ધર્મનું મહત્વ

धरति इति धर्मः વિશ્વને ધારણ કરે તેને કહેવાય ધર્મ. કોઇ પણ રૂપે ધર્મ વિશ્વને ધારણ કરે છે. મનુષ્યોને સદાચારના રૂપમાં ધર્મ ધારણ કરે છે. જો મનુષ્યોની અંદર અહિંસાદિક સદાચાર ન હોય તો મનુષ્યો હિંસા, ચોરી, લુંટ, ફાટ ઇત્યાદિકે કરીને છિન્ન ભિન્ન થઇ જાય, માટે અહિંસાદિક સદાચાર રૂપે ધર્મ મનુષ્યોને હમેશાં ધારણ કરી રહ્યો છે.

કોઇપણ નાની મોટી સંસ્થાઓ હોય તેને ધર્મ સંસ્થાકીય બંધારણરૂપે ધારણ કરે છે. કોઇપણ સંસ્થાનાં જો સંસ્થાકીય બંધારણો ન હોય, તો એ સંસ્થાના સંચાલકો ઉચ્છૃંખલ બની જાય, અને સંસ્થા વ્યવસ્થિત ચાલી શકે નહિ. અને વળી આ રાષ્ટ્રો છે તેના પણ કાયદા હોય છે. અર્થાત્ રાજકીય બંધારણો હોય છે. તો ધર્મ એ કાયદારૂપે રાષ્ટ્રોને ધારણ કરે છે. જો રાષ્ટ્રોના કાયદા ન હોય તો પ્રજા અને પ્રધાનો ઉચ્શૃંખલ બની જાય, અને ચોરી, હિંસા, અનાચાર, બળાત્કાર ઇત્યાદિકે કરીને દેશની સર્વે પ્રજા છિન્ન ભિન્ન થઇ જાય. આ રીતે કોઇને કોઇ રૂપમાં ધર્મ સંપૂર્ણ વિશ્વને ધારણ કરે છે.

અને વળી ધર્મ મનુષ્યને સાચા અર્થમાં માનવ બનતાં શીખવાડે છે. ધર્મ મનુષ્યોમાં પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરે છે. કારણ કે ધર્મનિષ્ઠ મનુષ્યનો બધા વિશ્વાસ કરે છે, પણ અધર્મીનો કોઇપણ વિશ્વાસ કરતું નથી. ધર્મ મનુષ્યને વિવેકી અને સંયમી બનાવે છે. ધર્મ વિના તો કોઇપણ સાધનોની કે મંત્રોની સિદ્ધિ થતી નથી. માટે જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર ભગવાનને પામવાનાં મુખ્ય સાધનો પ્રતિપાદન કરેલાં છે. તેમાં ધર્મને પ્રાથમિક સ્થાન પ્રાપ્ત થયેલું છે.

અનુજ્ઞા અને આદેશ.
 આજ્ઞાઓ બે પ્રકારની હોય છે- એક અનુજ્ઞા અને બીજો આદેશ. તેમાં અનુજ્ઞા વૈકલ્પિક હોય છે. જેમ કે- એકાદશીને દિવસે ઉપવાસ કરવો એ અનુજ્ઞા છે, એમાં વિકલ્પ રહ્યો છે કે જો ઉપવાસ ન થઇ શકે તો ફળાહાર કરી લેવું. અને ગમે તેમ હોય તો પણ એકાદશીનું વ્રત તો કોઇ પણ રીતે કરવું જ, એ આદેશ છે. આદેશમાં બાંધ છોડ હોતી નથી, પણ અનુજ્ઞામાં બાંધછોડ હોય છે.


 આ શિક્ષાપત્રી ગ્રંથ એક આદેશ ગ્રંથ છે. આ શિક્ષાપત્રીમાં રહેલા તમામ આદેશો શિરોમાન્ય અને અવશ્ય સ્વીકાર્ય છે. કેટલાક લોકો સંકુચિત બુદ્ધિથી પ્રેરાઇને એવું કહેતા હોય છે કે, શ્રીજીમહારાજે રાધાકૃષ્ણાદિક દેવોની મૂર્તિઓ પધરાવેલી છે, એ તો પરોક્ષના જનોને આ સંપ્રદાયમાં ખેંચવા માટે પધરાવેલી છે. માટે એ આપણા માટે ઉપાસ્ય નથી. આ રીતે આ શિક્ષાપત્રીરૂપી આદેશ ગ્રંથની અંદર બાંધછોડ કરતા હોય છે. પણ આ આદેશ ગ્રંથની અંદર કોઇપણ જાતની બાંધછોડ થઇ શકે નહિ. અને વળી કેટલાક લોકો એવું કહેતા હોય છે કે, શ્રીમદ્ભાગવતાદિક આઠ સચ્છાસ્ત્રો શ્રીજીમહારાજને ઇષ્ટ છે, પણ શિરોમાન્ય નથી. આ રીતની બાંધ છોડ આ શિક્ષાપત્રી ગ્રંથની અંદર થતી હોય છે. પણ આપત્કાળ સિવાય આ ગ્રંથની અંદર કોઇપણ જાતની બાંધછોડ આપવામાં આવી નથી. અને જો કરે છે તો આ ગ્રંથનો અનાદર છે. જેમ ન્યાયાલયનો આદેશ શિરોમાન્ય અને અવશ્ય સ્વીકાર્ય હોય છે, છતાં જો કોઇ એ આદેશનો અનાદર કરે તો એમને રાજકીય દંડ આપવામાં આવે છે. તેમ આ શિક્ષાપત્રીના આદેશનો કોઇ પણ પુરૂષ અનાદર કરે છે, તો તેને અવશ્ય પારમેશ્વરી દંડ મળે જ છે. કદાચ રાજકીય દંડથી પુરૂષ પોતાની બુદ્ધિના બળે છટકી શકે છે. પણ પારમેશ્વરી દંડથી કોઇ પણ પુરૂષો પોતાની બુદ્ધિના બળે ક્યારેય પણ છટકી શકતા નથી. કારણ કે પરમાત્મા તો હૃદયમાં બેસીને પ્રાણીમાત્રની બુદ્ધિને પકડી રાખે છે.