પરીક્ષિત રાજા કહે છે- આપે ચંદ્રવંશ તથા સૂર્યવંશનો વિસ્તાર કહ્યો અને તે બન્ને વંશમાંઉત્પન્ન થયેલા રાજાઓનું પરમ અદ્ભુત ચરિત્ર પણ કહ્યું.૧
હે મુનિવર ! સ્વધર્મ પાળનારા યદુરાજાનો વંશ તો ઘણા વિસ્તારથી કહ્યો. હવે એ વંશમાં બલરામની સાથે અવતરેલા વિષ્ણુનાં પરાક્રમો અમને કહો.૨
જગતનું પાલન કરનાર વિશ્વાત્મા ભગવાને યદુના વંશમાં અવતરીને જે પરાક્રમો કર્યં છે તે વિસ્તારથી અમોને કહો.૩
મુક્ત, મુમુક્ષુ અને વિષયી એમ ત્રણ પ્રકારના લોકો આ જગતમાં છે, તેઓમાંથી કોઇને પણ ભગવાનની કથામાં તૃપ્તિ થતી નથી. કેમ કે તૃષ્ણા વગરના મુક્ત પુરૂષો તેને ગાયા કરે છે. એ કથા સંસારના ઔષધ રૂપ છે, તેથી મુમુક્ષુ લોકોને પણ સંસારમાંથી છૂટવાનો એજ ઉપાય છે. કાન અને મનને પ્રિય લાગનાર હોવાથી વિષયી પુરૂષોને પણ સર્વોત્તમ વિષય એ જ છે. માટે પશુની સમાન વૃત્તિવાળા કેવળ મૂર્ખ પુરૂષ વિના બીજો કયો પુરુષ ભગવાનની કથામાંથી વિરામ પામે? ન જ પામે.૪
અમારે તો ભગવાનની કથા નિરંતર સાંભળવી જ જોઇએ; કેમ કે અમારા કુળના દૈવતરૂપ તો શ્રીકૃષ્ણ જ હતા. યુધ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મદેવજી આદિ અતિરથીઓરૂપી મોટા મત્સ્યોને લીધે જેને કોઇનાથી પણ તરી શકાય નહિ એવા કૌરવોના સૈન્યરૂપી મહાસાગરને મારા દાદા પાંડવો, ભગવાનરૂપી વહાણના આશ્રયથી વાછડાના પગના ખાબોચિયા જેવો ગણી તરી ગયા હતા.૫
અમારે તો ભગવાનની કથા નિરંતર સાંભળવી જ જોઇએ; કેમ કે અમારા કુળના દૈવતરૂપ તો શ્રીકૃષ્ણ જ હતા. યુધ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મદેવજી આદિ અતિરથીઓરૂપી મોટા મત્સ્યોને લીધે જેને કોઇનાથી પણ તરી શકાય નહિ એવા કૌરવોના સૈન્યરૂપી મહાસાગરને મારા દાદા પાંડવો, ભગવાનરૂપી વહાણના આશ્રયથી વાછડાના પગના ખાબોચિયા જેવો ગણી તરી ગયા હતા.૫ ભગવાને કેવળ પાંડવોની રક્ષા કરી હતી એમ નથી, પણ આ મારા શરીરની પણ એમણે જ રક્ષા કરી છે. કૌરવો અને પાંડવોના વંશના બીજરૂપ આ મારૂં શરીર, કે જે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જતું હતું, તેને પણ ભગવાને પોતાને શરણે આવેલી મારી માતાના ઉદરમાં પ્રવેશીને સુદર્શન ચક્રદ્વારા રક્ષણ કર્યું છે.૬
હે વિદ્વાન ! સમગ્ર પ્રાણીઓની અંદર પુરૂષરૂપે સ્થિત કાર્યને કરનારા, અને બહાર કાળરૂપે વિનાશને કરનારા, અને પોતાના સંકલ્પથીજ મનુષ્યભાવનું અનુકરણ કરનારા એવા શ્રીકૃષ્ણનાં પરાક્રમ કહો.૭
શેષનાગના અવતારરૂપ બલરામને એકવાર આપે રોહિણીના પુત્ર કહ્યા અને બીજીવાર દેવકીના પુત્ર કહ્યા તો બીજા દેહ વિના તેમને દેવકીના ગર્ભનો સંબંધ શાથી થયો ?૮
