ગ્રંથનું ગૌરવ

જેમ ભગવદ્ગીતા સર્વે વેદો તથા વેદાન્તોના એક સારરૂપ છે, તેમ આ શિક્ષાપત્રી ગ્રંથ, સર્વે ધર્મશાસ્ત્રોના એક સારરૂપ છે. જેમ મધમાખી અનેક પુષ્પોમાંથી સાર ગ્રહણ કરીને એકત્રિત કરે છે, તેમ શ્રીજીમહારાજે અનેક ધર્મશાસ્ત્રોરૂપી પુષ્પોમાંથી સાર ગ્રહણ કરીને આ શિક્ષાપત્રીમાં એકત્રિત કરેલો છે.

શ્રીજી મહારાજે વિચાર કર્યો કે- કળીયુગમાં મનુષ્યની આયુષ્ય બહુજ ટુંકી હોય છે. અને તેમાં પણ સંસાર સંબંધી વ્યવહારિક કાર્યોમાં અને નિદ્રામાંજ આયુષ્યનો મોટો ભાગ વ્યતીત થતો હોય છે. અને વળી કળીયુગમાં મનુષ્યોની સારગ્રાહી બુદ્ધિ પણ હોતી નથી, તેથી મનુષ્ય સર્વે ધર્મશાસ્ત્રોનું મંથન કરીને જાતે ધર્મ અને અધર્મનો નિર્ણય કરી શકશે નહિ. આ રીતે વિચારીને શ્રીજીમહારાજે પોતે જ સર્વ જીવોના કલ્યાણને માટે સર્વે ધર્મશાસ્ત્રોનો સાર ગ્રહણ કરીને પોતાના આશ્રિત ભક્તજનોને એ સાર, શિક્ષાપત્રી રૂપે સમર્પિત કરેલો છે.

શ્રુતિ જેમ જગત જનની કહેવાય છે, અર્થાત્ શ્રુતિ જેમ માતાની પેઠે હમેશાં જગતનું હિત જ કહે છે, અહિત તો ક્યારેય પણ કહેતી નથી. તેમ આ શિક્ષાપત્રી પણ સર્વ જીવપ્રાણીમાત્રની માતા છે. માતા જેમ પોતાના બાળકને નાની મોટી સર્વે ક્રિયાઓ શીખવાડે છે, તેમ આ શિક્ષાપત્રી સર્વે સત્સંગીઓને ક્યારે ઉઠવું, કેવી રીતે દાતણ કરવું, કેવી રીતે મળમૂત્રનો ત્યાગ કરવો, કેવી રીતે સ્નાન કરવું, ઇત્યાદિક તમામ નાની મોટી ક્રિયાઓ શીખવાડે છે. અને માતાની પેઠે હમેશાં જગતનું હિત જ કહેનારી છે. એજ કારણથી આ શિક્ષાપત્રીને (सर्वजीवहितावहः) સર્વ જીવોનું હિતકરનારી કહેલી છે.

અને વળી જેમ વેદોનો ભગવાનના મુખ થકી આવિર્ભાવ થયો છે, તેમ આ શિક્ષાપત્રીનો પણ ભગવાન દ્વારા જ આવિર્ભાવ થયો છે. અને વળી ભગવાને પોતે જ કહેલું છે કે- આ મારી વાણી એ મારૂં જ સ્વરૂપ છે. માટે વેદસ્વરૂપ આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાનનું સાક્ષાત્ મૂર્તિમાન સ્વરૂપ છે. અને આ શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકની અંદર સમગ્ર ધર્મશાસ્ત્રોના રહસ્યનો સમાવેશ કરેલો છે. માટે આ શિક્ષાપત્રી સર્વોપરી અને સર્વોત્તમ ગ્રંથ છે.