दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च । देहे।हन्ता च ममता न कार्या स्वजनादिषु ।।२०२।।
અને વળી બ્રહ્મચારી અને સાધુપુરુષો હોય તેમણે, કોઇનું દૂતપણું કરવું નહિ, તથા ચાડિયાપણું કરવું નહિ. અર્થાત્ દૂતપણું એટલે સંદેશા લઇ જવાનું કામ કરવું નહિ. બીજા કોઇનો સંદેશો પત્રદ્વારા કે સ્વમુખે અન્યત્ર જે પહોંચાડવો તેને દૂતકર્મ કહેવામાં આવે છે. અને વળી ચાડીયાપણું કરવું નહિ. અર્થાત્ બીજાનું રહસ્ય પણ ગુપ્ત રીતે બીજાને પહોંચાડી દેવું તેને ચાડીયાપણું કહેવાય છે. ભાષામાં જેને ચાડીચુગલી કહે છે. એ કરવું નહિ. અને કોઇના ચારચક્ષુ થવું નહિ. ચારચક્ષુ એટલે ચાર નેત્રો, બે પોતાનાં નેત્રો, અને બે બીજાનાં નેત્રો. રાજાઓ પોતાના દેશમાં કે બીજાના દેશમાં ગુપ્ત માણસો રાખીને ગુપ્ત રહસ્યને જાણતા હોય છે. તેથી બે નેત્રો રાજાનાં, અને બે નેત્રો ગુપ્ત પુરુષનાં, આ રીતે રાજા ગુપ્તપુરુષના માધ્યમથી જોતા હોય છે. તેથી રાજાનાં ચારનેત્રો કહેવાય છે. માટે બ્રહ્મચારીઓ અને સાધુપુરુષોએ રાજાનાં નેત્રો બનવું નહિ. અથવા તો કોઇપણ પુરુષનાં નેત્રો બનવું નહિ. અર્થાત્ ગુપ્ત રીતે રહીને બીજા કોઇનું વૃતાંત જાણવું નહિ, આવો અભિપ્રાય છે.
અને વળી આત્મનિષ્ઠાના અભ્યાસથી દેહને વિષે અહંપણાના અભિમાનનો ત્યાગ કરી દેવો. તથા માતા, પિતા, વસ્ત્ર, પાત્ર, ઇત્યાદિક દેહસંબન્ધી વસ્તુઓમાં ''આ બધાં મારાં છે'' આવી મમતાનો ત્યાગ કરી દેવો. કારણ કે માતા, પિતા, વસ્ત્ર, પાત્રાદિકનો કેવળ આ દેહની સાથે જ સંબન્ધ છે, પણ આત્માની સાથે સંબન્ધ નથી. આત્માની સાથેનો જે સંબન્ધ છે એ જ સાચો છે. હું ઇશ્વરનો ભક્ત છું, અને આ માતાપિતાદિક છે, એ પણ ઇશ્વરનાં ભક્ત છે. આ રીતે ભક્ત તરીકેનો જે સંબન્ધ, એ આત્માની સાથેનો સંબન્ધ કહેવાય છે. પણ માતાપિતાદિક તરીકેનો જે સંબન્ધ, એ દેહની સાથેનો સંબન્ધ કહેવાય છે. માટે દેહની સાથેના સંબન્ધનો ત્યાગ કરીને આત્મા સાથેનો સંબન્ધ બાંધવો. દેહને વિષે અહંતા અને દેહના સંબન્ધીઓમાં જે મમતા એ માયાનું કાર્ય કહેલું છે. માયા જ અહંતા અને મમતા કરાવનારી છે. ભાગવતને વિષે તો અહંતા અને મમતાને પશુધર્મ કહેલો છે. न वै ते।जित भक्तानां ममाहमिति माधव । त्वं तवेति च नानाधीः पशूनामिव वैकृता ।। इति ।। આ શ્લોકમાં રાજા યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કહેલું છે કે, હે માધવ ! તમારા ભક્તોની અંદર અહંતા (હું) અને મમતા (મારૂં) તું અને તારૂં આવા પ્રકારની ભેદબુધ્ધિ હોતી નથી, અને આવી ભેદબુધ્ધિ તો પશુનો ધર્મ કહેલો છે, પણ તમારા ભક્ત મનુષ્યનો ધર્મ નથી. આ રીતે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કહેલું છે. એટલાજ માટે શુકદેવજીએ પણ કહેલું છે કે त्वं तु राजन् ! मरिष्येति पशुबुद्धिमिमां जहि ।। इति ।। હે પરીક્ષિત રાજા ! દેહને જ આત્મા માની કરી ''હું મરી જઇશ'' આવી પશુબુદ્ધિનો તમો ત્યાગ કરી દો. આ રીતે દેહને વિષે જે અહંતા તેને પશુબુદ્ધિ કહેલી છે. માટે જે પુરુષ માયાના કાર્યરૂપ અહંતા અને મમતાથી રહિત થયો, એ જ પુરુષ ભગવાનના ધામને પામી શકે છે. અને માયાના કાર્યરૂપ અહંતા અને મમતાથી ઘેરાયેલા પુરુષથી તો ભગવાનનું ધામ ઘણું દૂર છે. અને ભગવાન પણ ઘણા દૂર છે. देहे।हंता भवेद्यावान्ममता दैहिकेषु च । पुंसो।ज्ञास्य भवेत्तावन्नोपशाम्यति संसृतिः ।।इति।। આ શ્લોકની અંદર વસિષ્ઠઋષિએ કહેલું છે કે, જ્યાં સુધી અજ્ઞાની પુરુષને દેહને વિષે અહંતા અને સંબંધીઓમાં મમતા રહેલી છે, ત્યાં સુધી એ પુરુષની જન્મમરણરૂપી સંસૃતિ દૂર થતી નથી. અને તે વિના ભગવાન કે ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થતી નથી. એટલા જ માટે બ્રહ્માએ પણ ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે, ભક્ત જ્યારે નિષ્કપટ ભાવથી ભગવાનનો આશરો સ્વીકારે, અને ભગવાન જ્યારે ભક્ત ઉપર દયા કરે છે, ત્યારે એ ભક્ત દુસ્તર એવી માયાને તરી જાય છે. અર્થાત્ જન્મમરણરૂપી સંસૃતિથી રહિત થાય છે. અને પછી શિયાળીયાને ભક્ષણ કરવા યોગ્ય એવા આ દેહને વિષે અહંબુદ્ધિ અને દેહના સંબંધીઓમાં મમત્વબુદ્ધિ કરતો નથી. આ રીતે ભાગવતમાં વર્ણવેલું છે. માટે બ્રહ્મચારી અને સાધુપુરુષોએ પોતાના દેહમાં અહંતા કરવી નહિ, અને દેહના સંબન્ધીઓમાં તથા દેહસંબન્ધી કોઇપણ વસ્તુઓમાં મમતા કરવી નહિ, આવો અભિપ્રાય છે. ।।૨૦૨।।