ભગવાનને કંસની બીક લાગવી તો સંભવે જ નહીં, છતાં તે પોતાના પિતાનું ઘર છોડીને વ્રજમાં શા માટે પધાર્યા ? ભક્તોના રક્ષક ભગવાને પોતાની જ્ઞાતિઓની
સાથે કયા સ્થળમાં નિવાસ કર્યો હતો ?૯
ભગવાને વ્રજમાં રહીને તથા મથુરામાં રહીને શી શી લીલા કરી ? અને પોતાની માનો ભાઇ કંસ, કે જેને મારવો ન જોઇએ છતાં તેને પોતાને હાથે શા માટે માર્યો ?૧૦
મનુષ્યનો દેહ ધરીને યાદવોની સાથે મથુરામાં કેટલાં વર્ષ સુધી રહ્યા હતા, અને તે ભગવાનને કેટલી સ્ત્રીઓ હતી ?૧૧
હે સર્વજ્ઞા મુનિ ! આ અને આ ઉપરાંત પણ જે કોઇ ભગવાનનું ચરિત્ર હોય તે સઘળું મને કહેવા માટે યોગ્ય છો; કેમકે એ વિષયમાં મને શ્રદ્ધા છે.૧૨
મેં જો કે અન્ન અને જળ છોડી દીધેલાં છે, તો પણ તમારા મુખારવિંદમાંથી નીકળતું ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરૂં છું, તેથી બીજાઓથી સહન ન કરી શકાય એવાં ભૂખ અને તરસ મને બાધ પમાડી શકતા નથી.૧૩
સૂત શૌનકને કહે છે- હે શૌનક મુનિ ! વૈષ્ણવોમાં મુખ્ય શુકદેવજી આ પ્રમાણે ઉત્તમ પ્રશ્ન સાંભળી, પરીક્ષિત રાજાની પ્રશંસા કરીને કળિયુગના દોષોને દૂર કરનારું ભગવાનનું ચરિત્ર કહેવા લાગ્યા.૧૪
શુકદેવજી કહે છે- હે ઉત્તમ રાજર્ષિ ! તમારો નિશ્ચય બહુ જ સારો છે, કે જેથી ભગવાનની કથામાં તમારી બુદ્ધિને નિષ્ઠા થઇ છે.૧૫
ગંગાજળ જેમ ત્રણે લોકને પવિત્ર કરે છે તેમ ભગવાનની કથા સંબંધી પ્રશ્ન પણ કહેનાર, પૂછનાર અને સાંભળનાર એ ત્રણેને પવિત્ર કરે છે.૧૬
ગર્વવાળા રાજાઓ કે જેઓ વાસ્તવિક રીતે દૈત્યો જ હતા, તેઓનાં ઘણાં ઘણાં સૈન્યોના મોટા ભારથી દબાએલી પૃથ્વી ગાયનુંરૂપ ધરીને બ્રહ્માને શરણે ગઇ. ખેદ પામેલી, દયા ઉપજે એવી રીતે ચીસો નાખતી અને આંખનાં આંસુ જેના મોઢામાં ભરાયાં હતાં, એવી પૃથ્વીએ બ્રહ્માની પાસે ઉભી રહીને તેમની પાસે પોતાનાં દુઃખનું નિવેદન કર્યું.૧૭-૧૮
બ્રહ્મા પૃથ્વીનું દુઃખ સાંભળીને પૃથ્વી, દેવતાઓ અને મહાદેવને સાથે લઇ ક્ષીરસાગરને કાંઠે ગયા.૧૯
ત્યાં જઇને સમાધિ કરીને જગતના નાથ, દેવના દેવ અને મનોરથોને પરિપૂર્ણ કરનાર વિષ્ણુની પુરૂષસૂક્તના મંત્રોથી સ્તુતિ કરતાં સમાધિમાં જ ભગવાને જે આકાશવાણી કહી, તે સાંભળીને બ્રહ્માએ દેવતાઓને કહ્યું કે- હે દેવતાઓ ! મારી પાસેથી ભગવાનનાં વચન સાંભળો અને પછી તે પ્રમાણેજ કરો. વિલંબ કરશો નહીં.૨૦-૨૧
આપણી વિજ્ઞાપ્તિથી પહેલાં જ ભગવાને પૃથ્વીના દુઃખને ધ્યાનમાં લીધું છે, માટે ઇશ્વરોના પણ ઇશ્વર એવા ભગવાન પોતાની કાળશક્તિથી પૃથ્વીનો ભાર ઉતારવા પૃથ્વીમાં અવતાર ધરશે, તેટલામાં તમો પણ પોતપોતાના અંશોથી યાદવોમાં અવતાર ગ્રહણ કરો.૨૨
