युक्ताय सम्पदा दैव्या दातव्येयं तु पत्रिका । आसुर्या सम्पदाढयाय पुंसे देया न कर्हिचित् ।।२१०।।
અને આ અમારી શિક્ષાપત્રી જે દૈવી સંપત્તિથી યુક્ત પુરુષો હોય, તેને જ આપવી, પણ આસુરી સંપત્તિથી યુક્ત એવા પુરુષને ક્યારેય પણ ન આપવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સમગ્ર ભૂતોની ઉત્પત્તિ પ્રાચીન પુણ્ય અને પાપરૂપ કર્મને આધારે બે પ્રકારની થાય છે. તેમાં એક તો પ્રાચીન પુણ્યકર્મને આધારે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે ઉત્પન્ન થાય છે, અને બીજો પ્રાચીન પાપકર્મને આધારે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવા માટે ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પત્તિ સમયે જ બે વિભાગથી ઉત્પન્ન થાય છે. તેમાં પૂણ્યકર્મને આધારે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા જે ઉત્પન્ન થાય છે, એ જીવો અભય, અહિંસાદિક દૈવી સંપત્તિથી યુક્ત હોય છે, અને પાપકર્મને આધારે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવા માટે જે જીવો ઉત્પન્ન થાય છે, એ જીવો દંભ, દર્પ, અભિમાનાદિક આસુરી સંપત્તિથી યુક્ત હોય છે. તેમાં દૈવી સંપત્તિથી યુક્ત હોય એ દૈવી જીવો, અને આસુરી સંપત્તિથી યુક્ત હોય એ આસુરી જીવો. માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા ઉત્પન્ન થયેલા દૈવી જીવોને આ શિક્ષાપત્રી આપવી, પણ આસુરી જીવોને આપવી નહિ, આવો અભિપ્રાય છે. ।।૨૧૦।।