા બાળકો, લાકડીઓ અને શીંગડીઓ આદિ સઘળા પદાર્થો મેઘની પેઠે શ્યામ, પીળાં રેશમી વસ્ત્રવાળા, ચાર ચાર ભુજાવાળા અને જેઓના હાથમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ હતાં એવા જોવામાં આવ્યા. એ સર્વે શ્રીકૃષ્ણનાં રૂપોએ કિરીટ, કુંડળ, હાર, વનમાળા, શ્રીવત્સ, બાજુબંધ, નુપુર, કટક, કટિમેખળા, વીંટીઓ અને શંખની પેઠે ત્રણ ધારવાળા રત્નના કંકણ ધર્યા હતા.૪૬-૪૮

મોટા પુણ્યવાળાઓએ અર્પણ કરેલી તુલસીની સુકોમળ અને નવીન માળાઓથી ચરણથી તે છેક મસ્તક સુધી સર્વ અંગોમાં વીંટાએલા હતા.૪૯

ચાંદની જેવા સ્વચ્છ મંદહાસ્યરૂપી સત્વગુણથી પોતાના ભક્તોના મનોરથોને જાણે પાળતા હોય અને લાલકમળ જેવાં નેત્રોના દૃષ્ટિપાતરૂપી રજોગુણથી પોતાના ભક્તોના મનોરથોને જાણે સ્રજતા હોય, એવા દેખાતા હતા.૫૦

બ્રહ્માથી સ્તંબપર્યંત એ સર્વ સ્થાવર જંગમ દેહધારી મૂર્તિમાન થઇને નાચ અને ગાયન આદિ અનેક પૂજનોથી પ્રત્યેકની નોખનોખી સેવા કરતા હતા.૫૧

અણિમા આદિ સિદ્ધિઓ, માયા આદિ વિભૂતિઓ અને મહત્તત્ત્વ આદિ ચોવીશ તત્ત્વોથી તેઓ પ્રત્યેક વીંટાએલા હતા.૫૨

કાળ, સ્વભાવ, સંસ્કાર, કામ, કર્મ અને ગુણાદિક પદાર્થો મૂર્તિમાન થઇને પ્રત્યેકની નોખનોખી સેવા કરતા હતા. અણિમા આદિ સર્વે પદાર્થોની સ્વતંત્રતા શ્રીકૃષ્ણના મહિમા આગળ નાશ પામેલી જણાતી હતી.૫૩

એ ગોવાળિયારૂપ સર્વે શ્રીકૃષ્ણો સત્ય, જ્ઞાન, અનંત, આનંદમાત્ર અને એકરસ મૂર્તિવાળા તથા આત્મજ્ઞાનરૂપી ચક્ષુવાળાઓથી પણ જેના માહાત્મ્યનો સ્પર્શ થઇ શકે નહીં એવા હતા.૫૪

આ પ્રમાણે બ્રહ્માએ એક સમયમાં સર્વને પરબ્રહ્મમય દીઠા, કે જે પરબ્રહ્મના પ્રકાશથી આ સર્વ જગત પ્રકાશે છે.૫૫

પછી અત્યંત આશ્ચર્યથી અને શ્રીકૃષ્ણના તેજથી જેની સર્વે ઇંદ્રિયો જડ થઇ ગઇ, એવા બ્રહ્મા પૂતળાની પેઠે નિશ્ચળ થઇ ગયા.૫૬

આ પ્રમાણે અતર્ક્ય, સ્વયંપ્રકાશ, સુખમય, પ્રકૃતિથી પર અને તે નહિ તે નહિ આ રીતે નિષેધ પૂર્વક ઉપનિષદો દ્વારા જાણી શકાતા એવા પોતાના અસાધારણ   મહિમાવાળા સ્વરૂપમાં ''આતે શું'' એમ બ્રહ્મા મોહ પામી ગયા, અને પછીથી જોવાને પણ અશક્ય થઇ જતાં તે જાણીને પરમેશ્વર શ્રીકૃષ્ણે પોતાની માયારૂપી પડદો ખસેડી લીધો.૫૭

પછી જાણે મરી જઇને પાછા ઉઠયા હોય અને જેને બહારનું જ્ઞાન મળ્યું એવા બ્રહ્માએ માંડ માંડ નેત્ર ઉઘાડયાં, ત્યાં પોતાના શરીરની સાથે જગત આ પ્રમાણે જોવામાં  આવ્યું.૫૮

તરત જ ચારેકોર દૃષ્ટિ ફેરવી ત્યાં આગળ રહેલું સઘળાં પ્રિય પદાર્થોથી ભરેલું અને મનુષ્યોને જીવિકા આપે એવાં વૃક્ષોથી વ્યાપ્ત વૃંદાવન દીઠું, કે જેમાં સ્વાભાવિક  દુષ્ટ વૈરવાળા માણસ અને સિંહાદિક જાણે પરસ્પરના મિત્ર હોય એવા થઇને રહ્યા હતા અને ભગવાનના નિવાસને લીધે ક્રોધ લોભાદિક દોષો જેમાંથી નીકળી ગયા હતા.૫૯-૬૦

એ વૃંદાવનમાં પૂર્વની પેઠે જ ગોવાળના બાળકપણારૂપી નાટક કરનારા શ્રીકૃષ્ણભગવાનને દીઠા, કે જે અદ્વૈતરૂપ છતાં વાછરડાંઓને શોધતા હતા, એક અને અગાધ જ્ઞાનવાળા છતાં મિત્રોને શોધતા હતા, અનંત છતાં ચારેકોર ફરતા હતા. સર્વેના કારણરૂપ છતાં બાળકપણું ધરી રહ્યા હતા. અને પરબ્રહ્મ છતાં હાથમાં દહીંભાતનો  કોળીયો ધરી રહ્યા હતા. આવા ભગવાનને જોઇ બ્રહ્મા તરત પોતાના વાહન પરથી ઉતરી પડયા, અને દંડવત્ કરવા લાગ્યા, ચાર મુકુટોની અણીઓથી ભગવાનના  બે ચરણારવિંદનો સ્પર્શ કર્યો અને પ્રણામ કરીને આનંદના આંસુરૂપ જળથી અભિષેક કર્યો.૬૧-૬૨

પૂર્વે જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ આવતાં ઉઠી ઉઠીને ઘણીવાર સુધી ભગવાનના ચરણમાં દંડવત્ કર્યાં.૬૩

પછી ધીરેથી ઉઠી આંખઓ લુઇ નાખી, ભગવાનને જોઇ ધ્રુજતા, હાથ જોડી ઉભેલા, સાવધાન અને વિનયવાળા બ્રહ્મા પોતાની ડોક નમાવીને ગદ્ગદ્વાણીથી સ્તુતિ કરવા લાગ્યા.૬૪

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો તેરમો અધ્યાય સંપૂર્ણ.