સાક્ષાત્ પૂર્ણપુરૂષોત્તમ ભગવાન વસુદેવના ઘરમાં અવતરશે, તેમને પ્રસન્ન કરવા સારૂં દેવોની પત્નિઓ પણ અવતાર ગ્રહણ કરો.૨૩
સહસ્ર મુખવાળા, સ્વયંપ્રકાશ, અનંત અને ભગવાનના અંશરૂપ શેષનાગ, ભગવાનનું પ્રિય કરવા સારૂં પ્રથમ અવતાર ધરશે.૨૪
વિષ્ણુની માયા કે જેણે સઘળા જગતને મોહ ઉપજાવેલો છે, તે પણ પ્રભુની આજ્ઞાથી દેવકીના ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપન કરવારૂપ કાર્યને માટે ભગવાને આપેલા ઐશ્વર્યથી યુક્ત થઇને યશોદાથકી જન્મ ધારણ કરશે.૨૫
શુકદેવજી કહે છે- પ્રજાપતિઓના પતિ બ્રહ્મા આ પ્રમાણે દેવતાઓને આજ્ઞા કરી અને વચનથી પૃથ્વીને આશ્વાસન આપી, પોતાના સર્વોત્તમ બ્રહ્મલોકમાં ગયા.૨૬
પૂર્વે યાદવોના અધિપતિ શૂરસેન રાજા મથુરા નગરીમાં રહીને મથુરા અને શૂરસેન નામના દેશને ભોગવતા હતા, ત્યાંથી માંડી મથુરા નગરી સઘળા યાદવવંશી રાજાઓની રાજધાની થઇ હતી, કે જે મથુરામાં ભગવાન નિરંતર રહેલા છે.૨૭-૨૮
શૂરના પુત્ર વસુદેવ એક દિવસે એ નગરીમાં પરણીને નવી પરણેલી સ્ત્રી દેવકીની સાથે પોતાને ઘેર જવાને સારું રથમાં બેઠા, તે સમયે ઉગ્રસેન રાજાના કંસે પોતાની બહેન દેવકીને રાજી કરવા સારું ઘોડાની રાશ ઝાલી હતી, (હાંકવા બેઠો હતો.) અને તેની સાથે બીજા સેંકડો સોનાના રથ હતા.૨૯-૩૦
દીકરી પર પ્રીતિ રાખનાર ઉગ્રસેનના મોટાભાઇ દેવકે પોતાની દીકરી દેવકીને તેના પ્રયાણ સમયમાં સોનાની માળાવાળા ચારસો હાથી, પંદરસો ઘોડા, અઢારસો
રથ અને સુંદર શણગારેલી બસો દાસીઓ આપી હતી.૩૧-૩૨
વરવહુના પ્રયાણ સમયમાં અતિ મંગળ રૂપ શંખ, તુર્ય, મૃદંગ અને દુંદુભિઓ એક સાથે વાગતાં હતાં.૩૩
માર્ગમાં રથને હાંક્યા જતા કંસને ''હે કંસ !'' એમ બોલાવીને આકાશવાણીએ કહ્યું કે- ''હે મૂર્ખ ! જે દેવકીને તું ઘેર વળાવવા જાય છે તેનો આઠમો ગર્ભ તને રશે''૩૪
એ વાણી સાંભળી તે ખળ, પાપી અને ભોજના કુળને લાંછનરૂપ એવા કંસે, બહેનને મારી નાખવા સારું તલવાર લઇને ચોટલો પકડયો.૩૫
આવું ભૂંડું કામ કરવા તૈયાર થયેલા ક્રુર અને નિર્લજ્જ કંસને શાંત પાડવા સારું સ્તુતિથી, યુક્તિઓથી અને દયા ઉપજે એવી રીતે ભાગ્યશાળી વસુદેવ કહેવા લાગ્યા. ૩૬
વસુદેવ કહે છે- હે કંસ ! શૂર પુરૂષોએ વખાણવા યોગ્ય ગુણવાળો અને ભોજ કુળની કીર્તિ વધારનારો તું ઉઠીને વિવાહના ઉત્સવમાં આ સ્ત્રી જાતિ અને વળી બહેનને મારી નાખવા શા માટે વિચારે છે ?૩૭
મરણની બીકથી મારતો હોય તો મરણ કોઇનું ટાળ્યું ટળતું નથી; કેમકે પ્રાણીઓનું દેહની સાથે મરણ સરજાઇ ચૂક્યું છે. અને વધારે સમય જીવવા સારૂં એટલે પોતાના મરણમાં વિલંબ પાડવા સારું મારતો હોય તો મરણ તો આજ અથવા સો વર્ષે પ્રાણીઓને અવશ્ય થનાર જ છે, તેમાં માત્ર વિલંબ નાખવા સારું પાપ કરવું યોગ્ય નથી.૩૮
આ દેહ ભોગ અને પ્રેમ વગેરેનું સ્થાનક છે તે પડી ગયા પછી જો બીજો દેહ ન આવતો હોય તો પાપ કરીને પણ દેહનું રક્ષણ કરવું ઘટે, પરંતુ તેમ નથી, કેમકે પરવશ પ્રાણી મરણ સમયે વગર યત્ને જ પ્રથમથી બીજા દેહને પામી, પછીથી પૂર્વદેહનો ત્યાગ કરે છે.૩૯
જેમ ચાલ્યો જતો માણસ ધરતી ઉપર એક પ્રથમ મૂકેલા પગથી દેહને ટેકાવીને પછીથી બીજો પગ ઉપાડે છે, અને જેમ ખડમાંકડી બીજા ખડને પકડીને પછી પ્રથમનું ખડ છોડી દે છે, તેમ કર્મ માર્ગમાં ચાલ્યો જતો જીવ પણ બીજા દેહને પામ્યા પછી પહેલા દેહને છોડી દે છે.૪૦
દેખેલા (રાજાદિક) અને સાંભળેલા (ઇન્દ્રાદિક) દેહના જેમાં સંસ્કાર લાગેલા છે એવા મનથી તે જ રાજાદિકના દેહનું ચિંતવન કરતો પુરૂષ, સ્વપ્નમાં તેવા જ પ્રકારના દેહને દેખે છે, પછી થોડીવારમાં એ જ રાજાદિકના દેહને ''હું છું'' કરી માને છે અને પછી જાગ્રતના દેહની સ્મૃતિ ભૂલી જાય છે, અને એવી જ રીતના મનથી તેવા જ દેહના મનોરથ કરતો પુરૂષ, જાગ્રતમાં પણ એ જ કોઇ પ્રકારના દેહને દેખે છે, પછી થોડીવારમાં એ જ દેહને ''હું છું'' કરી માને છે અને પછી પોતાના દેહની સ્મૃતિ ભૂલી જાય છે, તે જ પ્રમાણે મૃત્યુ સમયે પણ કર્મને લીધે બીજા દેહને પામીને પૂર્વ દેહનો ત્યાગ કરે છે.૪૧
મૃત્યુ સમયે અંતર્યામી પરમાત્મા દ્વારા કર્માત્મક વાસનાને અનુસારે પ્રેરાયેલું મન, પંચભૂતાત્મક દેવ, મનુષ્ય, પશુ, પક્ષી એ આદિક દેહોને મધ્યે જે જે દેહોનું સ્મરણ કરે છે, અને સ્મરણ કરતાં જે જે દેહને પામે છે, તે તે દેહને વિષે વાસનાત્મક મનની સાથે જીવ પણ જાય છે. આ રીતે વાસનાત્મક મનની સાથે જે જવું એ જ જીવની ઉત્પત્તિ છે.૪૨
જેમ જળને વિષે તથા તેલ, ઘી આદિક પદાર્થને વિષે સૂર્ય તથા ચંદ્રના બિંબો, પ્રતિબિંબ રૂપે દેખાય છે. એ પ્રતિબિંબ કંપનથી રહિત હોય છે, છતાં વાયુના કંપનને લીધે કંપાયમાન જણાય છે. એ જ રીતે જીવ સ્વભાવસિદ્ધ દેવ, મનુષ્ય તથા રાજાદિકની ઉપાધિથી રહિત છે, છતાં એ જીવ વાસનાને લીધે હું દેવ છું, મનુષ્ય છું, અને રાજા છું, આવા વિવિધ પ્રકારના મોહને પામે છે. વાસ્તવિક્તાએ દેહ થકી આત્મા પૃથક્ છે. મૃત્યુ તો દેહનું જ થાય છે, પરંતુ આત્માનું મૃત્યુ થતું નથી, આત્મા તો અમર છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી આત્મતત્ત્વને જાણનારા પુરૂષે, જો પોતાના કલ્યાણની ઇચ્છા હોય તો કોઇનો પણ દ્રોહ ન કરવો જોઇએ. કેમકે દ્રોહ કરનારને જ સામા પ્રાણીથી અને યમથી પણ ભય ઉત્પન્ન થાય છે.૪૩-૪૪
આ બિચારી તારી નાની બેન, બાળક અને ભલી દેવકી જે લાકડાની પૂતળીની પેઠે પરતંત્ર છે તેને તારે મારવી જોઇએ નહિ.૪૫
શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે સુદેવે સામથી અને ભેદથી કંસને સમજાવવા માંડયો, તોપણ રાક્ષસોને અનુસરેલો ક્રુર કંસ દેવકીને મારવાથી અટક્યો નહીં.૪૬
દેવકીને મારી નાખવાનો કંસનો આગ્રહ જાણી, વિચાર કરીને વસુદેવે મોતને અટકાવવા સારું પોતાના મનમાં આ પ્રમાણે નિશ્ચય કર્યો.૪૭
બુદ્ધિમાન માણસે બુદ્ધિ પહોંચે ત્યાં સુધી મોતને અટકાવવું જોઇએ, અને એમ કરતાં ન અટકે તો તેમાં માણસનો અપરાધ કહેવાતો નથી.૪૮
એટલા માટે દેવકીને જે દિકરા આવે તે કંસને આપવાનો ઠરાવ કરીને અત્યારે તો આ રાંક સ્ત્રીને છોડાવું. દેવકીને દીકરા આવ્યા પછી જે ભાવી હશે તે થશે, પણ હાલ તુરત તો આને જીવતી રાખવી જોઇએ. અને તેટલા સમયમાં જો કંસ જ મરી જાય તો પછી કશી પીડા નથી.૪૯
સમય પર દીકરા આવે અને કંસ ન મર્યો હોય તો મારા પુત્રો તેને આપી દઇશ, અને કદાચ મારા પુત્રથી જ કંસનું મરણ થાય એમ વિપરીત પણ શા માટે ન બને ? કેમકે આનો આઠમો ગર્ભ તને મારશે, એમ કહેનારા ઇશ્વરની વાણી જાણવી મુશ્કેલ છે, કારણ કે ઘણી વખત સમીપે આવેલું મૃત્યુ પણ દૂર ચાલ્યું જાય છે. અને દૂર ચાલ્યું ગયેલું મૃત્યુ પણ સમીપમાં આવી જાય છે. જેમ વનમાં વૃક્ષોને અને ગામમાં ઘરોને બાળતો અગ્નિ, સમીપમાં હોય તેઓને છોડી દઇને સમય પર દૂર હોય તેઓને પણ બાળી નાખે છે. એમાં ભગવાનની ઇચ્છા સિવાય બીજું કોઇ પણ કારણ નથી, તેમ પ્રાણીઓના મૃત્યુમાં પણ ઇશ્વરની ઇચ્છા એ જ કારણ છે. અને ઇશ્વરની ઇચ્છા શું હોઇ શકે, એ આપણી બુદ્ધિથી કળવું કઠીન છે. ૫૦-૫૧
આ પ્રમાણે પોતાની બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વિચાર કરીને વસુદેવે ઘણા માનથી તે પાપી કંસનો સત્કાર કર્યો.૫૨
પછી મનમાં ખેદ પામવા છતાં કંસને વિશ્વાસ બેસાડવા સારું વસુદેવે પોતાનું મુખ પ્રફુલ્લિત રાખીને હસતાં હસતાં એ નિર્લજ્જ અને ક્રુર કંસને આ પ્રમાણે કહ્યું.૫૩
વસુદેવ કહે છે- હે ભલા કંસ ! જે બીક આકાશવાણીએ દેખાડી છે તે બીક તારે રાખવી જ નહીં; કેમકે આ દેવકીના જે પુત્રો થકી તને ભય ઉત્પન્ન થયેલો છે તે પુત્રો હું તને અર્પણ કરી દઇશ.૫૪
શુકદેવજી કહે છે- વસુદેવના વચનનો સાર જાણીને કંસ બહેનને મારવાથી અટકયો, અને વસુદેવ પણ રાજી થઇ કંસના વખાણ કરી પોતાને ઘેર ગયા.૫૫
પછી પ્રસવનો સમય આવતાં ભગવાનની ભક્તિ કરનારી દેવકીએ આઠ દીકરા અને એક દીકરીને એક એક વર્ષને અંતરે જન્મ આપ્યા.૫૬
પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા ઇચ્છતા વસુદેવે પ્રથમ ઉત્પન્ન થયેલા કીર્તિમાન નામના દીકરાને મનમાં ખેદ પામવા છતાં પણ કંસને આપ્યો. ૫૭
પોતાનું વચન પાળનારા પુરૂષોથી સહન ન કરી શકાય એવું કાંઇ પણ હોતું નથી. તેથી વસુદેવે પુત્રને મૃત્યુના હાથમાં સોંપ્યો. એક ભગવાન વિના બીજું કાંઇ સાચું નથી, એમ જાણનારાઓને કશી વાતની અપેક્ષા રહેતી નથી, તેથી વસુદેવે પુત્રને રમાડવાના સુખની અપેક્ષા છોડી દીધી. હું પોતે દીકરાને લઇ જઇશ તો કંસ છોડી દેશે એવું વસુદેવના મનમાં હતું જ નહીં; કેમકે નીચ પુરૂષોથી ન થઇ શકે એવું કશું પણ હોતું નથી. જેઓએ પોતાનું ચિત્ત ભગવાનમાં રાખ્યું હોય તેઓ જેને ન છોડી શકે એવું પણ કશું હોતું નથી, તેથી દેવકીએ પણ પુત્રને મૂકી દીધો.૫૮
હે રાજા ! વસુદેવની એ સમતા અને સત્યમાં સ્થિતિ જોઇને રાજી થયેલો કંસ હસીને બોલ્યો કે- 'આ છોકરાને પાછો લઇ જાઓ; કેમકે આના થકી મને બીક નથી. તમારા આઠમા ગર્ભથી જ મારું મૃત્યુ ઠરેલ છે, માટે આઠમો પુત્ર આવે ત્યારે તે મને સોંપવો.૫૯-૬૦
વસુદેવ 'ઠીક' એમ કહી દીકરાને લઇને પાછા પોતાને ઘેર ગયા, પણ કંસનાં તેવાં વચનનો તે વસુદેવે સત્કાર કર્યો નહીં; કેમકે કંસ દુષ્ટ છે અને તેનું મન તેના પોતાના હાથમાં નથી.૬૧
આ પ્રમાણે કંસની શાંતિ દેવતાઓના કાર્યને અનૂકુળ નથી એમ જાણી, નારદજી આવીને કંસને કહ્યું કે- ''ગોપકુળમાં વ્રજવાસી નંદાદિક ગોવાળીયા અને તેઓની સ્ત્રીઓ તથા યદુકુળમાં વસુદેવ આદિ યાદવો, તેઓની દેવકી આદિ સ્ત્રીઓ, જ્ઞાતિઓ, સ્નેહી થઇને તને અનુસરી રહ્યા છે, એ બધા પણ દેવતારૂપ છે અને દેવતાઓએ
પૃથ્વીને ભારરૂપ લાગતા દૈત્યોનો નાશ કરવાને ઉદ્યમ કર્યો છે.૬૨-૬૪
એટલું કહીને નારદજી ચાલ્યા ગયા. પછી યાદવોને દેવતારૂપ માની અને પોતાને મારવા સારું દેવકીના ગર્ભમાંથી વિષ્ણુ જન્મશે એમ ધારી, કંસે દેવકી અને વસુદેવના પગમાં બેડી નાખી અને વિષ્ણુની શંકાથી દેવકીના જેટલા પુત્રો જન્મ્યા, એ બધા પુત્રોને મારી નાખ્યા.૬૫-૬૬
પૃથ્વીમાં પોતાની ઇંદ્રિયોને તૃપ્ત કરનારા લોભી રાજાઓ ઘણું કરીને મા, બાપ, ભાઇઓ અને સઘળાં સંબંધીઓને પણ મારી નાખે છે.૬૭
હું પૂર્વ જન્મમાં કાળનેમિ નામે મોટો દૈત્ય હતો અને તે જન્મમાં વિષ્ણુએ મારી નાખવાથી પાછો અહીં જન્મ્યો છું'' એમ કંસ જાણતો હતો, તેથી તેણે યાદવોની સાથે વિરોધ કર્યો.૬૮
યદુ, ભોજ અને અંધક કુળના અધિપતિ પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી, મોટા બળવાળો કંસ પોતે શૂરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો.૬૯
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પહેલો અધ્યાય સંપૂર્ણ.